રાજસ્થાન સંસ્કૃતિ અને કળાના વારસાથી અતિ સમૃદ્ધ છે. ટ્રેનમાં હવે આપણને સાંગાનેરી પ્રિન્ટના બ્લૅન્કેટ મળવાનાં છે ત્યારે રાજસ્થાનની આ પ્રિન્ટના ઇતિહાસ પર નજર કરીએ
સાંગાનેરી પ્રિન્ટ
ભારતીય રેલવેના ઍર-કન્ડિશન્ડ કોચમાં હવે પ્રવાસીઓને સફેદને બદલે સાંગાનેરી ડિઝાઇનવાળાં પ્રિન્ટેડ બ્લૅન્કેટ આપવામાં આવશે એવા સમાચાર થોડા દિવસ પહેલાં આવેલા. જયપુર-અસારવા એક્સપ્રેસમાં પાઇલટ પ્રોજેક્ટ રૂપે આવાં બ્લૅન્કેટ આપવામાં આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટ હજી શરૂઆતના તબક્કામાં છે. જો એને સફળતા મળી તો ભારતની દરેક ટ્રેનમાં અનુસરવામાં આવશે અને રાજસ્થાનની સાંગાનેરી કળાના કારીગરોને વધુ પ્રોત્સાહન મળશે. તો આપણે ભવિષ્યમાં જે સાંગાનેરી બ્લૅન્કેટનો અનુભવ કરવાના છીએ એ સાંગાનેરી પ્રિન્ટ છે શું એના પર નજર કરીએ.
સાંગાનેરી પ્રિન્ટનો ઈતિહાસ
ADVERTISEMENT
રાજસ્થાનની ધરતી પર અનેક લોકકલા અને હસ્તકલા જન્મી છે, જેમાંની એક અત્યંત પ્રસિદ્ધ કળા છે સાંગાનેરી પ્રિન્ટ. આ કળાનો ઉદ્ભવ રાજસ્થાનના જયપુર નજીક આવેલા સાંગાનેર ગામમાં થયો હતો. ગામના નામ પરથી આ કળાનું નામ સાંગાનેરી પડ્યું. માનવામાં આવે છે કે સાંગાનેરી પ્રિન્ટની શરૂઆત અંદાજે સત્તરમી સદીમાં થઈ હતી. એ સમય દરમિયાન મુગલ શાસન ચાલી રહ્યું હતું અને મુગલ બાદશાહો માટે સુંદર કાપડ, ચાદરો અને પહેરવેશ બનાવવા માટે રાજસ્થાનના કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. અન્ય રસપ્રદ વાત એ છે કે સાંગાનેર ગામની પાસે આવેલી નદીનું પાણી કાપડને ધોવા માટે ખૂબ યોગ્ય માનવામાં આવતું હતું. આ જ પાણીની ગુણવત્તા રંગને વધુ તેજસ્વી અને ટકાઉ બનાવતી હતી. આ કારણસર સાંગાનેર બ્લૉક પ્રિન્ટિંગ માટે આદર્શ સ્થાન બન્યું. એટલે પાણીની સગવડ, યોગ્ય માટી અને કુશળ કારીગરોના સંગમને કારણે અહીં હાથથી બ્લૉક પ્રિન્ટિંગની કળા ઝડપથી વિકસતી ગઈ. સાંગાનેરી પ્રિન્ટમાં ખાસિયત એ છે કે કાપડ પર હાથથી કોતરાયેલા લાકડાના બ્લૉક વડે ડિઝાઇન છાપવામાં આવે છે. આ બ્લૉક્સ પર નાજુક રીતે ફૂલ, પાંદડાં, વેલ-બૂટા અને પરંપરાગત નમૂનાઓ કોતરવામાં આવે છે. પ્રિન્ટિંગ માટે ઉપયોગમાં લેવાતા રંગો સંપૂર્ણ રીતે કુદરતી હોય છે; જેમ કે ફૂલોમાંથી મળતાં રંગદ્રવ્યો, હળદર, નીલો ઇન્ડિગો વગેરે. સાંગાનેરી કાપડની ખાસ ઓળખ એની સફેદ બૅકગ્રાઉન્ડ પર છપાયેલી નાજુક ડિઝાઇન છે, જે કાપડને એક અનોખી શાંતિ અને સૌંદર્ય આપે છે. મુગલ યુગમાં સાંગાનેરી કાપડ રાજાશાહી દરબારોમાં પ્રસિદ્ધ બન્યું અને સમય જતાં યુરોપ સહિત વિશ્વભરના બજારોમાં એની માગ વધતી ગઈ. વિદેશી વેપારીઓ રાજસ્થાનના આ કાપડને ખરીદી દૂરના દેશોમાં લઈ જતા, જેના કારણે સાંગાનેરનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ બન્યું. સમય સાથે અનેક પડકારો આવ્યા છતાં સાંગાનેરના કારીગરોએ આ પરંપરાગત કળાને જાળવી રાખી છે. આજે પણ અહીંના અનેક પરિવારો પેઢીઓથી પેઢી આ કળાને આગળ વધારી રહ્યા છે અને આધુનિક ડિઝાઇન સાથે પરંપરાનો સુમેળ સ્થાપી રહ્યા છે.
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે થોડા દિવસ પહેલાં સાંગાનેરી પ્રિન્ટ ધરાવતા બ્લૅન્કેટના પાઇલટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
ભારતીય ફૅશન-ડિઝાઇનરો અને કલાકારો આ કળાને વિશ્વસ્તરે લઈ જઈ રહ્યા છે
સાંગાનેરની કળાને વિશ્વસ્તરે પહોંચાડવા માટે ત્યાંના કલાકારો પણ આધુનિકતાનો ઉપયોગ કરી રહ્યા છે. ખુશીરામ પાંડે રાજસ્થાનના સાંગાનેર ગામના પાંચમી પેઢીના હૅન્ડ બ્લૉક પ્રિન્ટિંગ કારીગર અને ડિઝાઇનર છે. તેના પિતા અવધેશ પાંડે, જે સ્વયં એક નૅશનલ અવૉર્ડ વિજેતા માસ્ટર ક્રાફ્ટ્સમૅન છે, તે ખુશીરામ માટે બહુ જ મોટા માર્ગદર્શક બન્યા. ૨૦૧૨માં ખુશીરામે તેમના પરિવારની પરંપરા અને કુશળતા સાથે અવધેશ કુમાર બ્રૅન્ડની સ્થાપના કરી, જે હૅન્ડ બ્લૉક પ્રિન્ટેડ મેન અને વિમેનવેઅર અને હોમ લિનન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. તેઓ ત્યાં વિવિધ પ્રકારની પ્રિન્ટ અને ડાઇંગ કરે છે જેમાં વિવિધ ટેક્નિકોનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૦૨૩માં ડેન્માર્ક સરકાર દ્વારા વર્કશૉપનું આયોજન થયું હતું જેમાં ખુશીરામ પાંડેને સાંગાનેરી કળા શીખવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફૅશન-ડિઝાઇનર અનીતા ડોંગરે અને સબ્યસાચી મુખરજી સ્થાનિક કળાને પોતાની ફૅશનમાં ઉપયોગમાં લેવા માટે જાણીતાં છે. અનીતા ડોંગરેએ સાંગાનેરી પ્રિન્ટનો ઉપયોગ તેમનાં વિવિધ કલેક્શનોમાં કર્યો છે જે ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરે છે.

સદીઓ જૂનો ઇતિહાસ સાંગાનેરનો
સાંગાનેર, જે જયપુરથી આશરે ૧૩ કિલોમીટર દક્ષિણમાં આવેલું છે એ આજે એક ઔદ્યોગિક તેમ જ હસ્તકલા કેન્દ્ર તરીકે ઓળખાય છે. જોકે એનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે. સાંગાનેરનું નામ માનવામાં આવે છે કે સ્થાનિક રાજપૂત શાસક ‘સાંગા મેવાડ’ મહારાણા સાંગા પરથી પડ્યું છે. કેટલાક ઇતિહાસકારોના મત અનુસાર ગામની સ્થાપના આમેર રાજ્યના સમયમાં આશરે ૧૬મી સદીમાં થઈ હતી જ્યારે જયપુર હજી સ્થપાયું નહોતું. જયપુરની સ્થાપના ૧૭૨૭માં થઈ. સાંગાનેર એ સમય દરમિયાન વાણિજ્ય અને હસ્તકલા માટે મહત્ત્વનું વેપાર કેન્દ્ર હતું.

આજના સમયમાં સાંગાનેરી પ્રિન્ટ માત્ર કપડાં પૂરતી સીમિત નથી રહી; હવે એ બેડશીટ, ક્વિલ્ટ, પડદા, સ્કાર્ફ, દુપટ્ટા, બૅગ, કુરતા અને હોમ ડેકોર જેવી અનેક વસ્તુઓમાં પણ વપરાય છે. વિશ્વના અનેક ડિઝાઇનર હવે સાંગાનેરી પૅટર્નનો ઉપયોગ આધુનિક ફૅશનમાં પણ કરે છે.
આ લોકલ પ્રિન્ટને GI ટૅગ પ્રાપ્ત છે
સાંગાનેર ગામની ગલીઓમાં આજે પણ સદીઓ જૂની પ્રિન્ટિંગની સુગંધ છે. અહીંની વર્કશૉપ્સમાં એટલે કે પ્રિન્ટિંગની દુકાનોમાં કારીગરો આજે પણ પરંપરાગત રીતથી હાથથી બ્લૉક પ્રિન્ટિંગ કરે છે. દરેક બ્લૉક સીસમ (સાગ)ના લાકડાથી કોતરવામાં આવે છે અને આ બ્લૉક કોતરવામાં પચાસથી ૨૦૦ કલાક જેટલો સમય લાગતો હોય છે. ઘણા કલાકારો તમારી મનપસંદ ડિઝાઇનના બ્લૉક બનાવીને પણ પ્રિન્ટ કરી આપે છે. સાંગાનેરી પ્રિન્ટમાં મોટા ભાગે એકરંગી ડિઝાઇન (single-color print) જોવા મળે છે, પરંતુ કેટલાક કારીગરો બહુરંગી પ્રિન્ટ પણ બનાવે છે. સાંગાનેરી પ્રિન્ટને ૨૦૧૦માં Geographical Indication (GI) ટૅગ પ્રાપ્ત થયો એટલે કે હવે આ કળા માત્ર સાંગાનેર વિસ્તાર માટે વિશિષ્ટ માન્યતા ધરાવે છે. આ માન્યતા એની પરંપરા અને મૂળપણાને કાયદેસર રીતે રક્ષણ આપે છે.
આ કળાને જીવંત રાખવાના પડકારો
૨૦૨૧ના અહેવાલ પ્રમાણે સાંગાનેર, રાજસ્થાનમાં અંદાજે ૧૮૦૦થી ૩૦૦૦ કારીગરો સાંગાનેરી હૅન્ડ બ્લૉક પ્રિન્ટિંગના કાર્યમાં સક્રિય છે. આ કળા મુખ્યત્વે છીપા સમાજ દ્વારા કરવામાં આવે છે જેમની રંગાઈ અને પ્રિન્ટિંગમાં વિશેષ કુશળતા છે. આ ઉદ્યોગ સીધા ૧૨૦૦થી વધુ પરિવારોને રોજગાર આપે છે અને ૩૦૦૦થી વધુ લોકોને વિવિધ કામગીરીઓ જેવી કે બ્લૉક કોતરવો, રંગ તૈયાર કરવો અને માર્કેટિંગ દ્વારા આસામાન્ય રીતે જોડે છે. સંખ્યાબંધ આંકડાઓ અનુસાર સાંગાનેરની વસ્તીના લગભગ ૨૫ ટકા લોકો આ પરંપરાગત કળા પર પોતાની આજીવિકાનો આધાર રાખે છે. મશીન પ્રિન્ટિંગ અને બજારની સ્પર્ધાના પડકારો હોવા છતાં ઘણા કારીગરોએ સાંગાનેરી બ્લૉક પ્રિન્ટિંગને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા બતાવી છે. કેટલાક કારીગરો ઓછા શ્રમે વધુ નફો મળે એ માટે સ્ક્રીન પ્રિન્ટિંગ તરફ પણ વળી ગયા છે. સાંગાનેરી બ્લૉક પ્રિન્ટિંગ માટેના કારીગરોની સંખ્યા વર્ષો દરમિયાન ઘટી છે, છતાં આ કળા સાંગાનેરના સાંસ્કૃતિક અને આર્થિક જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. એને જાળવી રાખવા માટે પ્રયત્નો ખૂબ જ જરૂરી છે.


