Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

જેનો જોટો નહીં જડે

Published : 13 July, 2025 06:18 PM | Modified : 14 July, 2025 07:02 AM | IST | Gandhinagar
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

હૉલીવુડના હીરો બ્રૅડ પિટે ટાંગલિયા વર્કવાળું શર્ટ પહેર્યું અને ગુજરાતની આ કળાની જગતઆખામાં ચર્ચા થવા માંડી

હીરો બ્રૅડ પિટ

હીરો બ્રૅડ પિટ


એટલા માટે કે એમ્બ્રૉઇડરી સહિતનાં બીજાં વર્ક કાપડ પર એક સાઇડ પર દેખાય છે, જ્યારે ૭૦૦ વર્ષ જૂની ટાંગલિયા કળા એવી છે જે કાપડની બન્ને સાઇડ પર એકસરખી દેખાય છે : માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી રહ્યા છે આ કળાના કસબીઓ : આજકાલ શર્ટથી લઈને કુર્તી, કુર્તા, કોટી, ડ્રેસ-મટીરિયલ, સ્ટોલ, દુપટ્ટા, સાડી, સ્કાર્ફ, મફલર, શાલથી માંડીને ઓશીકાનાં કવર અને બેડશીટમાં પણ જોવા મળી રહ્યું છે ટાંગલિયા વર્ક


હૉલીવુડના હીરો બ્રૅડ પિટે તાજેતરમાં એક ફિલ્મમાં ટાંગલિયા વર્કવાળું શર્ટ પહેર્યું અને ઊડીને આંખે વળગે એવું અદ્ભુત આર્ટવર્ક શર્ટ પર દેખાયું, જેનાથી લોકો પ્રભાવિત થયા. આ વર્કની વૈશ્વિક સ્તરે ચર્ચા થવા માંડી કે આ કળા કઈ છે? કેવી રીતે તૈયાર થયું આ વર્ક? ક્યાં જોવા મળે છે આ વર્ક? બ્રૅડ પિટના શર્ટ પર જે વર્ક દેખાય છે એ આપણા ભારતનું અને એમાં પણ ગુજરાતની આગવી ઓળખ સમું ટાંગલિયા વર્ક છે જેની આજકાલ ચર્ચા જાગી છે. એવું નથી કે બ્રૅડ પિટે ટાંગલિયા વર્કવાળું શર્ટ પહેર્યું અને એને ઓળખ મળી. કોરાણે મુકાઈ ગયેલી આ ટાંગલિયા આર્ટ સાત દાયકા જૂની છે. જોકે એની ચર્ચા ફરી પાછી જાગી છે ત્યારે આ કળા શું છે, આ કળાની ખાસિયતો, ફૅબ્રિક પર આ વર્ક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, એની પ્રોસેસ, એની વિશેષતા, આ કળા પ્રાચીન હોવા છતાં કેમ એનો જોઈએ એવો ફેલાવો નથી થયો એ સહિતની બાબતો આ કળાના કસબીઓ પાસેથી જાણીએ.



વંશપરંપરાગત કળા


સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું વસ્તડી ગામ. આ ગામમાં રહેતા અને ૬૧ વર્ષની ઉંમરે આજે પણ રોજ હાથસાળ પર બેસીને ટાંગલિયા વર્ક કરતા જહાભાઈ રાઠોડ ‘મિડ-ડે’ને આ કળા કેવી રીતે શરૂ થઈ એ વિશે વાત કરતાં કહે છે, ‘લગભગ ૪૫ વર્ષથી હું આ કામ કરી રહ્યો છું. મારા પિતા લક્ષ્મણભાઈ પાસેથી હું ટાંગલિયા વર્ક શીખ્યો છું. આ અમારો વંશપરંપરાગત વ્યવસાય છે, અમારી ટ્રેડિશનલ કળા છે જે અમને વારસામાં મળી છે. છેલ્લાં ૭૦૦ વર્ષથી આ ટાંગલિયા આર્ટ ચાલતી આવી છે. આ કળા શરૂ થવા પાછળ જે લોકવાયકા છે એ મુજબ ૭૦૦ વર્ષ પહેલાં ભરવાડ સમાજ ઘેટાં-બકરાં ચરાવતો હતો અને વણકર સમાજ વણાટકામ કરતો હતો. ઘેટાના ઊનમાંથી કપડું બનાવ્યું અને કપડાનું વણાટકામ કરવાની સાથે-સાથે વણાટકામમાં વચ્ચે-વચ્ચે મનમાં જે ડિઝાઇન સૂઝી એ બનાવતા ગયા. આમ ને આમ ટાંગલિયા વર્કની શરૂઆત થઈ. એ જમાનામાં ડાંગસિયા સમાજ બન્યો જે ટાંગલિયા કળાથી કપડાં બનાવતો હતો. આજે ડાંગસિયા સમાજના ૯૦ ટકા લોકો સુરેન્દ્રનગર જિલ્લાનાં ગામોમાં રહે છે. અમે લોકો ઘરેથી જ ટાંગલિયા વર્કનું કામ કરીએ છીએ.’

કેવી રીતે તૈયાર થાય છે?


ટાંગલિયા વર્ક કેવી રીતે તૈયાર થતું હશે એની ઉત્કંઠા સ્વાભાવિક રીતે બધાને થતી હોય ત્યારે આ કળા કેવી રીતે કપડા પર ઊતરે છે એની રસપ્રદ વાત કરતાં જહાભાઈ રાઠોડ કહે છે, ‘હાથસાળ પર હાથથી એક-એક દોરાનું મેળવણ કરીને કાપડ બને છે. આ કાપડ બનતું હોય એ વખતે જ ટાંગલિયા વર્ક એની સાથે-સાથે થતું હોય છે. એટલે કે કાપડ બનતું હોય એ સમયે મગજમાં જે ડિઝાઇન સૂઝે એને દોરાની મદદથી કાપડ પર આવડતથી બનાવતા જઈએ છીએ. એટલે હાથથી કપડું વણાતું જાય અને એની સાથે-સાથે હાથથી જ ટાંગલિયા વર્કની ડિઝાઇન પણ વણાતી જાય. આમ ટાંગલિયા વર્ક તૈયાર થાય છે. એમ્બ્રૉઇડરી કે પ્રિન્ટ જેવું નથી કે પહેલાં કપડું તૈયાર થઈ જાય અને પછી એના પર એમ્બ્રૉઇડરી કરવામાં આવે કે પ્રિન્ટ કરવામાં આવે. એવું ટાંગલિયા વર્કમાં નથી હોતું. કાપડની સાથે-સાથે જ ટાંગલિયા વર્કની ડિઝાઇન કપડા પર વણતા જઈએ છીએ એટલે કપડું અને ટાંગલિયા વર્ક એકસાથે જ તૈયાર થાય છે. આ કામમાં કુશળતા જરૂરી છે, કેમ કે એમાં દોરાની મિલાવટ સાથે કાપડના પનાનું માપ જોઈને એમાં ટાંગલિયા વર્ક કરવાનું હોય છે.’

ટાંગલિયા ફૅબ્રિકની ખાસિયત

ટાંગલિયા વર્ક બીજા વર્ક કરતાં જુદા પ્રકારનું છે, એની ખાસિયત બીજા વર્ક કરતાં અલગ છે એની વાત કરતાં જહાભાઈ રાઠોડ કહે છે, ‘આ વર્કની ખાસિયત એ છે કે ટાંગલિયા વર્ક હૅન્ડમેડ છે અને એ હાથવણાટથી બને છે, મશીનમાં નથી બનતું. ટાંગલિયા આર્ટમાં મોતી જેવું કામ હોય છે. એ કપડાની બન્ને બાજુ એકસરખું દેખાય છે, કપડાની બન્ને સાઇડ એ અલગ-અલગ દેખાતું નથી. માનો કે એમ્બ્રૉઇડરી હોય કે પ્રિન્ટ કરેલું વર્ક હોય તો એ કપડાની એક સાઇડ પર દેખાશે; જ્યારે ટાંગલિયા વર્ક કપડાની બન્ને બાજુ એક જેવું જ દેખાય છે, એકસરખું જ હોય છે. બીજી ખાસિયત એ છે કે આજે દરેક વસ્તુ મશીનથી બનતી થઈ ગઈ છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો યુગ છે અને આવનારા સમયમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી હજી પણ આગળ વધશે, પણ અમારું ટાંગલિયા વર્ક મશીનથી નહીં થાય એ અમારી ચૅલેન્જ છે. આ કળા હાથથી જ થઈ શકે છે.’

કયા-કયા કાપડ પર?

એક સમયે માત્ર ઘેટાના ઊનમાંથી બનતાં કપડાં પર ટાંગલિયા વર્ક થતું હતું, પરંતુ હવે તો ઘણાંબધાં ફૅબ્રિક પર પણ આ વર્ક થઈ રહ્યું છે એની વાત કરતાં જહાભાઈ રાઠોડ કહે છે, ‘પહેલાં તો ઘેટાના ઊનમાંથી કપડાં તૈયાર થતાં અને એમાં ટાંગલિયા વર્ક થતું હતું; પરંતુ હવે કૉટન, કૉટન સિલ્ક, વૂલ અને ખાદીનાં કપડાં પર પણ ટાંગલિયા વર્ક કરીએ છીએ. કોઈ પણ કપડા પર ટાંગલિયા વર્ક કરવું એ સમય માગી લે એવું કામ છે. ટાંગલિયા વર્ક સાથે દિવસમાં વધુમાં વધુ મીટરથી બે મીટર સુધીનું કપડું તૈયાર થાય છે. ટાંગલિયા વર્ક કેવું બનાવો છે એના પર કપડું તૈયાર થવાનો આધાર છે. વિવિધ કપડાં પર ટાંગલિયા વર્ક થાય છે. એમાંથી દુપટ્ટા, સ્ટોલ, કુર્તી, ડ્રેસ-મટીરિયલ્સ, સાડી, શાલ, કુર્તા, કોટી ઉપરાંત બેડશીટ અને ઓશીકાનાં કવર પર પણ ટાંગલિયા વર્ક થાય છે. પહેલાં ટ્રેડિશનલ ડિઝાઇન થતી હતી. આજે ટ્રેડિશનલની સાથે-સાથે મૉડર્ન ડિઝાઇન પ્રમાણે ટાંગલિયા વર્ક કરીએ છીએ.’

પ્રાચીન કળાને નવજીવન

એક સમયે ધમધમતી ટાંગલિયા વર્કની પ્રાચીન કળા ધીરે-ધીરે લુપ્ત થવાના આરે આવીને ઊભી રહી ગઈ હતી, પણ પછી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી (NIFT) તેમ જ ગુજરાત સરકારના ગુર્જરી સ્ટોરે આ કળાને જીવંત રાખવા માટે પ્રયાસો હાથ ધર્યા એ વિશે વાત કરતાં જહાભાઈ રાઠોડ કહે છે, ‘આ પ્રાચીન કળાનો ફેલાવો થવો જોઈએ એવો થયો નહીં એની પાછળનું કારણ એ હતું કે આ કામ અઘરું છે. પહેલાં તો ઘેટાના ઊનમાંથી ટાંગલિયા વર્ક અમે કરતા હતા, પરંતુ ધીરે-ધીરે આ કળા લુપ્ત થવા માંડી. જોકે ગાંધીનગરમાં આવેલા NIFTને અમારી ટાંગલિયા વર્કની જાણ થઈ ત્યારે તેમને લાગ્યું કે આ તો યુનિક વર્ક છે અને એ કળા લુપ્ત થતી જાય એ કેમ ચાલે? એટલે એ લોકોએ અમને ઊન સિવાય કૉટન અને સિલ્કમાં પણ ટાંગલિયા વર્ક કરતાં શીખવ્યું. આ ઉપરાંત ટાંગલિયા કળાને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળે એ માટે પ્રયાસ કરાયો. ૨૦૦૭માં ટાંગલિયા હસ્તકલા અસોસિએશન બનાવ્યું એમાં હું પ્રમુખ હતો અને GI ટૅગ મળ્યું હતું.’

ગુર્જરી દ્વારા સહકાર

ટાંગલિયા કળા જેમની આંગળીઓમાં રમી રહી છે અને ટાંગલિયા કળામાં જેમનું અદકેરું નામ છે તેમ જ તાજેતરમાં જેઓ પદ્‍મશ્રી અવૉર્ડથી સન્માનિત થયા છે તે ૬૬ વર્ષના લવજીભાઈ પરમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘૭૦૦ વર્ષ જૂની આ કળા ૧૯૭૦થી ઘટવા માંડી હતી, પણ NIFTએ અમારી પાસે સૅમ્પલો બનાવડાવ્યાં અને ગુજરાત સરકારના ગુર્જરી દ્વારા માર્કેટિંગ માટે સહકાર મળતો થયો. તેઓ અમારો માલ ખરીદતા અને વેચાણ પણ કરી આપતા. એક્ઝિબિશન થતાં ગયાં, એમાં અમે ભાગ લેતા ગયા અને આ કળાને પ્રોત્સાહન મળ્યું. અમને કહેવામાં આવ્યું કે એવી પ્રોડક્ટ બનાવો જે દુનિયામાં પ્રચલિત બને. એટલે કચ્છમાંથી મેરીનો ઊન લાવ્યા. એ જમાનામાં કચ્છના હાજીભાઈએ પાંચ કિલો ઊન આપ્યું હતું અને ટાંગલિયા શાલ બનાવી. એ પછી ટાંગલિયા વર્કમાં નવીનતા લાવતા ગયા.’

કળાને જીવંત રાખવા પ્રયાસ

ટાંગલિયા આર્ટ ચાલુ રહેવી જોઈએ, આ કળા જીવંત રહેવી જોઈએ એ ઉદ્દેશ સાથે લવજીભાઈ પરમારે ટાંગલિયા વર્કનું મહત્ત્વ શું છે એની સમજ આપીને નવી પેઢીને તૈયાર કરવાના પ્રયાસો આદર્યા છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘ટાંગલિયા આર્ટને જીવંત રાખવાના પ્રયાસ કરી રહ્યો છું. ૨૦૨૧માં વઢવાણમાં એક સેન્ટર ઊભું કરીને આરાધ્યા ટાંગલિયા હાથવણાટ સહકારી મંડળી બનાવી છે અને એમાં લોકોને ટાંગલિયા વર્ક શીખવું છું. નવા લોકોને કામ આપવું, નવી ડિઝાઇન શીખવવી, એમાંથી તેમને રોજગાર મળી રહે અને આ કળા પણ જીવંત રહે એ ઉદ્દેશ છે. ૫૦ જેટલાં છોકરાઓ-છોકરીઓને આ વર્ક શીખવ્યું છે. બીજા લોકો આવી રહ્યા છે અને હોંશે-હોંશે આ કળા શીખી રહ્યા છે. આની પાછળનો એકમાત્ર હેતુ આ કળાને જીવંત રાખવાનો છે.’

કસબીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં

ટાંગલિયા આર્ટના કસબીઓ તમને માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ જોવા મળશે એની વાત કરતાં લવજીભાઈ પરમાર કહે છે, ‘ડાંગસિયા સમાજમાં હાલમાં તો ૧૫૦ જેટલા કસબીઓ છે જેઓ ટાંગલિયા વર્ક કરે છે. એમાં મોટા ભાગના ૫૦ વર્ષની વધુ ઉંમરના છે. ટાંગલિયા વર્ક કરતા આ કસબીઓ તમને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે. વઢવાણ ઉપરાંત વસ્તડી, દેદાદરા, વડલા સહિતનાં ગામોમાં રહેતા ડાંગસિયા સમાજના લોકો ટાંગલિયા વર્ક કરે છે અને રોજગારી મેળવે છે.’

કળાની થઈ કદર

છેલ્લાં ૫૦ વર્ષથી ટાંગલિયા વર્ક કરી રહેલા અને આજે પણ લોકોને આ કળા શીખવી રહેલા લવજીભાઈ પરમાર ટાંગલિયા કળામાં કંઈક ને કંઈક નવીનતા લાવતા રહ્યા છે, આ કળાને આગળ વધારવા માગી રહ્યા છે અને પાંચ દાયકાની તેમની આ કળાને ઉચિત સન્માન મળ્યું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારું પદ્‍મશ્રી અવૉર્ડથી સન્માન થયું ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. મને લાગ્યું કે મારી કળાની કદર થઈ છે. લુપ્ત થતી અને ખૂણામાં પડેલી આ કળાની ભારત સરકારે કદર કરી એનો રાજીપો થયો. આ કળા ફરી પાછી જીવંત બની છે અને લોકો એના વિશે પૂછી રહ્યા છે.’

ટાંગલિયા વર્કની ફરી બોલબાલા થતાં આજે આ કળાના કસબીઓને રોજગાર મળી રહે છે. કસબીઓ કહે છે, ‘પહેલાં બહારનું મજૂરીકામ કરવું પડતું હતું એ હવે નથી કરવું પડતું અને ઘેરબેઠાં બધાને રોજગારી મળી જાય છે. આ કળાને અમે જીવંત રાખી અને કળાએ અમારું જીવન જીવંત રાખ્યું છે.’

હૉલીવુડના હીરો બ્રૅડ પિટે ટાંગલિયા વર્કવાળું શર્ટ પહેર્યું એનાથી આ કારીગરીના કસબીઓ ખુશ થયા છે. તેમને લાગે છે કે તેમની કળા ફૉરેન સુધી પહોંચી ગઈ છે. ફિલ્મોના હીરોએ તેમની કળાથી બનેલું શર્ટ પહેર્યું એટલે આખી દુનિયાને ખ્યાલ આવ્યો કે ભારતની અંદર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવી ટાંગલિયા કળા છે અને એ યુનિક છે.

 

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2025 07:02 AM IST | Gandhinagar | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK