બીજા દિવસના અંતે ભારતે ૭૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી, મૅચમાં ૧૧૨ રનની લીડ મેળવી
માર્કસ એકરમેને ૧૩૪ રન કર્યા હતા.
બૅન્ગલોરના BCCI સેન્ટર ઑફ એક્સલન્સમાં સાઉથ આફ્રિકા અને ભારતની A ટીમ વચ્ચેની બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં રસપ્રદ રમત જોવા મળી. પહેલા દિવસે ૨૫૫ રને ઑલઆઉટ થનાર ભારતે પહેલી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકાને ૪૭.૩ ઓવરમાં ૨૨૧ રને ઑલઆઉટ કર્યું હતું. શાનદાર વાપસી છતાં બીજા દાવની શરૂઆતમાં ધબડકો જોવા મળ્યો. બીજા દિવસના અંતે બીજા દાવમાં ભારતે ૨૪ ઓવરમાં ૭૮ રન કરીને ત્રણ વિકેટ ગુમાવી હતી. યજમાન ટીમ ૧૧૨ રનથી આગળ છે.
સાઉથ આફ્રિકા A ટીમના કૅપ્ટન માર્કસ એકરમેને ૧૧૮ બૉલમાં ૧૭ ફોર અને પાંચ સિક્સર ફટકારીને ૧૩૪ રન કર્યા હતા. તેના સિવાય માત્ર બે પ્લેયર્સ ૨૦ કે એથી વધુ રન કરી શક્યા હતા. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૩૫ રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર્સ મોહમ્મદ સિરાજ અને આકાશ દીપને બે-બે જ્યારે સ્પિનર કુલદીપ યાદવ તથા હર્ષ દુબેને એક-એક સફળતા મળી હતી. સાઉથ આફ્રિકાની સિનિયર ટીમનો કૅપ્ટન ટેમ્બા બવુમા આકાશ દીપની ઓવરમાં વિકેટકીપર રિષભ પંતને હાથે કૅચઆઉટ થયો હતો. પહેલા જ બૉલે ઝીરો પર તે પૅવિલિયન પરત ફર્યો હતો.
ADVERTISEMENT
બીજી ઇનિંગ્સની શરૂઆતમાં ભારતીય ટૉપ ઑર્ડર ફરી નબળો રહ્યો હતો. ગઈ કાલે અભિમન્યુ ઈશ્વરને ઝીરો, સાંઈ સુદર્શને ૩૮ બૉલમાં ૨૩ રન અને દેવદત્ત પડિક્કલે ૪૨ બૉલમાં ૨૪ રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. ૫૭ બૉલમાં ૨૬ રન કે. એલ. રાહુલ અને કુલદીપ યાદવ ઇનિંગ્સને આગળ વધારશે.


