જેમ જેમ શિયાળાની ઠંડી ઘટી રહી છે અને વસંતની નરમ ગરમી નજીક આવી રહી છે, તેમ તેમ તહેવારો આપણા કેલેન્ડરને ચમકાવી રહ્યા છે. મહાશિવરાત્રી, જેને "શિવની મહાન રાત્રિ" તરીકે ઓળખવામાં આવે છે, આવતી 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઉજવાશે. આ પાવન દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનનું સ્મરણ થાય છે, જે ભક્તોમાં એક અનન્ય ઉત્સાહ અને ભક્તિભાવ જગાવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની આરાધના માટે ઉપવાસ રાખે છે, મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરે છે અને વિવિધ પૂજા-વિધિઓ સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે કરે છે. આ તહેવાર દરમિયાન અનેક ભક્તો ફળ, દૂધ અને કુટ્ટુ જેવા ઉપવાસ માટે યોગ્ય ખાદ્યપદાર્થોનું સેવન કરે છે, જ્યારે કેટલાક જુદી-જુદી ફરાળી વાનગીઓનો આનંદ માણે છે. ખાસ કરીને સિંધાલૂણ, રાજગરો, સાબુદાણા, મોરૈયો, શિંગોડાનો લોટ, ડ્રાય ફ્રૂટ, શાકભાજી અને વિવિધ બીજનો ઉપયોગ કરીને ફરાળી વાનગીઓ તૈયાર કરે છે. આજે આપણે અમદાવાદના હોમ શૅફ્સ પાસેથી તેમની વિશેષ ફરાળી રેસિપીઓ જાણીશું અને સાથે મહા શિવરાત્રીનું મહત્વ સમજશું.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
22 February, 2025 07:24 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent