ક્યાંય ઉદ્વેગ નથી મન ચોવીસ કલાક સંક્લેશોમાં જ રમ્યા કરે છે એનો

પ્રતીકાત્મક તસવીર
‘મહારાજસાહેબ, આપ કંઈક આશીર્વાદ આપી શકશો?’ પ્રશ્ન એક ટૅક્સી-ડ્રાઇવરનો અને વિસ્તાર હતો જુહુનો. ‘એવું છે કે ધંધામાં મંદી છે. બજારમાં નાણાભીડ છે, મોંઘવારી જાલિમ છે. આ બધાં પરિબળોની વચ્ચે મારો ધંધો પણ બરાબર ચાલતો નથી, બરકત નથી. આપ નહીં માનો પણ મંદી એટલી સખત છે કે માંદા પડનારા માણસ દવાખાને જવાનું પણ ટાળવા લાગ્યા છે.’
‘જેના વિના ચાલે નહીં એ દવા લીધા વિના જો માણસો ચલાવે તો ટૅક્સીમાં બેસવાનું પણ ટાળે એ સમજાય એવું છે.’
‘એ જ કહું છું. અમે ઘરમાં છ જણ છીએ. મારાં માતા-પિતા, મારી પત્ની, હું અને મારાં બે બાળકો. કરકસરથી જીવીએ છીએ તોય મહિને ૧૦,૦૦૦નો ખર્ચ આવે જ છે. મારી-તોડીને ઘરખર્ચ પૂરતી કમાણી કરી લઉં છું, પણ...’
‘પણ શું?’
જવાબ આપવામાં ડ્રાઇવરની આંખમાં આંસુનાં બુંદ બાઝી ગયાં.
‘એવું છે કે મારું ઘર છે ત્યાં ગરીબ માણસોનાં ઝૂંપડાં છે. એ લોકોનાં બાળકો આખો દિવસ રસ્તા પર રખડતાં રહે. રાતે ઘરે પહોંચું કે તરત એ બાળકો મારી પાસે આવે, કંઈક ને કંઈક માગ્યા કરે. વર્ષોથી હું એ બાળકોની માગણીને સંતોષતો, કારણ કે આવક હતી. એમાંથી ચૉકલેટ, બિસ્કિટ-પીપરમીન્ટ લઈ જતો. જોકે હમણાં મારી આવક ઓછી થઈ એટલે ઘરે આવતાં બાળકોને કંઈ જ આપી શકતો નથી. આપ આશીર્વાદ આપી શકતા હો તો એવા આશીર્વાદ આપો કે મારા ઘરે કોઈ પણ માગવા આવે, હું તેને ના પાડું જ નહીં.’
ડ્રાઇવરે દિલથી કહ્યું.
‘મંદીનો મને કોઈ વાંધો નથી; પણ બીજાઓને આપી શકતો નથી, આવે તેમના ચહેરા પર રાજીપો લાવી શકતો નથી એની મને વ્યથા છે.’
આટલું બોલતાં તો ટૅક્સી-ડ્રાઇવરની આંખમાં ફરી આંસુ આવી ગયાં.
મંદીની વેદના ખરી, પણ જલસા માટે નહીં પણ દાન થઈ શકતું નથી એના માટેની વેદના. ધન્ય છે એ ટૅક્સી-ડ્રાઇવરની ઉદાત્ત ભાવનાને!
પૂછો તમારા અંતઃકરણને. ધંધાની મંદી ખટકી રહી છે એની પાછળ વેદના શેની છે? દુઃખમાંથી સુખમાં જવાનો જે ધખારો છે એની પાછળ કારણ શું છે? લગભગ એક જ કારણ છે. સગવડો ભોગવવી છે, જલસા કરવા છે, મજા માણવી છે.
ક્યાંય વેદના નથી ધર્મ ઘટી ગયાની! ક્યાંય વેદના નથી ઉદારતા ઘટી ગયાની! ક્યાંય વેદના નથી અસમાધિ વધી ગયાની. ક્યાંય ખચકાટ નથી આરાધના નથી થઈ શકતી એનો. ક્યાંય ઉદ્વેગ નથી મન ચોવીસ કલાક સંક્લેશોમાં જ રમ્યા કરે છે એનો. જીવ જ્યારે બીજા માટે પીડાય ત્યારે માનવું કે જીવન સાર્થક થઈ ગયું.