પર્સને નિયમિત ચોખ્ખું કરવાની આદત સામાન્ય રીતે બહુ ઓછા લોકોમાં હોય છે, પણ આ આદત કેળવવા જેવી છે. નહીં તો પર્સમાં નકારાત્મકતા ઘર કરી જશે અને પૈસો ટકશે નહીં
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
પર્સને પૈસા સંઘરવાનું સામાન્ય સ્થાન ગણવાને બદલે એને જો લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે તો એની નિયમિત સાફસફાઈ કરવાનું સૂઝશે અને સાથોસાથ પર્સમાં રહીને નકારાત્મકતાને અટ્રૅક્ટ કરતી ચીજવસ્તુઓનો નિકાલ કરવાનું પણ યાદ આવશે. જોકે એ માટે પર્સમાં રહેતી અને સતત નેગેટિવિટી પાથરતી રહેતી ચીજવસ્તુઓને ઓળખી લેવી જોઈએ.
આજે આપણે એવી જ ચીજવસ્તુઓની યાદી જોવાના છીએ જે પર્સમાં રાખવાનું ટાળવું જોઈએ.
ADVERTISEMENT
જૂની અને ફાટેલી નોટ્સ
જૂના સિક્કા અથવા ચીમળાયેલી કે ફાટી ગયેલી કરન્સી નોટ્સનું કામ છે નેગેટિવ એનર્જીને આકર્ષવાનું. એ ધનનો પ્રવાહ રોકે છે એટલે ક્યારેય વૉલેટમાં જૂના સિક્કા કે ફાટેલી, જર્જરિત થયેલી નોટ્સ રાખવી ન જોઈએ. કેટલાક લોકોની પાસેથી સાંભળવા મળ્યું છે કે જૂના સિક્કાઓ રાખવાથી ધન અટ્રૅક્ટ થાય છે, પણ એ જૂના સિક્કાઓ જો ચાંદી કે સોનાના હોય તો જ શક્ય બને છે. બીજી વાત, એ જૂના સિક્કાનું નિયમિત પૂજન થવું પણ જરૂરી છે અને સાથોસાથ એને લક્ષ્મીપૂજનમાં પણ મૂકેલા હોવા જોઈએ.
કોઈ પણ જૂનો સિક્કો વૉલેટમાં રાખવાથી ધન અટ્રૅક્ટ થાય એવું માનવું ભૂલ ભરેલું છે એટલે શક્ય હોય તો વૉલેટમાં જૂના સિક્કા અને ફાટેલી નોટ ન રાખો.
બિનજરૂરી કાગળો ન રાખો
જે કાગળ જરૂરી નથી એને વૉલેટમાં રાખવાનું ટાળો. ખાસ કરીને નકામું બિલ, રસીદો કે પછી ચિઠ્ઠીઓ. જેની હવે કોઈ આવશ્યકતા નથી એને ફાડીને ફેંકી દો અને ધારો કે મનમાં હોય કે એ ક્યારેક કામ લાગશે તો એને ઘર કે ઑફિસમાં મૂકી દો, પણ એને વૉલેટમાં સાથે રાખીને ન ફરો. આ પ્રકારના કાગળો પર્સમાં અવ્યવસ્થા ઊભી કરે છે તો સાથોસાથ નકારાત્મકતા લાવવાનું કામ કરે છે.
ક્યારેક કામ લાગશે એવું ધારીને જો મેડિકલ પ્રિસ્ક્રિપ્શન પણ વૉલેટમાં રાખ્યું હોય તો એનો ફોટો પાડીને તમે મોબાઇલ રાખી શકો છો, પણ એ પ્રિસ્ક્રિપ્શનને વૉલેટમાં રાખવાની સહેજ પણ જરૂર નથી એટલે તમે તમારા ‘ક્યારેક’ કામ લાગશે એવા કાગળનો પણ નિકાલ કરો.
પેઇન આપતા ફોટોગ્રાફ્સ
અહીં વાત ઇમોશન્સની પણ છે. અનેક લોકો પોતાનાં અવસાન પામેલાં માબાપના ફોટોગ્રાફ્સ વૉલેટમાં રાખે છે. જો એ ફોટોગ્રાફ્સ તમારા માટે શુકનવંતા પુરવાર થયા હોય કે પછી તમે લાગણીવશ એ ફોટોગ્રાફ્સ સાથે રાખતા હો તો પ્રયાસ કરો કે એ ફોટોગ્રાફ્સને નિયમિત દીવાબત્તી કે ધૂપ આપો અને એ ફોટોમાં એકઠી થતી નકારાત્મકતા દૂર કરતા રહો. માબાપના ફોટોગ્રાફ્સ સાથે રાખવું શુકનવંતું પણ છે, કારણ કે જગતના પહેલા ગુરુ માબાપ છે અને ગુરુને સાથે રાખવાથી વિઘ્ન ટળે છે અને ખોટા નિર્ણય લેવામાં પણ સજાગતા આવે છે.
આ સિવાયના જો કોઈ ફોટોગ્રાફ્સ કે વસ્તુઓ સાથે રાખવામાં આવતી હોય જેને તમારા ભૂતકાળ સાથે સીધો સંબંધ હોય અને એ સંબંધોમાં પીડા હોય તો એનો પર્સમાંથી નિકાલ કરવો જોઈએ. કોઈ પણ લાગણી સાથે એ વસ્તુ ભલે અપાયેલી હોય, પણ એ પર્સમાં સાથે રહેશે ત્યાં સુધી ભૂતકાળ સાથે તમારું બંધન અકબંધ રહેશે.
રાખો નહીં પર્સમાં વજન
ઘણા લોકો પોતાના વૉલેટમાં એટલી ચીજવસ્તુઓ ભરી દે છે કે ન પૂછો વાત. એનાથી વજન વધી જાય છે. વજન નકામી વસ્તુનું નહીં પણ કામની વસ્તુનું એટલે કે કરન્સીનું હોવું જોઈએ એટલે વૉલેટમાં રહેલી બિનજરૂરી ચીજવસ્તુઓ દૂર કરો. સારા શુકન સાથે અપાયેલી ચીજવસ્તુઓની માત્રા પણ પર્સમાં વધવી ન જોઈએ. તમારા મનની નજીક હોય એવી વધુમાં વધુ ૩ વસ્તુ રાખો અને બાકીની વસ્તુને મંદિરમાં મૂકી દો, કારણ કે ભારે થયેલું વૉલેટ પૈસો રોકવાનું કામ કરી શકે છે.
જે વસ્તુ પર્સમાં રાખવી હોય એ વસ્તુને બરાબર સાફ કરીને, ધર્મ કે ભગવાન સાથે જોડાયેલી વસ્તુ હોય તો એને નિયમિત પવિત્ર કરીને જ પર્સમાં સાથે રાખવી.
જરૂરી છતાં બિનજરૂરી
ઉપયોગમાં ન હોય એ પછી પણ સાથે રાખવામાં આવેલાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ, અન્ય કાર્ડ્સ વૉલેટમાં રાખવાં જોઈએ નહીં. એ પણ યાદ રાખો કે એક્સપાયર્ડ કાર્ડ્સ પણ સાથે ફેરવવાં જોઈએ નહીં. વધારાનાં કે પછી ઉપયોગમાં ન આવતાં હોય એ કાર્ડ્સ વૉલેટમાં સાથે રાખવાનો સીધો અર્થ એ છે કે તમે તમારા પર્સને અકારણ વજન આપો છો અને તમે પર્સને અકારણ ખર્ચ વધારવા માટે ઉશ્કેરો છો.
વૉલેટમાં અણી કે ધાર હોય એવી ચીજવસ્તુઓ રાખવાનું પણ ટાળવું જોઈએ. પર્સમાં દેવી-દેવતાના ફોટોગ્રાફ્સ રાખો તો એને નિયમિત પૂજામાં પણ મૂકો અને એ ફોટોગ્રાફ્સને નુકસાન થયું હોય તો એ અચૂકપણે બદલો.

