માનવસહજ સ્વભાવ છે કે વસ્તુ તૂટે-ફૂટે કે કપડાં ફાટે નહીં ત્યાં સુધી એનો નિકાલ કરવામાં આવતો નથી, પણ એવું ન કરવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
ટકાઉ કે પછી ઓછા વપરાશના કારણે લાંબો સમય ચાલે એવી ચીજવસ્તુઓને સાચવી રાખવી વાજબી નથી. કેટલીક ચીજવસ્તુઓ એવી હોય છે જેનો સમયાંતરે નિકાલ કરતા રહેવો જોઈએ અને એ જ કારણે એ ચીજવસ્તુઓ લાંબો સમય ચાલે એવી ખરીદવાને બદલે ઓછો સમય ટકે એવો પ્રયાસ કરવો જોઈએ. એવી કઈ-કઈ વસ્તુઓ છે જેનો સમયાંતરે નિકાલ કરતા રહેવું જોઈએ એ જાણવું જોઈએ.
ડસ્ટબિનનો નિકાલ કરો
ADVERTISEMENT
મોટા ભાગના ઘર કે ઑફિસમાં ડસ્ટબિન લાંબો સમય સુધી એક જ રાખવામાં આવે છે અને એનો વપરાશ ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી એ તૂટે નહીં, જે ખોટું છે. ડસ્ટબિન સાજીસારી હોય તો પણ છ મહિનામાં એનો નિકાલ કરી નાખવો જોઈએ, કારણ કે ડસ્ટબિનનું કામ ગેરવાજબી અને નકામો કચરો સંઘરવાનું છે, જેને કારણે એમાં ધીમે-ધીમે અમર્યાદિત સ્તર પર નકારાત્મક ઊર્જા ભરાતી જાય છે અને છેલ્લે ડસ્ટબિન પોતે નકારાત્મક ઊર્જા આપવાનું શરૂ કરી દે છે. બહેતર છે કે એ ઊર્જા ઘર કે ઘરની બહાર રહે અને એને બદલે સ્વચ્છ ઊર્જા સાથેની નવી ડસ્ટબિન આવે. એક વાત યાદ રહે, સ્વચ્છતા જ સકારાત્મક ઊર્જા છે.
ઘરમાં પહેરવાનાં સ્લીપર્સ
સામાન્ય રીતે કોઈને પણ એવું લાગે કે ઘરમાં પહેરતા હોઈએ અને જે પહેરીને બહાર ન જતા હોઈએ એવાં સ્લીપર્સ કે ચંપલ લાંબો સમય ચાલે તો વાંધો નહીં, પણ આ માન્યતા ભૂલભરેલી છે. અનેક શાસ્ત્રોમાં પણ ઋષિમુનિઓની ચાખડીને એક સમયે ત્યજી દેવાની સલાહ આપી છે, જેનું તેઓ પાલન કરતા. ચાખડી લાકડાની હોય અને લાકડું ઓછામાં ઓછું નકારાત્મકતા પકડે છે, જ્યારે આજના સમયમાં રબર કે PVC પ્રકારના મટીરિયલનાં સ્લીપર્સ-ચંપલ હોય છે. જો એ બગડ્યાં ન હોય કે ખરાબ ન થયાં હોય તો પણ એને છ મહિનાના સમયગાળામાં ત્યજી દઈ કોઈને વપરાશ માટે આપી દેવાં જોઈએ. યાદ રહે, તૂટ્યા પછી એને રિપેર કરી કે સંધાવીને કોઈને આપવાં એ દાન કે મદદ નથી. એટલે જ્યારે ચંપલ કે સ્લીપર્સ સારી અવસ્થામાં હોય ત્યારે જ કોઈને આપીને મદદગારી દર્શાવવી જોઈએ. અમુક કંપનીનાં ચંપલ-સૅન્ડલ તો એવાં આવે છે જે ત્રણ-ચાર વર્ષ સુધી ચાલતાં રહે પણ એટલાં ટકવાનાં હોય તો પણ ચંપલનો ત્યાગ કરવો જોઈએ.
ચંપલને પગમાં પહેરવામાં આવે છે અને એના દ્વારા જમીન પર પગ મૂકવામાં આવે છે. નકારાત્મકતા ભારે છે અને ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાયેલી રહે છે. નકારાત્મકતામાં ચંપલ રહ્યાં હોય તો એણે કેટલી નકારાત્મકતાનું વહન કર્યું હોય એ સમજી શકાય છે એટલે સારી અવસ્થામાં હોય તો એનું દાન કરીને એ નકારાત્મકતાને ઘર કે ઑફિસની બહાર મોકલી દેવી હિતાવહ છે.
વૉશરૂમની ચીજવસ્તુનો કરો નિકાલ
મોટા ભાગના ઘર કે ઑફિસમાં વૉશરૂમમાં રહેલી ચીજવસ્તુઓ લાંબો સમય સુધી વાપરવામાં આવે છે, જે ઉચિત નથી. સ્વાભાવિક છે કે એ ચીજવસ્તુઓ લાંબો સમય ટકવાની છે કારણ કે એનો કોઈ પ્રકારનો દુરુપયોગ નથી થવાનો, ઊલટું એનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય છે. પણ યાદ રહે, એ ચીજવસ્તુ ઘરની સૌથી નકારાત્મક ઊર્જા જન્માવતી જગ્યાએ છે એટલે એનો યથા આર્થિક શક્તિએ અને સમયસર નિકાલ કરવામાં આવે એ અનિવાર્ય છે. બાથ-ફિટિંગ્સનો નિકાલ તો શક્ય નથી પણ ટમ્બલર, સાબુદાની, બાલદી જેવી ચીજવસ્તુ બદલી શકાય છે.
ધારો કે આર્થિક પરિસ્થિતિ એવી ન હોય કે છ મહિને એ ચીજ બદલાવી શકાય તો ઍટ લીસ્ટ એવો પ્રયાસ કરો કે વૉશરૂમમાં પડી રહેતી ચીજવસ્તુને નિયમિત રીતે બરાબર ધોઈ એને સૂર્યપ્રકાશમાં મૂકતા રહો અને લાંબામાં લાંબો સમય એને સૂર્યપ્રકાશમાં રાખી એમાંથી નકારાત્મક ઊર્જાને રિલીઝ કરો.
આંતરવસ્ત્રોનો કરો નિકાલ
એક ઉંમર પાર કરી ગયા પછી મોટા ભાગના લોકોમાં એવી માનસિકતા આવી જાય છે કે આપણે તો કંઈ પણ ચાલે. આ જ માનસિકતા વચ્ચે એ સહજ રીતે જ ફાટેલાં, જર્જરીત થઈ ગયેલાં આંતરવસ્ત્રોનો પણ ઉપયોગ ચાલુ રાખે છે. આ જે માનસિકતા છે એ માનસિકતા દુનિયાદારીની દૃષ્ટિએ વાજબી હોઈ શકે છે કારણ કે એ વસ્ત્રો ક્યારેય કોઈ જોવાનું હોતું નથી, પણ સામુદ્રિક શાસ્ત્રની નજરે અયોગ્ય છે. એક સુવિચાર છે. તમને કોઈ જોતું ન હોય એવા સમયે તમે જે વર્તો એ તમારું વ્યક્તિત્વ. જે વસ્ત્રો કોઈ જોવાનું નથી એ વસ્ત્રો માટે બેદરકારી રાખવાનો અર્થ છે દરિદ્રતાને સાથે ફેરવવી.
સામાન્ય સંજોગોમાં આંતરવસ્ત્રોનો નિકાલ પણ છ મહિને થઈ જવો જોઈએ. જો એવું ન કરી શકાય તો પ્રયાસ કરવો કે એ વસ્ત્રો ફાટે કે એનો કલર ઊડી જાય, જર્જરીત થઈ જાય ત્યારે એનો નિકાલ કરી નાખવો. એવું લાગતું હોય તો બહુ મોંઘાં આંતરવસ્ત્રો લેવાં નહીં. રીઝનેબલ કહેવાય એવી પ્રાઇસ-રેન્જમાં લેવાં પણ એનો નિકાલ યોગ્ય રીતે છ મહિનામાં કરવો.

