લાલાશ પડતા પિમ્પલ્સની સાથે અસહ્ય ખંજવાળ આવે તો સમજી જવું કે તમને ફંગલ ઍક્ને થયા છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
બદલાતા હવામાનની સાથે બદલાતી લાઇફસ્ટાઇલની અસર ત્વચા પર ખીલ સ્વરૂપે જોવા મળે છે. હૉર્મોનલ ચેન્જ અથવા માસિકની તારીખ નજીક આવે ત્યારે યુવતીઓને ચહેરા પર ખીલ આવતા હોય છે, જે નૉર્મલ ગણાય છે. પણ કેટલાક સંજોગોમાં ફંગલ ઍક્ને ત્વચાને ડૅમેજ કરતા હોય છે પણ આપણને ખબર પડતી નથી. આથી નૉર્મલ ઍક્ને અને ફંગલ ઍક્ને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
શું છે તફાવત?
ADVERTISEMENT
ચર્ચગેટ અને જુહુમાં ક્લિનિકનું સંચાલન કરતાં અનુભવી ડર્મેટોલૉજિસ્ટ અને ટ્રાઇકોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ કહે છે, ‘સામાન્ય લોકો માટે બન્ને પ્રકારના ઍક્ને વચ્ચે ફરક ઓળખવો મુશ્કેલ બને છે. દેખાવે બધા નાના, દાણા જેવા, લાલ અને ઇરિટેશન થાય એવા જ હોય છે પણ બન્નેનાં કારણો, લક્ષણો અને સારવાર અલગ-અલગ હોય છે. જો આ તફાવત સમજાયો ન હોય તો લોકો પોતે ક્રીમ લગાવીને સારવાર કરવા માંડે છે જેમાં ઘણી વાર સ્ટેરૉઇડવાળી ક્રીમનો ઉપયોગ થતો હોય છે જે સ્કિનને વધુ ખરાબ સ્થિતિ સુધી લઈ જાય છે. જેને પસીનો વધારે થાય અથવા ઑઇલી સ્કિન હોય, ટ્રાવેલિંગ વધુ થતું હોય ત્યારે મેલેસિઝિયા નામની ફંગસ ઓવરગ્રો થાય છે અને એને કારણે ફંગલ ઍક્ને થાય છે. નૉર્મલ ઍક્ને મોટા ભાગે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, રૉન્ગ સ્કિન-કૅર, અથવા મેકઅપમાં થતી મિસ્ટેક્સને કારણે થાય છે. એ દેખાવે નાના હોય છે. વાઇટ હેડ્સ અને બ્લૅક હેડ્સવાળા હોવાથી સ્કિનનું ટેક્સ્ચર સ્ટ્રૉબેરી જેવું થઈ જાય છે. આવા ખીલમાં ખંજવાળ આવતી નથી, પણ ફંગલ ઍક્ને દેખાવમાં લાલાશ પડતા હોય છે અને બહુ જ ખંજવાળ આવે છે. એ મોટા ભાગે ચહેરા પર કપાળ પર, ગાલ પર અને પીઠમાં થાય છે. એ પસીનાને લીધે, ટાઇટ કપડાં પહેરવાથી અને જિમમાં વર્કઆઉટ કરી આવ્યા બાદ જો સ્નાન કરવામાં ન આવે તો એ સ્વેટિંગથી ફંગસ જમા થાય છે અને ઍક્નેનું રૂપ ધારણ કરે છે. ગૂગલ પર વાંચીને અથવા ઘરે પોતાની રીતે આડેધડ જે ક્રીમ લગાવવાથી નજીકના ભવિષ્યમાં સમસ્યા વકરી શકે છે. સ્ટેરૉઇડ ફંગલ એક્ને અને ફંગલ ઇન્ફેક્શનને વધુ ફલાવે છે, જેને લીધે ત્વચા લાલાશ પડતી થવાની સમસ્યા આવે છે. આથી જો એવું લાગે કે ચહેરા કે પીઠમાં ખીલ ધીમે-ધીમે વધી રહ્યા છે તો તાત્કાલિક સ્કિન સ્પેશ્યલિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવી આવવું.
સારવારમાં શું ફરક?
નૉર્મલ ઍક્નેની સારવારમાં વધેલા બૅક્ટેરિયાનો નાશ કરવા ઍન્ટિબાયોટિક આપવામાં આવે છે જેથી ઇન્ફ્લમેશન ઘટે અને પિમ્પલ્સ ઓછા થાય. વિટામિન A આપવામાં આવે છે. એને રેટિનોઇડ્સ પણ કહેવાય છે. એ પોર્સને ઓપન રાખીને ઑઇલ પ્રોડક્શનને ઘટાડે છે અને નવા બ્રેકઆઉટ્સથી રોકે છે. માઇલ્ડ ફેસવૉશ, સ્કિનના પ્રકાર મુજબ મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન; આ સ્કિન-કૅર રૂટીન મહત્ત્વનું છે જે સ્કિનને હેલ્ધી રાખશે.
ફંગલ ઍક્નેનું કારણ બૅક્ટેરિયા નહીં પરંતુ મેલેસિઝિયા નામની ફંગસ હોવાથી એની સારવાર થોડી અલગ હોય છે. એને દૂર કરવા માટે ઍન્ટિફંગલ મેડિસિન અપાય છે. એમાં ક્રીમ, લોશન અથવા જરૂર પડે તો ટૅબ્લેટ્સ પણ આપવામાં આવે છે. પસીનો અને ઑઇલ ફંગસને વધારતાં હોવાથી હાઇજીન મેઇન્ટેન કરવું સખત જરૂરી છે. ઑઇલ બેઝ્ડ સ્કિન-કૅર પ્રોડક્ટ્સ ફંગસને ખોરાક આપતી હોવાથી આવી પ્રોડક્ટ્સનો વપરાશ બંધ કરવો હિતાવહ છે. તેથી આવી પ્રોડક્ટ્સ બંધ કરવી. ફંગલ ઍક્ને વારંવાર થતા હોય તો સારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી.


