સામાન્ય રીતે લોકો નવા ઘરમાં શિફ્ટ થતી વખતે બધું સાથે લેતા હોય છે. જો પરિવારમાં વડીલ હોય તો અમુક વસ્તુઓ સાથે નહીં લેવાની સૂચના મળે પણ બાકી તો બધું સાથે જ આવે. ઘર ચેન્જ કરતી વખતે કઈ-કઈ ચીજવસ્તુ જૂના ઘરેથી સાથે ન લેવી જોઈએ એ જાણવા જેવું છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલ ટ્રાન્સફરેબલ જૉબનું પ્રમાણ વધ્યું છે ત્યારે ઘર બદલવાનું વારંવાર બનતું હોય છે તો સાથોસાથ ભાડેના ઘરમાં રહેવાનો પણ એક ટ્રેન્ડ શરૂ થયો છે એવા સમયે પણ ઘર ચેન્જ કરવાનું બન્યા કરતું હોય છે. એવા સમયે સૌથી મહત્ત્વનું એ છે કે નવા ઘરમાં જતી વખતે જૂના ઘરની કઈ-કઈ ચીજવસ્તુ સાથે ન લેવી જોઈએ એની જાણ હોવી જોઈએ. સમયાનુસાર આ જાણકારી હોય એવા લોકોનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આજે આપણે વાત કરવાની છે એવી ચીજવસ્તુઓની, જે જૂના ઘરમાં છોડી દેવાની છે.
પાણિયારાથી માટી
ADVERTISEMENT
અર્થાત્ માટલું અને જો માટીના ગ્લાસમાં જ પાણી પીતા હો તો એ ગ્લાસ ક્યારેય નવા ઘરે સાથે ન લેવાં જોઈએ. જીવનનું પહેલું પ્રતીક પાણી છે. જીવસૃષ્ટિનું પણ પહેલું પ્રતીક પાણી છે એવા સમયે પાણિયારાની જગ્યાએથી પાણી રાખવાનો સામાન સાથે લઈ જવાનો અર્થ એવો છે કે તમે જૂના ઘરના નકારાત્મક જીવને પણ સાથે લઈ જઈ રહ્યા છો. વડીલોને પૂછશો તો તેમની પાસેથી આ વાત વધારે સારી રીતે અને સમજણ સાથે જાણવા મળશે. અન્ય એક વાત, જે રીતે તમે જૂના ઘરમાં માટલું મૂકીને જાઓ છો એવી જ રીતે અન્ય પણ પોતાનું માટલું જૂના ઘરમાં મૂકીને જતો હોય તો શું કરવું?
જે ઘરમાં તમે ગયા હો એ ઘરમાં જો માટલું હોય તો એ માટલાને રાતના સમયે ચાર રસ્તા પર મૂકી દેવું જોઈએ. ધારો કે એ શક્ય ન હોય તો એ માટલાને નદીમાં પધરાવી દેવું જોઈએ. માટીનું માટલું નદીમાં પધરાવવાથી કોઈ પ્રદૂષણ થતું નથી. જો એ માટલાને વ્યવસ્થિત કોતરી એમાંથી પક્ષીઓને પાણી પીવાનું સાધન બની શકતું હોય તો પણ ઉત્તમ પણ હા, એની કોતરણી વ્યવસ્થિત થઈ હોવી જોઈએ.
પસ્તી સહિતનો જૂનો સામાન
જૂના ઘરેથી નીકળતી વખતે પસ્તી કે અન્ય કોઈ રદ્દી સામાન ક્યારેય સાથે નહીં લેવાનો. જો આર્થિક રીતે પરવડતું હોય તો જૂનાં ચંપલ પણ જૂનું ઘર ખાલી કરતી વખતે સાથે રાખવાં ન જોઈએ. વડીલો જાણે છે કે ચંપલ પનોતી છે. જૂનાં ચંપલ સાથે લઈ જવાનો અર્થ એ છે કે તમે જૂની પનોતી સાથે નવા ઘરમાં જઈ રહ્યા છો, જે નુકસાનકર્તા બની શકે છે. પણ આજના આર્થિક સંકડામણના સમયમાં જો એ શક્ય ન હોય તો પ્રયાસ કરવો કે સાથે લીધેલાં જૂનાં ચંપલ-શૂઝ વૉશ (વૉશેબલ હોય તો) કરીને જ નવા ઘરે લઈ જવાં. ધારો કે વૉશેબલ ન હોય તો એ ચંપલ-શૂઝને પૉલિશ કરીને નવા ઘરમાં લઈ જવાં જોઈએ. આ ઉપરાંત ક્યાંય પગલુછણિયું એટલે કે જૂના ઘરનું ડોરમૅટ પણ સાથે લઈ જવું ન જોઈએ અને જૂના ઘરમાં વાપરેલાં હોય એવાં ડોલ-ટમ્બલરથી લઈને સાબુ કે શૅમ્પૂ પણ સાથે લઈ જવાં ન જોઈએ.
ધારો કે ડોલ-ટમ્બલર છોડી શકવાની આર્થિક ક્ષમતા ન હોય તો ચોવીસ કલાક પહેલાં એને બરાબર ધોઈ, સાફ કરી ચારેક કલાક માટે સૂર્યપ્રકાશમાં મૂકી દેવાં અને પછી એને નવા ઘરે લઈ જવાં.
બગડેલી ઇલેક્ટ્રિક આઇટમ
નવા ઘરમાં જતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બગડેલી હોય એ તમામ ઇલેક્ટ્રિક આઇટમ જૂના ઘરે જ રિપેર કરાવી લેવી. ધારો કે એટલો સમય ન મળે તો પ્રયાસ કરવો કે નવા ઘરે એ બગડેલી ઇલેક્ટ્રિક આઇટમને અંદર લેવાને બદલે બહાર મૂકી દેવી અને રિપેર કરાવ્યા પછી જ એ અંદર લઈ આવવી. ઇલેક્ટ્રિક આઇટમ માટે એક વાત ખાસ કહેવાની. એ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. બગડેલી ઇલેક્ટ્રિક આઇટમ એ નારાજ રાહુની નિશાની છે. એવા સમયે નારાજ રાહુને ઘરમાં લઈ આવવું હિતાવહ નથી. આવું જ ઇલેક્ટ્રૉનિક આઇટમ માટે છે. ઇલેક્ટ્રૉનિક આઇટમ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે.
નારાજ કે અપસેટ થયેલા મંગળને પણ ઘરમાં લઈ આવવો હિતાવહ નથી એટલે પ્રયાસ કરવો જોઈએ કે એ પ્રકારની આઇટમ પણ પહેલાં રિપેર થઈ ગઈ હોય.
અગ્નિદાહક ચીજવસ્તુઓ
આ યાદીમાં સૌથી પહેલા ક્રમે આવે છે માચીસ અને એ પછીના ક્રમે આવે છે લાઇટર અને કેરોસીન. જોકે આજના સમયમાં કેરોસીનનો વપરાશ હવે કોઈ કરતું હોય એવું લાગતું નથી ત્યારે કહેવાનું કે જો શક્ય હોય તો માચીસ અને લાઇટર જેવી આઇટમ નવા ઘરે નવી લઈ જવી. જો હજી પણ LPGનો વપરાશ કરતા હો તો પ્રયાસ કરવો કે એ સિલિન્ડર પણ જૂના ઘરે જ ખાલી થઈ જાય અને ધારો કે ન થાય તો એનો ઉપયોગ નવા ઘરે સૌથી પહેલો મીઠાશવાળી કોઈ આઇટમ બનાવવા માટે કરવો પણ ખાસ વાત, માચીસ કે લાઇટર લઈ જવાનું ટાળવું.
જૂના ઘરના માચીસ અને લાઇટર પણ જો શક્ય હોય તો ક્યાંય પાણીમાં પધરાવી દેવાં અને જો એમાં પ્રદૂષણ દેખાતું હોય તો એને કોઈ અવાવરુ જમીનમાં દાટી દેવાં પણ નવા ઘરે ન લઈ જવાં. આર્થિક નબળી પરિસ્થિત ધરાવતા લોકોએ એ વાત યાદ રાખવી કે લાઇટર કંઈ એટલાં મોંઘાં નથી કે એટલી રકમ તે ભૂલી ન શકે.

