શૂટિંગ વખતે સેટ પર હાજર તમામ લોકોએ કડક સિક્યૉરિટી પ્રોટોકૉલનું પાલન કરવું પડશે
સ્મૃતિ ઈરાની
એકતા કપૂરનો સૌથી લોકપ્રિય ટીવી શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે, કારણ કે એની બીજી સીઝન ટૂંક સમયમાં જ ટેલિકાસ્ટ થવાની છે. આ બીજી સીઝનનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્મૃતિ ઈરાનીએ આ સિરિયલથી ટીવીની દુનિયામાં કમબૅક કર્યું છે અને તેમણે શૂટિંગ શરૂ કરી દીધું છે.
રિપોર્ટ પ્રમાણે સ્મૃતિ ઈરાનીને ‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનના સેટ પર Z+ સિક્યૉરિટી આપવામાં આવી છે. સુરક્ષા પ્રોટોકૉલ હેઠળ અમર ઉપાધ્યાય, સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર સિવાયના સેટ પર હાજર તમામ લોકોને તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી રોકવામાં આવશે અને સેટ પર હાજર તમામ લોકોએ કડક સિક્યૉરિટી પ્રોટોકૉલનું પાલન કરવું પડશે. મળતી માહિતી પ્રમાણે સ્મૃતિને આ શૂટિંગ માટે રોજની ૧૪ લાખ રૂપિયા ફી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની પહેલી સીઝન ૨૦૦૦માં શરૂ થઈ હતી અને ૨૦૦૮માં એનો એન્ડ આવ્યો હતો. તુલસી વીરાણી તરીકે સ્મૃતિ ઈરાનીને ઍક્ટિંગને આજે પણ દર્શકો યાદ કરે છે અને તેમણે એના માટે અનેક અવૉર્ડ્સ પણ જીત્યા છે.
સ્મૃતિ ઈરાની ૨૦૦૩માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં હતાં અને ત્યાંથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. ૨૦૧૪થી ૨૦૧૬ સુધી તેઓ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રહ્યાં. આ પછી તેમણે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમ જ કેન્દ્રીય લઘુમતી બાબતોનાં મંત્રીની જવાબદારી નિભાવી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીને જાયન્ટ કિલર બન્યાં હતાં. જોકે ૨૦૨૪ની ચૂંટણીમાં તેઓ અમેઠીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર સામે હારી ગયાં હતાં.
ક્યોંકિ...ની બીજી સીઝનનું કમબૅક ૩ જુલાઈથી?
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ના ફૅન્સ એની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ સીઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય અનુક્રમે તુલસી અને મિહિર વીરાણી તરીકે કમબૅક કરવા માટે તૈયાર છે. એક રિપોર્ટ પ્રમાણે આ શો સ્ટાર પ્લસ પર ૨૦૨૫ની ૩ જુલાઈથી રાતે ૧૦.૩૦ વાગ્યે પ્રીમિયર થશે. આ શો માટે ૩ જુલાઈની તારીખ ખાસ છે, કારણ કે પચીસ વર્ષ પહેલાં ૨૦૦૦માં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’નું પ્રીમિયર પણ આ જ દિવસે થયું હતું અને પ્રસારણનો સમય પણ એ જ હતો.

