વાનગી કોઈ પણ બને, પણ ભોજન કર્યાની તૃપ્તિ છાશ પીધા બાદ જ મળે છે. ગુજરાતી ઘરોમાં બારેમાસ પીવાતી છાશ ઉનાળામાં શરીર માટે અમૃત સમાન છે એમ કહેવું ખોટું ન કહેવાય. ઉનાળામાં અમૃત સમાન ગણાતી છાશ વિશે જાણી લો બધેબધું
પ્રતીકાત્મક તસવીર
વાનગી કોઈ પણ બને, પણ ભોજન કર્યાની તૃપ્તિ છાશ પીધા બાદ જ મળે છે. ગુજરાતી ઘરોમાં બારેમાસ પીવાતી છાશ ઉનાળામાં શરીર માટે અમૃત સમાન છે એમ કહેવું ખોટું ન કહેવાય. ગરમીની સીઝનમાં ડીહાઇડ્રેશન અને લૂથી બચવા અને શરીરને ઠંડક મળે એ માટે મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં છાશનું વિતરણ પણ થતું હોય છે. છાશ પીવી સારી છે, પણ પ્રમાણસર. કેવા પ્રકારની છાશનું સેવન ઉત્તમ કહેવાય અને ઘરની બનેલી તાજી છાશ શા માટે શ્રેષ્ઠ છે એ વિશે હેલ્થ-એક્સપર્ટ પાસેથી જાણીએ.
છાશ સારી, પણ કેટલી માત્રામાં?
ગુજરાતીઓ ભોજન સાથે અને પછી છાશ પીવા માટે ટેવાયેલા હોય છે અને દિવસ દરમિયાન છાશના ત્રણથી ચાર ગ્લાસ તો પીતા જ હોય છે ત્યારે ડાયટ ક્ષેત્રે બે દાયકાનો અનુભવ ધરાવતી ડાયટિશ્યન ઉર્વી વખારિયા છાશ કેટલા પ્રમાણમાં અને કેવી રીતે પીવી જોઈએ એ વિશે કહે છે, ‘ઉનાળામાં બેથી ત્રણ ગ્લાસ જેટલી એટલે કે આશરે ૨૦૦ મિલીલીટર જેટલી છાશ પીવી હેલ્થ માટે સારી કહેવાય. અતિની કોઈ ગતિ નથી હોતી. છાશનું વધુ પ્રમાણમાં સેવન ગટ-હેલ્થને સુધારવાને બદલે બગાડી શકે. છાશનું અતિસેવન શરીરમાં સોડિયમ અને પોટૅશિયમનું પ્રમાણ બગાડી શકે છે. ગૅસ, પાચન સંબંધિત સમસ્યાઓ, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે, તેથી દિવસમાં બેથી ત્રણ ગ્લાસ જેટલી છાશ પીવી સ્વાસ્થ્ય માટે પૂરતી છે. છાશના પ્રમાણની સાથે તમે એને ક્યારે પીઓ છો એ પણ મહત્ત્વનું છે. આપણે ભોજન સાથે જ છાશ પીએ છીએ અને ભોજન પત્યા પછી પાણી પીતાં પહેલાં છાશનો ગ્લાસ પીવાની આદત હોય છે, પણ એ સાચી રીત નથી.બપોરના ભોજન પહેલાં અથવા પછી અડધા કે પોણા કલાકના ગૅપમાં છાશ લેવી જોઈએ, તો જ છાશના ગુણો શરીરને મળશે. આમ તો છાશ રાત્રે પણ લઈ શકાય, પણ ઘણા લોકોને એ સૂટ નથી કરતી અને સવારે ખાલી પેટે લેવાનું ટાળવું જોઈએ, નહીં તો ઍસિડિટી થવાની શક્યતા વધે છે.’
હોમમેડ છાશ કેમ બેસ્ટ?
ડેરી-પ્રોડક્ટ્સ બનાવતી બ્રૅન્ડ્સ હવે છાશનું પણ મોટા પાયે વેચાણ કરે છે. હોમમેડ છાશ અને માર્કેટમાં મળતી છાશમાં શું ફરક છે એ સમજાવતાં ઉર્વી કહે છે, ‘માર્કેટમાં અત્યારે ઘણી બ્રૅન્ડ્સ છાશ વેચે છે, પણ ઘરની છાશ કરતાં એનો ટેસ્ટ અલગ હોય છે. એવું એટલા માટે થાય છે કારણ કે એ પાઉડરમાંથી બનતી હોય છે અને ઘરની છાશ મેળવણમાંથી બને છે. એ મેળવણ જ્યારે દૂધ સાથે મિક્સ થાય ત્યારે લૅક્ટોબેસિલસ બૅક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને થોડા કલાકમાં દહીં બની જાય છે. સરળ ભાષામાં આ બૅક્ટેરિયાને ગુડ બૅક્ટેરિયા કહેવાય, જે આપણી હેલ્થ માટે સારા હોય છે. બહારથી લીધેલી છાશ પીવામાં સારી લાગશે, પણ એ હેલ્થને કોઈ ફાયદો નહીં આપે. ઘરની બનાવેલી છાશ પીવાથી છાશના ગુણો શરીરને મળશે. ઘણા લોકોને એ પણ મૂંઝવણ હોય છે કે છાશ મોળી પીવી જોઈએ કે ખાટી? હું એટલું જ કહીશ કે બહુ મોળી છાશ કાચી હોય છે, તેથી ન પીવી જોઈએ અને બહુ ખાટી છાશ પિત્ત અને ઍસિડિટી કરે એટલે ન પીવી જોઈએ. ખાટી પણ નહીં અને મોળી પણ નહીં એવી છાશ પીવાથી નક્કી ફાયદો થશે. આ ઉપરાંત છાશની કન્સિસ્ટન્સીની વાત કરીએ તો જો તમારે વેઇટલૉસ કરવો હોય તો પાતળી છાશ પીવી. એટલે કે દહીં ઓછું અને પાણી વધારે નાખવું.આ છાશ પીવાથી શરીરને હાઇડ્રેશન પણ મળે છે.ઘાટી છાશ ત્યારે પીવી જોઈએ જ્યારે શરીરને પ્રોટીનની જરૂર હોય. છાશ ઠંડી પીવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે. તેથી રૂમ-ટેમ્પરેચર પર રાખીને જ એનું સેવન કરવું જોઈએ.’
પાચન સુધારે
છાશ પીવાના અઢળક ફાયદાઓ છે એમ જણાવતાં ઉર્વી વાતના દોરને આગળ વધારતાં કહે છે, ‘છાશ શરીરને ઠંડક આપવાનું કામ કરતી હોવાથી ગરમીની ઋતુમાં એ લૂ અને ડીહાઇડ્રેશનની સમસ્યાથી બચાવે છે. એ પ્રોબાયોટિક એટલે કે ગુડ બૅક્ટેરિયા પ્રોડ્યુસ કરીને પાચનતંત્ર અને આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખે છે. જે લોકોને વેઇટલૉસ કરવું હોય તેમના માટે છાશનું સેવન અતિઉત્તમ ગણાય છે, કારણ કે એ લો કૅલરી ડ્રિન્ક છે.છાશ પીવાથી ઍસિડિટી નથી થતી અને ઇમ્યુનિટીને વધારવામાં પણ મદદરૂપ થાય છે. છાશમાં ગુડ બૅક્ટેરિયા હોવાથી એલિવર અને પાચનતંત્રમાંથી ટૉક્સિન્સને બહાર કાઢીને ડીટૉક્સ કરે છે.’
દવાનું કામ કરે
ફક્ત છાશ પીવાથી શરીરને હાઇડ્રેશન મળે, પણ એમાં જો કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવે તો એ શરીર માટે દવાનું કામ કરે છે એમ જણાવતાં ઉર્વી કહે છે, ‘છાશમાં ફુદીનાનો પાઉડર નાખીને પીવાથી જેને ડાઇજેશનનો ઇશ્યુ હોય એસૉલ્વ થઈ જાય છે. ઘણા લોકોની તાસીર ગરમ હોય તે ગરમીની સીઝનમાં છાશમાં સબ્જા સીડ્સ એટલે કે તકમરિયાંનાખીને પીએ છે.રૉકસૉલ્ટ અથવા મીઠું છાશના ટેસ્ટને વધારવા સારુ હોય છે, પણ બન્નેમાં કોઈ તફાવત હોતો નથી.બ્લડપ્રેશરના દરદીઓએ મીઠાવાળી છાશ પીવાનું ટાળવું જોઈએ.ઘણા લોકો છાશમાં સાકર પણ નાખે છે. સાકર લોહીનું પાણી કરે તેથી સાકર ન નખાય. છાશ અને જીરું પાઉડરનું કૉમ્બિનેશન સૌથી બેસ્ટ માનવામાં આવે છે. એ ડાઇજેશનને સારું કરવાની સાથે ભૂખ વધારે છે. એમાં કોથમીર અને થોડી હિંગ નાખવામાં આવે તો સ્વાદ તો સારો થાય જ છે અને સાથે ગૅસની સમસ્યાથી ઇન્સ્ટન્ટછુટકારો આપે છે. જેને આયર્નની કમી હોય તેને અમે છાશમાં અડધી ચમચી અસેરિયોનાખીને પીવાનું કહીએ છીએ. આ ઉપરાંત ઑમેગા થ્રી ફૅટી ઍસિડની જરૂર હોય એવા લોકો છાશમાં પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ અને ચિયા સીડ્સનો પાઉડર છાશમાં નાખીને પીએ તો એનાથી ફાયદો થાય છે. જેને કફ, અશક્તિ, અપચો, ઍસિડિટી અથવા ફૅટલૉસ કરવો હોય તો છાશને ત્રિકટુ સાથે લેવાથી આ તકલીફોમાં ફાયદો થાય છે.’
છાશ એક, પીવાની રીત અનેક
એવું નથી કે ફક્ત ગુજરાતીઓના ઘરમાં જ છાશ પિવાય છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં અલગ-અલગ રૂપે છાશનું સેવન થાય છે અને દરેક પ્રકારની છાશની વરાઇટી તમે પોતાના ઘરે બનાવી શકો છો.વાત તામિલનાડુની કરીએ તો છાશમાં ઉકાળેલાં આમળાં, લીલાં મરચાં, આદું, કઢીપત્તાં, સરસવના દાણા અને હિંગ મિક્સ કરીને પિવાય છે. આ રેસિપીને નેલ્લીકાઈ મોરુ કહેવાય.
પશ્ચિમ બંગાળમાં લેબુર ઘોલ તરીકે જાણીતી છાશમાં લીંબુ, મરી, આદું, જીરુંને મિક્સ કરીને બનાવાય છે અને ઠંડી-ઠંડી ડ્રિન્ક સર્વ કરવામાં આવે છે.
ગુજરાતમાં નૉર્મલ છાશ તો પિવાય જ છે; પણ હિંગ, આદું, કઢી પત્તા અને જીરુંનો વઘાર કરીને કોથમીર ભભરાવીને વઘારેલી છાશ પણ બહુ પિવાય છે. ખીચડી સાથે છાશની કઢી પણ બહુ ફેમસ છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો છાશમાં બ્લૅક સૉલ્ટ, શેકેલું જીરું અને કોકમનાં પાનને પીસીને મિક્સ કરવામાં આવે છે અને એને કોલ્ડ ડ્રિન્ક તરીકે સર્વ કરાય છે.કેરલામાં તો છાશને સાંબરમ કહેવાય. છાશમાં આદું-મરચાં અને કાંદા નાખીને બ્લેન્ડ કરવામાં આવે છે અને સ્વાદાનુસાર ઍડ કરીને એને સર્વ કરવામાં આવે.બિહારમાં સત્તુ છાશ બહુ ફેમસ છે. છાશમાં આદું-મરચાં અને કોથમીર સાથે ચણાનો થોડો લોટ ઍડ કરીને મિક્સ કરીને સર્વ કરવામાં આવે છે. છાશનું આ વર્ઝન પણ બહુ ટેસ્ટી હોય છે.પંજાબમાં ફુદીના છાશ બહુ જોવા મળે. ફુદીનાને પીસીને છાશ સાથે મિક્સ કરીને એમાં જીરું, આદું-મરચાં અને બ્લૅક સૉલ્ટ નાખીને સર્વ કરાય છે.

