IPLની ફાઇનલ મૅચનો તેનો લુક ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે આ ફ્રેન્ડની છણાવટ કરીએ
પ્રતીકાત્મક તસવીર
IPLની ફાઇનલમાં અનુષ્કા શર્માનો લુક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ઓવરસાઇઝ્ડ શર્ટની સાથે કમ્ફર્ટ આપે એવું બ્લુ કલરનું જીન્સ અને એની સાથે ન્યુડ મેકઅપ અને વેવી હેરસ્ટાઇલ સિમ્પ્લિસિટી અને ગ્લૅમરનું ફ્યુઝન લાગતું હતું. ડેનિમમાં એક ડ્રામેટિક એલિમેન્ટ ઍડ થઈને લુકને થોડો ગ્લૅમરસ બનાવવા માટે એમાં વિશેષ પ્રકારના સ્ટોન લગાવ્યા હતા, એને રાઇનસ્ટોન કહેવાય છે. આ રાઇનસ્ટોન જીન્સની કિંમત ૨૭,૦૦૦ રૂપિયા આંકવામાં આવી રહી છે. અનુષ્કાના OOTD એટલે કે આઉટફિટ ઑફ ધ ડેમાં ચર્ચાઈ રહેલા રાઇનસ્ટોનના ટ્રેન્ડ વિશે મુલુંડમાં રહેતાં અને NIFT હૈદરાબાદનાં સ્ટુડન્ટ રહી ચૂકેલાં અનુભવી ફૅશન-ડિઝાઇનર રશ્મિ શાહ પાસેથી જાણીએ...
રાઇનસ્ટોન એટલે?
ADVERTISEMENT
રાઇનસ્ટોન એક પ્રકારનો ચમકીલો અને હીરા જેવો દેખાતો પથ્થર હોય છે. મોટા ભાગે ઍક્રિલિક અને કાચના રાઇનસ્ટોનનો ઉપયોગ આઉટફિટને સ્ટાઇલ કરવા માટે થાય છે. એ કપડાંના કલરના હિસાબે ગમે તે કલર, રંગ અને આકારમાં ઉપલબ્ધ હોય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એ ઓછા ખર્ચે લક્ઝુરિયસ અને ગ્લૅમરસ લુક આપે છે. કુદરતી ક્રિસ્ટલમાંથી પણ રાઇનસ્ટોન બની શકે, પણ એ અધધધ કિંમતના હોય છે. મધ્યમવર્ગીય લોકોને એ પરવડી શકે નહીં. હૉટફિક્સ, ટાંકી શકાય એવા અને ગ્લુથી ચીપકાવી શકાય એવા એમ ત્રણ પ્રકારના રાઇનસ્ટોન મળે છે. હૉટફિક્સ રાઇનસ્ટોનને હૉટપ્રેસ અથવા સ્પેશ્યલ ટૂલ વડે લગાવવામાં આવે છે.
ડેનિમમાં વધતું ચલણ
આમ તો રાઇનસ્ટોનની ફૅશન બે દાયકા જૂની છે, પણ એનું અત્યારે ટ્રેન્ડમાં કમબૅક થવાનું કારણ ડેનિમ છે. આજકાલ લોકોને સિમ્પલ પ્લેન ડેનિમ પહેરવા કરતાં રાઇનસ્ટોન સ્ટડેડ ડેનિમ પહેરવા વધુ ગમી રહ્યા છે. અનુષ્કાએ રાઇનસ્ટોનવાળું જીન્સ પહેરર્યું હતું એમાં સરળતાની સાથે સ્ટોનને લીધે ગ્લૅમનો ટચ પણ આવતો હતો એ રીતે ડેનિમ જૅકેટ હોય, જીન્સ હોય કે સ્કર્ટ હોય; રાઇનસ્ટોન તમારા સિમ્પલ લુકને ગ્લૅમરસ ટચ આપે છે. પાર્ટી, કૉન્સર્ટ કે ક્લબમાં જવું હોય તો રાઇનસ્ટોન સ્ટડેડ ડેનિમની ફૅશન તમારા લુકને યુનિક બનાવશે એ પાકું. ડેનિમ અને રાઇનસ્ટોનનું કૉમ્બિનેશન તમારા વેસ્ટર્ન લુકને મૉડર્ન બનાવવાનું કામ કરે છે. એટલે આ કન્ટેમ્પરરી ફૅશન ઑલટાઇમ ટ્રેન્ડમાં રહેશે.
સ્ટાઇલિંગમાં રાઇનસ્ટોનનો ઉપયોગ
એવું જરૂરી નથી કે ડેનિમમાં જ રાઇનસ્ટોન હોય, એ સાદા ટૉપ પર પણ લગાવી શકાય. બટરફ્લાય, ફ્લાવર કે મોનોક્રોમ ડિઝાઇનવાળા આર્ટવર્ક પર સ્ટોનનું વર્ક કરી શકાય. જીન્સના સાઇડલાઇન પૉકેટ પર સ્ટોનને ચિપકાવી શકાય. રાઇનસ્ટોન હીલ્સ કે સ્નીકર્સ પર પણ સજાવવામાં આવે છે. આ ઉપરાંત ક્લચ ક્લિપ અને નેઇલ આર્ટમાં પણ એનો ઉપયોગ થાય છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
રાઇનસ્ટોન જીન્સ પહેરો છો તો એની સાથે ક્રૉપ ટૉપ અથવા ઓવરસાઇઝ્ડ શર્ટ પહેરો. જો ઓવરસાઇઝ્ડ શર્ટ પહેરો છો તો એને એક સાઇડથી ઇન કરજો તો જીન્સ વધુ હાઇલાઇટ થશે. જો પૅન્ટમાં રાઇનસ્ટોન હોય તો ટૉપ અને ફુટવેઅર સાદાં જ રાખજો.
દિવસ દરમિયાન રાઇનસ્ટોનવાળા આઉટફિટ ઓવરપાવર કરતા હોય એવું લાગશે તેથી ઈવનિંગ ફંક્શન્સમાં જ પહેરવા વધુ યોગ્ય રહેશે.
જો રાઇનસ્ટોન સ્ટડેડ ડેનિમ જૅકેટ પહેરો તો જીન્સ અને ટૉપ પ્લેન હોય તો વધુ સારું.
ડેનિમ સ્કર્ટ પહેરો તો પણ ફુટવેઅર અને ટૉપ સિમ્પલ રહેશે તો જ રાઇનસ્ટોનની ઇફેક્ટ આવશે.
રાઇનસ્ટોનવાળા આઉટફિટ પહેરો તો ઍક્સેસરીઝને મૅટ રાખવાથી લુક બૅલૅન્સ્ડ લાગશે.

