આયુર્વેદની દવા અને હેલ્થથી ભરપૂર ખાદ્ય સામગ્રીને પોટલીમાં ભરીને એનો ગરમ શેક કરવાની પદ્ધતિ આજકાલ સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થઈ રહી છે
પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદની દવા અને હેલ્થથી ભરપૂર ખાદ્ય સામગ્રીને પોટલીમાં ભરીને એનો ગરમ શેક કરવાની પદ્ધતિ આજકાલ સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થઈ રહી છે. ત્વચારોગોથી લઈને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, સાંધાના રોગો, સ્નાયુઓમાં દુખાવો, શરીરશુદ્ધિ વગેરેમાં કામ લાગતી પોટલી થેરપી અથવા તો પોટલી મસાજ વિશે વિગતવાર જાણી લો
જેટલા પ્રકૃતિની નજીક જઈએ એટલી જ પ્રકૃતિ આપણને આપણા મૂળ સ્વરૂપમાં એટલે કે આપણને તાજામાજા કરવામાં મચી પડતી હોય છે. કેટલાક પ્રાકૃતિક ઇલાજો જુદા-જુદા વિસ્તારોમાં ડેવલપ થયા અને પછી વ્યાપક પણ બન્યા. એવી ઘણી બીમારીઓ છે જેનો મૉડર્ન મેડિસિન પાસે ઇલાજ નથી, પણ પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદની સારવાર થકી પરિણામ મળ્યું છે. છેલ્લા કેટલાક અરસામાં આયુર્વેદને વધુ વૈજ્ઞાનિક ઢબમાં પ્રસ્તુત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે વર્ષોથી ચાલી આવતી દાદીમા રાખતાં એવી પોટલીમાં દવા ભરીને શેક કરવાની ચિકિત્સા-પદ્ધતિ પણ ખાસ્સી પૉપ્યુલર થઈ રહી છે. મૂળ કેરલામાં વધુ ઉપયોગમાં લેવાતી આ પદ્ધતિ હવે આખા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પણ ઇલાજ માટે લોકોનાં દિલ જીતી રહી છે. ફ્રોઝન શોલ્ડર જેવી ઘણી સમસ્યાઓ છે જેનો ઍલોપથી પદ્ધતિમાં ઉપયુક્ત ઇલાજ નથી, પરંતુ પોટલી ચિકિત્સાથી ફ્રોઝન શોલ્ડર જેવી તકલીફમાં અકલ્પનીય પરિણામો મળ્યાનું નિષ્ણાતો સ્વીકારે છે. આજકાલ ટ્રેન્ડ કરી રહેલી પોટલી થેરપી શું છે અને કઈ રીતે એ કામ કરે છે એ જાણીએ આજે.
ADVERTISEMENT
સિમ્પલ પણ સબ્જેક્ટિવ
સાદી ભાષામાં કહીએ તો એક કૉટનના કપડામાં અશ્વગંધા, મુલેઠી, હળદર, લીમડો, શતાવરી, જીરું, મેથી, વરિયાળી, પુનર્નવા જેવી આયુર્વેદની દવાઓ ભરાય. એને ગરમ કરાય અને પછી એનાથી વ્યક્તિની જરૂરિયાત અનુસાર વિશિષ્ટ રીતે શેક કરાય. બસ, આટલું જ હોય પોટલી થેરપીમાં? જવાબ હા પણ છે અને ના પણ. પાર્લામાં કેરલા આયુર્વેદિક ક્લિનિક ધરાવતાં અને પંચકર્મમાં MD કરનારાં ફિઝિશ્યન ડૉ. દેવિકા દેશમુખ કહે છે, ‘પોટલીમાં દવા ભરીને એને ગરમ કરાય અને પછી શેક અપાય, પરંતુ દવાનું સિલેક્શન વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે હોય. કપડું પણ ખાસ પ્રકારનું વાપરવામાં આવતું હોય. શેકનું ડ્યુરેશન વ્યક્તિની કન્ડિશન પર નિર્ભર કરતું હોય અને સૌથી વધુ મહત્ત્વનું એ કે પોટલીમાં સૂકી દવા ભરવી અને પાઉડરને ગરમ કરવો કે પછી એને તેલ અથવા કાઢાના પાણીમાં બોળીને લિક્વિડ ફૉર્મમાં લાવીને શેક કરવો એ પણ દરદીની પ્રકૃતિ, તેના રોગની સ્થિતિ અને તેની ગરમાશને સહી શકવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. શેક કરવાની રીત પણ જુદી હોય છે. એટલે જોવામાં સરળ લાગતી આ બાબતમાં ઘણા સ્તર પર ઍનૅલિસિસ થાય અને પછી ટ્રીટમેન્ટ નક્કી થાય.’
સાયન્સ શું છે?
ઠંડી-ગરમ વસ્તુઓના શેકના પોતાના ફાયદા છે એ આપણે સહુ જાણીએ છીએ. શરીરનું સર્ક્યુલેશન સુધારવાથી લઈને બૉડીને ડીટૉક્સ કરવામાં, સ્નાયુઓનું ટેન્શન ઓછું કરવામાં, સોજા ઘટાડવામાં એ ઉપયોગી છે. ડૉ. દેવિકા કહે છે, ‘એ જ સાયન્સ અહીં લાગુ પડે છે. ફરક માત્ર એટલો હોય છે કે તમે ઇલેક્ટ્રિક મસાજનું સાધન યુઝ કરો તો એ માત્ર હીટ કે કોલ્ડ આપે જ્યારે પોટલીમાં રહેલી દવા ત્વચા દ્વારા શોષાય અને એના પણ પોતાના લાભ છે. સ્કિન અને મસલ ટિશ્યુ વચ્ચે જમા થતી ફૅટને ઘટાડવામાં પોટલી મસાજ ઉપયોગી છે. ફ્રોઝન શોલ્ડરના કેસમાં પોટલી મસાજથી અદ્ભુત રિઝલ્ટ મળ્યું છે. પોટલી મસાજ સ્કિનના રોગોમાં પણ ઉપયોગી છે. આયુર્વેદમાં પંચકર્મમાં મસાજ વગેરેનું ખૂબ મહત્ત્વ છે. ત્વચાથી કચરો બહાર પણ આવે અને અંદર પણ જઈ શકે એ વાત હવે લોકો સ્વીકારતા થયા છે. સ્કિનની અશુદ્ધિઓને પરસેવા વાટે બહાર કાઢીને જરૂરિયાત મુજબની દવા સાથે સ્કિનને એક્સપોઝર મળે તો એનું ઍબ્સૉર્બ્શન શક્ય છે. આ આયુર્વેદની સ્થાનિક ચિકિત્સા છે જે એક શરીરના સ્થાનને ફોકસ કરીને અપાતી હોય. જેમ કે ફ્રોઝન શોલ્ડરમાં જૉઇન્ટ્સને લુબ્રિકેટ કરીને મૂવમેન્ટને બહેતર બનાવવા માટે સાતથી આઠ સેશનમાં રિઝલ્ટ મળી જતું હોય છે, પરંતુ આયુર્વેદની અન્ય સર્વાંગી પદ્ધતિથી નહીં પણ સ્થાનિક પદ્ધતિથી.’
કૉટનનું ખાસ કપડું
પોટલી ચિકિત્સા માટે કૉટનનું કપડું અને જુદા-જુદા પ્રકારનાં ચૂર્ણ, જડીબુટ્ટીઓ જુદી-જુદી સાઇઝમાં પીસેલાં અથવા આખાં વપરાય. એમાં તેલ, આમલી, લીંબુ વગેરે પણ રોગ અને રોગીની આવશ્યકતા અનુસાર વપરાય છે એમ જણાવીને ડૉ. દેવિકા આગળ કહે છે, ‘આમાં પોષણ મળે એ પહેલાં બૉડીને સ્કિન થકી ડીટૉક્સ કરવાની પ્રોસેસ થાય છે. દવાની સાઇઝ જુદી હોય એમ એના માટે વપરાતાં કપડાં પણ જુદાં હોય. જેમ કે ભીની પોટલીમાં જાડા નૅપ્કિન જેવું કપડું વપરાય અને સૂકી પોટલી ચિકિત્સા માટે કેરલામાં જ વધુ મળતું કોરા કૉટન નામનું કપડું વપરાય. એમાં પણ છિદ્રના દૃષ્ટિકોણથી વરાઇટી જોવા મળે છે. ખૂબ ઝીણાં છિદ્ર હોય જ્યાંથી દવાનો પાઉડર આરપાર થઈ જ ન શકે. મીડિયમ અને મોટાં પણ હોય. જોકે મોટા ભાગે મીડિયમ છિદ્ર ધરાવતું કોરા કાપડ વપરાય. દવા પર કાપડ નિર્ભર કરે. પરસેવો કરવો છે તો જુદી દવા અને સ્કિન વાટે પોષણ પહોંચાડવું છે તો જુદી દવા અને જુદું કાપડ. આ ચિકિત્સા અનુભવી નિષ્ણાતની સામે લો તો દાઝી જવાના ચાન્સ ઓછા થઈ જાય છે. ઘણા લોકો ઘરે જાતે જ ગરમ મસાજ કરે અને પછી જ્યારે સ્કિન પર રૅશિસ થઈ જાય કે પોતે દાઝી ગયા હોય ત્યારે અમારી પાસે આવે. ડાયાબિટીઝ, બ્લડ-સર્ક્યુલેશનની સમસ્યા હોય, અતિ સેન્સિસિટિવ સ્કિન હોય તેમણે ચિકિત્સકની સલાહ વિના આ થેરપીના જાતે અખતરા ન કરવા.’
ડૉ. દેવિકા દેશમુખ, ફિઝિશ્યન
કેવા લાભ થાય પોટલી મસાજના?
અજમાની પોટલી બનાવી એને તવા પર ગરમ કરીને સૂંઘો તો સાયનસમાં રિલીફ મળે અને સાયનસના ભાગમાં કન્જેશન દૂર થાય.
પોટલી થેરપી મસલ્સને રિલૅક્સ કરે, બ્લડ-સર્ક્યુલેશન સુધારે જેથી દુખાવામાં અતિશય રાહત થઈ જતી હોય છે.
શરીરમાં આવેલા સોજા ઘટાડે.
શરીરશુદ્ધિનું કામ કરે અને શરીરને પોષણ પણ આપે.
સાંધાની તકલીફમાં, સ્નાયુઓના દુખાવામાં પોટલી મસાજ સરસ રિઝલ્ટ આપે. ઘણા લોકો ઘૂંટણ કે પગના પંજામાં થતા દુખાવામાં ચાલી ન શકતા હોય અને પોટલી મસાજના પાંચ-સાત સેશનથી ચાલતા થઈ ગયાના કેસ-સ્ટડીઝ નિષ્ણાતો પાસે છે.
દુખાવો ખૂબ છે?
સદીઓથી આયુર્વેદમાં આખું મીઠું અને અજમાને ભરીને એની પોટલી બનાવવામાં આવે. એને તવા પર શેકીને એનો દુખાવો હોય ત્યાં હળવા હાથે ગરમ પોટલીનો શેક કરો તો એનાથી લાભ થઈ શકે.
શેમાં બેસ્ટ?
ફ્રોઝન શોલ્ડર, ઘૂંટણનો દુખાવો, કરોડરજ્જુમાં દુખાવો, મેદસ્વિતા, અતિશય ડ્રાય સ્કિન જેવી સમસ્યામાં પોટલી મસાજ ઉપયોગી નીવડી શકે છે.

