ઍમ્બ્યુલન્સ પર લાલ અક્ષરમાં લખાયેલું હોય એ આપણે વર્ષોથી જોતા આવીએ છીએ ને તોય કંકોતરીનો લાલ રંગ જોઈને મા’ણા સમજતા નથી કે લાલ રંગ વાહા ઢીંઢા કરી નાખશે
પ્રતીકાત્મક તસવીર
લગ્ન બાબતે આપણે સુધરતા જાઈએ છીએ કે સુધારાના નામે બગડતા જાઈએ છીએ એ વિચારવાનો સમય આવી ગ્યો છે.
હમણાં મુંબઈમાં એક બહુ મોટી પાર્ટીને ત્યાં લગ્નપ્રસંગે ગ્યો. જાનમાં એકેય બહેનને ચાંદલો નઈં એટલે મને ભારે અચરજ થ્યું. એક બેનને પૂછ્યું તો મને ક્યે, ‘ભાઈ, કંકોતરીમાં તો લખ્યું છે કે ચાંદલાની પ્રથા બંધ છે એટલે અમે સાગમટે જ ભૂંહી નાખ્યા.’
ADVERTISEMENT
કોઈ વિધવાના પુનઃ વિવાહમાં બેઠો હોઉં એવી ફીલ આવી તોય પ્રસંગ તો પૂરો કરવો જ પડે.
હમણાંની કોઈ પણ કંકોતરી ચેક કરજો. એમાં ક્યાંક ઇન્વર્ટેડ કૉમા કરીને બે વાક્યો જરૂર લખ્યાં હશે, ‘માલા ટાટાના લડનમાં જલુલ ને જલુલ આવજો.’ આવું લખ્યું હોય અને પછી નીચે નામ લખ્યાં હોય ધ્યાનિ, ધરમો, અભલો, ખુશી, નેહા, ધ્રુતિ. આખા કુટુંબમાં છેલ્લાં દસ વરહમાં જન્મેલાં તમામ બાળકોનું લિસ્ટ જ મૂકી દીધું હોય. સાલ્લું, હું કોઈ પણ કંકોતરીમાં આ વાક્ય વાંચું એટલે મારા મગજમાં ગોબા પડી જાય કે આ ભાઈના કુટુંબમાં બધાય છોકરા હોલસેલમાં તોતડા જ જન્મ્યા હશે!
હિંમતદાદા આમ તો વિષય વગર કલ્લાકો બોલવા સક્ષમ, પણ આ વખતે તેમણે વિષય પ્રમાણે સિક્સર મારી. મને ક્યે, ‘સાંઈ, દરેક ઍમ્બ્યુલન્સ પર ઇમર્જન્સી માટે લાલ અક્ષરે જ ટાઇટલ લખાય છે જેથી લોકો દૂરથી અલર્ટ રહે અને આ કંકોતરી પણ લાલ અક્ષરે જ લખાય છે. લાલ રંગ ડેન્જરની નિશાની હોવા છતાં કેમ લોકો સમજતા નથી?’
મેં દાદાને સવાલ કર્યો, ‘દાદા, તમને આ સમજણ ક્યારે આવી?’
દાદા ભારે અકોણા. મને ક્યે, ‘લગન પછી!’
‘બસ, તો પછી બધાને એવું જ છે!’ મેં દાદાની સામે જોઈને જવાબ આપ્યો, ‘જબ ચિડિયા ખેતી ચુગ ડારે, ફિર રોને સે ક્યા હોવત હૈ?’
લગ્નવિધિમાં મંડપારોપણ વખતે લીલો વાંસ વપરાય છે. એ ઘસીને પી જાઓ તો તરત વૉમિટ કરી નાખો. આપણા વડવાઓ પાંહે તમામ આકસ્મિક દુર્ઘટનાઓના હાથવગા ઉપાયો હતા.
આખી જાનને ફૂડ-પૉઇઝન થાય તો ડૉક્ટર ક્યાં ગોતવો? માટે લીલો વાંસ રોપવામાં આવે છે. બીજું ખાસ નોંધજો. ગામમાં એક જણને ત્યાં લગન હોય ત્યારે ગામના તમામ વરણને કામ મળી રહે એવી આપણા વડીલોએ વ્યવસ્થા કરી હતી. ઢોલીના ઢોલથી આંગણું ગુંજે, મંડપ બનાવવા સુથારને કામ મળે. રસોઇયાથી જમણ શોભે, હજામ આખા ગામને આમંત્રણ આપી આવે, કુંભારના ઘરે જઈ ‘ચાક વધાવા’ની વિધિ થાય, મુસ્લિમ દીકરીને મેંદી મુકાવવા બોલાવાય, બ્રાહ્મણને વિધિ કરવા બોલાવાય ને વાણિયાની ન્યાંથી દાણા લેવાના. ટૂંકમાં, નાનકડા ગામમાં એક લગન થાય તો બધાને નાનું-મોટું કામ મળી રહે અને બધાનું ગુજરાન ચાલે. આપણાં લગ્નની એટલી સુંદર વ્યવસ્થા ત્રણ દિવસની વિધિમાં ગોઠવવામાં આવી છે. પણ મને ને તમને આ ફેવિકૉલ કે જલેબીબાઈમાંથી ફુરસદ મળે તોને? આપણે ત્યાં લગ્નસંસ્કારને ૧૬ સંસ્કારની કરોડરજ્જુ ગણી છે.
રોડ પર છોકરો કે છોકરી જાતાં હોય તો કહીએ કે ફલાણો છોકરી કે છોકરો જાય છે, પરંતુ દંપતી હાલ્યું જાતું હોય તો એવો શબ્દપ્રયોગ થાય, ‘બે માણસ જાય છે.’
આ શબ્દ પ્રયોજવાનું ગર્ભિત કારણ એ કે આપણો સમાજ લગ્ન પછી જ તેની માણસમાં ગણતરી કરે છે એટલે તો આપણે નિમંત્રણ આપીએ છીએ કે બેય મા’ણા આવો ચા પીવા! બેય મા’ણા જમવા પધારો!
હિમાદાદાનું ઍન્ટિક મગજ અવનવાં અરથ વગરનાં સંશોધનો સતત કરતું રહે છે. મને એમાંથી જ લેખની આઇટમું મળતી રહે.
હમણાં હિમાદાદાએ પરણેલા અને કુંવારાનો નવો સર્વે બજારમાં મૂક્યો. દાદાએ તારણ કાઢ્યું કે દંપતી બાઇક પર એકબીજાને વળગીને બેઠું હોય તો સમજી લેવું એ તાજાં પરણેલાં છે કે પ્રેમી પંખીડાં છે, પરંતુ પતિ-પત્ની વચ્ચેથી હવા પસાર થઈ જાય એટલી જગ્યા જો હોય તો સમજી લેવું કે પરણેલાં છે. ટૂંકમાં, જે દંપતીની વચ્ચેથી બાઇક પર હવા પસાર થઈ જાય તેમની પ્રેમની હવા નીકળી ગયેલી હોય એમ માનવું.
હિમાદાદાના આ સાત્ત્વિક સર્વે પર મને પહેલી વાર માન થયું. બાકી તો શહેરમાં હજી એ દૃશ્યો જોવા મળે છે કે સાઇકલની ચેઇનનો કિચૂડ-કિચૂડ ધ્વનિ વાતાવરણમાં પ્રસરતો હોય. સુદામા જેવા દેહધારી પતિદેવે એક છોકરું આગળ ટીંગાડ્યું હોય ને બીજું વાંહે લટકાવ્યું હોય. નવી લીધેલી જરીવાળી સાડી ગામને બતાવવા ટ્રૅક્ટરના ટાયર જેવડી પત્ની જેવી જોરથી સાઇકલ વાંહે બેસે એ ભેગી સાઇકલ ઝાડ થઈ હોય. માંદી ઘેટીને કસાઈવાડે લઈ જાતો હોય એમ પરસેવે રેબઝેબ પતિદેવ માંડ-માંડ પૅડલ મારતો હોય. એમાં ઢાળ આવે એટલે પતિ વિનમ્ર સ્વરે વિનંતી કરે કે તું જરાક નીચે ઊતરી જાને, તો હું ઢાળ ચડાવી દઉં? વીફરેલી વાઘણ જેવી ઘરવાળી સામી બોલે કે હું નીચે ઊતરું તો મારી સાડી વીંખાઈ જાશે!
‘અરે બેન, હેઠી ઊતરી જા, સાડી ભલે વીંખાતી; તું નહીં ઊતરે તો આ બિચાડો પતિદેવ સાવ વીંખાઈ જાશે!’
પણ ધરાહાર તે બાઈ સાઇકલમાંથી ન ઊતરે અને પતિ બિચાડો શું કરે? પોતાનામાં હોય એટલું જોર કરીને ઢાળ ચડાવે ને પત્ની વાંહે બેઠી-બેઠી ભજનની કડી લલકારતી જાય...
‘હરિ મારું ગાડું તું ક્યાં લઈ જાય... ક્યાં લઈ જાય?’
પતિ મનમાં ને મનમાં બોલે, ‘વોંકળામાં...!’

