ઑસ્ટ્રેલિયાની ટૂર પર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોનાં મોઢાં બંધ કરી દીધાં હતાં
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મૅચમાં ૧૭૦ બૉલમાં ૧૬૮ રનની મૅચવિનિંગ પાર્ટનરશિપ કરી હતી.
ઑસ્ટ્રેલિયાની ટૂર પર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોનાં મોઢાં બંધ કરી દીધાં હતાં. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ. બી. ડિવિલિયર્સે રોહિત-વિરાટના ટીકાકારોની આકરી ટીકા કરી છે. તે કહે છે કે ‘છેલ્લા કેટલાક મહિનામાં એ બન્નેએ ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે. કેટલાક લોકો તેમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મને સમજાતું નથી કે આવું શા માટે થાય છે. મને લાગે છે કે મોટા ભાગના લોકો તેમની અદ્ભુત કરીઅરની ઉજવણી કરી રહ્યા છે.’
ટીકાકારો પર આકરા પ્રહાર કરતાં ડિવિલિયર્સ કહે છે, ‘મને ખબર નથી પડતી કે હું તેમને માણસ કહી શકું કે નહીં. ખેલાડીઓ પોતાની કરીઅરના અંત સુધી પહોંચે ત્યારે આ ક્રૉચ જેવા લોકો તેમનાં છિદ્રોમાંથી બહાર નીકળી આવે છે. તમે એવા ખેલાડીઓ પર નકારાત્મક ઊર્જા કેમ મોકલો છો જેમણે પોતાના દેશ અને ક્રિકેટની સુંદર રમત માટે પોતાનો જીવ આપ્યો છે. આ બન્ને ક્રિકેટરની રમત માણવાનો યોગ્ય સમય છે.’


