Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આ ભાઈ પાસેનું કલેક્શન જોઈને ગજબ શબ્દ નાનો પડે

આ ભાઈ પાસેનું કલેક્શન જોઈને ગજબ શબ્દ નાનો પડે

04 February, 2024 09:16 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

ચલણી નોટો, મુદ્રા, સિક્કા, સ્ટૅમ્પ્સ, વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞોનાં નામની રૅર અને ખાસમખાસ કરન્સી નોટનો ખજાનો ધરાવે છે બોરીવલીના અનોખા કલેક્ટર સમીર શાહ.

સમીર શાહ

સમીર શાહ


‘જો ઇરાદો પાક્કો હોય તો શોખને કોઈ સરહદી સીમાડા નથી નડતા’ એવો મંત્ર જીવનારા સમીર શાહને શોખ છે ન્યુમઝ્મૅટિક્સનો (numismatics). ન્યુમઝ્મૅટિક્સ એટલે એવો શોખ જેમાં તે દેશવિદેશ જઈને સોનું-ચાંદી-હીરા-ઝવેરાત નહીં, પણ ખરીદે છે એની કિંમતની લગોલગ કરન્સી નોટ્સ, અનકટ શીટ્સ, સ્ટૅમ્પ અને કૉઇન્સ! લગભગ ત્રણથી ચાર દાયકામાં તેમણે પચીસથી વધુ દેશો ફરીને એટએટલું કલેક્શન કર્યું છે કે ન પૂછો વાત. સમીરભાઈ દસેક વર્ષ ઓમાનમાં રહેલા હોવાથી ત્યાંના કલ્ચર અને રીતભાતની છાંટ તેમના ઘરમાં પણ જોવા મળે છે. એ સાથે તેમની પાસે છે ઓમાનના પ્રિન્સ કાબુસની દુર્લભ કહી શકાય એવી નોટો, સિક્કાઓ અને સ્ટૅમ્પ્સ. ફક્ત ઓમાનના જ નહીં, તેમની પાસે છે દુનિયાભરના અનેક દેશોના ન્યુમઝ્મૅટિક્સ. તો ચાલો જરાક એક ડૂબકી મારીએ તેમના ખજાનામાં અને ખજાનો એકઠો કરવાના શોખમાં.

કેવી રીતે લાગ્યો આ શોખ?
સમીરભાઈ કહે છે, ‘આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં પોસ્ટનું ચલણ હતું ત્યારે કોઈ પણ કવર પર સ્ટૅમ્પ ચોંટાડેલી હોય. બસ, શોખથી એ સ્ટૅમ્પ જમા કરું. વળી કોઈ ફૉરેન જતું તો તેમની પાસેથી કૉઇન માગી લેતો. હાઈ સ્કૂલમાં ફ્રેન્ડ્સ અને કઝિન્સના માધ્યમથી વીટી સ્ટેશને આવેલી જીપીઓની ખબર પડી. ૧૯૮૦ની આસપાસના સમયમાં ફાઇનૅન્શિયલ ફ્રીડમ તો ખાસ હતી નહીં એટલે ખરીદવાની તો ત્યારે તાકાત જ ન હોવાથી કલેક્શન સ્લોલી ચાલતું હતું. ફિલાટેલી આમ જુઓ તો આવા શોખની શરૂઆત છે. પૈસાની દૃષ્ટિએ એ સૌથી સસ્તું પડે. પછી એન્જિનિયર બન્યો અને જૅપનીઝ કંપની મિત્સુબિશી જૉઇન કરી. એ સમયે મને વિશ્વ સાથે કનેક્ટ કર્યો. જીવનની ત્રીસી પછી ફાઇનૅન્શિયલ પાવર વધવાથી ખરું કલેક્શન ત્યારથી શરૂ થયું. આ ખર્ચાળ શોખ છે. હું ૨૫ પ્લસ કન્ટ્રી ફર્યો છું. મારી પાસે લગભગ ૧૦૦થી વધુ બૅન્ક-નોટ્સ છે અને કૉઇન્સ એના કરતાં પણ થોડા વધુ છે. કરન્સી હાર્ડકોર મની છે. એક ડૉલરની નોટ રાખો તોય એની ફિક્સ અમાઉન્ટ ચૂકવવી પડે. લોકોને આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ લાગે છે. રૅર આઇટમના ભાવ પણ વધુ હોય, પણ મારા માટે તો આ પૅશન છે.’



સમીરભાઈ કહે છે, ‘૨૦૧૯ સુધી હું રૅન્ડમ કલેક્શન કરતો. જ્યાં જતો ત્યાં મારી પ્રાઇસબૅન્ડમાં ફિટ થાય એ વસ્તુ હું રૅન્ડ્મલી ખરીદી લેતો. ૨૦૧૯માં મેં ઇન્ડિયા આવીને મારો બિઝનસ શરૂ કર્યો. ૨૦૨૧માં મારા જીવનમાં એક વળાંક આવ્યો. હું ઇન્ટરનૅશનલ બૅન્ક-નોટ સોસાયટી – હિન્દુસ્તાન ચૅપ્ટર (IBNS HC)ના સ્થાપક અને પ્રમુખ અનિષ મહેતાને મળ્યો. તેઓ એક મોટા ન્યુમઝ્મૅટિક કલેક્ટર છે. તેમનું સતત માર્ગદર્શન મને કલેક્શન માટે મદદ કરતું હતું. તેમને મળ્યા પછી મને ખ્યાલ આવ્યો કે મારે મારા કલેક્શનને ચૅનલાઇઝ કરીને થીમ-બેઝ કરવું જોઈએ. મારું એન્જિનિયર અને પ્રો-સાયન્ટિફિક માઇન્ડ હોવાને લીધે મેં નક્કી કર્યું કે હું વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞનું કલેક્શન કરીશ.’


મહાત્મા ગાંધીની તસવીરવાળી રિયલ ખાદીવાળી સ્ટૅમ્પ


ખજાનામાં શું-શું છે?
સમીરભાઈએ પોતાના કલેક્શનના ત્રણ વિભાગ પાડ્યા છે : સ્ટૅમ્પ્સ (ફિલાટેલી), કરન્સી નોટ્સ અને અનકટ શીટ્સ તથા કૉઇન્સ. 
ઓમાન, યુએસએ, જપાન, કૅનેડા, થાઇલૅન્ડ, નેપાલ, બાંગલાદેશ, સાઉદી અરેબિયા, શ્રીલંકા, સિંગાપોરની વિવિધ બૅન્ક-નોટ સિરીઝનો સંપૂર્ણ સેટ અને લગભગ કુલ ૧૦૦ દેશોની નોટ્સ અને

અનકટ શીટ્સ. 
ઓમાન, કૅનેડા, થાઇલૅન્ડ, સિંગાપોર, જપાન, યુએઈ, શ્રીલંકા, આર્મેનિયા, જર્મની, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, તુર્કી એમ મળીને લગભગ ૧૦૦પ્લસ દેશોના કૉઇન સેટ્સ. 
ઓમાન, આર્મેનિયા, સિંગાપોર, જપાન, હંગેરી, કૅનેડા, થાઇલૅન્ડ, તાઇવાન એમ કુલ લગભગ ૭૫પ્લસ દેશોની ​મિનીએચર સ્ટૅમ્પ્સ.

સુલતાન કાબુસના ડ્રીમ પ્રોજેક્ટ રૉયલ ઑપેરા હાઉસના માનમાં ખાસ સિક્કાનો સેટ સંગીતના સાધનના ચિત્ર સાથે.

સ્ટૅમ્પ ફિલાટલી
સ્ટૅમ્પમાંથી કન્ટ્રી અને એના ડેવલપમેન્ટ વિશે જાણકારી મળે છે. સ્ટૅમ્પ્સના કલેક્શન વિશે સમીરભાઈ કહે છે, ‘કમ્યુનિકેશનની શરૂઆતથી જ સ્ટૅમ્પ્સ આપણી સાથે છે. અત્યારે તો ફિઝિકલ પોસ્ટજ ઓછું થયું છે એટલે શોખ તરીકે ફિલાટેલી એક ડાઇંગ હૉબી છે. ઇન્ડિયાએ આવી ૨૭૪ જેટલી સ્ટૅમ્પ બહાર પાડી છે અને મારા કલેક્શનમાં એ બધી જ સ્ટૅમ્પ છે. પહેલાં એકદમ ઝીણી સ્ટૅમ્પ આવતી. પછી ક્વૉલિટી સુધરી. એ પછી ફ્રીડમ ફાઇટર્સ આવ્યા. જે-તે મૂવમેન્ટ્સના ટૉપિક્સ પણ સ્ટૅમ્પ પર જોવા મળે. એ રીતે સ્ટૅમ્પ હિસ્ટોરિકલી પોતાનું અલગ જ અસ્તિત્વ રાખે છે. એ સિવાય ઓમાનના વિવિધ લશ્કરી ડ્રેસમાં સુલતાન કાબુસની એમ્બોસ્ડ સ્ટૅમ્પ અને સ્ટૅમ્પ પર વાસ્તવિક છોડની સામગ્રી સાથેની સ્ટૅમ્પ, યુનિક શેપ ધરાવતી અબુ ધાબીની ભવ્ય મસ્જિદની સ્ટૅમ્પ પણ છે.’

અનકટ બૅન્ક-નોટ્સ 
સમીર‍ શાહ પાસે વિશ્વના ૧૦થી વધારે દેશોની અનકટ નોટ્સ છે. એમાં યુએસએ, ઓમાન, થાઇલૅન્ડ, યુક્રેન, ઝાયર, નૉર્થ કોરિયા વગેરે દેશોનો સમાવેશ થાય છે. અનકટ શીટ્સનું કલેક્શન કઈ રીતે શરૂ થયું એ વિશે સમીરભાઈ કહે છે, ‘હું ઓમાનમાં હતો ત્યારે એના સુલતાને લિમિટેડ નંબરમાં ૪૦ નોટની અનકટ શીટ કાઢેલી. ૯૯ ટકા લોકોને તો આની ખબર નથી હોતી અને જેને ખબર હોય તેઓ ક્લેક્ટ કરે એવા ઓછા હોય છે અને જે લોકોએ જોઈ હોય એવા તો સાવ જ ઓછા હોય છે. ત્રણ દેશો એવા છે જેમનું ડિનો​મિનેશન ૧૦૦૦ છે. મતલબ ૧ યુનિટ = ૧૦૦ પૈસાની જેમ ૧ યુનિટ = ૧૦૦૦ બઇસા છે. કુવૈત, બાહરીન અને ઓમાન જેવા દેશોમાં અનકટ બૅન્ક-નોટ્સ છે. આવી શીટ્સમાં ૫૦૦ બઇસા, ૧૦૦ બઇસાની ૬૦ નોટની અનકટ શીટ્સ અને ૧ રિયાલની ૪૦ નોટ છે.’

જર્મની કૉઇન ​સિરીઝ

મૅથ્સ અને સાયન્સ નોટ્સ 
આખા વર્લ્ડમાં ૧૦૦થી વધારે બૅન્ક-નોટ્સ એવી છે જે વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞના નામની છે. એમાંથી ચાલીસેક નોટ તેમની પાસે છે. દરેક દેશ એની નોટો પર પ્રખ્યાત લોકોને પ્રિન્ટ કરવા અલગ-અલગ રીત અપનાવે છે. કેટલાક દેશોએ વિજ્ઞાનીઓ અને ગણિતશાસ્ત્રીઓને બૅન્ક-નોટ પર મૂક્યા છે. હાલની બ્રિટિશ ૫૦ પાઉન્ડની નોટ કમ્પ્યુટરના અગ્રણી ઍલન ટ્યુરિંગનું સન્માન કરે છે. એ જ રીતે સર્બિયા (અથવા અગાઉના યુગોસ્લાવિયા) પાસે એમની બૅન્ક-નોટ્સ પર નિકોલસ ટેસ્લા છે, જેમના નામ પરથી આજે પ્રખ્યાત ટેસ્લા કારનું નામ રખાયું છે. એ જ રીતે છેલ્લે ૫૦૦ ફ્રાન્કમાં પિયર અને મૅરી ક્યુરીનાં પોર્ટ્રેટ જારી કરવામાં આવ્યાં હતાં એ નોટમાં આગળના ભાગમાં તેમનું સંયુક્ત પોર્ટ્રેટ છે અને પાછળ એક પ્રયોગશાળાનું દૃશ્ય છે. ૧૦૦૦ લીરાની નોટ પર એજ્યુકેશન માટે બહુ ઉમદા કામ કર્યું છે એ મારિયા મૉન્ટેસરીનું ચિત્ર જોવા મળે છે. તુર્કી, આર્મેનિયા, ઇરાક વગેરે દેશોએ પણ એમના સૂત્ર સાથે ગણિતશાસ્ત્રીનું ચિત્ર છાપ્યું છે.

જી-૨૦ 
ગયા વર્ષે જી-૨૦માં પણ ખાસ પ્રદર્શન થયું હતું જે જોઈને દેશવિદેશના પ્રતિનિધિઓ પણ અચંબિત થઈ ગયા હતા. એ વિશે સમીરભાઈ કહે છે, ‘અનિષ મહેતાની આગેવાનીમાં IBNS HC ચૅપ્ટર હેઠળ લગભગ દોઢસોથી વધુ લોકોનું ગ્રુપ બનાવ્યું છે. એ ગ્રુપમાં અમે ઇન્ફર્મેશન શૅર કરીએ, એના પર ચર્ચાઓ કરીએ અને મુંબઈમાં દર વર્ષે બે મોટાં એક્ઝિબિશન કરીએ છીએ. આ વખતે જી-૨૦ સમિટ વખતે અમને પ્રદર્શનનો મોકો મળ્યો. અમને થયું કે ૨૦ કન્ટ્રીની બૅન્ક-નોટ્સ મૂકીએ. બ્રેઇન-સ્ટૉર્મિંગ કરતાં લાગ્યું કે આપણે ફક્ત ૨૦ ડિનૉમિનેશનની નોટ્સ જ મૂકીએ. અમે છ કલેક્ટર હતા. અમુક કન્ટ્રી માટે ૨૦ ડિનૉમિનેશન ખૂબ જ ઓછાં કહેવાય. જેમ કે ઇન્ડોનેશિયામાં ૨૦,૦૦૦ ઇન્ડોનેશિયન રૂપિયાની નોટ છે. વર્લ્ડની લાર્જેસ્ટ ઇસ્લામિક પૉપ્યુલેશન કન્ટ્રી પર ગણપતિનો ફોટો છે. ચાઇનાએ વિન્ટર ઑલિમ્પિક્સ હતી ત્યારે સ્પેશ્યલી ટ્વેન્ટી યુઆનની નોટ કાઢેલી. ૨૦ જર્મન ફ્રાન્કની ૧૯૨૦ની એટલે કે ૧૦૦ વર્ષ જૂની નોટ પણ આમાં છે.’

કૉઇન્સ

દરેક સરકાર એવી રીતે કૉઇન બહાર પાડે જેમાં અમુક રીતનાં સિક્યૉ​રિટી ફીચર્સ અને ન્યુ જનરેશન ટેક્નૉલૉજી પણ હોય. જર્મનીએ પાંચ યુરોના કૉઇન બહાર પાડેલા જેની વચ્ચેના ભાગમાં પૉલિમર રિંગ હતી. જર્મનીમાં પાંચ ટંકશાળ એટલે કે મિન્ટ છે જેમણે દરેક અલગ-અલગ રીતનાં કલર વેરિઅન્સવાળી કૉઇન સિરીઝ બનાવી છે. ૨૦૧૬માં ‘પ્લૅનેટ અર્થ’ કરીને પાંચ યુરોના કૉઇન બહાર પાડ્યા. ઇનર અને આઉટર મેટલ રિંગ્સ એની પાસે મેટલની કેમિકલ અને ફિઝિકલ પ્રૉપર્ટી છે. એ ​સિરીઝ હિટ ગયા પછી બીજી પાંચ ‘ક્લાઇમેટ ઝોન્સ ઑફ ધ અર્થ’ નામે બહાર પડી. સમીરભાઈ પાસે એની છએ છ સિરીઝ એના પાંચેય કૉઇન સાથે છે. સમીરભાઈ કહે છે, ‘પહેલો સેટ બહાર પડ્યો ત્યારે કલેક્ટ કરવામાં છ મહિનાનો સમય ગયેલો. હું ઓમાનમાં ડેપ્યુટેડ હતો. બુકિંગ ઑલમોસ્ટ ક્લોઝ્ડ હતું. જર્મની ત્યારે આ કરન્સી મિડલ ઈસ્ટ કે ઇન્ડિયામાં મોકલી નહોતું શકતું. હું એની બુકિંગ કંપનીને ડાયરેક્ટ્લી પેમેન્ટ નહોતો કરી શકતો. એટલે મારે એક એવી વ્યક્તિ શોધવી પડી જેણે કૉઇન કલેક્ટ કર્યા અને એની ડિલિવરી થઈ એટલે તેણે કલેક્ટ કર્યા. એક રૂટથી મારી પાસે પેમેન્ટ આવ્યું અને બીજા રૂટથી ફ્રેન્ડ મારફત પેમેન્ટ કરવામાં આવ્યું. કમ્યુનિકેશનમાં બુકિંગ ટાઇમ જતો રહેલો. એમાં લકીલી એક જર્મન લેડીએ એક સેટ મને તેમના રિઝર્વ ક્વોટામાંથી મદદ કરી અને આપ્યો. ડાર્કથી લાઇટ કલર પાંચ મિન્ટ (ટંકશાળ)નો શેડ બતાવે છે. મને ખુશી છે કે હું દુનિયાનો એક એવો માણસ છું જેની પાસે બધા જ ૩૦ કૉઇનનો સેટ છે. ૨૦૧૦માં મારા કલેક્શનની સૌથી મોંઘી આઇટમ છે. સુલતાન કાબુસના કિંગ ૪૫ વર્ષના થયેલા ત્યારે એ લોકોએ ૧ ઔંસનો પ્યૉર ગોલ્ડ કૉઇન અને પ્યૉર સિલ્વર કૉઇન બહાર પાડેલો. ત્યાંની માર્કેટવૅલ્યુ બેથી ત્રણ લાખ હશે. એના કરતાં વધુ પણ હોઈ શકે. તે રહ્યા નથી એટલે કદાચ વધારે પણ હોઈ શકે.’

સમીરભાઈ કહે છે, ‘નૉર્થ કોરિયાના કડક રૂલ વચ્ચે પણ ત્યાંથી કંઈક મેળવવું હોય તો રાઇટ ચૅનલથી જવું. રૅર વસ્તુની પ્રાઇસ વધુ હોય છે. ૧૦થી ૧૫ ટકા વધુ પ્રાઇસ આપવી પડે ક્યારેક.’
આટઆટલું કલેક્શન કરતી વખતે ક્યારેક છેતરાઈ જવાય એવું બને? શરૂ-શરૂમાં અસલી અને નકલી ચીજની પરખ કરવાનું કઈ રીતે સંભવ બન્યું? એના જવાબમાં તેઓ કહે છે, ‘એવી ઘણી ખાનગી કંપનીઓ છે જે કોઈ ખાસ પ્રસંગ માટે અથવા એમ જ ફૅન્સી નોટ્સ બહાર પાડે છે. એ કાનૂની ટેન્ડર નથી હોતું. ક્યારેક તો એ US$ 1,000,000 મિલ્યન જેવી નકલી નોટ હોય છે. એક વેબસાઇટ છે (http://www.banknote.ws/) જેના પર અત્યાર સુધી વિશ્વભરમાં જારી કરાયેલી તમામ બૅન્ક-નોટનો અધિકૃત ડેટાબેઝ છે. સાચા-ખોટાની પરખ માટે, સમાન ડિઝાઇનની વાસ્તવિક કે નકલી નોટનો તફાવત કરવા માટે, વૉટરમાર્કથી શરૂ કરીને યુવી લાઇટ પરનાં વિશિષ્ટ ચિહનો/પ્રતીકો, રંગ બદલવાની શાહી, કેટલાંક ટચફૉલ ફીચર્સ (બ્રેઇલ માર્ક) વગેરે ચેક થતું હોય છે.’

આ કલેક્શન સાથે છે રસપ્રદ હિસ્ટરી
• યુએન - સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યદેશો : કુલ ૧૯૩માંથી લગભગ ૧૦૦થી વધુ દેશોની નોટો અને સિક્કાઓ ધરાવે છે.
• યુએન  - નૉન-સભ્ય દેશ : તાઇવાન, ટ્રાન્સનિ​​ટ્રિયા
• મૃત દેશો (એવા દેશો જે હવે અસ્તિત્વમાં નથી) : બર્મા, પૂર્વ પાકિસ્તાન, તિબેટ, યુએસએસઆર (સોવિયેટ યુનિયન), ચેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, ઝાયર
• ૧ જાન્યુઆરી ૨૦૦૦ પછી રચાયેલા દેશો : દક્ષિણ સુદાન (૨૦૧૧), સર્બિયા (૨૦૦૦) વગેરે.

આ કલેક્શનમાં છે અજબગજબની વાતો
• ઝિમ્બાબ્વે : US$ 100,000,000,000,000 ૧૦૦ ટ્રિલ્યન ડૉલરની નોટ - અત્યાર સુધી જારી કરાયેલી સૌથી મોટી રકમ (નંબર ‘0’માં છપાયેલી)ની નોટ.
• ઇન્ડોનેશિયા : સૌથી મોટી વસ્તી ધરાવતા ઇસ્લામિક દેશની 20,000 રૂપિયાની નોટ જેના પર ભગવાન ગણેશ છે.
• અસામાન્ય કદની બૅન્ક-નોટ : મૉન્ગોલિયા, કિર્ગિસ્તાન,
• મિરર ઇમેજ ટાઇપ બૅન્ક-નોટ: બ્રાઝિલ

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2024 09:16 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK