પહેલાંના સમયમાં વડવાઓ વાર અને ગ્રહને ધ્યાનમાં રાખીને પોતાનું ભોજન બનાવતા. આજે એ વાત વીસરી જવામાં આવી છે, પણ જો એનો અમલ ફરી શરૂ થાય તો ચોક્કસ લાભ થાય
પ્રતીકાત્મક તસવીર
આજે પણ ઘણા પરિવારોમાં બુધવારે મગ અને શનિવારે અડદની દાળ બનાવવાનો રિવાજ જોવા મળે છે. એ માત્ર આરોગ્ય માટે જ નહીં, જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ રિવાજ છે. જોકે આ જે રિવાજ છે એ સમયાંતરે લુપ્ત થવા માંડ્યો છે. એવું નથી કે બુધ અને શનિવારના દિવસે જ આ પ્રકારનું જ્યોતિષ-આધારિત ફૂડ ખાવું જોઈએ. શાસ્ત્રોમાં દરેક દિવસ માટે આ પ્રકારે ફૂડ નિર્ધારિત કરીને એ ફૂડ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, પણ વડીલોની ગેરહાજરી અને વિભક્ત થતાં જતાં કુટુંબો વચ્ચે હવે આ પ્રથા લુપ્ત થતી જાય છે અને એટલે જ આપણે આજે કયા દિવસે કયું ફૂડ ખાવું જોઈએ એની ચર્ચા કરવાના છીએ તો સાથોસાથ એવું શું કામ કરવાનું એનું કારણ પણ જાણવાના છીએ.
સોમવારે શું ખાશો?
ADVERTISEMENT
સોમ એટલે કે ચંદ્ર ગ્રહના દિવસે શું ખાવું એના કરતાં શું ન ખાવું એની વાત પહેલાં કરીએ. સોમવારના દિવસે શક્ય હોય ત્યાં સુધી પચવામાં ભારે હોય એવો ખોરાક ખાવો ન જોઈએ. ચંદ્રને હળવાશ પસંદ છે. ભારે ખોરાકથી ચંદ્ર ગ્રહ પર વજન વધે છે અને એ દૂષિત થાય છે માટે સોમવારે હોટેલમાં જમવાથી માંડીને ઘરે બનેલા અન્ય ભારે ખોરાક પણ ન ખાવા જોઈએ.
સોમવારના દિવસે પાણીનું સેવન વધારવું જોઈએ તો સાથોસાથ દૂધ અને દૂધમાંથી બનેલી વરાઇટી ખાવાનું પ્રમાણ પણ વધારવું જોઈએ. આ પ્રકારનું ફૂડ ચંદ્રને મજબૂત કરવાનું કામ કરે છે જે મનને શાંતિ આપે છે અને ઉદ્વેગથી બચાવે છે.
મંગળવારે શું ખાશો?
મંગળ ગ્રહનું જો કોઈ પસંદીદા ફૂડ હોય તો એમાં સૌથી પહેલાં દાડમ આવે છે. મંગળવારે શક્ય હોય તો એક દાડમ ખાવું જ જોઈએ તો દાડમની સાથોસાથ મંગળવારની શરૂઆત ગોળથી કરવી જોઈએ. મધ પણ મંગળને પ્રિય છે. આ ઉપરાંત મસૂરની દાળ પણ મંગળને મજબૂત બનાવવાનું કામ કરે છે. મંગળ ગ્રહને કેટલાક જ્યોતિષીઓએ ભારે ગ્રહ દર્શાવીને એની બીક બેસાડી દીધી છે, પણ મંગળથી ડરવાની જરૂર નથી. મંગળ બહુ મંગલકારી અને લાભ આપતો ગ્રહ છે. ખુશ અને પ્રભાવશાળી મંગળ તકનો વરસાદ કરાવવાની ક્ષમતા ધરાવે છે એટલે મંગળને ખુશ રાખવાનો આ ઘરગથ્થુ ઉપાય કરવો જોઈએ. અહીં દર્શાવવામાં આવેલી તમામ ફૂડ-આઇટમો સામાન્ય ઘરમાં પણ ઉપલબ્ધ છે.
બુધવારે શું ખાશો?
બુધ એટલે બુદ્ધિનો વાર અને બુદ્ધિ એટલે બુધ ગ્રહ. બુધ ગ્રહને ગ્રીન કલર સાથે સીધો સંબંધ છે અને એટલે જ એનો સ્ટોન પન્ના છે તો બુધનાં વસ્ત્રો ગ્રીન કલરનાં દર્શાવવામાં આવ્યાં છે. એવું જ બુધને પ્રસન્ન રાખતા ફૂડનું છે. બુધને લીલાં શાકભાજીથી માંડીને લીલી દાળ અને એલચી બહુ પસંદ છે. બુધવારના દિવસે આ જ કારણે સરળતાથી મળતા મગ બનાવવાની પ્રથા શરૂ થઈ હશે એવું ધારી શકાય. જે લોકોને મગ ન ભાવતા હોય તેઓ બુધવાર લીલાં શાકભાજી પણ ખાઈ શકે છે; પણ હા, એ શાકભાજી શક્ય હોય ત્યાં સુધી મૂળ રંગમાં રહે એવો પ્રયાસ થવો જોઈએ. એને ડ્રીપ-ફ્રાય કરીને કાળા રંગનાં કરી નાખવામાં આવતાં હોય તો એમની ગણતરી લીલાં શાકભાજીમાં ન થાય. શક્ય હોય તો લીલાં શાકભાજીનું સૅલડ બુધવારના દિવસે અચૂક ખાવું જોઈએ. આ ઉપરાંત બુધવારે રાતે સૂતા પહેલાં જો એલચીના દાણા પણ ચાવવામાં આવે તો એનું બહુ સારું પરિણામ મળી શકે છે.
બહુ ઓછા લોકોને ખબર છે પણ બુધને ખટાશ પણ બહુ પસંદ છે એટલે જો શક્ય હોય તો બુધવારના દિવસે વિટામિન C હોય એવાં ફ્રૂટ્સ પણ ખાવાં હિતાવહ છે.
ગુરુવારે શું ખાશો?
ગુરુવારની એક ખાસિયત છે. ગુરુવારે જો વડીલ સાચા દિલથી આશીર્વાદ આપે તો વ્યક્તિનું નસીબ બદલાઈ જાય. ગુરુ ગ્રહને પીળી ચીજ બહુ પસંદ છે એટલે શક્ય હોય તો ગુરુવારના દિવસે ચણામાંથી કે ચણાના લોટમાંથી બનેલી વરાઇટી ખાવાનું રાખવું જોઈએ. આ ઉપરાંત ગુરુને કેળાં પણ અત્યંત પ્રિય છે. જો ગુરુવારના દિવસે માત્ર કેળાં ખાઈને ઉપવાસ કરવામાં આવે તો ગુરુ ગ્રહનો પ્રભાવ ખૂબ વધે છે અને ધારો કે એવું ન થઈ શકે તો નૉર્મલી પણ ગુરુવારના દિવસે કેળાં ખાવાનો નિયમ રાખવો જોઈએ.
સાચા રસ્તે પ્રસિદ્ધિ જોઈતી હોય તો ગુરુવારના દિવસે કેસર-ભાત ખાવો જોઈએ. આ રાઇસ બનાવવામાં માત્ર કેસર છાંટવાનું નથી પણ કેસરનું પાણી બનાવીને એમાં ચોખા પલાળી રાખવાના છે. કેસર-ભાત કોઈ પણ ફૉર્મમાં ખાઈ શકાય, પણ શાસ્ત્રોમાં કહ્યા મુજબ જો કેસર-ભાતમાં ઘી અને મધ નાખીને ખાવામાં આવે તો એનું પરિણામ સર્વોચ્ચ મળે છે.
(અન્ય ત્રણ દિવસ એટલે કે શુક્ર, શનિ અને રવિવારે શું ખાવું જોઈએ એની વાત કરીશું આવતા અઠવાડિયે)

