એક સમયે જીવનમાં સંગીત અને ઍક્ટિંગમાંથી ઍક્ટિંગને જ કરીઅર તરીકે પસંદ કરનારા સુમિત રાઘવને નાનપણમાં સંગીતની ટ્રેઇનિંગ લીધી હતી
પત્ની ચિન્મયી સુર્વે અને બે બાળકો નીરદ અને દિયા સાથે સુમિત રાઘવન.
એક સમયે જીવનમાં સંગીત અને ઍક્ટિંગમાંથી ઍક્ટિંગને જ કરીઅર તરીકે પસંદ કરનારા સુમિત રાઘવને નાનપણમાં સંગીતની ટ્રેઇનિંગ લીધી હતી. સફળ કારકિર્દી પછી પોતાની અધૂરી ટ્રેઇનિંગને આગળ વધારવા તેઓ આજકાલ દરરોજ સવારે ૬ વાગ્યે સંગીત શીખે છે
૧૯૯૦માં ‘રંગ ઉમલત્યા મનાચે’ નામના મરાઠી નાટકનો શો વિલે પાર્લે-ઈસ્ટના દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં યોજાયો હતો. આ નાટકને માસ્ટર દીનાનાથ પુરસ્કાર મળ્યો હતો. આ નાટકમાં મુખ્ય કિરદાર કરનાર અને એ માટે ‘વિશેષ લક્ષ્યવેધી કલાકાર’ અવૉર્ડ મેળવનાર ૧૯ વર્ષના સુમિત રાઘવનને એકદમ જ ખબર પડી કે તેનું નાટક જોવા માટે લતા મંગેશકર, આશા ભોસલે, હૃદયનાથ મંગેશકર, શરદ પવાર, રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસકર, સંદીપ પાટીલ આવ્યાં છે તો એ સાંભળીને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને આ સપના જેવું લાગ્યું. ઇન્ટરવલ પડ્યો અને નાટકના પ્રોડ્યુસર સુમિતને બોલાવવા આવ્યા. સુમિતના મનમાં મિશ્રિત ભાવ હતા. એક તરફ ગભરામણ થતી હતી તો બીજી તરફ મન એકદમ ઉત્તેજિત થઈ રહ્યું હતું. રૂમમાં અંદર આવ્યો ત્યારે તેણે જોયું કે અંદર સાક્ષાત્ દેવી સરસ્વતી બેઠાં છે. લતાજીને જોઈને તે એકદમ ગદ્ગદ થઈ ગયો અને સીધો તેમનાં ચરણોમાં જઈને બેસી ગયો. લતાજીએ કહ્યું કે તું ખૂબ સરસ કામ કરે છે બેટા. એમ કહીને તેમણે સુમિતને ૧૦૦૦ રૂપિયા કાઢીને આપ્યા. હૃદયનાથજીએ ગળામાં જે માળા પહેરેલી એ ઉતારીને સુમિતને પહેરાવી. એ દિવસે સુમિતને લાગ્યું કે તે કંઈક તો ઠીક કરી રહ્યો છે જીવનમાં જેથી આ મહાનુભાવોને ખુશ કરી શક્યો. આ બનાવ તેના જીવનમાં એક મોટો સંકેત સાબિત થયો કે આ દિશામાં તે આગળ વધી શકે એમ છે. એ પહેલાં તે કામ તો કરતો હતો, પરંતુ આ ઘટના પછી તેના કામમાં નિષ્ઠા અને આત્મવિશ્વાસ બન્નેનો વધારો થયો. આ છોકરાએ એ પછી ૧૨-૧૩ નાટકો કર્યાં અને પછી ફિલ્મો અને ટીવીનો તે જાણીતો કલાકાર બની ગયો. આજે કોઈ તેમને ‘સાહિલ સારાભાઈ’ના નામે ઓળખે છે તો કોઈ ‘રાજેશ વાગળે’ના નામે. કોઈ તેમની અતિ સહજ ઍક્ટિંગથી પ્રભાવિત થાય છે તો કોઈને એ નથી સમજાતું કે આ ૫૪ વર્ષના ઍક્ટર જે છેલ્લાં ૪૦ વર્ષથી આ ફીલ્ડમાં કામ કરે છે તે આટલાં વર્ષો પછી પણ એવા ને એવા કઈ રીતે દેખાય છે?
ADVERTISEMENT
બાળપણ ચેમ્બુરમાં
મુંબઈના ચેમ્બુરમાં રહેતા એક તામિલ પરિવારમાં સુમિતનો જન્મ ૧૯૭૧ની બાવીસ એપ્રિલે થયો. ભણવામાં ઍવરેજ રહેનાર સુમિતે ડી. જે. રૂપારેલ કૉલેજમાંથી બીકૉમ કર્યું. પિતા પહેલાં બિઝનેસમૅન હતા અને પાછળથી કૉપીરાઇટર બન્યા. સુમિતનાં મમ્મી પણ પહેલેથી જૉબ કરતાં હતાં. નાનપણમાં પોતે કેવા હતા એ જણાવતાં સુમિત કહે છે, ‘હું એકદમ શરમાળ હતો. મારા મોટા ભાઈ સંતોષ એકદમ એક્સ્ટ્રોવર્ટ હતા એટલે મારાં માતા-પિતાને લાગ્યું કે આને થોડો ખોલવાની જરૂર છે. તેમણે મને એ સમયે દાદરમાં સુલભા દેશપાંડે અને અરવિંદ દેશપાંડેની વર્કશૉપમાં મોકલ્યો. ત્યાંથી મને સ્ટેજ પર કામ મળવાનું શરૂ થઈ ગયું. મેં બાળકલાકાર તરીકે કામ કર્યું અને મને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો.’
અઢળક કામ
૧૯૮૭માં સુમિતે ‘ફાસ્ટર ફેને’ નામની એક ફિલ્મ કરી હતી જે તેમની પહેલી ફિલ્મ હતી. એ પછી તેમણે ‘ધૂમ’, ‘યુ મી ઔર હમ’, ‘ફિરાક’, ‘માય નેમ ઇઝ ખાન’, ‘કુછ લવ જૈસા’, ‘હૉલિડે’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય ‘સંદૂક’, ‘આપલા માણૂસ’, ‘બકેટ લિસ્ટ’, ‘એકદા કાય ઝાલા’, ‘સંગીત માનઅપમાન’ જેવી મરાઠી ફિલ્મો પણ કરી છે. ટીવીમાં ‘મહાભારત’, ‘તૂતૂ-મૈંમૈં’, ‘એક દો તીન’, ‘હદ કર દી આપને’, ‘રિશ્તે’, ‘સંજીવની-અ મેડિકલ બૂન’, ‘શુભ મંગલ સાવધાન’, ‘ભગવાન બચાએ ઇનકો’, ‘રેશમપંખ’, ‘સે શાવા-શાવા’, ‘ઘર કી બાત હૈ’, ‘સજન રે ઝૂઠ મત બોલો’, ‘જય હિન્દ’, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘રૈના બીતી જાએ’, ‘બડી દૂર સે આએ હૈં’ જેવા શો કર્યા છે. આ સિવાય ‘ઝલક દિખલા જા સીઝન-૪’, ‘નૌટંકી-ધ કૉમેડી થિયેટર’, ‘ઇન્ડિયા કે મસ્ત કલંદર’ જેવા શો પણ કર્યા છે. સુમિત રાઘવનની ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની બન્ને સીઝન અને હાલમાં ચાલી રહેલી ‘વાગલે કી દુનિયા-નયી પીઢી નયે કિસ્સે’ અત્યંત પૉપ્યુલર થઈ છે જેના દ્વારા સુમિત રાઘવનને ઘણી પ્રસિદ્ધિ મળી. આ બધા વચ્ચે ૨૦૦૩માં દિલીપ જોશીના દિગ્દર્શન હેઠળ સુમિતે એક ગુજરાતી નાટક પણ કર્યું જેનું નામ હતું, ‘બાપુ, તમે કમાલ કરી’. સુમિતે એક સમયે હૉલીવુડની ફિલ્મોમાં ડબિંગ પણ કર્યું છે. જોકે આ દિશામાં કરીઅર આગળ વધારવાની તેમની કોઈ ખાસ ઇચ્છા છે નહીં.
લગ્ન અને પરિવાર
સુમિતે મરાઠી ઍક્ટર ચિન્મયી સુર્વે સાથે ૧૯૯૬માં લગ્ન કર્યાં હતાં. ૧૯૯૧માં સુમિત એક મરાઠી પ્લે કરી રહ્યા હતા એ સમયે પુણેથી એક છોકરી આ નાટકની હિરોઇન બનીને આવેલી તે ચિન્મયી હતી. એ સમયની વાત કરતાં સુમિત કહે છે, ‘એ નાટક પહેલાંનું મારું નાટક ખૂબ હિટ રહેલું એટલે હું ઘણો હવામાં હતો. ત્યારે મને ખબર પડી કે આ હિરોઇન તો ખૂબ વાંચે છે. તો પુસ્તકોની વચ્ચે રહેતી છોકરી સાથે આપણે કોઈ લેવાદેવા નહીં એટલે એ સમયે કંઈ ન થયું. એના દોઢ-બે વર્ષ પછી બીજું એક નાટક મળ્યું ત્યારે એમાં અમે ફરી ભેગાં થઈ ગયાં. એ સમયે હું જમીન પર આવી ગયેલો, કારણ કે એ બે વર્ષમાં મેં ઘણું કામ ગોત્યું અને મને મળ્યું નહીં. મને તો તે ગમી જ ગઈ, પણ જેની અક્કલ ઠેકાણે હતી તે સુમિત પણ ચિન્મયીને ગમી ગયો. એક નાટકના ગ્રૅન્ડ રિહર્સલમાં જ્યારે ચિન્મયીની એન્ટ્રી હતી ત્યારે જ મેં તેને પાછળથી જઈને આઇ લવ યુ કહી દીધું. ચિન્મયી હેબતાઈ ગઈ. તે એન્ટ્રી ન કરી શકી. કરી તો ડાયલૉગ ભૂલી ગઈ. આ બાબતે મેં તેની માફી માગી, પણ પ્રેમના આવેશમાં હું એ કરી બેઠો. હું તો એ સમયે કંઈ કમાતો નહીં. ચિન્મયી મારો ખર્ચો ઉપાડતી. ઘણી વાર કપરા સમયમાં જે સાથ બંધાય એ એટલો મજબૂત હોય છે કે જીવનભર એ તમારી સાથે રહે છે. અમને એમ હતું કે લગ્નમાં કોઈ તકલીફ આવશે, પણ એવું જરાય ન થયું. ઘરના બધાએ ખુશી-ખુશી અમારાં લગ્ન કરાવી દીધાં.’
આજે સુમિત રાઘવન અને ચિન્મયી સુર્વેને બે બાળકો છે. ૨૮ વર્ષનો નીરદ સુમિત અને ૨૫ વર્ષની દિયા સુમિત. નીરદ મ્યુઝિક-કમ્પોઝર છે, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવે છે અને પિયાનો પણ શીખવે છે. દિયા સિનેમૅટોગ્રાફર તરીકે કામ કરે છે. મૂળ દિક્ષણ ભારતીય પરંપરાને પાળવા અર્થે તે બન્ને અટક નહીં, પોતાના પિતાનું નામ પોતાની પાછળ લગાવે છે.
સંગીતનું પૅશન
સુમિત રાઘવન સારું ગાતા હતા એટલે નાનપણથી તેઓ વસંતરાવ કુલકર્ણી અને સુરેશ વાડકર પાસે ટ્રેઇન થયા હતા. શાસ્ત્રીય સંગીત તેમને બહુ ગમે છે. એક સમયે તેમના જીવનમાં એ દુવિધા પણ આવેલી કે મ્યુઝિક કરવું કે ઍક્ટિંગ? એ સમયને યાદ કરતાં સુમિત કહે છે, ‘આ લગભગ ૧૯૮૯-’૯૦ની વાત છે. એ સમયે મારે નક્કી કરવું જ પડે એમ હતું કે કાં તો હું મ્યુઝિક કરી શકીશ અને કાં તો ઍક્ટિંગ. આમ તો બન્ને ચાલુ રાખવાં જોઈએ એમ લાગે, પણ સંગીતમાં વર્ષો સુધી ગુરુનાં ચરણોમાં રિયાઝ જરૂરી રહે છે. એટલો સમય હું ઍક્ટિંગ કરતાં-કરતાં સંગીતને આપી શકું એમ હતો નહીં. એ સમયે મેં નક્કી કર્યું કે હું ઍક્ટિંગ કરીશ. ઘણી વાર વિચારું છું કે સંગીત નહોતું છોડવાનું. ઘણાં વર્ષો મને ખૂબ અફસોસ રહ્યો સંગીત છોડવાનો. મારે એ શીખવું જ હતું એટલે હવે આજની તારીખે ફરી શરૂ કર્યું છે. દરરોજ સવારે ૬ વાગ્યે હું મારા શિક્ષક પાસે સંગીત શીખું છું અને રિયાઝ કરું છું જેને કારણે મારો આખો દિવસ ખૂબ સરસ જાય છે.’
સુમિતે એક ગુજરાતી નાટક પણ કર્યું જેનું નામ હતું, ‘બાપુ, તમે કમાલ કરી’. સુમિતે એક સમયે હૉલીવુડની ફિલ્મોમાં ડબિંગ પણ કર્યું છે. જોકે આ દિશામાં કરીઅર આગળ વધારવાની તેમની કોઈ ખાસ ઇચ્છા છે નહીં.
જલદી ફાઇવ
બકેટ લિસ્ટ : દર અઠવાડિયે બદલાતું રહે છે, પણ એક વસ્તુ એમાં ચોક્કસ કરવી છે અને એ છે ટ્રાવેલ.
ફોબિયા : આમ તો ડર જેવું કશું નથી, પરંતુ અંધારી રાત્રે સમુદ્રની વચ્ચે ક્રૂઝ પર હોઈએ અને ત્યારે વીજળી ચમકે તો એ ભયંકર લાગે છે. એ સમયે ડર લાગેલો.
શોખ : ગાવાનો અને સંગીતમય જીવન જીવવાનો.
ગોલ : જેટલું મારા માટે જરૂરી હતું કે હું સારો ઍક્ટર બનું એટલું જ મારા માટે જરૂરી હતું કે હું સારો પતિ અને સારો પિતા બનું. આ બાબતે કોઈ ઑપ્શન મેં નહોતો છોડ્યો મારા
માટે કે કરી શકાય કે નહીં. એ મારે કરવું જ હતું.
રોલ કેટલો મહત્ત્વનો? : પ્રોજેક્ટ નક્કી કરતાં પહેલાં આ શો કે ફિલ્મ કોણ બનાવી રહ્યું છે એ અતિ મહત્ત્વનું છે. એક ઍક્ટર તરીકે હું રોલ કેવો છે અને કયો છે એ જોઉં એ બરાબર, પણ આ પ્રોજેક્ટ કોણ બનાવી રહ્યું છે એ જોવું જરૂરી છે. જેમ કે હૅટ્સ ઑફ પ્રોડક્શન સાથે હું ઘણાં વર્ષોથી કામ કરું છું. તેમનું વિઝન મને ખબર છે. એક કમ્ફર્ટ છે તેમની સાથે. હવે બહાર કામ કરવું અઘરું લાગે, ખાસ કરીને ટીવીમાં.

