પ્રમુખસ્વામી મહારાજનો આ સૂર સાંભળીને સૌનો આક્રોશ તો શમી ગયો, પણ તેઓ વિચારી રહ્યા કે જેમની સ્વાગતસભા છે તે સંત જ માફી માગે છે! એય વિના વાંકે, કોકના વતી! આ સઘળું તે મહાનુભાવોને સમજણ બહારની વાત લાગી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
વાત છે ૧૯૭૮ની ૪ ફેબ્રુઆરીની. મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજની સ્વાગતસભા યોજાયેલી. આ સભાના ખર્ચને પહોંચી વળવા સ્થાનિક યુવકોએ એક સુવેનિયર તૈયાર કરેલું અને એમાં અનુદાન કરનારા દાતાઓને સ્વાગતસભાનાં ખાસ પ્રવેશપત્રો આપવામાં આવેલાં. જોકે ઉભરાયેલી મેદનીને સમાવવામાં ૧૦૦૦ની ક્ષમતાવાળો હૉલ નાનો પડતાં કેટલાક પાસધારકોને બહાર ઊભા રહેવું પડ્યું. ધીમે-ધીમે પ્રવેશથી વંચિત આ સમુદાય આશરે ૪૦૦-૫૦૦ની સંખ્યાને આંબી ગયો. તેમનો ધસારો અને શોરબકોર જોઈને હૉલનો મૅનેજર ગભરાયો. તેણે યુવકોને પોલીસ બોલાવવાની ધમકી ઉચ્ચારતાં યુવાનો મૂંઝાયા. એમાંથી ઊગરવાનો કોઈ આરો ન દેખાતાં સૌ પહોંચ્યા પ્રમુખસ્વામી મહારાજ પાસે. એ સમયે હૉલમાં રજૂ થતા કાર્યક્રમને નિહાળવામાં તલ્લીન થયેલા તેમને યુવકોએ પરિસ્થિતિ જણાવી એટલે પ્રમુખસ્વામી મહારાજ ઊભા થયા અને બહાર આવીને ઉશ્કેરાયેલા ટોળાને સમજાવવા લાગ્યા કે ‘હૉલ નાનો છે. અહીં બહાર ઊભા છે તે સર્વે માફ કરજો. તમારા માટે કાલે કે પરમ દિવસે ફરી વાર આ જ હૉલમાં કાર્યક્રમ કરીશું.’
પ્રમુખસ્વામી મહારાજનો આ સૂર સાંભળીને સૌનો આક્રોશ તો શમી ગયો, પણ તેઓ વિચારી રહ્યા કે જેમની સ્વાગતસભા છે તે સંત જ માફી માગે છે! એય વિના વાંકે, કોકના વતી! આ સઘળું તે મહાનુભાવોને સમજણ બહારની વાત લાગી. પ્રમુખસ્વામી મહારાજના આ વિનીત વર્તનનો પડઘો જોરદાર ગાજ્યો. કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો, પરંતુ કાર્યકરોને કળ ન વળી. પોતાની ભૂલને કારણે સ્વામીશ્રીને માફી માગવી પડી એનો રંજ યુવકોનાં કાળજાં કોરી રહ્યો. તેથી સ્વામીશ્રી જ્યારે મંદિરે પધાર્યા ત્યારે યુવકોએ તેમની માફી માગી. એ વખતે પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા : ‘તમે યુવકો બધા સત્સંગની આટલી સેવા કરો છો તો તમારા માટે હું આટલું ન કરું?!’ આ સાંભળનારા યુવાનો તેમનામાં પ્રેમની પરાકાષ્ઠા જોઈ રહ્યા. સાથે સરળતાની સીમા અને અહંશૂન્યતાની અવધિ પણ! ઠપકાની વાત જ નહીં, પણ ઉપકાર હેઠળ દાટી દેવાની પણ મુરાદ પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં નહોતી. રાજા માથે મુગટ મૂકે એટલી સહજતાથી તેમણે બીજાની ભૂલ પોતાને શિરે ચડાવી દીધી. આજે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સૌના પ્રાણપ્યારા બન્યા છે એના મૂળમાં પડેલો આ એક કસબ સૌએ શીખવા જેવો છે. એ કળા અશાંતિની આગને શાંતિના સરોવરમાં ફેરવી દે એવી છે. આવા જીવનપ્રસંગો આપણા દિગ્દર્શક છે. તેઓ ચીંધે છે એક સત્ય, શાશ્વત અને સલામત માર્ગ. એ માર્ગે ચાલીને આપણે આપણું શ્રેય અને પ્રેય સાધવાનું છે.

