ગરમીની ઋતુમાં શરીરને હાઇડ્રેશનની વધુ જરૂર હોવાથી પ્રવાહીનું સેવન કરવાનો આગ્રહ રખાતો હોય છે. વિવિધ પ્રકારનાં ઠંડાં પીણાં શરીરને હાઇડ્રેટેડ તો રાખે છે, પણ વાત હેલ્ધી ડ્રિન્કની હોય ત્યારે મગજમાં સૌથી પહેલું નામ નારિયેળપાણીનું જ આવે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
હાઇડ્રેશન માટે નારિયેળનું પાણી ઉત્તમ ગણવામાં આવે છે, પણ એ બધાને સદતું જ હોય એ જરૂરી નથી. તેથી એના સેવન માટે પ્રમાણભાન કઈ રીતે જાળવવું એ નિષ્ણાતો પાસેથી સમજીએ
ગરમીની ઋતુમાં શરીરને હાઇડ્રેશનની વધુ જરૂર હોવાથી પ્રવાહીનું સેવન કરવાનો આગ્રહ રખાતો હોય છે. વિવિધ પ્રકારનાં ઠંડાં પીણાં શરીરને હાઇડ્રેટેડ તો રાખે છે, પણ વાત હેલ્ધી ડ્રિન્કની હોય ત્યારે મગજમાં સૌથી પહેલું નામ નારિયેળપાણીનું જ આવે. એ નૅચરલ ડ્રિન્ક હોવાથી એનર્જી અને પોષણ પણ આપે છે. નારિયેળપાણી હેલ્ધી છે એમાં કોઈ બેમત નથી, પણ એ બધાને સદતું જ હોય એ પણ જરૂરી નથી. નબળી પાચનશક્તિ ધરાવતા લોકો જો નારિયેળપાણીનું સેવન નિયમિત કરે તો તેમને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પીણું સ્વાસ્થ્યવર્ધક હોય પણ એનું સેવન શરીરને સૂટ ન થાય તો એની આડઅસરો થાય છે. તેથી નારિયેળપાણી કોણે અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ તથા એને આડેધડ પીવાથી થતી આડઅસરો વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ.
કિડનીના દરદી માટે ઝેર સમાન
કલ્યાણમાં ક્લિનિકનું સંચાલન કરતાં સર્ટિફાઇડ ડાયાબેટિક એજ્યુકેટર અને ક્લિનિકલ ડાયટિશ્યન પ્રીતિ શેઠ નારિયેળપાણીથી થતી આડઅસરો તથા કિડનીના દરદીઓ માટે એ કઈ રીતે કામ કરે છે એ વિશે કહે છે, ‘નારિયેળપાણી શરીરને કૅલરી પૂરી પાડે છે, હાઇડ્રેટેડ રાખે છે અને પૂરતાં પોષક તત્ત્વો આપે છે એ વાત સાચી, પણ એમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સને અસંતુલિત કરી શકે છે. નારિયેળપાણીમાંથી મળતા પોટૅશિયમ નામના મિનરલનું પ્રમાણ વધુ હોય છે અને સોડિયમ ઓછું હોય છે. કિડનીની સમસ્યા ધરાવતા લોકોના સ્વાસ્થ્ય માટે પોટૅશિયમ જોખમી સાબિત થઈ શકે છે. નારિયેળપાણી આપવામાં આવે તો તેના શરીરમાં પોટૅશિયમનું પ્રમાણ વધી જશે અને યુરિનેશનને વધારશે. જો આવું થાય તો કિડની પર લોડ આવે છે, જેને લીધે એના ફંક્શનિંગમાં ઇશ્યુ સર્જાય છે. કિડનીના રોગના દરદીની ડાયટમાંથી પોટૅશિયમ, ફૉસ્ફરસ અને સોડિયમને રિસ્ટ્રિક્ટ કરવું પડે છે. ઘણી વાર એવું થાય છે કે લોકોને ખબર નથી પડતી કે નારિયેળપાણી તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી. નારિયેળપાણી નૅચરલ ડ્રિન્ક છે એટલે પીવું જ જોઈએ એવું માનતા હોય છે, પણ આ ધારણાને બદલવી જરૂરી છે. એ જાણવું જરૂરી છે કે એ પીવાથી તમારું બૉડી કઈ રીતે રીઍક્ટ કરે છે. કિડનીના દરદીઓને નિયમિત રીતે પોટૅશિયમનું લેવલ ચેક કરતા રહેવું પડે છે. થોડું પણ વધે તો તબિયત વધુ ખરાબ થઈ જાય છે. ક્રૉનિક કિડની ડિસઑર્ડર હોય એવા લોકોને નારિયેળપાણીનું સેવન પૂર્ણપણે બંધ કરવાની સલાહ ડૉક્ટર્સ આપતા હોય છે.’
બ્લડ-પ્રેશરને ઓછું કરે
બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખવા નારિયેળપાણીનું સેવન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે ડાયટ ક્ષેત્રે ૧૭ વર્ષનો અનુભવ ધરાવતાં પ્રીતિ કહે છે, ‘જે લોકોને લો બ્લડ-પ્રેશરની સમસ્યા રહેતી હોય છે એ લોકોને નારિયેળપાણી પીવાની સલાહ અપાતી નથી. ક્યારેક નારિયેળપાણી પીવામાં કોઈ નુકસાન નથી, પણ જો એને વધુ પીવામાં આવે તો તમારા શરીરમાં હાજર રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગાડે છે, પરિણામે તમે ફિટ થવાને બદલે વધુ બીમાર પડી શકો છો. લો બ્લડ-પ્રેશરના દરદીઓમાં પણ પોટૅશિયમનું પ્રમાણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો એ વધુ થાય તો બ્લડ-પ્રેશરમાં વધુ ઘટાડો થાય છે અને ચક્કર આવવાં, બેભાન થવું, નબળાઈ આવવી, શરીર ઠંડું પડવું જેવાં લક્ષણો દેખાય છે અને આવામાં નારિયેળપાણીનું સેવન આગમાં ઘી હોમવાનું કામ કરે છે. હા, જેને હાઈ બ્લડ-પ્રેશર હોય એ લોકો માટે નારિયેળનું પાણી દવાનું કામ કરશે. તેમના શરીરમાં પોટૅશિયમનું પ્રમાણ ઓછું હોય છે તો નારિયેળપાણી એની કમીને પૂરી કરશે, કારણ કે એ બ્લડ-પ્રેશરને રેગ્યુલેટ કરવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે.’
શુગર-લેવલને વધારે
નારિયેળપાણી પીવાથી થતી અન્ય આડઅસરો વિશે વાત કરતાં પ્રીતિ કહે છે, ‘નારિયેળપાણીમાંથી શરીરને નૅચરલ શુગર મળે છે. એનું પ્રમાણ વધુ રહેલું હોય છે તેથી ડાયાબિટીઝના દરદીઓએ એનું સેવન ટાળવું જોઈએ. તંદુરસ્ત વ્યક્તિ પણ જો દરરોજ નારિયેળપાણી પીશે તો તેના બ્લડ-શુગર લેવલમાં પણ વધારો થાય છે. બીજા ફ્રૂટ જૂસ અને સોડા જેવા શુગરી ડ્રિન્ક કરતાં નારિયેળપાણી ભલે હેલ્ધી ગણાય, પણ એમાંથી કૅલરી વધુ મળતી હોવાથી જે લોકો ફૅટબર્ન કરી રહ્યા છે અને વજન ઉતારી રહ્યા છે એ લોકો માટે આ ડ્રિન્ક તમારી વેઇટલૉસ જર્નીને અસર કરી શકે છે. આમ તો એ હાઇડ્રેશનનું કામ કરે છે, પણ જો એને પ્રમાણસર પીવામાં ન આવે અથવા ધારો કે તમે દરરોજ એ પીઓ છો પણ પાણીનો ઇન્ટેક ઓછો રાખો છો તો એ હાઇડ્રેટ કરવાને બદલે ડીહાઇડ્રેટ કરી શકે છે, પરિણામે પેટમાં ડિસકમ્ફર્ટ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. નારિયેળ ટ્રી નટ હોવાથી એનું સેવન કરવાથી ઍલર્જિક રીઍક્શન પણ થઈ શકે છે. કેટલાક લોકોને નટ્સથી ઍલર્જી હોય છે. આવા સંજોગોમાં જો નટ્સનું સેવન કરવામાં આવે તો શરીરમાં એકાએક ખંજવાળ અથવા સોજા જેવાં રીઍક્શન આવી શકે છે. નારિયેળનું પાણી કબજિયાતની સમસ્યામાં રાહત તો અપાવે છે પણ એના વધુપડતા સેવનથી ડાયેરિયા થઈ શકે છે. આવું પાચનની સમસ્યા હોય એ લોકોમાં જોવા મળે છે. ઘણી વાર અપચો પણ થાય છે.’
દરરોજ પીવાથી શું થાય?
ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપતું નારિયેળનું પાણી રોજ પીવાથી આમ તો ફાયદો જ મળે છે અને આ વાતને નકારી શકાય નહીં, પણ એ ફાયદો ત્યારે જ મળે જ્યારે એનું ચોક્કસ પ્રમાણમાં સેવન કરવામાં આવે એમ જણાવતાં એ કેટલા પ્રમાણમાં પીવું જોઈએ એ વિશે પ્રીતિ કહે છે, ‘કોકોનટ વૉટર પીવાની આઇડિયલ ક્વૉન્ટિટી સરેરાશ ૧૫૦ મિલીલીટર છે. વરિષ્ઠ નાગરિકો જો નારિયેળનું પાણી દરરોજ પીશે તો તેમની કિડનીના ફંક્શનિંગમાં અસર થશે અને બ્લડ-પ્રેશરમાં પણ ઉતારચડાવ થશે. એક નારિયેળમાંથી આશરે ૨૦૦ મિલીલીટર જેટલું પાણી નીકળે છે તો બધું જ પીવાને બદલે બે જણમાં ડિવાઇડ કરી લેવું જોઈએ. ઘણા લોકો એમ કહે છે કે અમને નારિયેળપાણી સૂટ નથી થતું. સૂટ ત્યારે ન થાય જ્યારે એ પીવાથી તકલીફ થાય. કોઈને ગૅસની તકલીફ થાય તો કોઈને અપચાની સમસ્યા થાય. આવા લોકોએ નારિયેળપાણી પીવું ન જોઈએ. એને બદલે કેળાનું સેવન કરી લેવું. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે કોકોનટ વૉટર ન્યુટ્રિઅન્ટ્સવાળું નૅચરલ પીણું છે. એને પૂર્ણપણે બંધ ન કરવા કરતાં બે દિવસમાં એક વાર એનું સેવન કરવું હિતાવહ રહેશે, જ્યારે જે લોકોને નથી સદતું એ લોકોએ પીવું જ ન જોઈએ. ગંભીર બીમારીઓ ધરાવતા લોકોએ આ પીણું પીતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.’
ADVERTISEMENT
શું કહે છે આયુર્વેદ?
નારિયેળપાણીને આયુર્વેદમાં ઉત્તમ ગણાવાયું છે ત્યારે અમુક પ્રકારની સમસ્યા ધરાવતા લોકોને એનું સેવન મર્યાદામાં રહીને કરવાનું કહેવાયું છે એમ જણાવતાં આયુર્વેદ ક્ષેત્રે ૪૨ વર્ષનો અનુભવ ધરાવતા બોરીવલીના વૈદ્ય દિલીપ ત્રિવેદી કહે છે, ‘જેને શરદીનો કોઠો રહેતો હોય અને કફ પ્રકૃતિ ધરાવતા હોય એ લોકોએ નારિયેળપાણી પીવું ન જોઈએ, કારણ કે એની તાસીર ઠંડી હોવાથી એનો ગુણધર્મ શરીરને ઠંડક આપવાનો છે. જો શરીરની તાસીર ઠંડી હોય તો નારિયેળપાણીનું સેવન બહુ ઓછું કરવું જોઈએ. બાકી નારિયેળ વાળ અને શરીર માટે બહુ જ પૌષ્ટિક છે તેથી એ ન પીવું જોઈએ એવું આયુર્વેદ કહેતું નથી; પણ હા, સવારે ૯-૧૦ વાગ્યા સુધીમાં નાસ્તા પછી અથવા ખાલી પેટે એ પીવામાં આવે તો શરીરને ફાયદા આપે છે. સાંજે પીવાથી ગૅસ કે અજીર્ણ જેવી સમસ્યાઓ થઈ શકે. દિવસમાં સવારે એક જ વાર એનું સેવન આઇડિયલ માનવામાં આવે છે. કિડની સંબંધિત સમસ્યામાં જેને પથરી હોય, પેશાબ સાફ ન આવતો હોય એ લોકો માટે નારિયેળપાણી કારગત છે. દરેકની પ્રકૃતિ અલગ હોવાથી કોકોનેટ વૉટર પચવામાં ભારે લાગી શકે. એમાં વાયુ પ્રકૃતિ હોવાથી ગૅસનો પ્રૉબ્લેમ કે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જે વ્યક્તિ નારિયેળપાણી પીતી હોય તેને જ ખ્યાલ આવી જાય કે એ પીવાથી શરીરમાં શું થઈ રહ્યું છે. સારું ફીલ થાય તો દરરોજ પીવામાં વાંધો નથી પણ અપચાની સમસ્યા કે ગૅસ અથવા ભરઉનાળે શરદી-ઉધરસ થાય તો એના સેવનને બંધ કરી દેવું જોઈએ. બાકી નારિયેળપાણીનું ઉનાળામાં સેવન સૌથી સારું માનવામાં આવે છે.’

