ખરાબ લાઇફસ્ટાઇલને લીધે પુરુષોને આ પ્રૉબ્લેમ થઈ રહ્યો છે ત્યારે એને નિવારવાના નુસખા જાણી લેવા જેવા છે
પ્રતીકાત્મક તસવીર
આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે આરોગ્યને પ્રાધાન્ય આપવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને પુરુષો નોકરી અને પર્સનલ લાઇફને બૅલૅન્સ કરવાના ચક્કરમાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી અને એ બગડતી લાઇફસ્ટાઇલ આરોગ્યની સાથે ત્વચા પર પણ નકારાત્મક અસર પાડે છે. એમાંની એક અસર છે આંખોની આસપાસ દેખાતાં ડાર્ક સર્કલ્સ. શારીરિક અને માનસિક પરિબળોને લીધે આ સમસ્યા થઈ શકે છે.
પ્રમુખ કારણો
ADVERTISEMENT
વ્યસ્ત શેડ્યુલને લીધે પુરુષોને પૂરતી ઊંઘ મળતી નથી. ઊંઘની ઊણપને કારણે આંખોની આસપાસ બ્લડ-સર્ક્યુલેશન બરાબર થતું નથી અને એને કારણે ડાર્ક સર્કલ્સ દેખાવા લાગે છે. આ ઉપરાંત ઘણી વાર ઘરની જવાબદારી અને નોકરીમાં કામનું દબાણ વધુ હોવાથી પુરુષો માનસિક દબાણ ફીલ કરે છે. આ સ્ટ્રેસને લીધે હૉર્મોનલ બૅલૅન્સ બગડે છે અને એ ચહેરા પર ડાર્ક સર્કલ્સ રૂપે દેખાઈ આવે છે. આ સમસ્યા થવાનું વધુ એક મુખ્ય પરિબળ છે ડાયટ. જન્ક ફૂડના અતિસેવનથી જરૂરી પોષક તત્ત્વો શરીરને મળતાં નથી. પૂરતું પાણી ન પીવાથી પણ ત્વચા નીરસ દેખાવા લાગે છે. ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરતા પુરુષોમાં ડાર્ક સર્કલ્સ થવાની શક્યતાઓ વધુ હોય છે. અમુક કેસમાં તો ડાર્ક સર્કલ્સની સમસ્યા વારસાગત હોય છે.
આ ઉપાયથી દૂર થશે ડાર્ક સર્કલ્સ
સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ અને પોષણયુક્ત આહાર લેવાનું બહુ જ જરૂરી છે. આહારમાં લીલી શાકભાજી, ફળો, સૂકા મેવા, વિટામિન C, E અને આયર્નથી ભરપૂર આહાર ડાર્ક સર્કલ્સને ઘટાડવાનું કામ કરે છે.
ડેસ્ક-જૉબ કરતા પુરુષોએ ૨૦-૨૦-૨૦નો રૂલ અપનાવવો જોઈએ. એટલે કે દર ૨૦ મિનિટે ૨૦ ફીટ ઉપર જોઈને ૨૦ સેકન્ડ માટે આંખોને સ્ક્રીનથી દૂર રાખવી અને આરામ આપવો.
આંખોને થાક લાગે ત્યારે રૂને ગુલાબજળમાં ભીંજવીને થોડી વાર આંખો પર રાખવાથી આંખોની આસપાસના મસલ્સ રિલૅક્સ થશે અને તમે ફ્રેશ ફીલ કરશો. આ પ્રૅક્ટિસ ડાર્ક સર્કલ્સથી દૂર રાખશે.
આંખોની આસપાસના સ્નાયુને રિલૅક્સ કરવા માટે વિન્કિંગ એક્સરસાઇઝ બહુ મદદરૂપ સાબિત થશે. એમાં ડાબી આંખને બંધ કરીને જમણી આંખ ખોલો અને ખુલ્લી આંખે આસપાસ જુઓ અને પછી આ રીતે જમણી આંખને બંધ કરીને ડાબી આંખ ખોલો. છથી આઠ વખત આ રીતે પ્રૅક્ટિસ કરવાથી પણ ડાર્ક સર્કલ્સની સમસ્યામાં ફાયદો થશે.
સૂતી વખતે કોકોનટ ઑઇલ અથવા તલનું તેલ આંખોની આસપાસ લગાવીને મસાજ કરવાથી પણ આંખોને આરામ મળે છે.
બટાટાને છીણીને આંખો પર થોડી વાર રાખો અને પછી ચહેરો પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી પણ ડાર્ક સર્કલ્સ દૂર થઈ શકે છે. આ બધા નુસખાથી પણ જો કંઈ ફરક ન પડતો હોય તો એક વાર સ્કિન-એક્સપર્ટની સલાહ લેવી.
હોમ ટિપ્સ
ચોમાસામાં માખી-મચ્છરના ઉપદ્રવથી કેવી રીતે બચશો?
ચોમાસામાં ભેજ અને પાણી એકઠું થવાથી થતા મચ્છરના ત્રાસથી છુટકારો મેળવવા માટે તુલસીનો છોડ ઉગાડો.
લીંબુના ટુકડા કરીને એમાં લવિંગ ભરાવીને રૂમમાં મૂકો.
રસોડું સાફ રાખો અને મીઠાઈ કે ફળ ખુલ્લાં ન મૂકો.
સાંજના સમયે પાણીમાં ફુદીનાનું તેલ મિક્સ કરીને સ્પ્રે કરો.
કડવા લીમડાનાં સૂકાં પાનના ધુમાડાથી ઘરમાં જીવજંતુ પ્રવેશી શકતાં નથી.
ઘરને જાળીથી પ્રોટેક્ટેડ રાખો.
જો મચ્છર-માખી દેખાય તો એને મારવાનું રૅકેટ ઘરમાં રાખો. લિક્વિડ વેપરાઇઝર કરતાં આ નુસખો સ્વાસ્થ્યને નુકસાન નહીં પહોંચાડે.

