ખાસ કરીને આ ધ્યાન રાખીએ તો ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિઓને શુગર કન્ટ્રોલ કરવામાં ઘણી મદદ મળી રહે છે. અત્યારે એનો ટ્રેન્ડ ભારે ચાલે છે
સમન્થા રુથ પ્રભુ
ઍક્ટર સમન્થા રુથ પ્રભુએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાની શુગર કન્ટ્રોલ કરવા મીલ સીક્વન્સિંગ અપનાવવાની વાત કરી હતી. શું ખાવું એ જરૂરી છે એની સાથે એને કઈ રીતે ખાવું એ પણ મહત્ત્વનું છે. ભારતીય ભોજનમાં તો વર્ષો પહેલાં આ કન્સેપ્ટને અનુસરવામાં આવતો, પરંતુ આજે મૉડર્ન સાયન્સ પણ કહે છે કે મીલ સીક્વન્સિંગ એટલે કે પહેલાં શું ખાવું, આ ખાધું એના પછી બીજું શું ખાવું, છેલ્લે શું ખાવું આ બધું જ મહત્ત્વનું છે. ખાસ કરીને આ ધ્યાન રાખીએ તો ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિઓને શુગર કન્ટ્રોલ કરવામાં ઘણી મદદ મળી રહે છે. અત્યારે એનો ટ્રેન્ડ ભારે ચાલે છે ત્યારે આવો સમજીએ આ મીલ સીક્વન્સિંગ છે શું
ઍક્ટર સમન્થા રુથ પ્રભુ જે ખુદ ડાયાબિટીઝની દરદી છે તેણે હાલમાં તેના એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું કે તે મીલ સીક્વન્સિંગ મેથડ વડે પોતાની શુગરને ખાસ્સી કન્ટ્રોલમાં રાખે છે. ત્યારથી મીલ સીક્વન્સિંગ મેથડ ચર્ચાનો વિષય બની ગઈ છે. તેણે એ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં મારું ગ્લુકોઝ મૉનિટર પહેરી રાખેલું ખાસ એ જોવા માટે કે ખાધા પછી શુગર કેટલી વધી જાય છે. હું ગમે એટલો હેલ્ધી ખોરાક લેતી તો પણ મારી શુગર એકદમ જ વધી જતી હતી. એટલે મેં જુદી રીતે જમવાનું શરૂ કર્યું. હું પહેલાં મારાં શાકભાજી ખાઈ લેતી. પછી પ્રોટીન ખાતી અને એના પછી છેલ્લે કાર્બ્સ ખાતી. આ રીતે મારી શુગર એકદમ વધી જતાં અટકી.’
ADVERTISEMENT
આમ મીલ સીક્વન્સિંગ એટલે બીજું કઈ નહીં પણ જમતી વખતે પહેલાં શું ખાવું, એક વસ્તુ ખાધા પછી બીજી શું ખાવી, બીજા પછી ત્રીજી શું ખાવી અને એ ખાઈ લીધા પછી છેલ્લે શું ખાવાનું?
ભારતીય પરંપરા
સમન્થાએ કહ્યું એમ પહેલાં ફાઇબરથી શરૂ કરવાનું એટલે કે શાક ખાવાનાં, પછી પ્રોટીન ખોરાકમાં લેવાનું અને છેલ્લે કાર્બોહાઇડ્રેટ ખાવાના. જોકે આ પ્રમાણેની હારમાળા વેસ્ટર્ન ફૂડમાં ચાલે, ઇન્ડિયન ફૂડમાં કેવી રીતે ચાલે? જો આ રીતે માનીએ તો પહેલાં આપણે એકલું શાક ખાઈ લેવાનું, પછી દાળ પી જવાની અને એ પછી છેલ્લે એકલી રોટલી ખાવાની. આ રીતે થોડું જમાય? ભારતીય પદ્ધતિમાં તો બધું સાથે જ જમવાની વાત છે. જોકે એવું નથી. આપણે ત્યાં વર્ષોથી ભોજન પીરસવાની એક સિસ્ટમ હતી. ઘણાં ઘરોમાં હજી પણ એ સિસ્ટમ ખોરવાય તો વડીલો ગુસ્સે થઈ જાય છે. સિસ્ટમ પ્રમાણે ન પીરસાય તો ગોર મહારાજ રિસાઈ જાય એ પ્રકારની વાતો હજી પણ ઘણા વડીલોના મોઢે સાંભળી શકાય છે. એ સિસ્ટમ વિશે સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ મીનલ ભાનુશાલી કહે છે, ‘કોઈ પણ જગ્યાએ થાળી ખાવા માટે જાઓ તો આ અનુભવ તમને ચોક્કસ થશે. પહેલાં લીંબુ અને મીઠું પીરસાય છે. એનું કારણ એ છે કે આ બન્ને પદાર્થો તમારી સ્વાદેન્દ્રિયને ખોલી દે છે અને જઠરમાં રહેલો અગ્નિ એકદમ પ્રજ્વલિત કરી દે છે. એનો અર્થ એ થાય કે શરીર ખોરાક માટે રેડી છે. એ પછી પહેલાં કચુંબર આવે. કાચું કચુંબર હોય કે પછી સંભારો એટલે કે થોડાક તેલમાં રાઈ-જીરા સાથે સાંતળેલાં એટલે કે કાચાં-પાકાં હોય એવાં શાકભાજી આપવામાં આવે. એ પછી ફરસાણ આવે. ફરસાણ આપણે ત્યાં મોટા ભાગે બેસન કે મગદાળનું બનેલું હોય. જે જગ્યાએ ફરસાણ ન હોય ત્યાં પહેલાં કઠોળ પીરસાય એટલે એ તમારું પ્રોટીન થઈ ગયું. શાક આપણે ત્યાં બે પ્રકારનાં બને. એક સૂકું શાક અને બીજું રસાવાળું શાક. સૂકા શાકને કઠોળ સાથે ખાવાનું હોય જેને કારણે કઠોળ સુપાચ્ય બને. છેલ્લે રોટલી અને રસાવાળું શાક ખવાય. કશું ગળ્યું આવે તો એ સાવ છેલ્લે પીરસાય. આ સીક્વન્સિંગ અતિ મહત્ત્વની માનવામાં આવતી. થાળી ખાવા જાય ત્યારે લોકો રાહ જોતા હોય છે કે બધું પીરસાઈ જાય પછી જ શરૂ કરવું. એવું હોતું નથી. પીરસાતું જાય એમ ખાવાનું શરૂ કરવાનું હોય છે. બીજું એ કે ઘણાને ભ્રમ હોય છે કે રોટલી એટલે છેલ્લે પીરસે છે કે એ ગરમ રહે, પણ એવું છે નહીં. એ એટલા માટે છેલ્લે પીરસવામાં આવે છે કેમ કે એ કાર્બ છે અને એને છેલ્લે જ ખાવાનું છે. મીઠાઈમાં પણ ભરપૂર એનર્જી છે એટલે એ છેલ્લે ખાવામાં આવે છે.’
ખોરાકનો અંત
આ સીક્વન્સમાં વધુ ડીટેલ ઉમેરતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘આપણે ત્યાં તો જમવામાં છેલ્લે શું ખાવું એટલે કે જમવામાં અંત શેનાથી કરવો એના વિશે પણ સ્પેસિફિક કહેવામાં આવ્યું છે. જેમ કે જમવાનું રોટલી કે ભાત ખાઈ લીધા પછી છાશ પીવી જરૂરી છે. એ એક પ્રો-બાયોટિક છે અને પાચનમાં ઘણી મદદ કરે છે. એટલું જ નહીં, મુખવાસ ખાવો અને મુખવાસમાં પણ શું ખાવું એ વિશે વિસ્તૃત રીતે લખવામાં આવ્યું છે. વરિયાળી, ધાણાની દાળ, અજમો ઘણા પાચક પદાર્થો માનવામાં આવે છે જે પાચનની પ્રક્રિયાને મદદ કરે છે. ભારતીય ખોરાકમાં આ બન્ને વસ્તુ એટલે કે છાશ અને મુખવાસ બન્ને જમ્યા પહેલાં નથી લેવામાં આવતાં. એ જમીને પછી જ લેવામાં આવે છે. આમ કઈ વસ્તુ ક્યારે ખાવી એનું મહત્ત્વ આપણે ત્યાં વર્ષોથી છે.’
પ્રૅક્ટિકલ ઉપાય
એ શક્ય નથી કે દરરોજ બે શાક કે કઠોળ કે ફરસાણ ઘરોમાં બનતું હોય. જો રોટલી, દાળ, ભાત, શાક જ બનતાં હોય તો એનું સીક્વન્સિંગ કઈ રીતે થાય? આ પ્રશ્નનો જવાબ આપતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘ડાયાબિટીઝના ઘણા દરદીઓ કહે છે કે અમને ભાત ખાવા છે. તો અમે આ સૉલ્યુશન આપીએ છીએ. પહેલાં એક મોટો વાટકો ભરીને સૅલડ ખાઈ લો. એ કચુંબર હોઈ શકે કે ડ્રેસિંગવાળું સૅલડ કે પછી સંભારો. એ ખાઈ લીધા પછી જો જમવામાં ફક્ત દાળ-ભાત જ હોય તો એક વાટકી ભાત સામે બે વાટકી દાળ પીવી જરૂરી છે. સૅલડ ખાધા પછી એક વાટકી દાળ પી જાઓ. એમાં એક ચમચી ઘી નાખી દો. એના પછી બચેલી બીજી વાટકી દાળ અને એક વાટકી ભાત ભેગાં કરીને ખાઈ લો. આમ જરૂરી નથી કે તમે ખૂબબધું બનાવો ત્યારે જ મીલ સીક્વન્સિંગ શક્ય બને.’
એની પાછળનું સાયન્સ શું છે?
ડાયાબિટીઝ હોય તેને ઘણી વાર ડૉક્ટર કે ડાયટિશ્યન સલાહ આપતા હોય છે કે તેમણે જમતાં પહેલાં વાટકો ભરીને સૅલડ ખાઈ લેવું. એનું કારણ એ છે કે તમારું પેટ ભરાઈ જાય પછી જમવા બેસો તો આપોઆપ એક રોટલી ઓછી ખવાય. પ્રોટીન પણ ભારે પદાર્થ છે એટલે તમે જો એક બાઉલ ભરીને સૅલડ અને એક વાટકી મગ ખાઈ ગયા હોય તો પેટ આમ જ ભરાઈ જાય. પછી થોડીક જ જગ્યા બચે એમાં રોટલી કે ભાત ખાવાના થાય જેને કારણે કાર્બ ઓછા ખવાય અને શુગર વધે નહીં. પાચનની પ્રક્રિયા સમજાવતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘પહેલાં શરીરની ન્યુટ્રિશનલ જરૂરિયાતો પૂરી થાય એ જરૂરી છે. એટલે જ પહેલાં શાકભાજી અને પ્રોટીન ખાઈ લેશો તો શરીરની મુખ્ય જરૂરિયાતો પતી ગઈ અને પછી છેલ્લે ફક્ત એનર્જી જ બચી જેથી જરૂરિયાતની લિમિટ જળવાઈ રહેશે. પહેલાં જ ભૂખ લાગી હોય ત્યારે બે રોટલી ખાઈ લીધી તો શુગર સીધી ઉપર જશે, કારણ કે શરીરને સૌથી પહેલાં તમે એનર્જી જ આપી.’
ફાયદા બધા માટે
મીલ સીક્વન્સિંગ ડાયાબિટીઝના દરદીઓએ તો ફૉલો કરવું જ જોઈએ, પરંતુ એ તેમના પૂરતું જ સીમિત નથી. બધા માટે એ ઉપયોગી છે જેના ફાયદા સમજાવતાં કેજલ શાહ કહે છે, ‘એ હકીકત છે કે વ્યક્તિની બ્લડ-શુગરના લેવલનું નિયમન કરવું આ રીતે સરળ બને છે. શુગરને કન્ટ્રોલમાં ફક્ત ડાયાબિટીઝના દરદીઓએ જ રાખવાની છે એવું નથી. નૉર્મલ લોકોએ પણ શુગરને કન્ટ્રોલ કરવી જરૂરી છે. ખાસ કરીને એકદમ ઉપર જતી શુગર અને એકદમ નીચે આવતી શુગરનું નિયંત્રણ જરૂરી છે. ઇન્સ્યુલિનના અચાનક થતા સ્પાઇકને એ કન્ટ્રોલમાં રાખે છે. આ સિવાય આ રીતે વ્યક્તિનું પાચન પ્રબળ કરે છે જે મહત્ત્વનું છે. આપણે જે ખાઈએ છીએ એનું વ્યવસ્થિત પાચન થાય તો જ પોષણ પૂરું મળે. એ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. બીજું એ કે જમ્યા પછી ઘણા લોકોને ક્રેવિંગ્સ થતી હોય છે કે મીઠું ખાઈ લઉં કે ખારું ખાઈ લઉં. તો આ પ્રકારની ક્રેવિંગ થતી નથી. એ વજનને માફકસર રાખવામાં મદદ કરે છે. લોકો વજન ઓછું તો કરી લેતા હોય છે, પણ આ રીતે વ્યક્તિનું વજન જળવાઈ રહે છે.’

