ગામની વસ્તી છે ૮૦,૦૦૦ની, પણ અહીં વર્ષે ૫૦,૦૦૦ ટન જેટલાં ફણસ પેદા થાય છે. આ જૅકફ્રૂટ નગરીમાં એક ખાસ બે સદી જૂનું વૃક્ષ છે જેને હવે હેરિટેજ વૃક્ષની કૅટેગરીમાં મૂકવાનું છે
પનરુતિ ગામમાં આવેલું ૨૦૦ વર્ષ જૂનું જૅકફ્રુટનું આ વૃક્ષ આજે પણ વર્ષે ૨૦૦ ફળ આપે છે.
તામિલનાડુમાં જૅકફ્રૂટનું પાટનગર કહેવાય એવા પનરુતિ ગામનાં ફણસ એટલાં મીઠાં, એટલાં રસાળ અને અદ્ભુત ફ્લેવર ધરાવતાં હોય છે કે ગયા મહિને જ પનરુતિનાં જૅકફ્રૂટને જિયોગ્રાફિકલ ટૅગ મળ્યો છે. આ ગામની વસ્તી છે ૮૦,૦૦૦ની, પણ અહીં વર્ષે ૫૦,૦૦૦ ટન જેટલાં ફણસ પેદા થાય છે. આ જૅકફ્રૂટ નગરીમાં એક ખાસ બે સદી જૂનું વૃક્ષ છે જેને હવે હેરિટેજ વૃક્ષની કૅટેગરીમાં મૂકવાનું છે
ફણસ એક એવું ફળ છે જેની સ્મેલ કોઈકને ગંધ લાગે તો કોઈકને સુગંધ. આમ તો ફણસ ભારતમાં ઠેર-ઠેર ઊગે છે, પરંતુ દક્ષિણ ભારતમાં આ ફળ ખૂબ ખવાય છે અને ઊગે પણ છે. ફણસ બહુ ઓછા લોકોનું ગમતીલું ફળ છે, સિવાય કે દક્ષિણ ભારતનાં કેટલાંક ચોક્કસ શહેરો. જેમ ચોક્કસ વિસ્તારના ફળની ફ્લેવર વિશિષ્ટ હોય છે એમ ફણસની વિશિષ્ટ ફ્લેવર તામિલનાડુના પનરુતિ ગામમાં જોવા મળતી હોવાથી હવે આ ગામના ફળને જિયોગ્રાફિકલ ટૅગ એટલે કે ભૌગોલિક વિશિષ્ટતા ગણીને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ દરજ્જાને કારણે હવે તેમને એક્સપોર્ટમાંથી વધુ કમાણી થઈ શકશે.
ADVERTISEMENT
તામિલનાડુના કુડલુરર શહેરથી પનરુતિ તરફ પ્રયાણ કરો તો હવામાં પણ તમને ફણસની સ્મેલ વર્તાવા લાગશે. પનરુતિ ગામની સરહદ આવે એટલે તમને લગભગ દર ત્રીજા વાહનમાં ફણસ લઈ જવાતાં જોવા મળે. સાઇકલ પર, બાઇક પર, રિક્ષા કે છકડામાં લોકો ફણસ લઈને જતા જોવા મળે. અહીંની હવામાં જ જૅકફ્રૂટની મહેક વણાઈ ગઈ છે એમ કહીએ તો ચાલે. લોકોનાં ઘરો, વાડીઓ અને માર્કેટ આ એક ફ્રૂટથી ઊભરાતાં રહે છે. ખાસ કરીને મે મહિનાથી એની સીઝન શરૂ થાય છે જે સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. સીઝનના દિવસોમાં તો ફણસના ખેડૂતો અને વેપારીઓને ખાવાનો પણ ટાઇમ નથી મળતો.
એક વૃક્ષ છે ધરોહર સમાન
પનરુતિમાં આવેલું એક વૃક્ષ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે એનું કારણ એ છે કે એ ૨૦૦ વર્ષથીયે વધુ જૂનું છે અને હજીયે એના પર ફળ આવે છે. પનરુતિ ગામમાં લગભગ પચાસ ટકાથી વધુ વૃક્ષો વાવવા માટેની કલમ આ વૃક્ષમાંથી જ તૈયાર કરવામાં આવી છે. ૨૦૦ વર્ષનું જાજરમાન વૃક્ષ આજે પણ વર્ષે ૨૦૦થી ૨૫૦ ફણસ આપે છે. આ વૃક્ષ પરના ફળની કિંમત બજારમાં બમણી હોય છે, કેમ કે એ મોટાં તો હોય જ છે પણ સાથે એની અંદરનો મલાઈદાર માવો વધુ અને રેસા ઓછા હોય છે. વૃક્ષની જેમ એની શેલ્ફલાઇફ પણ લાંબી છે. રામાસામી નામના ૭૧ વર્ષના ખેડૂતને ચાર પેઢીથી આ વૃક્ષ વિરાસતમાં મળ્યું છે. રામાસામીનું કહેવું છે કે ~હવે આ વૃક્ષ સંખ્યાની દૃષ્ટિએ થાક્યું છે, પરંતુ જેમ-જેમ એ જૂનું થતું જાય છે એનાં ફળોની મીઠાશ વધતી જાય છે. એની ગુણવત્તા બેજોડ રહી છે, પણ હવે એના પર ઊગતાં ફણસનું વજન ત્રણ કિલોથી ૧૨ કિલો જેટલું હોય છે.’
પનરુતિમાં આવાં જાયન્ટ ફણસ પણ બહુ થાય છે.
આર્થિક ધુરા છે ફણસ
પનરુતિમાં એકેય ઘર એવું નહીં હોય જેને ત્યાં ફણસની ખેતી ન હોય. ઘરના વરંડામાં તો ફણસ હોય જ અને સાથે ફણસની વાડીઓ પણ ખરી. દર ત્રીજા પરિવાર માટે ફણસ એ જ મુખ્ય આવકનું સાધન છે. આ ગામમાં ૧૫થી ૨૦ ફુટ ઊંચાં ફણસનાં વૃક્ષોને જિવાડવા માટે કે વધુ પાક લેવા માટે રાસાયણિક ખાતર નાખવા પર સદંતર પ્રતિબંધ છે.
આ રિક્ષાચાલક પાસે પોતાની જમીન નથી, પણ તેણે ઠેર-ઠેર ૨૦,૦૦૦ વૃક્ષો વાવીને ગામોને કટહલથી લચીલાં વૃક્ષો આપ્યાં છે
દક્ષિણનાં રાજ્યોમાં જૅકફ્રૂટ એટલું પ્રિય ફળ છે કે અહીં તમને ઠેર-ઠેર કટહલનાં વૃક્ષો જોવા મળશે. કેરલામાં એક માણસે તો કટહલ ક્રાન્તિ કરી નાખી છે. કે. આર. જયન નામના ભાઈ પાસે પોતાની ખેતીલાયક જમીન ખાસ નથી, પરંતુ તેમણે જૅકફ્રૂટની જાતજાતની જાતો વિકસાવીને લગભગ ૨૦,૦૦૦થી વધુ ફણસ વાવ્યાં છે. ૪૪ પ્રકારનાં ફણસ ઉગાડીને તેમણે ફણસની સ્થાનિક જાતિઓને બચાવવા માટે પુષ્કળ કામ કર્યું છે. રુદ્રાક્ષી, પદવલમ વરિક્કા, બેલૂન વરિક્કા, કાશુમંગા, ફુટબૉલ વરિક્કા, વાકાટનમ વરિક્કા જેવી પ્રજાતિનાં કટહલ જેવાં ફણસને બચાવ્યાં છે એને કારણે તેમને પ્લાન્ટ જીનોમ સેવિયર કમ્યુનિટી અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. કટહલને સ્થાનિક ભાષામાં પ્લાવુ કહેવાય છે એટલે કે. આર. જયનનું હુલામણુ નામ પડ્યું છે ‘પ્લાવુ જયન’.
વીસ વર્ષ પહેલાં વૃક્ષો ઉગાડવાનું શરૂ કરેલું.
કટહલ માટેનો પ્રેમ બાળપણથી જ પેદા થઈ ગયો. જયનભાઈનું બચપણ ખૂબ ગરીબીમાં વીતેલું. માત્ર કટહલ ખાઈને તેમનો પરિવાર ગુજારો કરતો હતો. ઘર પાસે જે ફણસનું વૃક્ષ હતું એ સિવાય તેમનો બીજો કોઈ સહારો નહોતો. સ્કૂલના પ્રોજેક્ટમાં પણ તે કટહલને લગતું જ કંઈક ને કંઈક શોધી કાઢતા.
છેલ્લા બે દાયકામાં દેખરેખના અભાવે જૅકફ્રૂટનાં વૃક્ષો મરી રહ્યાં હતાં અને એનો ખાસ ભાવ આવતો ન હોવાથી લોકો પણ જૅકફ્રૂટને અવગણતા હતા. જોકે છેલ્લા બે દાયકામાં તેમણે ત્રિશૂરની આસપાસનાં ગામોમાં જ્યાં સાર્વજનિક જમીન મળે ત્યાં જૅકફ્રૂટનાં વૃક્ષો વાવવાનું જાણે અભિયાન શરૂ કર્યું હતું. બે દાયકામાં ૨૦,૦૦૦ વૃક્ષો થકી તેમણે કેરલા રાજ્યમાં કટહલને પુનર્જીવન બક્ષ્યું છે.
રિક્ષા ચલાવવાનું કામ કરતા કે. આર. જયને રિક્ષા લઈને જ્યાં જાય ત્યાં સાર્વજનિક જગ્યાઓએ કટહલ વાવીને અનેક ગામોને વિવિધ પ્રકારની જૅકફ્રૂટની જાતિઓથી અવગત કરાવવાનું કામ કર્યું છે.

