થોડા સમય પહેલાં જ એરી સિલ્કને જ્યોગ્રાફિક આઇડેન્ટિફિકેશન ટૅગ મળ્યો છે અને નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં મેઘાલયના આ સિલ્કની વાત ઉખેળી છે
રિંદિયા તરીકે જાણીતું સિલ્ક બનાવવા માટે લોકોનાં ઘરોમાં કૅસ્ટર પ્લાન્ટ પર આવી રીતે એરી સિલ્કવર્મનો ઉછેર કરવામાં આવે છે.
એરંડાના પાન પર થતા ખાસ રેશમના કીડામાંથી બનતું હોવા છતાં એમાં કીડાને જીવહાનિ ન થાય એનું ધ્યાન રાખવામાં આવતું હોવાથી આ સિલ્કને અહિંસક માનવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ એરી સિલ્કને જ્યોગ્રાફિક આઇડેન્ટિફિકેશન ટૅગ મળ્યો છે અને નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં મેઘાલયના આ સિલ્કની વાત ઉખેળી છે ત્યારે આ અનોખા સિલ્કની રેશમી વાતો જાણીએ
ભારતના પૂર્વોત્તર ખૂણે વસેલા મેઘાલયને લોકો એના કુદરતી સૌંદર્ય માટે ઓળખે છે. અહીંનાં ગીચ જંગલ, ધોધ અને વાદળથી ઢંકાયેલા પહાડો જેટલાં પ્રસિદ્ધ છે એટલાં જ અહીંનાં લોકકલા, સંગીત, વસ્ત્રો અને હસ્તકલા પણ દેશ-વિદેશમાં પસંદ કરવામાં આવે છે. મેઘાલયની ટૂર પર જાઓ ત્યારે કોઈ પણ જગ્યાએ રહો તમને ત્યાંના સ્થાનિકો દ્વારા કોઈ ને કોઈ ઇવેન્ટનો ભાગ બનવાનો મોકો જરૂર મળી રહેશે. હાલમાં મેઘાલયનું નામ ‘અહિંસા સિલ્ક’ કાં તો ‘અહિંસા રેશમ તરીકે ઓળખાતા Eri -એરી સિલ્ક કે જેને સ્થાનિકો ‘રિંદિયા’ (Ryndia) કહે છે તેના માટે નોંધપાત્ર બન્યું છે. ગયા રવિવારે મન કી બાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એરી સિલ્ક કે અહિંસા સિલ્કનો ઉલ્લેખ કરીને લોકોમાં આ સિલ્ક વિશે ઉત્સુકતા જગાવી છે. આ રાજ્યની મહિલાઓની કળા, પરંપરા અને આત્મનિર્ભરતાનું જીવતું જાગતું ઉદાહરણ એવા એરી ઉર્ફ રિંદિયા ઉર્ફ અહિંસા સિલ્કને જાણીએ.
ADVERTISEMENT
એરી સિલ્ક શરૂઆત જે કેવી રીતે થઈ?
એરી સિલ્ક ભારતના પ્રાદેશિક સિલ્કની બહુ જ જૂની વરાઇટી માનવામાં આવે છે. એરી નામ આસામીઝ શબ્દ ‘એરંડા (erranda)’ પરથી આવ્યું છે. એરંડાનો છોડ એરી સિલ્કના કીડાઓનું મુખ્ય ભોજન છે. અંગ્રેજીમાં કૅસ્ટર પ્લાન્ટ તરીકે ઓળખાય છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશના ખાસી, ભોઈ, મિસિંગ અને કરબી જેવા ખાસ પ્રાદેશિક આદિવાસી સમુદાયના લોકો પોતાના અંગત ઉપયોગ માટે આ સિલ્ક વર્મને ઉછેરતા હતા. એરી સિલ્ક મલબેરી સિલ્કની જેમ ચળકતું નથી અને એ નૉન-રિલેબલ છે એટલે કે પ્રક્રિયા દરમ્યાન એના નાના-નાના ટુકડામાંથી દોરાને વણીને લાંબો બનાવવો પડે જ્યારે અન્ય સિલ્કની પ્રક્રિયામાં દોરો પહેલેથી જ લાંબો વણાય છે. પારંપરિક પ્રક્રિયાથી બનાવવામાં આવતું આ સિલ્ક દેખાવમાં ડલ એટલે કે ઑફ-વાઇટ અને મેટ હતું તેથી બ્રિટિશકાળ દરમ્યાન સિલ્ક ટ્રેડ માટે ત્યારે વસેલા બ્રિટિશરોને લુભાવ્યું નહીં. આ વાત મેઘાલયના એ સમયના લિખિત ઇતિહાસમાં નોંધેલ છે. યુરોપમાં આવી પદ્ધતિથી સિલ્કવણાટનું કામ શરૂ થયું એની ટાઇમલાઇન પહેલાંનો ઉલ્લેખ મેઘાલયના ટેક્સટાઇલ અને હેરિટેજના ઇતિહાસમાં છે. બ્રિટિશરોએ મલબેરી અને મોગા સિલ્ક એક્સપોર્ટ માટે પસંદ કર્યું. ૧૯૧૦થી ૧૯૪૦ના કાળમાં ખાસી સમુદાયના કલાકારોએ આ કલાને રોજિંદા જીવનમાં અને અમુક ધાર્મિક ઉપયોગ હેતુસર કળાને જીવંત રાખી. આ જ અરસામાં ગાંધીજીએ અહિંસા ટેક્સટાઇલ ઉત્પાદન માટે લોકોને પ્રેરિત કર્યા. જોકે ત્યારે પણ આ સિલ્કને અહિંસા સિલ્ક નહોતું કહેવાયું. ૨૦૧૦થી જાણીતા NGOએ રિ-ભોઈ નામના વિસ્તારના કલાકારો અને તેમની વણાટકામ પદ્ધતિને સહકાર આપવાનું શરૂ કર્યું. તેમને જરૂરી સાધનો અને તાલીમ આપવાનું શરૂ કરીને મુખ્ય માર્કેટ સાથે જોડવાનું કામ શરૂ કર્યું. ૨૦૨૦માં મેઘાલયના ટેક્સટાઇલ વિભાગ દ્વારા Rydia બ્રૅન્ડ લૉન્ચ કરવામાં આવી અને એરી સિલ્કને લક્ઝરી ફૅબ્રિક તરીકે પ્રચાર કરવામાં આવ્યું. ૨૦૨૧માં આ એરી સિલ્ક બનાવતા ગામને સિલ્ક વિલેજની ઓળખ આપવામાં આવી.
અહિંસક કેમ કહેવાય છે?
જ્યારે તમે રિંદિયા, એરી કે અહિંસા સિલ્ક વાંચશો તો વિચારશો કે આ સામાનાર્થી છે કે એક જ સિલ્કનાં જુદાં-જુદાં નામ છે એ જાણી લો. રિંદિયા એટલે એરી સિલ્ક, એરી સિલ્ક એટલે અહિંસા સિલ્ક. એટલે દરેક એરી સિલ્ક અહિંસા સિલ્ક છે પરંતુ દરેક અહિંસા સિલ્ક એરી સિલ્ક નથી, કારણ કે અમુક મલબેરી અને ટસર સિલ્ક પણ અહિંસા પ્રોસેસથી બનાવવામાં આવે છે. એવી જ રીતે દરેક એરી સિલ્ક પણ રિંદિયા નથી. જે મેઘાલયના ખાસી અને ભોઈ કલાકારો દ્વારા પારંપરિક પદ્ધતિથી હાથ વડે બનાવીને ડાઇ કરવામાં આવે એને જ રિંદિયા કહેવાય.
જ્યારે સિલ્કવર્મ કકુન એટલે એનું કોચલું છોડી દે છે ત્યારે આ પ્રકારે દોરા જેવી રચના પાછળ રહી જાય છે, જેના બાદમાં યાર્ન એટલે કે દોરાના લચ્છા બનાવવામાં આવે છે
શું છે અહિંસા પ્રોસેસ? અહિંસા સિલ્ક પ્રોસેસમાં સિલ્કવર્મ એટલે સિલ્કના કીડાને માર્યા વગર બનતું સિલ્ક. સામાન્ય રીતે સિલ્ક બનાવવાની પ્રક્રિયામાં કપડાને ચમક આપવા માટે સિલ્કવર્મને જીવતું ઉકાળવામાં આવે છે અને એમાંથી લાંબા સિલ્કના દોરા બનાવવામાં આવે છે. પરંતુ અહિંસા પ્રોસેસમાં આ કીડાઓને જીવતા બહાર નીકળવા દેવામાં આવે છે અને તેમણે છોડેલા કોચલામાંથી સિલ્ક બનાવવામાં આવે છે. એના કારણે આ સિલ્ક ઑફ-વાઇટ હોય છે. એ નરમ હોય છે પરંતુ ચળકાટ નથી ધરાવતું. તેમ જ બહુ જ ટકાઉ મટીરિયલ છે. જૈન, બુદ્ધિસ્ટ અને ક્રૂરતાવિહીન એટલે કે ક્રુઅલ્ટી-ફ્રી પ્રોડક્ટ શોધતા ગ્રાહકો માટે આ મટીરિયલ પસંદગીને પાત્ર બને છે.
એરી સિલ્ક યાર્ન.
રિંદિયા ગામ અને સિલ્કમાં શું ફરક છે?
મેઘાલયના રિ-ભોઈ જિલ્લાના ઉમડેન દિવોન (Umden-Diwon) ગામના ૭૦ ટકા લોકો ફુલટાઇમ પેઢીઓથી પારંપરિક પદ્ધતિથી રિંદિયા સિલ્ક બનાવે છે. આ ગામમાં મોટા ભાગે ખાસી સમુદાયના લોકો પેઢીઓથી આ સિલ્ક બનાવી રહ્યા છે એટલે આ સમુદાયના લોકો અને જગ્યાએથી બનાવવામાં આવતા એરી સિલ્કને GI ટૅગ મળ્યો છે. GI ટૅગ એટલે જ્યોગ્રાફિક આઇન્ડેન્ટિફિકેશન. એટલે જે-તે જગ્યાનું જ ખાસ ઉત્પાદન એ પ્રદેશ કે વિસ્તારની ઓળખ બની જાય એને GI ટૅગ આપવામાં આવે છે. રિંદિયા ગામ નથી પણ આ બ્રૅન્ડને મેઘાલય સરકાર દ્વારા પ્રોત્સાહન અને પ્રચારિત કરવામાં આવી રહી છે તેથી આ ગામ રિંદિયાના ઉપનામ તરીકે ઓળખાવા લાગ્યું છે.
એરી સિલ્ક ગ્લોબલ કેવી રીતે બન્યું?
એરી સિલ્ક અને નારી સશક્તીકરણની વાત કરીએ ત્યારે મેઘાલયની આ કળાને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે સૌથી પહેલાં તો અહીંની આદિવાસી મહિલાઓ જવાબદાર છે કે જેમણે આ કળાને જીવંત રાખી. તેમની આ કળાને ગ્લોબલ બનાવવામાં ઘણા લોકોએ સહકાર આપ્યો. એમાં સૌથી પહેલાં તો એશાહ રિમ્બી (Iaishah Rymbai)નું નામ જરૂર આવે. ૨૦૨૨માં પાંચ મહિલાઓ સાથે પારંપરિક પદ્ધતિથી અહિંસા સિલ્ક બનાવવાનું શરૂ કર્યું. ગ્રામીણ સહકારી સંસ્થા સ્થાપીને મેઘાલયનાં અન્ય ગામોગામ જઈને મહિલાઓને તાલીમ આપીને એરી સિલ્કને વિશ્વસ્તરે લઈ જવા માટે હાથ ધર્યો. આ વર્ષે ફેબ્રુઆરીમાં શાર્ક ટૅન્કમાં એશાહ રિમ્બી તેની દીકરી સાથે આ કળાનો પ્રચાર કરવા ગયા હતા જેમાં અનુપમ મિત્તલ અને નમિતા થાપર દ્વારા એરી વીવ બ્રૅન્ડને ૨૦ લાખનું રોકાણ મળ્યું હતું. આ મેઘાલયની એવી પહેલી કંપની હતી જેને આવું રોકાણ મળ્યું. એ સિવાય આંધ્ર પ્રદેશની ટેક્સટાઇલ ટેક્નૉલૉજિસ્ટ કુસુમા રાજૈયાને પણ એરી સિલ્કને ગ્લોબલ સ્તરે પહોંચાડવા માટે શ્રેય આપવું પડે. જેણે અહિંસા સિલ્ક-વીગન સિલ્ક-ક્રૂરતાવિહીન ફૅશન તરીકે ફૅશન જગતમાં પહોંચાડ્યું. મેઘાલય સરકારે આ ફૅબ્રિકને રિંદિયા બ્રૅન્ડ તરીકે વિકસાવી. NESFAS, SELCO ફાઉન્ડેશન, MSONIE જેવા NGOએ લોકો સુધી સૌરઊર્જા દ્વારા ચાલતા વણાટકામનાં મશીનોની મદદ પહોંચાડીને કુદરતી ડાઇ પદ્ધતિ, ટકાઉ ફૅબ્રિકનો પ્રચાર કર્યો. મેઘાલયનાં પ્રથમ મહિલા રાજ્યસભા સંસદસભ્ય વાનસુક સાઇમ રાષ્ટ્રીય સ્તર સુધી આનો અવાજ પહોંચાડીને જાહેર જનતા સુધી લઈ ગયાં. વધુમાં ઓછું ગયા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અહિંસા સિલ્કનો ઉલ્લેખ કરીને વિશ્વભરમાં લોકોમાં આ કપડાં વિશે ઉત્સુકતા જગાડી.
એરી સિલ્કના દોરામાંથી કુદરતી પ્રક્રિયાથી ડાઇ કરીને તૈયાર થયેલું કાપડ.
જાણવા જેવું
અહિંસા શબ્દ તો પ્રાચીન સમયની દેન છે. ગાંધીજીની ફિલોસૉફી પણ અહિંસાનો પ્રચાર કરે છે પરંતુ ‘અહિંસા સિલ્ક’ શબ્દનો ઉપયોગ ૧૯૯૦-૨૦૦૦ની વચ્ચે થવાનો શરૂ થયો. આંધ્ર પ્રદેશની ટેક્સટાઇલ ટેક્નૉલૉજિસ્ટ કુસુમા રાજૈયાએ આ શબ્દને ૨૦૦૨ ટ્રેડમાર્ક તરીકે શરૂ કર્યો. એટલે વિશ્વમાં જ્યાં પણ આ રીતે સિલ્ક બને છે જેમાં કીડાનો જીવ નથી જતો એને અહિંસા સિલ્ક કહેવામાં આવે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફૅશન-ડિઝાઇનરો ટકાઉ ફૅશનનો પ્રચાર કરવા માટે તેમના કલેક્શનમાં અહિંસા સિલ્કનો ઉપયોગ કરી રહ્યા છે. લંડનની જાણીતી ફૅશન-ડિઝાઇનર લ્યુસી તામામ વિશ્વ સ્તરે વીગન ફ્રેન્ડ્લી એરી પીસ સિલ્કનો પ્રચાર કરે છે. સ્કૉટલૅન્ડની એના-લુઈસ મેનેલે મેઘાલયમાં ૭ વર્ષ સુધી સિલ્ક ટેક્સટાઇલ મિલ પર અભ્યાસ કર્યો. કેટલાંય વર્ષો વણાટકામ કરતી મહિલાઓ સાથે પસાર કર્યા છે. તેણે એના લૂમ ફાઉન્ડેશન શરૂ કર્યું જેમાં મહિલા કલાકારોને યોગ્ય રોજગાર મળી રહે એ માટે તેમના ફૅબ્રિકને ડિઝાઇન આપીને વૈશ્વિક માર્કેટ સુધી પહોંચાડે છે. આસામની ફૅશન-ડિઝાઇનરે એરી સિલ્કને ગરીબ માણસના સિલ્કમાંથી કુરતા, ટ્રેન્ચ કોટ અને સાડી બનાવીને લક્ઝરી તરીકે ક્લેક્શન પ્રદર્શિત કર્યું. ડિઝાઇનર અર્ચના કોચરે ન્યુ યૉર્ક ફૅશન વીક અને ઇન્ડિયા લીડરશિપ કૉન્ક્લેવ ૨૦૧૫માં અહિંસા સિલ્ક અને વિમેન એમ્પ્લૉયમેન્ટનો પ્રચાર કર્યો હતો.
એરી સિલ્ક માત્ર પરંપરા નહીં પરંતુ પર્યાવરણ બચાવવા માટે પણ લાભદાયક છે. એરી સિલ્કનું ઉત્પાદન પાણીનો વપરાશ ઓછો કરે છે, કેમિકલ ડાઇનો ઉપયોગ થતો નથી, જીવના સંરક્ષણ સાથે જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ આપે છે. આજે જ્યારે ફાસ્ટ ફૅશન પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે ત્યારે રિંદિયા જેવી ટકાઉ કળાઓ પર્યાવરણને ઑક્સિજન બક્ષે છે.
એરી સિલ્ક વિલેજની ટ્રિપ
જો તમે મેઘાલય ફરવા ગયા હો અને આ એેરી સિલ્ક કઈ રીતે બને છે એ જોવું હોય તો એ માટેની વન ડે ટૂર પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ થઈ છે. શિલોંગથી સવારે કારમાં રિ-ભોઈ જિલ્લામાં આવેલા ઉમડેન ગામ પહોંચવાનું. ત્યાં ગામ અને સિલ્ક બનાવવાની પ્રક્રિયા જોવાની. સ્થાનિક ખાણું ખાવાનું અને પાછા શિલોંગ આવી જવાનું. વ્યક્તિદીઠ લગભગ ૧૦૦૦ રૂપિયામાં આ ટ્રિપ થઈ જાય. જોકે ગામ ખૂબ નાનું હોવાથી રોજના દસ જ સહેલાણીઓને આ ટ્રિપમાં સમાવી શકાય છે.

