હાર્ટ-ડિસીઝ, કિડની-ડિસીઝ, આંખની તકલીફની સાથે-સાથે આ દરદીઓને થતી એક બીજી પણ વ્યાપક સમસ્યા છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડાયાબિટીઝ ખુદ એક રોગ નથી પરંતુ અસંખ્ય રોગોને આવકારનારી શરીરની એક અવસ્થા છે. શરીરનું દરેક અંગ ડાયાબિટીઝને કારણે અસરગ્રસ્ત થઈ શકે છે. હાર્ટ-ડિસીઝ, કિડની-ડિસીઝ, આંખની તકલીફની સાથે-સાથે આ દરદીઓને થતી એક બીજી પણ વ્યાપક સમસ્યા છે એ છે સ્કિન-પ્રૉબ્લેમ્સ. ડાયાબેટિક ડર્મોપથી, NLD- નેક્રોબાયોસિસ લિપોઇડિકા ડાયાબેટિકોરમ (NLD), વિટિલિગો એટલે કે શરીર પર આવતા સફેદ ડાઘ જેવી સ્કિનની સમસ્યા ડાયાબિટીઝના દરદીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે.
ડાયાબિટીઝ જેને હોય અને તેના લોહીમાં લાંબો સમય સુધી શુગર રહે તો એ સ્કિનને પણ અસર કરે છે. ડાયાબિટીઝના ૩૩ ટકા દરદીઓને સ્કિન-પ્રૉબ્લેમ થાય છે. સૌથી સારી વાત એ છે કે મોટા ભાગના સ્કિન-પ્રૉબ્લેમ્સ રોકી શકાય એમ હોય છે જો એનું નિદાન જલદી થઈ શકે. પરંતુ જો એ પ્રૉબ્લેમ્સને અવગણવામાં આવે તો સામાન્ય સ્કિન-પ્રૉબ્લેમ એક મોટી સમસ્યા બની શકે છે, જેનાં ઘણાં ગંભીર પરિણામો પણ આવી શકે છે. ઘણા સ્કિન-ડિસીઝ ફક્ત ડાયાબિટીઝના દરદીઓને જ થાય છે તો ઘણા ડિસીઝ એવા હોય છે જે ડાયાબિટીઝને કારણે વધુ ગંભીર બનતા હોય છે.
ADVERTISEMENT
ડાયાબિટીઝના દરદીઓમાં શા માટે સ્કિન-પ્રૉબ્લેમ થાય છે, એનું મૂળ શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. ઘણાં રિસર્ચ જણાવે છે કે આ રોગ પાછળનું કારણ ડાયાબેટિક ન્યુરોપથી એટલે કે ડાયાબિટીઝની જે અસર લોહીની નળીઓ પર થઈ છે એ હોઈ શકે છે. ડાયાબિટીઝના દરદીઓને નસોની સંવેદના જ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કંઈક ખૂંચે, વાગે કે ગરમ વસ્તુથી તે દાઝી જાય તો નસોની સંવેદના છે જેને લીધે તેને એ મહેસૂસ થાય છે કે મારી સ્કિનને તકલીફ થઈ રહી છે. ડાયાબિટીઝના દરદીઓમાં આ સંવેદના સાવ ઓછી થઈ જવાને કારણે ઘણીબધી વાર તેમને ખબર જ નથી પડતી કે તેમને કોઈ પ્રૉબ્લેમ થયો છે. એને કારણે ગરમ વસ્તુ હાથમાં પકડેલી જ રહી જાય છે, શૂ ડંખતું હોય તો એ ડંખ ઇન્ફેક્શનમાં ન પરિણમે ત્યાં સુધી ખબર જ નથી પડતી કે કોઈ પ્રૉબ્લેમ છે. આમ તેમની સ્કિન-કન્ડિશન ખરાબ થતી જાય છે જે ઠીક કરવી પણ સહેલી હોતી નથી.
આ સિવાય ડાયાબિટીઝના દરદીઓમાં બ્લડ-સર્ક્યુલેશન યોગ્ય હોતું નથી. સ્કિનના જે કોષોને લોહી બરાબર મળતું નથી ત્યાં કોઈ ને કોઈ પ્રૉબ્લેમ થવાની પૂરી શક્યતા રહે છે. આ સિવાય મોટા ભાગના સ્કિન-પ્રૉબ્લેમ્સ પાછળ જવાબદાર એક કારણ છે અને એ છે ઓબેસિટી. ડાયાબિટીઝ જેમને છે એવા મોટા ભાગના લોકો ઓબીસ હોય છે. આ સિવાય જેમને ડાયાબિટીઝ છે તેમને ઇન્ફેક્શન પણ ખૂબ જલદી થાય છે. સ્કિન-પ્રૉબ્લેમમાં મોટા ભાગના પ્રૉબ્લેમ્સ ઇન્ફેક્શનને કારણે પણ હોય છે. એટલે ડાયાબિટીઝના દરદીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

