ચહેરા પરની આ પફીનેસ ઓછી કરવા માટે મોટા ભાગની મહિલાઓ પાણીમાં બરફ નાખીને ચહેરો ઠંડા પાણીમાં ડુબાડતી હોય છે.
મલાઇકા અરોરા
ઘણી વાર એવું થતું હોય કે સવારે ઊંઘીને ઊઠ્યા બાદ ચહેરા પર સોજો આવી જતો હોય છે. ચહેરા પરની આ પફીનેસ ઓછી કરવા માટે મોટા ભાગની મહિલાઓ પાણીમાં બરફ નાખીને ચહેરો ઠંડા પાણીમાં ડુબાડતી હોય છે. એવામાં અભિનેત્રી મલાઇકા અરોરાએ ચહેરા પરનો સોજો ઓછો કરવાનો એક સરળ નુસખો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. જોકે એની સામે નિષ્ણાતો લાલ બત્તી ધરે છે
મલાઇકા અરોરા અવારનવાર સ્કિન-કૅરથી જોડાયેલી ટિપ્સ અને હૅક્સ શૅર કરતી રહે છે. પોતાના લેટેસ્ટ વિડિયોમાં ચહેરાની પફીનેસ ઓછી કરવાનો હૅક શૅર કરતાં મલાઇકા કહે છે, ‘ઘણી વાર એવું થાય છે કે હું જ્યારે સવારે ઊઠું તો મારો ચહેરો ઘણો સૂજેલો હોય છે. સામાન્ય રીતે ઘણા લોકો ચહેરાની પફીનેસ ઓછી કરવા માટે બરફની મદદ લે છે. જોકે હું એ કરી શકતી નથી. મને સાઇનસની તકલીફ છે. એટલે ઠંડા પાણીમાં ચહેરો ડુબાડવાથી મને ગૂંગણામણ થાય છે.’
ADVERTISEMENT
વાતને આગળ વધારતા મલાઇકા કહે છે, ‘હું ચહેરાની પફીનેસ ઓછી કરવા માટે રબરબૅન્ડનો ઉપયોગ કરુ છું. સવારે હું બે રબરબૅન્ડ લઈને એને કાનની ચારે બાજુ પહેરી લઉં છું. આ હૅક વિશે સાંભળીને તમને અજીબ લાગી શકે છે, પણ એ ચહેરાનો સોજો ઓછો કરવાનું કામ કરે છે. રબરબૅન્ડને જેટલું ટાઇટ પહેરશો એટલી વધુ અસર થશે.’
આ હૅક પાછળનું લૉજિક સમજાવતાં મલાઇકા કહે છે, ‘આપણા કાન અને ગળાની આસપાસ લિમ્ફ નોડ્સ હોય છે, જે સોજો અને ટૉક્સિન્સને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. જ્યારે આપણે કાન પર બૅન્ડ લગાવીએ ત્યારે એ લિમ્ફ ડ્રેનેજ-પ્રોસેસને ઝડપી બનાવે છે. એવામાં તમે સવારે થોડા સમય માટે કાનમાં રબરબૅન્ડ પહેરીને બાકીનું જે કામ હોય એ કરી શકો છો. થોડા સમય પછી તમે પોતે અનુભવશો કે તમારા ચહેરાનો સોજો ઘટી ગયો છે.’
જો કે મલાઇકા અરોરાના આ નુસખાને લઈને નિષ્ણાતોનું કહેવું છે, ‘આ રીતે કાન પર ટાઇટ રબરબૅન્ડ બાંધવાથી બ્લડ-સર્ક્યુલેશન બાધિત થઈ શકે છે અને એને પ્રભાવિત ભાગમાં દુખાવો, સોજો કે સુન્ન થઈ શકે છે. સાથે જ સ્કિન પર લાલ નિશાન પડી શકે, ચામડી છોલાઈ જાય તો ત્યાં બળતરા થઈ શકે અને ઘા થઈ ગયો હોય તો ઇન્ફેક્શન થવાનું પણ જોખમ રહે.’
ચહેરાનો સોજો ઓછો કરવા માટેનો બીજા પર્યાય શું છે એ વિશે નિષ્ણાતો કહે છે, ‘તમે ચહેરા પર જેડ રોલર યુઝ કરી શકો છો. આ ફેસ મસાજ ટૂલનો ઉપયોગ બ્લડ-સર્ક્યુલેશન સુધારવામાં, ચહેરાનો સોજો ઓછો કરવામાં, મસલ ટેન્શનને ઓછું કરવામાં મદદ કરે છે. જેડ રોલરને રેફ્રિજરેટરમાં મૂકી ઠંડું કર્યા બાદ એનાથી ચહેર પર મસાજ કરવામાં આવે તો ચહેરાની પફીનેસ ઓછી કરવામાં મદદ મળે છે.’

