ગ્રીન સાડી સાથે સ્ટોન-સ્ટડેડ બૅકલેસ બ્લાઉઝવાળો શિલ્પા શેટ્ટીનો લુક ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે ફૅશનમાં ઇનથિંગ થઈ રહેલા આ ટ્રેન્ડ વિશે વિસ્તારમાં જાણીએ
શિલ્પા શેટ્ટી
એવું નથી કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બૅકલેસ બ્લાઉઝ પહેર્યું એટલે આ પ્રકારના બ્લાઉઝ ટ્રેન્ડમાં આવ્યાં છે. એની ફૅશન પહેલાં પણ હતી જ, પણ હવે એ અપગ્રેડ થઈને નવા રંગરૂપમાં આવ્યાં છે જે યુવતીઓને વધુ પસંદ આવી રહ્યાં છે. શિલ્પા ફિટનેસ ફ્રીક હોવાથી તે પોતાના ફિગરને મેઇન્ટેન રાખવામાં કોઈ કસર બાકી રાખતી નથી અને આ જ કારણ છે કે તે ગમે તે આઉટફિટ બહુ જ સારી રીતે કૅરી કરે છે. તેણે ગ્રીન સાડી સાથે જે પ્રકારનું બૅકલેસ બ્લાઉઝ પહેર્યું છે એ પૅટર્નને હૉલ્ટરનેક પૅટર્ન કહેવાય. ગળા અને કમરથી બસ બે જ પટ્ટી હોય છે અને આખી બૅક ખુલ્લી રહે છે. તેનું બ્લાઉઝ અને સાડી એકદમ જ સિમ્પલ હોવા છતાં એમાં કરેલા સ્ટોનવર્કથી એ વધુ ઍટ્રૅક્ટિવ અને એલિગન્ટ લુક આપે છે. અત્યારે બૅકલેસ બ્લાઉઝમાં કેવા પ્રકારની પૅટર્ન્સ અને ડિઝાઇન ટ્રેન્ડમાં છે એ વિશે ફૅશન-ડિઝાઇનર દીપાલી શાહ પાસેથી જાણીએ તેમના જ શબ્દોમાં...
ટ્રેન્ડિંગ પૅટર્ન્સ
ADVERTISEMENT
શિલ્પા શેટ્ટીએ હૉલ્ટરનેક બ્લાઉઝ કૅરી કર્યું છે એ દેખાવમાં અતિશય સુંદર લાગે છે. ફિગરને હાઇલાઇટ કરતાં આ બૅકલેસ બ્લાઉઝ પૅડેડ હોય છે, કારણ કે ઇનર પહેરશો તો એ પાછળ હાઇલાઇટ થશે. સિલિકૉનની પટ્ટીવાળાં ઇનર્સ પહેરી શકાય. આવાં બોલ્ડ બ્લાઉઝ ટ્રેડિશનલ વેઅરમાં પણ બહુ લોકપ્રિયતા મેળવી રહ્યાં છે. ખાસ કરીને સબ્યસાચીનાં બૅકલેસ બ્લાઉઝ ગુજરાતી બ્રાઇડ્સ વધુ પસંદ કરી રહી છે. આ બ્લાઉઝમાં પાછળથી ઉપર અને નીચે એમ ફક્ત બે જ દોરી હોય છે અને આગળ બ્લાઉઝ એકદમ ભરેલું હોય છે. લેહંગા સાથે પહેરવા માટે આવાં બ્લાઉઝ યુવતીઓમાં હૉટ ફેવરિટ બની રહ્યાં છે. પાછળ બૅક દેખાય એ રીતે બ્લાઉઝની પૅટર્ન ગોળ કે ત્રિકોણાકાર કટઆઉટ આપવામાં આવે છે, જે મૉડર્નની સાથે સૉફિસ્ટિકેટેડ લુક આપે છે. આ બ્લાઉઝ એવાં હોય છે કે એને સિમ્પલ સાડી સાથે પહેરો તો લુક વધુ એન્હૅન્સ થાય છે. આ ઉપરાંત લગ્નપ્રસંગોમાં ડીસન્ટ દેખાય એવાં બન્ને સાઇડ પટ્ટી હોય એવાં એમ્બ્રૉઇડરી અને મિરર વર્કવાળાં બ્લાઉઝ રૉયલ લુક આપશે. કેટલાંક બ્લાઉઝમાં હુક હોય છે તો કેટલાંક બ્લાઉઝમાં ગાંઠ મારી શકાય એ રીતે જાડી પટ્ટી રાખેલી હોય છે જેથી પાછળ ગાંઠ બાંધતાં બો જેવો શેપ આપે છે. આ ઉપરાંત દોરી સ્ટાઇલનાં બ્લાઉઝ પણ બહુ જ સરસ લાગે છે. એમાં બ્લાઉઝમાં ઝિગઝૅગ દોરીની પૅટર્ન હોય છે જે બૅકને વધુ ઍટ્રૅક્ટિવ બનાવે છે. યંગ જનરેશનમાં આ પ્રકારનાં બ્લાઉઝની ડિમાન્ડ વધુ છે, કારણ કે ઝિગઝૅગ દોરીની પૅટર્ન નૉર્મલ બ્લાઉઝ કરતાં બહુ જ અલગ અને યુનિક લાગે છે. આવા બ્લાઉઝને લેહંગા સાથે જ પહેરી શકાય.
કટઆઉટ પૅટર્ન
કોને શોભે?
બૅકલેસ બ્લાઉઝ આજકાલ બહુ જ ટ્રેન્ડિંગ છે અને અનેક પ્રકારની અલગ-અલગ ડિઝાઇન્સમાં જોવા મળે છે. જો પાવરફુલ, ક્લાસી અને બોલ્ડ લુક જોઈતો હોય તો આ બ્લાઉઝને કૅરી કરી શકાય. જોકે હકીકત એ પણ છે કે બધી જ લેડીઝ બૅકલેસ બ્લાઉઝને કૅરી કરી શકતી નથી. પહેરવાનો શોખ હોય પણ એ પહેરવાથી ફિગર અને લુક સારાં ન લાગે તો ન પહેરવામાં જ ભલાઈ છે, પણ જો તમારું ફિગર કર્વી અને ફિટ છે એટલે કે બસ્ટ સાઇઝ ૪૦ ઇંચ કરતાં ઓછી હોય એના પર જ આ બ્લાઉઝ સારાં લાગે અને તેમના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરશે. ઘણી યુવતીઓ દેખાવમાં પાતળી અને નાજુકનમણી હોય, પણ બૅકની સ્કિનમાં પિગમેન્ટ હોય અથવા સ્કિન અનઈવન એટલે ટૅન થયેલી હોય તો આ બ્લાઉઝ ન પહેરવામાં જ ભલાઈ છે. આ ઉપરાંત જે લેડીઝને ફૅટ વધારે હોય અને બસ્ટની નીચે એટલે કે કમરના ભાગમાં ટાયર્સ દેખાતા હોય એ લોકોએ પણ બૅકલેસ બ્લાઉઝ પહેરવાનું ટાળવું જોઈએ.
સિંગલ અને ડબલ દોરી પૅટર્ન
ઝિગઝૅગ દોરી પૅટર્ન
યુઝફુલ ટિપ્સ
બૅકલેસ બ્લાઉઝ પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. નીચે ઝૂકતી વખતે વૉર્ડરોબ માલફંક્શનનો શિકાર ન થવાય એ માટે બ્લાઉઝની પટ્ટીઓ અને પૅડ્સની કિનારીઓ પર ટેપ લગાવીને એને સ્કિન સાથે ચીપકાવવામાં આવે છે જેથી એ સ્ટિફ રહે અને લુક સારો લાગે.
બૅકલેસ બ્લાઉઝ શિફૉન, ઑર્ગન્ઝા, ટસર સિલ્ક જેવી સાડી સાથે વધુ સૂટ થાય કારણ કે એ બૉડી સાથે ચીપકી જશે અને બૉડીનો શેપ દેખાશે અને બ્લાઉઝની પૅટર્ન પણ હાઇલાઇટ થશે. કાંજીવરમ, પટોળાં કે બનારસી જેવી ટ્રેડિશનલ સાડી સાથે આવાં બ્લાઉઝ સૂટ નહીં થાય.
દિવાળી અને ગણેશોત્સવ જેવા ધાર્મિક તહેવારોમાં આવાં બ્લાઉઝ અશોભનીય લાગશે. કોઈ ફૅશન-ઇવેન્ટ્સ, થીમ-પાર્ટી, ફ્રેન્ડ્સ સાથેના ગેટ-ટુગેધરમાં બૅકલેસ બ્લાઉઝ સાથે વેસ્ટર્ન લુક આપતી સાડી તમારી સુંદરતામાં ઉમેરો કરશે. એથ્નિક વેઅરમાં જો બૅકલેસ બ્લાઉઝ પહેરવાની ઇચ્છા હોય તો લગ્નપ્રસંગોમાં પહેરી શકાય, પણ જો ડીસન્ટ લુક આપે તો જ.
બૅકલેસ બ્લાઉઝ પહેરતી વખતે પીઠ ક્લીન અને ટોન્ડ હોય તો એ વધુ એલિગન્ટ લુક આપે છે. જો સ્ટ્રેચ માર્ક્સ કે પિમ્પલ્સ દેખાશે તો એ તમારા બૅકલેસ લુકને ખરાબ કરશે.

