મુલુંડનાં જિજ્ઞા મહેતાના કળાપ્રેમે તેમને ઇકો-પ્રિન્ટિંગનો એક અનોખો આઇડિયા આપ્યો છે. જિજ્ઞાબહેન ફૅબ્રિક પર પાંદડાંઓ, ફૂલોની મદદથી નૅચરલ પ્રિન્ટ કરવાનો યુનિક બિઝનેસ ચલાવે છે
કપડા પર વ્યવસ્થિત રીતે પાંદડાંઓ પાથરી રહેલાં જિજ્ઞાબહેન.
લોકોમાં વધી રહેલી પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા વચ્ચે એવા ઘણા લોકો છે જે સસ્ટેનેબલ ફૅશન પસંદ કરે છે. એવાં કપડાં પહેરવાનું પસંદ કરે છે જેનાથી પર્યાવરણને વધુ નુકસાન ન પહોંચે. ઇકો-પ્રિન્ટિંગ પણ સસ્ટેનેબલ ફૅશનનો જ એક હિસ્સો છે. એમાં કોઈ કેમિકલ ડાઇ યુઝ નથી થતી કે નથી એનાથી પાણીનું પ્રદૂષણ થતું. ઉપરથી એ હૅન્ડક્રાફ્ટેડ હોવાથી દરેક પીસ યુનિક હોય છે. આ વાત મુલુંડમાં રહેતાં ૪૪ વર્ષનાં જિજ્ઞા મહેતા સારી રીતે જાણે છે. એટલે જ તેમણે ઘરેથી ઇકો- પ્રિન્ટિંગનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે.
બિઝનેસની શરૂઆત
ADVERTISEMENT
ઇકો-પ્રિન્ટિંગનો બિઝનેસ આઇડિયા કઈ રીતે આવ્યો એ વિશે રસપ્રદ માહિતી શૅર કરતાં જિજ્ઞા મહેતા કહે છે, ‘અમે ૨૦૨૧માં એક કમ્યુનિટીમાં જૉઇન થયા હતા જેઓ ખોપોલીના પરલી ગામમાં પર્માકલ્ચર આધારિત એક ઇકો વિલેજ બનાવી રહ્યા હતા. પર્માકલ્ચર એક સસ્ટેનેબલ જીવનશૈલી અને ખેતીની પદ્ધતિ છે. અમારી સાત-આઠ ફૅમિલીની એક કમ્યુનિટી છે અને વિસ્પરિંગ વૉટર્સ ઇકો વિલેજના માધ્યમથી અમે સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવી રહ્યા છીએ. અહીં અમે ઑર્ગેનિક ખેતી, વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ વગેરે જેવી પ્રૅક્ટિસ અપનાવી રહ્યા છીએ. આ કમ્યુનિટીમાં જોડાયા પછી મને નૅચરલ ડાઇંગ વિશે ખબર પડી કે જેમાં ફળો, ફૂલ, પાંદડાંઓ વગેરેમાંથી નીકળતા રંગોનો ઉપયોગ કપડાં રંગવા માટે કરવામાં આવે છે અને એમાં કોઈ રાસાયણિક રંગનો ઉપયોગ થતો નથી.’
જિજ્ઞાબહેને તૈયાર કરેલી ઇકો-પ્રિન્ટ ડિઝાઇન.
વાતને આગળ વધારતાં જિજ્ઞાબહેન કહે છે, ‘મને હંમેશાંથી આર્ટમાં રસ હતો. એટલે નેચર અને આર્ટને મિક્સ કરીને કંઈક ક્રીએટિવ કામ કરવું હતું. એટલે એ દિશામાં મેં વધુ રિસર્ચ કર્યું અને મને ઇકો-પ્રિન્ટિંગ વિશે ખબર પડી. આ એક પ્રાકૃતિક અને ટકાઉ પ્રિન્ટિંગની ટેક્નિક છે જેમાં પાંદડાંઓ, ફૂલો, છાલ, બીજ જેવા વૃક્ષોના ભાગોનો ઉપયોગ કરીને કપડાં પર પ્રાકૃતિક રંગ અને આકૃતિઓ છાપવામાં આવે છે. મને એમાં રસ પડતાં મેં એને ઘરે ટ્રાય કરવાનું શરૂ કર્યું. એ સમયે તો મેં આ કામ એક હૉબી તરીકે જ શરૂ કરેલું. મેં એવું વિચાર્યું પણ નહોતું કે હું એને બિઝનેસમાં કન્વર્ટ કરીશ કે પોતાની બ્રૅન્ડ બનાવીશ. હું શોખ માટે સાડી, દુપટ્ટા વગેરે પર ઇકો-પ્રિન્ટિંગ કરતી. એને હું સામાજિક પ્રસંગોમાં ને એમાં પહેરીને જતી. એટલે મિત્રોઅને સ્વજનો પાસેથી પ્રશંસા મળતી. ધીમે-ધીમે તેમના તરફથી ઑર્ડર પરથી સાડી, દુપટ્ટા વગેરે પર ઇકો-પ્રિન્ટ કરવાની ઑફર આવવા લાગી. એ રીતે પછી મેં ‘લીફી ટેલ્સ બાય જિજ્ઞા’ નામથી ફૅશન ક્લોધિંગ બ્રૅન્ડની શરૂઆત કરી.’
કઈ રીતે થાય કામ?
જિજ્ઞાબહેન અત્યારે એકલા હાથે જ ઇકો-પ્રિન્ટિંગનું કામ સંભાળે છે. સાંભળવામાં ઈઝી લાગતું ઇકો-પ્રિન્ટિંગનું કામ ખરેખર ઊંડી સમજ અને મહેનત માગી લે એવું છે. જિજ્ઞાબહેનને એક સાડી પ્રિન્ટ કરતાં ઓછામાં ઓછા છ-સાત દિવસ જેટલો સમય લાગી જાય છે. આ પ્રોસેસ સમજાવતાં તેઓ કહે છે, ‘પહેલાં ફૅબ્રિકને પ્રિપેર કરવું પડે. એટલે કે એને સાફ કરવું પડે જેથી એમાં કોઈ પણ ઑઇલ કે કેમિકલ ન રહી જાય, કારણ કે એ કપડાને સરખી રીતે રંગ પકડતાં રોકે છે. એટલે સૌથી પહેલાં તો કપડાને ગરમ પાણીમાં લિક્વિડ સોપ નાખીને ધોવામાં આવે છે. બીજું સ્ટેપ મૉર્ડેન્ટિંગ પ્રોસેસનો હોય છે જેમાં ફટકડી, આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે જે કપડાને રંગ પકડવામાં મદદ કરે છે. એ માટે ગરમ પાણીમાં ફટકડી અને આયર્ન નાખીને એમાં કપડું નાખીને ઉકાળવું પડે. ત્રીજું સ્ટેપ બન્ડલિંગ અને સ્ટીમિંગ છે. એમાં પાંદડાં, ફૂલ વગેરેને કપડાં પર બિછાવવામાં આવે છે. બાદમાં કપડાને સરખી રીતે રોલ કરીને રસ્સીથી બાંધવામાં આવે છે જેથી અંદરનાં ફૂલ, પાંદડાંઓ હલે નહીં. એ પછી એને સ્ટીમ કરવામાં આવે છે. ચોથું સ્ટેપ કૂલિંગ અને અનબન્ડલિંગનું હોય છે. એમાં કપડાને ખોલવામાં આવે છે અને એમાં સુંદર પ્રિન્ટ્સ ઊભરી આવે છે. એ પછી એને ફાઇનલ વૉશ આપીને સૂકવી દેવામાં આવે છે. આ દરેક સ્ટેપ કાળજીથી કરવું પડે.’
ઇકો-પ્રિન્ટિંગ માટેની સ્ટીમિંગ પ્રોસેસ.
કામ આટલેથી પતતું નથી. આ પ્રોસેસ માટે ફૂલો, પાંદડાં પસંદ કરતી વખતે પણ કેટલીક વિશેષ વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. આ વિશે સમજાવતાં જિજ્ઞાબહેન કહે છે, ‘ઇકો-પ્રિન્ટિંગમાં ફૂલ-પાંદડાંઓની સાચી જોડી પસંદ કરવી પણ ખૂબ જરૂરી છે. દરેક પાંદડા અને ફૂલમાં અલગ-અલગ પ્રાકૃતિક રસાયણ હોય છે અને એમની રંગ છોડવાની ઝડપ પણ અલગ હોય છે. એટલે કેટલાંક ફૂલ-પાંદડાં જલદી રંગ છોડી દે, જ્યારે કેટલાંક ધીરે-ધીરે રંગ છોડે છે. જો તમે પાંદડાં અને ફૂલોની સરખી પસંદગી ન કરો તો પ્રિન્ટ સરખી રીતે આવતી નથી અને આખી ડિઝાઇન ખરાબ થઈ જાય છે. આ બધી વસ્તુની સમજ પડતાં પણ સમય લાગે. મેં પોતે કેટલીયે ટ્રાયલ અને એરર કરી છે. હું એક જર્નલ પણ રાખું છું જેમાં હું લખું છું કે કઈ વસ્તુ કામ કરે છે અને કઈ નથી કરતી. જેમ કે કયાં ફૂલ અને પાંદડાં કેવો રંગ આપે છે, સ્ટીમિંગ કેટલી વાર સુધી કર્યું, ફૅબ્રિક કયું હતું વગેરે. આ બધી ડીટેલ્સ લખેલી હોય તો ફ્યુચર રેફરન્સ માટે કામ આવે.’
ઇકો-પ્રિન્ટ માટે યુઝ થતાં કાપડ, ફૂલો-પાંદડાં તેમ જ સાડીની જાળવણી વિશે માહિતી આપતાં જિજ્ઞાબહેન કહે છે, ‘ઇકો-પ્રિન્ટિંગ માટે નૅચરલ ફૅબ્રિક્સ જેમ કે કૉટન, લિનન, સિલ્ક, ઊન, હેમ્પ, બામ્બુ ફૅબ્રિક જેવાં કાપડ જ જોઈએ. આ ફૅબ્રિકમાં જ રંગને પકડવાની ક્ષમતા હોય છે. સિન્થેટિક ફૅબ્રિક્સમાં એ શક્ય નથી અથવા તો એ એટલું સારું રિઝલ્ટ ન આપે. હું વીગન ફૅબ્રિક યુઝ કરું છું. જેમ કે બામ્બુ પલ્પમાંથી બનાવેલા બામ્બુ વિસ્કોસ, બામ્બુ લિનન વગેરે. એવી જ રીતે હું જે પાંદડાં અને ફૂલો યુઝ કરું છું એ પણ હું માર્કેટમાંથી ખરીદવા જતી નથી. મને આડોશપાડોશના લોકો, રસ્તા પરથી કે અમારું જે ઇકો-વિલેજ છે ત્યાંથી મળી જાય છે. હું વિવિધ ફૂલ, ફળોનાં વૃક્ષનાં પાન, ઔષધિય ગુણો ધરાવતાં હર્બ્સ વગેરેનો ઉપયોગ કરું છું. આ સાડીઓ નૅચરલ પ્રોસેસથી બનાવવામાં આવતી હોવાથી એ ડેલિકેટ હોય છે અને એની વિશેષ કાળજી રાખવી પડે છે. જેમ કે એને હંમેશાં માઇલ્ડ ડિટર્જન્ટમાં ધોવી, હૅન્ડવૉશ કરવી, સીધા તડકામાં ન સૂકવવી વગેરે. હું અત્યારે ડિઝાઇન અને ફૅબ્રિકના હિસાબે ૫૦૦-૭૦૦ રૂપિયા મીટરદીઠ ચાર્જ કરું છું. હું ફક્ત ફૅબ્રિક ડિઝાઇન કરીને આપું. એ પછી ક્લાયન્ટ તેમના હિસાબે એનો ઉપયોગ સાડી, દુપટ્ટા, સ્કાર્ફ તરીકે કરે. ઘણા લોકો ફૅબ્રિકમાંથી કુરતા, દુપટ્ટા, સ્કર્ટ વગેરે સીવડાવે.’
જિજ્ઞાબહેન અત્યારે ઘરેથી જ એકલા હાથે ઇકો-પ્રિન્ટિંગનો બિઝનેસ સંભાળે છે. તેમને ૧૪ વર્ષની દીકરી નાઇશા છે જે દસમા ધોરણમાં ભણે છે. ઇકો-પ્રિન્ટિંગ પ્રોસેસના વિડિયોઝ બનાવવાનું અને સોશ્યલ મીડિયા પર પ્રમોશન કરવાનું કામ તે સંભાળે છે. આ કામમાં જિજ્ઞાબહેનના હસબન્ડ રાજેન પણ તેમને મદદ કરે છે. જિજ્ઞાબહેનને કોઈ એક્ઝિબિશનમાં જવાનું હોય તો એમાં તેમની સાથે મદદ કરાવવા જાય છે. જિજ્ઞાબહેને પરિવારની જવાબદારી વચ્ચે કોઈ દિવસ નોકરી કે પોતાનું કામકાજ કર્યું નથી. તેમને આર્ટમાં પહેલેથી જ રસ હતો, પણ એમાં શું કામ કરી શકાય એનો તેમને એટલો આઇડિયા મળી રહ્યો નહોતો. જોકે તેમને નૅચરલ ડાઇ વિશે જાણવા મળતાં ઇકો-પ્રિન્ટિંગમાં હાથ અજમાવવાનો નિર્ણય લીધો. આ રીતે તેમની બિઝનેસની જર્ની શરૂ થઈ ગઈ. જિજ્ઞાબહેનનો ઉદ્દેશ છે કે ભવિષ્યમાં ઇકો વિલેજમાં કમ્યુનિટી સેન્ટરના માધ્યમથી આસપાસનાં ગામડાંઓની મહિલાઓને ટ્રેઇનિંગ આપી, રોજગાર આપીને આ બિઝનેસને આગળ વધારે.

