Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

દરદીઓના દેવદૂત

Published : 07 November, 2025 02:52 PM | Modified : 07 November, 2025 02:54 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

કૅન્સરના દરદી અને તેના પરિવારને આ રોગ શારીરિક, માનસિક અને ફાઇનૅન્શિયલી ખતમ કરી દે છે. એવા સમયે તેમના માટે આશાનું કિરણ બનીને આવતા કેટલાક એવા લોકો પણ છે જે દવા અને દુઆ વચ્ચેનો સેતુ બનીને તેમના પડખે ઊભા રહે છે

અજય પાઠક, જિતેન્દ્ર ઘડિયાળી, જયેશ જરીવાલા

કૅન્સર સામે લડી લઈશું

અજય પાઠક, જિતેન્દ્ર ઘડિયાળી, જયેશ જરીવાલા


કૅન્સર માત્ર એક રોગનું નામ નથી, પણ જીવનમાં અચાનક આવેલો ઝંઝાવાત છે. કોઈ વ્યક્તિ જ્યારે કૅન્સરથી પીડાય છે ત્યારે તેની લડાઈ ફક્ત શારીરિક પીડા, કીમોથેરપીની આડઅસરો કે ઑપરેશનના ઘા પૂરતી સીમિત નથી રહેતી. આ રોગ દરદીના મન અને આત્માને પણ એટલી જ અસર કરે છે. ભવિષ્યનો ભય, સારવારનો ખર્ચ, પોતાના દેખાવમાં આવેલા બદલાવથી થતી હીનતાની લાગણી અને સમાજથી અલગ પડી જવાનો ડર. આ તમામ માનસિક સંઘર્ષ ઘણી વાર શારીરિક પીડા કરતાં પણ વધુ ભયાનક હોય છે. આ સંવેદનશીલ સફરમાં કેટલાક સામાજિક કાર્યકરો દેવદૂત બનીને દરદીઓના પડખે ઊભા રહે છે. તેઓ માત્ર તબીબી સહાયમાં જ મદદરૂપ નથી થતા, દરદીઓના માનસિક અને ભાવનાત્મક ઘા પર પણ મલમ લગાવવાનું કામ કરે છે. કૅન્સરના દરદીઓની સહાય માટે ખડેપગે રહેતા આવા જ કેટલાક સામાજિક કાર્યકરોને મળીને તેમના અનુભવો જાણીએ.

પોતે કૅન્સરપીડિત થયા બાદ મારી આ રોગના દરદીઓ પ્રત્યે લાગણી વધી ગઈ : અજય પાઠક



વિલે પાર્લેમાં રહેતા અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ૬૧ વર્ષના અજય પાઠકને ૨૦૧૫માં જર્મ સેલ ટ્યુમર ડિટેક્ટ થયું હતું. એની સારવાર દરમ્યાન તેમને કૅન્સરના રોગીઓને બનતી મદદ કરવાનો વિચાર આવ્યો હતો. એ સમય અને દરદીઓ કેવા પ્રકારની પીડામાંથી પસાર થતા હોય છે એ વિશે અજયભાઈ કહે છે, ‘૨૦૧૬માં મારી કીમોથેરપી થઈ ત્યારે ખબર પડી કે આ ટ્રીટમેન્ટ કેટલી અઘરી છે. તમારું બૉડી કેવી રીતે રીઍક્ટ કરશે અને આ ટ્રીટમેન્ટ સહન કરી શકશે કે નહીં એનો કોઈ અંદાજ ન આવે. કીમોથેરપી પછી જો શરીર સાથ ન આપે તો જમીન પર પગ પણ ન મૂકી શકાય, બૅલૅન્સિંગ ઇશ્યુ આવે. કોઈને ઝાડા-ઊલટી થાય, તાવ આવે, શરીરમાં અચાનક દુખાવો થાય. હું આ કપરા સમયથી પસાર થતો હતો ત્યારે મને થયું કે મારા જેવા કેટલાય લોકો શારીરિક અને માનસિક પીડા સહન કરતા હશે. એની સાથે ટ્રીટમેન્ટ પણ મોંઘીદાટ હોય છે. એક-એક ઇન્જેક્શન હજારો-લાખો રૂપિયાનું આવે. એનું બિલ ચૂકવવામાં જ મિડલ ક્લાસ માણસ અડધો થઈ જાય. આ વિચાર આવ્યા બાદ મેં સંકલ્પ લીધો કે હું હયાત હોઈશ ત્યાં સુધી કૅન્સરના પેશન્ટની મદદ કરીશ અને ક્યારેય સોનું પહેરીશ નહીં. મેં મારી દીકરીનાં લગ્નમાં પણ સોનું પહેર્યું નહોતું. ૯ વર્ષના સમયગાળામાં મેં ઘણા કૅન્સર પેશન્ટ્સની જર્ની નજીકથી જોઈ છે. તેમને જ્યારે ખબર પડે ત્યારે તેમની દુનિયા હલી જાય. હું મારા ડૉક્ટરના જ કૅન્સરના દરદીઓ માટે કામ કરતા NGOમાં જોડાઈ ગયો અને દરદીઓની પીડાને નજીકથી અનુભવવાનો પ્રયાસ કર્યો. હું સૌથી પહેલાં તો દરદી અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કરું છું. તેમને શાંત પાડીને શાંતિથી સમજાવું છું. માનસિક રીતે સ્થિર માણસ કપરો જંગ પણ જીતી જાય છે. તેમને આર્થિક રીતે સહાય જોઈતી હોય તો એ પણ કરી આપું છું. લાખો રૂપિયાની કિંમતનાં ઇન્જેક્શન્સ અને ટ્રીટમેન્ટ્સ મારી ઓળખાણથી વધુ સસ્તાં મળી રહે છે. હવે હું વ્યક્તિગત સ્તરે કામ કરીને સેંકડો કૅન્સર પેશન્ટ્સને મદદ કરું છું. કોઈ દરદીના પરિવારને રૅશનની જરૂર હોય તો એ અરેન્જ કરાવી આપું, કોઈને દવા સસ્તા ભાવે જોઈએ તો એ અપાવી દઉં. હૉસ્પિટલના બિલમાં રાહત મળે એ માટે ડોનેશન જમા કરું છું. તેમની મદદ કરીને મને આત્મસંતોષ થાય છે.’


જ્યારે હું પાડોશીની હાઉસહેલ્પની દીકરીને કૅન્સરમુક્ત કરી શક્યો : જિતેન્દ્ર ઘડિયાળી

મુંબઈમાં કૅન્સરની સારવાર માટે જાણીતી તાતા હૉસ્પિટલમાં દેશના ખૂણે-ખૂણેથી લોકો સારવાર માટે આવે છે ત્યારે બોરીવલીમાં રહેતા અને ફાઇનૅન્સ ફીલ્ડ સાથે સંકળાયેલા ૪૩ વર્ષના જિતેન્દ્ર ઘડિયાળી છેલ્લાં ૧૩ વર્ષથી કૅન્સરના દરદીઓને જરૂર પડતી તમામ મદદ ખડેપગે કરી રહ્યા છે. એ વિશે જિતેન્દ્રભાઈ કહે છે, ‘મારા સાસરામાં બે વ્યક્તિને કૅન્સર ડિટેક્ટ થયું હતું. મેડિકલ ક્ષેત્રે ગમે એટલી ક્રાન્તિ કેમ ન આવી જાય, પણ કૅન્સરની ગણતરી મોટી અને જીવલેણ બીમારીઓમાં જ થાય છે. અત્યારે સરકારી સ્કીમને લીધે દરદીઓને બિલમાં થોડી રાહત મળે છે, પણ એનાથી વધુ ફરક પડતો નથી. જોકે માનસિક રીતે દરદીને કેમ સંભાળવો? દરદીને શારીરિક અને માનસિક પીડા સહન કરવી જ પડે છે અને તેની સાથે આખો પરિવાર સફર થાય છે. આ સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરવું પણ મુશ્કેલ છે. જો કૅન્સરનું શરૂઆતનું સ્ટેજ હોય તો એની સારવાર શક્ય છે, પણ છેલ્લા સ્ટેજના કૅન્સરમાં તો ખબર જ પડી જાય કે આ વ્યક્તિ હવે વધુ સમય આપણી સાથે નહીં રહે. એ જાણીને વધુ દુ:ખ થાય છે. મારા પાડોશીની હાઉસહેલ્પની ૮ વર્ષની દીકરીને કૅન્સર ડિટેક્ટ થયું. એની જાણ થતાં મેં તેને માર્ગદર્શન આપ્યું. તાતા હૉસ્પિટલમાં સારવાર કરાવી. તેની મમ્મીને સમજાવવી થોડી મુશ્કેલ હતી. કોઈ પણ મા પોતાના બાળકને પીડામાં જોઈ શકે નહીં. દીકરીને ફર્સ્ટ સ્ટેજમાં જ સજેસ્ટ થયું હોવાથી તે સાજી થઈ ગઈ. મેં બધી રીતે હેલ્પ કરી હતી. મારા જન્મદિવસે હું તાતા હૉસ્પિટલમાં ડોનેટ કરું છું. બહારગામથી અહીં ટ્રીટમેન્ટ કરાવવા આવતા લોકોને રહેવા-ખાવા-પીવાની સુવિધા આપવાથી લઈને ડોનેશન ભેગું કરીને સારવારમાં મદદ કરવા સુધીનાં કામ મેં કર્યાં છે. અગાઉ હું એક ફાઉન્ડેશન સાથે જોડાયો હતો, પણ હવે નજીકના ભવિષ્યમાં પોતાની સંસ્થા શરૂ કરવાનો વિચાર છે.’


કૅન્સરગ્રસ્ત બાળકો કરતાં તેમનાં પેરન્ટ્સ ત્રિવિધ પીડાતાં હોય છે : જયેશ જરીવાલા

છેલ્લાં ૧૬ વર્ષથી તાતા હૉસ્પિટલનાં કૅન્સરગ્રસ્ત બાળકોની પીડાને ઓછી કરવાનો પ્રયાસ વાલકેશ્વરમાં રહેતા જયેશ જરીવાલા કરી રહ્યા છે. આ વિશે તેઓ કહે છે, ‘મોટા લોકો કરતાં બાળકોને કૅન્સરની પીડા વધુ થતી હોય છે, પણ તેમને પીડા શું એની ખબર જ નથી હોતી અને તેમનું દુખ જોઈને તેમનાં મમ્મી-પપ્પા શારીરિક, માનસિક અને આર્થિક જેવી ત્રિવિધ પીડાથી પીડાતાં હોય છે. બાળકને આવી હાલતમાં જોઈને અન્નનો દાણો પેટમાં જતો નથી. ગરીબ લોકો સારવારના પૈસા જમા કરવા જ્યાં-ત્યાં ભટક્યા કરે છે ત્યારે અમે અમારી રીતે બનતી કોશિશ કરીએ છીએ. હું શ્રી આદિજિન યુવક મંડળ સંસ્થા સાથે સંકળાયેલો છું. તાતા હૉસ્પિટલના દરદીઓને મદદની ઘણી જરૂર હોય છે. કૅન્સરને ટ્રીટમેન્ટમાં સરકારી યોજના અને હૉસ્પિટલમાં મળતું ડિસ્કાઉન્ટ પૂરતાં નથી હોતાં. ખાસ કરીને કીમોથેરપી અધધધ રૂપિયા માગે છે એ વાત સમજાતાં હું આ માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયો. કૅન્સરગ્રસ્ત બાળકોનાં ઘણાં એવાં મમ્મી-પપ્પા અમારી પાસે ટેન્શન અને સ્ટ્રેસમાં આવે છે. અમે તેમને સમજાવવાનું કામ કરવાની સાથે બનતી મદદ પણ કરીએ છીએ. બીમાર બાળકોને મનોરંજન પૂરું પાડવા માટે દર વર્ષે મલબાર હિલ પર આવેલા PDP ગાર્ડન (પ્રિયદર્શિની પાર્ક)માં મોટા પ્રોગ્રામ થાય છે એમાં જે વ્યક્તિને જેટલું દાન કરવું હોય, મનોરંજન કરવું હોય એની છૂટ અપાય છે. બાળકોને એન્ગેજ રાખતી ફન ઍક્ટિવિટી પણ કરીએ છીએ જેથી થોડી વાર માટે પણ બાળકો અને તેમનાં મમ્મી-પપ્પા તેમનું દુખ ભૂલીને જીવનને થોડું એન્જૉય કરી શકે.’

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2025 02:54 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK