એપ્રિલ અને મે મહિનાનો તાપ બહુ આકરો હોવાથી માંદા પડવાની શક્યતા વધી જતી હોય છે ત્યારે આ સમયે શરીરને સાચવવાની સૌથી વધુ જરૂર હોય છે
પ્રતીકાત્મક તસવીર
ઉનાળામાં એપ્રિલ અને મે મહિનો સૌથી આકરો લાગે છે કારણ કે આ બે મહિનામાં તાપમાનનો પારો આસમાને રહે છે. એમાંય વળી મુંબઈની ગરમી તો આ વખતે નવા રેકૉર્ડ્સ સરજી રહી છે. ગરમી સાથે ઉકળાટ અને બફારાને લીધે તબિયત નરમ થવી સ્વાભાવિક છે ત્યારે આ ઋતુમાં હીટવેવનો શિકાર બનતા લોકોની સંખ્યામાં થઈ રહેલો ધરખમ વધારો જોઈને શરીરની એક્સ્ટ્રા કૅર કરવાની જરૂર છે. શરીરમાં થતા નાના-મોટા ફેરફાર પર ધ્યાન આપવામાં ન આવે તો હીટ-સ્ટ્રોક અને હાર્ટ-અટૅકનું જોખમ વધી જાય છે. તાપમાનમાં થતા વધારા અને વાતાવરણમાં થતા બફારાને લીધે હીટવેવ આપણા શરીરને કઈ રીતે અસર કરે છે, પ્રારંભિક લક્ષણો શું હોય છે અને એનાથી બચવા શું કરવું જોઈએ એ વિશે નિષ્ણાતનો મત જાણીએ.
શરીરના મેકૅનિઝમને સમજીએ
ADVERTISEMENT
લાંબા સમય સુધી તાપમાનનો પારો સામાન્ય કરતાં વધુ રહે અને હવામાં ભેજનું પ્રમાણ પણ વધુ હોય એ સ્થિતિને હીટવેવ કહેવાય છે. આવા વાતાવરણમાં શરીર પર સ્ટ્રેસ આવે છે. એ કઈ રીતે રીઍક્ટ કરે છે એ વિશે વિસ્તારપૂર્વક સમજાવતાં ઘાટકોપરનાં ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. દીપિકા હિંગુ કહે છે, ‘આપણા શરીરનું ઇન્ટરનલ બૉડી ટેમ્પરેચર ૩૭ ડિગ્રી જેટલું હોય છે અને એ ૩૯ ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે. જ્યાં હવાની આર્દ્રતા એટલે કે હ્યુમિડિટી લેવલ વધુ હોય ત્યાં બૉડીના ટેમ્પરેચરને મેઇન્ટેન કરવું થોડું મુશ્કેલ છે. આપણા શરીરનું મેકૅનિઝમ એવું છે કે જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે એટલે આપણા શરીરનું અંદરનું ટેમ્પરેચર જાળવી રાખવાનું કામ હૉર્મોન્સને રેગ્યુલેટ કરતી મગજની એક ગ્રંથિ હાઇપોથેલૅમસ કરે છે. એ આપણી સ્કિનમાં રહેલી પરસેવાની ગ્રંથિને ઍક્ટિવેટ કરે છે જે શરીરમાં જમા થતી વધારાની ગરમી અને ટૉક્સિક તત્ત્વોને પરસેવા વાટે બહાર કાઢે છે અને ઇન્ટરનલ ટેમ્પરેચરને નૉર્મલ રાખવાની કોશિશ કરે છે, પણ જ્યાં હવાની આર્દ્રતા વધુ હોય, ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં શરીરમાંથી પરસેવો નીકળવાનું મુશ્કેલ હોવાથી શરીરનું તાપમાન જેવું જળવાઈ રહેવું જોઈએ એવું ન થાય. અહીંના લોકોના શરીરમાંથી પરસેવો નીકળશે જ નહીં તો ટૉક્સિન્સ અને ગરમી અંદર જ રહેશે, જે વધુ હાનિકારક હોય છે. એટલે ૩૭ ડિગ્રીના તાપમાનમાં આપણને કમ્ફર્ટેબલ ફીલ થતું નથી અને હીટ-સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.’
બૉડી કઈ રીતે રીઍક્ટ કરે?
કાળઝાળ ગરમીમાં હીટવેવનો શિકાર બને ત્યારે બૉડી કઈ રીતે રીઍક્ટ કરે છે એ વિશે વાત કરતાં ત્રણ દાયકાથી પ્રૅક્ટિસ કરતાં ડૉ. દીપિકા કહે છે, ‘જ્યારે શરીરમાં જરૂર કરતાં વધુ ગરમીનો સંચય થાય ત્યારે તબિયત બગડવાની શરૂઆત થાય. આકરી ગરમી હોય ત્યારે શરીરમાંનો પરસેવો નીકળી શકતો નથી અથવા સુકાઈ જાય છે. પરિણામે શરીરનું તાપમાન નિયંત્રણમાં રહેતું નથી અને રક્તવાહિની ફૂલે છે. પરિણામે બ્લડપ્રેશર લો થાય છે. આવી સ્થિતિમાં હૃદયના ફંક્શનિંગમાં તથા આખા શરીરને લોહી પહોંચાડવાના કાર્યમાં મુશ્કેલી થાય છે. ઘણી વાર રક્તવાહિની લીક થાય ત્યારે પગમાં સોજા ચડી જાય છે, લો પ્રેશરની સાથે પાણી અને સોડિયમનું પ્રમાણ ઓછું થાય છે અને તબિયત લથડે છે. હીટવેવની અસર કિડની અને શ્વસનતંત્ર પર પણ પડે છે. મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણ અને હાઈ ટેમ્પરેચરને લીધે અસ્થમા અને લંગ્સ ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગરમીને લીધે શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન પર અસર થવાથી કિડનીનાં ફંક્શન પ્રભાવિત થાય છે, પરિણામે ડીહાઇડ્રેશન ઉપરાંત પથરીની સમસ્યા ઉદ્ભવે છે.’
આ લક્ષણોને ઇગ્નોર નહીં કરતા
હીટવેવને કારણે બૉડીમાં જણાતાં લક્ષણો વિશે વાત કરતાં ડૉ. દીપિકા કહે છે, ‘હીટવેવના શિકાર તમે બન્યા છો એનું પ્રારંભિક લક્ષણ માથાનો દુખાવો અને ચક્કર છે. આ બહુ જ કૉમન લક્ષણો છે પણ આ ઉપરાંત ત્વચામાં બળતરા અને રૅશિસ, ડીહાઇડ્રેશન, ઊલટી, આંખે અંધારાં, થાક, ગભરાટ, હાથ અને પગના મસલ્સમાં અચાનક ક્રૅમ્પ્સ, લો બ્લડપ્રેશર, બેહોશી અને લો હાર્ટબીટ જેવાં લક્ષણો જોવા મળી શકે છે. જો સમયસર સારવાર ન મળે તો હીટ-સ્ટ્રોક પણ આવી શકે છે. શરીર ૪૦ ડિગ્રી જેટલું તાપમાન સહન નથી કરી શકતું અને આવી સ્થિતિમાં પરસેવો સુકાઈ જવાને લીધે શરીર ગરમ થવા લાગે છે અને માનસિક રીતે પણ અસ્વસ્થતા અનુભવાય છે. અમુક કેસમાં તો શરીરનું મગજ સાથે કો-ઑર્ડિનેશન તૂટી જતું હોવાથી યાદશક્તિ ઓછી થઈ જાય છે. આ લક્ષણો જીવલેણ સાબિત થઈ શકે છે. જે લોકોને બ્લડપ્રેશર કે હૃદયસંબંધિત સમસ્યાઓ હોય, ડાયાબિટીઝ કે પછી કોઈ ગંભીર બીમારી હોય તેમણે હીટવેવથી ખાસ બચીને રહેવું જોઈએ. ગરમીની ઋતુમાં પળવારમાં તેમના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને પ્રૉબ્લેમ્સ શરૂ થાય છે. મોટી ઉંમરની વ્યક્તિ અને નાનાં બાળકોમાં હીટવેવને કારણે માથાનો દુખાવો, ડાયેરિયા અને ચક્કર આવવાની સમસ્યાઓ થઈ શકે છે.’
શું કરવું?
હીટવેવથી રક્ષણ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની સાથે અમુક ચીજોમાં સાવધાની રાખવી પણ જરૂરી છે એમ જણાવતાં ડૉ. દીપિકા કહે છે, ‘હીટવેવથી રક્ષણ મેળવવા સૌથી કૉમન અને સામાન્ય ઉપાય એ જ છે કે આખા દિવસમાં ત્રણથી ચાર લીટર જેટલું પાણી પીવું જોઈએ. પાણી વધુ પીવાશે તો ડીહાઇડ્રેશનની સમસ્યા નહીં થાય. આ ઉપરાંત કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જરૂર પડ્યે જવું પડે તો સનકોટ પહેરીને બહાર નીકળવું. માર્કેટમાં સ્ત્રી અને પુરુષો માટે સૂર્યથી રક્ષણ મળે એવા સન પ્રોટેક્શન કોટ મળે છે જે માથાની સાથે ચહેરો પણ ઢાંકે છે. સનકોટને બદલે છત્રી લઈને નીકળી શકાય, દુપટ્ટો અથવા ટોપી પણ પહેરી શકાય. ટૂંકમાં શરીર ઢંકાઈ જાય એ રીતે ઘરની બહાર નીકળવું જોઈએ. ફૅશન કરવાને બદલે આ સીઝનમાં કૉટનનાં ખુલ્લાં, કમ્ફર્ટેબલ અને લાઇટ-વેઇટ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. ત્વચા પર સનબર્ન ન થાય એ માટે સનસ્ક્રીન લગાવીને બહાર નીકળવું. જે ફૂડમાં પાણીનું પ્રમાણ વધુ હોય એવા આહારનો સમાવેશ તમારી ડાયટમાં કરવો. પાણીદાર અને સીઝનલ ફ્રૂટ ખાતા રહેવું જેથી શરીરમાં ગરમીનો કોઠો ન રહે. બને ત્યાં સુધી છાંયડામાં રહીને કામ કરો અને ક્ષમતા કરતાં વધુ ખેંચવાની કોશિશ ન કરો. ગરમીના સમયમાં શરીર નબળું હોય છે તો એને વધુ કષ્ટ આપવું નહીં.’
આયુર્વેદિક ઉપાય
ડૉ. દીપિકા ઍલોપથીની પ્રૅક્ટિસ કરવાની સાથે યોગમાં થેરપ્યુટિક કન્સલ્ટન્ટ છે અને આયુર્વેદનાં પણ જાણકાર છે. ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપવા માટે આયુર્વેદમાં પણ કેટલાક ઉપાયો જણાવાયા છે એમ જણાવતાં ડૉ. દીપિકા કહે છે, ‘શક્ય હોય ત્યાં સુધી ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપે એવા જ આહારનું સેવન કરવું જોઈએ. જેની તાસીર ગરમ હોય તેણે તો ખાસ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ સીઝનમાં પિત્ત અને ઍસિડિટીની સમસ્યાઓ રહેતી હોય છે તેથી એનું શમન કરતા આહારનું સેવન કરવું હિતાવહ છે. આ સાથે ધાણા અને જીરુંને પાણીમાં થોડી વાર પલાળીને એમાં ખડી સાકર મિક્સ કરીને પીવાથી શરીરને ઠંડક મળે છે અને હીટવેવથી રક્ષણ પણ આપે છે. આ ઉપરાંત કાળી દ્રાક્ષ અને તકમરિયાંના ગુણધર્મો પણ શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે. આ સાથે શીતલી અને શીતકારી પ્રાણાયામ પણ ગરમીના દિવસોમાં શરીરના તાપમાનને મેઇન્ટેન રાખવાનું કામ કરે છે.’

