ખોરાક ચીપકે નહીં એ માટે વાસણમાં જે કેમિકલ-કોટિંગ થયેલું હોય છે એ ગરમ થતાં એમાંથી પેદા થતી ફ્યુમ જો શરીરમાં જાય તો એનાથી ફ્લુ જેવાં લક્ષણો પેદા થાય છે જે ટેફ્લોન ફ્લુ તરીકે ઓળખાયો છે. માત્ર ફીવર જ નહીં, લાંબા ગાળે એ કૅન્સરનું કારણ પણ બની શકે છે.
પ્રતીકાત્મક તસવીર
કુકિંગનો શોખ ધરાવતી મહિલાઓને નૉન-સ્ટિક વાસણો પર અપાર પ્રેમ હોય છે. એનું કારણ બહુ દેખીતું છે કે બધી જ વાનગીઓ સરળતાથી બની જાય છે અને ચીપકતી નથી. જોકે ખોરાક ધાતુના વાસણ પર ચીપકે નહીં એ માટે નૉન-સ્ટિક વાસણના કોટિંગમાં પૉલિટેટ્રાફ્લુરોઇથિલિન (PTFE), પરફ્લુઓરો ઑક્ટેનિક ઍસિડ (PFOA), પરફ્લુઓરો ઑક્ટેન સલ્ફોનેટ (PFOS) - આ ત્રણ રસાયણોનો ઉપયોગ થાય છે. જ્યારે નૉન-સ્ટિક વાસણને ઊંચા તાપે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી નીકળતા ધુમાડામાં આ રસાયણો સામેલ હોય છે, જે શ્વાસ દ્વારા શરીરમાં જાય છે. એમાંય PTFEની ધુમાડા દ્વારા હેલ્થ પર થતી અસરને ‘પૉલિમર ફ્યુમ ફીવર’ કે ‘ટેફ્લોન ફલુ’ નામ આપવામાં આવ્યું છે. ‘ફ્લુ’ એટલા માટે કે ફ્લુ જેવા જ લક્ષણો છે જેમ કે માથુ દુખવું, કફિંગ, છાતીમાં દબાણ થવું. ટેફ્લોન એટલા માટે કે એ નૉન-સ્ટિક વાસણોની કોટિંગમાં વપરાતુ જાણીતું રસાયણ છે. એટલે પોલીમર ફ્યુમને કારણે આવતો ફીવર ટેફ્લોન ફ્લુ તરીકે જાણીતો છે. અમેરિકામાં ટેફ્લોન ફ્લુના કેસો અવારનવાર નોંધાતા હોય છે પરંતુ છેલ્લા એક વર્ષમાં એમાં ધરખમ વધારો થતાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ભારતમાં આ મુદ્દા વિશે લોકો હજી પણ એટલા માહિતગાર નથી થયા કે નૉન-સ્ટિક વાસણને કેવી રીતે વાપરવાં અને એને ઊંચા તાપમાને રાખવાથી નીકળતો ધુમાડો શરીરમાં જાય તો એની હેલ્થ પર કેવી અસર થાય છે.
ડૉક્ટરની સલાહ શું છે?
ADVERTISEMENT
બોરીવલીમાં ૨૫ વર્ષથી પ્રૅક્ટિસ કરતા ફેફસાના અનુભવી નિષ્ણાત ડૉ. અગમ વોરા કહે છે, ‘નૉન-સ્ટિક વાસણ પરનાં આ કેમિકલ બે પ્રકારે નુકસાન કરી શકે છે, એક ધુમાડા વાટે એ અંદર જાય છે અને બીજું કૉન્ટૅક્ટ દ્વારા એટલે કે ખાવામાં આવે છે. આ રસાયણોની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણા શરીર પર અસર થાય છે. જેમ કે રસાયણ ચામડીના સંપર્કમાં આવે તો ડર્મેટાઇટિસ થઈ શકે અને જ્યારે શ્વાસનળી મારફત અંદર જાય ત્યારે હૉર્મોનલ બદલાવ લાવે છે, એને કારણે પ્રજનનતંત્રને નુકસાન કરે છે. ઉપરાંત આ રસાયણો કાર્સિનોજેનિક એટલે કે કૅન્સરજન્ય પણ કહેવાય છે. આની આડઅસરો અનેક રીતે થાય છે. એ મલ્ટિફૅક્ટોરિયલ એટલે કે ઘણાંબધાં પરિબળો સાથે મળીને જે નુકસાન કરે એમાંનું આ એક પરિબળ છે. જોકે એવા પુરાવા તો મળ્યા જ છે કે આ રસાયણો શરીરને ઘણું નુકસાન કરવાની તાકાત ધરાવે છે. નૉન-સ્ટિક વાસણોનું કોટિંગ જ્યારે ખરાબ થઈ જાય ત્યારે એની પરત ધીમે-ધીમે એમાં રાંધવામાં આવેલા ખોરાકમાં ભળે છે ત્યારે એ લિવરને નુકસાન કરવા માટે જાણીતું છે. આ વિષય પર ઘણાં એવાં સંશોધન પેપરો પણ લખાયાં છે. ૨૦ વર્ષ પહેલાં એવું બહુ ઓછું સાંભળવામાં આવતું કે કોઈને કૅન્સર થયું, જ્યારે આજે લગભગ દરેક ઘરમાં વાત કરશો તો તેમના કોઈક દૂર કે નજીકના સંબંધીઓમાં એક કૅન્સરનો કેસ તો મળી જ રહેશે. એટલે મહદ્ અંશે આ પરિબળો સેહત ખરાબ કરવા માટે જવાબદાર તો છે જ. સાવચેતી માટે રસોઈ કરતી વખતે બારીઓ ખુલ્લી રાખવી. તેમ જ આજે તો એકદમ નાના રસોડામાં પણ ચીમનીની વ્યવસ્થા શક્ય છે એટલે રસોઈ કરતી વખતે ચીમની શરૂ કરી દેવી જેથી ઓછામાં ઓછો ધુમાડો શ્વાસ વાટે તમારા શરીરમાં જાય.’
વાસણોનો ઉપયોગ કેવી રીતે કરવો?
તો શું આપણે હવે નૉન-સ્ટિક વાસણ રસોઈમાં ન વાપરી શકીએ? તો એની અવેજી શું છે? મુંબઈની જાણીતી હોટેલમાં કિચનમાં શેફ તરીકે કામ કરતી સાક્ષી ગુપ્તા કહે છે, ‘યસ, અમે પણ કિચનમાં ટેફલોન યુટેન્સિલનો ઉપયોગ કરી રહ્યા છીએ. એમાં એવું છે કે ઘણા લોકોને નૉન-સ્ટિક વાસણનો ઉપયોગ કરતાં આવડતું જ નથી. આ વાસણોમાં જો એક પણ સ્ક્રૅચ કે ખરોચ આવી જાય તો એને ફેંકી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી. તમે એમ પૂછો કે આ તો બહુ મોંઘાં આવે તો એવી રીતે કેમ ફેંકી દેવાય? તો એના જવાબમાં હું કહું છું કે આ નૉન-સ્ટિક વાસણને એક નવજાત શિશુની જેમ તમારે સાચવવાનાં હોય. અમે અમારા હોટેલના કિચનમાં બહુ જ કાળજીથી આ વાસણોને મૅનેજ કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો નૉન-સ્ટિક વાસણોને ક્યારેય ઊંચા તાપમાને ગરમ કરવાનાં જ ન હોય. બીજું કે એમાં આપણે સ્ટીલ કે ઍલ્યુમિનિયમના ચમચા કે ચમચીઓ વાપરીએ છીએ, જે યોગ્ય નથી. એમાંય જોર-જોરથી ઘસીને વાપરીએ છીએ, જેના કારણે એમાં સ્ક્રૅચિસ આવી જાય છે. એટલે દરેકે નોંધ લેવા જેવી બાબત એ છે કે તમે લાકડાના કે પછી જે નૉન-સ્ટિક માટે ડિઝાઇન થયેલા ચમચાઓ છે એનો ઉપયોગ કરો. તમે પ્લાસ્ટિકના ચમચાઓ વાપરશો તો પ્લાસ્ટિક પોતાનાં કેમિકલ છોડે એટલે એ પણ સલાહ આપવાલાયક નથી.’
સફાઈમાં પણ નજાકત
ભારતીયો પોતાનાં વાસણોને પછાડીને અને એકદમ ઘસીને વાપરતા હોય છે. એના પર સાક્ષી કહે છે, ‘આપણે રસોઈ પછી વાસણોને ઘસીને ન ધોઈએ તો સંતોષ જ નથી થતો. પરંતુ નૉન-સ્ટિકને તમે ઘસી ન શકો. રસોઈ બની ગયા પછી એની કાળજી કેવી રીતે લેવી એની વાત કરીએ. નૉન-સ્ટિક વાસણને ધોવાની એક રીત હોય છે. ભારતીય ઘરોમાં મોટા ભાગે લોકો રસોઈ બની જાય પછી નૉન-સ્ટિક વાસણને તરત જ સિન્કમાં મૂકીને એના પર પાણીનો નળ શરૂ કરી દે છે. આ રીત તમારા મોંઘાદાટ વાસણને બગાડે છે. નૉન-સ્ટિક વાસણ એકદમ ઠંડું થઈ જાય ત્યાર બાદ એકદમ સૉફ્ટ સ્પન્જથી એકદમ હળવા હાથે સાફ કરવાનું હોય છે. ટેફ્લોનનાં વાસણોનો ખોટી રીતે ઉપયોગ કરવાથી ઘણી બધી આડઅસર થાય છે. બહુ જલદી ભારતમાં ટેફ્લોન પર પ્રતિબંધ મુકાવાનો છે. નૉન-સ્ટિકના બદલે ઇકો-ફ્રેન્ડ્લી અને હેલ્થ માટે વધુ સુરક્ષિત કુકિંગ પદ્ધતિઓ અને વાસણોમાં ઇનોવેશન થતાં જ રહે છે. નૉન-સ્ટિકના બદલામાં અન્ય વાસણોનો પણ ઉપયોગ કરી શકો છો.’
નૉન-સ્ટિકના બદલે કયાં વાસણો વાપરી શકાય?
પર્યાવરણ માટે ફ્રેન્ડ્લી વાસણો પર સાક્ષી કહે છે, ‘નૉન-સ્ટિકના બદલે ઍલ્યુમિનિયમ અને સ્ટીલનાં વાસણોનો ઉપયોગ કરી શકાય. સિરૅમિકનાં પૉટ્સનો ઉપયોગ કરી શકાય. ઘણાબધા દેશોમાં લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે અને અમે પણ અમારા કિચનમાં ઉપયોગ કરી રહ્યા છીએ. સિરૅમિકનાં વાસણો થોડાં ભારે હોય છે, પણ એ ઇકો-ફ્રેન્ડ્લી વાસણો છે.’
ટેફ્લોન ફ્લુથી બચવા આટલું કરો
- નૉન-સ્ટિક વાસણને ઊંચા તાપે ખાલી ગરમ ન થવા દો અને ધીમા તાપે જ એના પર રેસિપી બનાવવી.
- રસોઈ કરતી વખતે યોગ્ય હવા-ઉજાસ અને વેન્ટિલેશન રહે એનું ધ્યાન રાખો એટલે કે બારી ખુલ્લી રાખવી કાં તો એક્ઝૉસ્ટ ફૅન શરૂ કરી દેવો.
- રસોઈ બળે નહીં એનું ધ્યાન રાખવું, કારણ કે બળેલા ખોરાકમાંથી ધુમાડા નીકળે એની અસર પણ હેલ્થ માટે હાનિકારક છે. એ સિવાય માસ્ક પહેરીને પણ એને શ્વાસમાં જતો અટકાવી શકાય છે.
- નૉન-સ્ટિક વાસણના બૉક્સ પર લખેલી ગાઇડલાઇનને અનુસરવી.
- નૉન-સ્ટિકનું કોટિંગ ખરાબ થતાં એનો સબસ્ટિટ્યુટ તૈયાર રાખવો.