પહેલાં તો પુરુષોને બ્રેસ્ટ-કૅન્સર થઈ શકે એ બાબતે જાગૃતિનો સદંતર અભાવ જોવા મળે છે જેને કારણે મોટા ભાગના જે પુરુષોને આ રોગ થાય છે તેમનું નિદાન પણ મોડું થાય છે, કારણ કે આ બાબતે તેઓ જાણકારી ધરાવતા નથી.
પ્રતીકાત્મક તસવીર
પહેલાં તો પુરુષોને બ્રેસ્ટ-કૅન્સર થઈ શકે એ બાબતે જાગૃતિનો સદંતર અભાવ જોવા મળે છે જેને કારણે મોટા ભાગના જે પુરુષોને આ રોગ થાય છે તેમનું નિદાન પણ મોડું થાય છે, કારણ કે આ બાબતે તેઓ જાણકારી ધરાવતા નથી. પુરુષોને બ્રેસ્ટ-કૅન્સર થવાની શક્યતા સ્ત્રીઓની સરખામણીમાં ઘણી ઓછી છે, પરંતુ એ શક્યતા છે ખરી એ સમજવું જરૂરી છે. વળી ઘરમાં મમ્મીને કે ફોઈને બ્રેસ્ટ-કૅન્સર હોય તો દીકરીને વંશાનુગત આ રોગ થવાનું રિસ્ક હોય છે એ લોકો જાણે છે, પણ આ રિસ્ક દીકરા પર પણ એટલું જ છે એ સમજવું જરૂરી છે...
પુરુષ અને સ્ત્રીની શરીરરચનામાં જે મોટો ફરક છે એમાંનો એક ફરક એટલે સ્તન. પુરુષોને બાળકને જન્મ નથી આપવાનો હોતો. સ્ત્રીએ બાળકના પોષણ માટે તેને દૂધ પિવડાવવાનું હોય છે એટલે તેની શારીરિક રચનામાં સ્તન છે. આ એક મૂળભૂત સમજ છે, પણ શારીરિક રીતે એવું હોતું નથી. પુરુષોમાં પણ બ્રેસ્ટ ટિશ્યુ એટલે કે સ્તનની માંસપેશી હોય જ છે. એના ફૅટનો ભાગ વધુ નથી હોતો, માંસ ઓછું હોય છે. એક સાદી સમજૂતી માટે એમ કહેવું વધુ યોગ્ય છે કે પુરુષોનાં સ્તન દૂધ બનાવતાં નથી, સ્ત્રીનાં સ્તનમાં દૂધનું નિર્માણ થઈ શકે છે એટલો ફરક બન્નેમાં છે. બાકી બન્ને પાસે સ્તન છે. આ સત્ય આપણે સમજીએ તો એક બીજી સમજણ પણ જન્મે છે કે જેમ સ્ત્રીઓને બ્રેસ્ટ-કૅન્સર કે સ્તનનું કૅન્સર થાય છે એમ પુરુષને પણ સ્તનનું કૅન્સર થઈ શકે છે, કારણ કે કૅન્સર શરીરના કોઈ પણ ભાગમાં જન્મી શકતી બીમારી છે. પુરુષો પાસે પણ સ્તનનો ભાગ છે એ સ્વીકારીએ ત્યારે એ સમજ આવી શકે છે કે પુરુષોને પણ સ્તનનું કૅન્સર થઈ શકે છે. તકલીફ એ છે કે પુરુષોને સ્તન જ નથી એમ આપણે વિચારીએ છીએ ત્યારે તેમને સ્તનનું કૅન્સર થઈ શકે એ વિચાર સુધી આપણે ક્યારેય પહોંચી શકતા નથી. એટલે જાગૃતિ ઓછી છે અને એને કારણે ઘણા પુરુષો પોતાના રોગને લઈને ડૉક્ટર પાસે મોડા પહોંચે છે.
ADVERTISEMENT
જાગૃતિ કેમ ઓછી?
ફેબ્રુઆરી ૨૦૨૫ના લૅન્સેટના રિપોર્ટ મુજબ દુનિયામાં જેટલાં બ્રેસ્ટ-કૅન્સર છે એમાં એક ટકો બ્રેસ્ટ-કૅન્સર પુરુષોમાં જોવા મળે છે. વળી દુનિયામાં પુરુષોને થતાં જેટલાં કૅન્સર છે એ કૅન્સરમાં ૦.૩ ટકા કેસ બ્રેસ્ટ-કૅન્સરના હોય છે. આમ પુરુષોમાં સ્તનનું કૅન્સર ભાગ્યે જ થાય છે, પરંતુ એ થાય છે એ જાગૃતિ હોવી અનિવાર્ય છે કારણ કે જ્યારે તમને ખબર જ નથી કે આવો કોઈ રોગ છે કે થઈ શકે છે ત્યારે તમને જો ચિહ્નો પણ દેખાય તો તમે ડૉક્ટર પાસે દોડી જાઓ એની શક્યતા પણ ઓછી થઈ જાય છે. ખરેખર પરિસ્થિતિ શું છે એ જણાવતાં ઑન્કોલૉજિસ્ટ ડૉ. જેહાન ધાભર કહે છે, ‘અમારી પાસે ચાર-છ મહિને એક કેસ બ્રેસ્ટ-કૅન્સરનો આવે છે જે પુરુષને થયું હોય. એટલે રોગ થાય તો છે જ. તકલીફ એ છે કે જાગૃતિના અભાવે તેઓ અમારા સુધી પહોંચે એમાં મોડું થઈ ગયું હોય છે. સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કૅન્સર વિશે જાગૃતિ છે એટલે મેમોગ્રાફી જેવો મૂળભૂત રિપોર્ટ સ્ત્રીઓ કોઈ ચિહન ન હોય તો પણ ૪૦ વર્ષની ઉંમર પછી કરાવે છે જે જરૂરી છે, કારણ કે આ રીતે આપણે તેમના કૅન્સરને વહેલું પકડી શકીએ છીએ. જોકે પુરુષો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ બીજા કે ત્રીજા સ્ટેજ પર હોય છે. લગભગ બધા એવા જ દરદીઓ હોય છે જેઓ માની નથી શકતા કે તેમને પુરુષ થઈને સ્તનનું કૅન્સર કેવી રીતે થઈ શકે? આમ આ બાબતે જાગૃતિ જરૂરી છે.’
કોને થાય?
કોઈ પણ પુરુષને આ રોગ થઈ શકે છે કારણ કે દરેક પુરુષમાં સ્તન હોય છે, પરંતુ એના રિસ્ક-ફૅક્ટર વિશે વાત કરતાં ડૉ. જેહાન ધાભર કહે છે, ‘મોટા ભાગે ભારતમાં ૫૦-૬૦ વર્ષની ઉંમરના પુરુષોમાં આ રોગ જોવા મળે છે. આ સિવાય જે વ્યક્તિના ઘરમાં બ્રેસ્ટ-કૅન્સરના દરદી છે તેમને વારસાગત રીતે આ રોગ મળે છે. જેમ કે જે મમ્મીને બ્રેસ્ટ-કૅન્સર છે તેની દીકરીને
બ્રેસ્ટ-કૅન્સર થવાની શક્યતા વધુ રહે છે એ બધાને ખબર છે; પરંતુ મમ્મીથી ફક્ત દીકરીને આ રોગ વંશાનુગત આવતો નથી, દીકરાને પણ આવે છે. ખાસ કરીને BRCA-1 અને BRCA-2 જીન્સને કારણે મમ્મીને બ્રેસ્ટ-કૅન્સર થયું હોય તો તેનાં સંતાનો દીકરી હોય કે દીકરો બન્નેએ જિનેટિક ટેસ્ટ કરાવવી જરૂરી છે કે તેમનામાં આ જીન્સ છે કે નહીં. જો જીન્સ હોય તો તેમને આ રોગ થવાની પૂરી શક્યતા છે. આ જીન્સ જો તેમની અંદર હોય તો ફક્ત બ્રેસ્ટ-કૅન્સર જ નહીં, તેમને પ્રોસ્ટેટ અને પૅન્ક્રિએટિક કૅન્સર માટે પણ જવાબદાર બની શકે છે. એટલે જરૂરી છે કે જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને બ્રેસ્ટ-કૅન્સર હોય તો એક વખત તમે ઑન્કોલૉજિસ્ટની મુલાકાત લો અને તમારા રિસ્ક-ફૅક્ટર વિશે જાણીને જરૂરી તપાસ કરાવી લો. બાકી પુરુષોમાં બ્રેસ્ટ-કૅન્સર થવાનું કારણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોઈ શકે છે. ઓબેસિટી, લિવર ડિસીઝ, કોઈ પ્રકારના રેડિયેશનની આડઅસર જેવાં કારણો પણ આ રોગ થવા માટે જવાબદાર ગણી શકાય છે.’
લક્ષણો
સ્ત્રીઓમાં જેમ બ્રેસ્ટ-કૅન્સરનાં લક્ષણો દેખાય છે એમ પુરુષોમાં પણ દેખાય છે, ઊલટું એ જલદી દેખાય છે એ વાત સમજાવતાં ડૉ. જેહાન ધાભર કહે છે, ‘સ્ત્રીઓનાં સ્તનની સાઇઝ મોટી હોવાને કારણે જો તેમને ગાંઠ થાય તો એવું શક્ય છે કે તેમને એ સમજવામાં વાર લાગે, પરંતુ પુરુષોમાં એવું હોતું નથી. તેમને ગાંઠ જેવું કંઈ લાગે તો તરત ખબર પડે છે. નીપલમાંથી ડિસ્ચાર્જ થાય કે એ ભાગ થોડો કઠણ છે એમ લાગે તો તરત ડૉક્ટરને મળવું અને તપાસ કરાવી લેવી જરૂરી છે. કુદરતી રીતે જ જો તમને જલદી ખબર પડી શકે એમ છે તો જાગૃતિના અભાવે મોડું કરવું યોગ્ય નથી. બાકી રહી ઇલાજની વાત તો પુરુષો અને સ્ત્રીઓના ઇલાજમાં ફરક હોતો નથી. જે પ્રકારનું કૅન્સર હોય એ પ્રકારે ઇલાજ થાય. મોટા ભાગે પુરુષોમાં જોવા મળતું ટ્યુમર હૉર્મોન ટ્યુમર હોય છે એટલે કીમોથેરપી કે સર્જરીની સાથે હૉર્મોન થેરપી તેમને આપવી જરૂરી બનતી હોય છે.’
પુરુષોને શરમ આવે છે
પુરુષોમાં સ્તનના કૅન્સર માટે જાગૃતિ ઓછી હોવાનું એક બીજું કારણ એ છે કે જે પુરુષોને બ્રેસ્ટ-કૅન્સર છે તેમને આ વિશે વાત કરવામાં શરમ આવે છે એટલે તેઓ વાત કરતા નથી. જોકે એમાં શરમ જેવું કશું છે નહીં. એ તમારા જ શરીરનો ભાગ છે. એનાથી તમે સ્ત્રી નથી બની જતા, પુરુષ જ રહેશો.


