આજે નૅશનલ કૅન્સર અવેરનેસ ડે છે ત્યારે મળીએ કેટલાક એવા યોદ્ધાઓને જેઓ એક વાર નહીં પણ વારંવાર દરવાજે દસ્તક દેનારા કૅન્સર નામના શત્રુ સામે લડ્યા છે અને દરેક વખતે પારાવાર શારીરિક, માનસિક અને આર્થિક ભીંસનો મક્કમ સામનો કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ચાર સર્જરી અને બે વાર સર્જરી વિના કીમોથેરપીનાં લાંબાં સેશન્સ પછીયે ઘૂંટણિયે નથી બેઠા અમિત મેઘાણી

ADVERTISEMENT
ઉંમર હતી ૩૪ વર્ષ. લગ્નને ૧૦ જ મહિના થયા હતા અને અચાનક પેઢામાં દુખાવો ઊપડ્યો એટલે તપાસ કરી અને ખબર પડી કે ઓરલ કૅન્સર આવ્યું છે. જડબામાં અને જીભ પાસે આવેલા એ કૅન્સરને કાપવું એ જ રસ્તો હતો. ઘાટકોપર-વેસ્ટમાં રહેતા અમિત મેઘાણીને પરિવારનો પૂરો સાથ હતો અને આ સંકટભર્યા સમયમાંથી બહાર નીકળવું એ જ ધ્યેય હતું. આજથી ૧૦ વર્ષ પહેલાંની ઘટના કહેતાં અત્યારે ૪૪ વર્ષના અમિતભાઈના અવાજમાં આત્મવિશ્વાસનો જુદો જ રણકાર હતો. તેઓ કહે છે, ‘સર્જરી થઈ, થોડાક દાંત નીકળી ગયા; પણ જીવવાનું હતું, ટકવાનું હતું એ નક્કી હતું. પહેલી વારની ટ્રીટમેન્ટ પૂરી થઈ એ પછી જીવન થાળે પડ્યું એવું લાગ્યું ત્યાં તો ફરી એક વાર કૅન્સર આવીને ઊભું હતું. ૨૦૧૬માં પહેલાં જ્યાં થયું હતું એનાથી થોડાક આગળના ભાગમાં ડિટેક્ટ થયું. એની પણ ટ્રીટમેન્ટ પતી ત્યાં જ ૨૦૧૭માં આવ્યું. જાણે કે કૅન્સરનો મારી સાથે વાર્ષિક મિલનનો કાર્યક્રમ ગોઠવ્યો હોય. લગભગ ૪ સર્જરી થઈ. ચોથી વાર ૨૦૨૦માં ફરી ડિટેક્ટ થયું. એ જ એરિયામાં જ્યાં પહેલાં હતું. એ વખતે ગાંઠ એટલી મોટી હતી કે એને કાઢવા માટે સર્જરી કરવા માટે કંઈ બચ્યું જ નહોતું. એ સમયે એને કીમોથી કન્ટ્રોલમાં લાવવાનું શરૂ કર્યું. ચોથી વારમાં થોડોક વધુ સમય રિકવરીમાં લાગ્યો, પણ એ પછી પરિસ્થિતિ બહેતર બની છે એવું લાગવા માંડ્યું હતું. ત્યાં તો એકદમ રિવર્સ સાઇડમાં ૨૦૨૩માં ફરી કૅન્સર રિલેપ્સ થયું.’
અત્યાર સુધીમાં કુલ પાંચ વાર કૅન્સરની ચપેટમાં આવેલા અને દરેક વખતે એમાંથી આબાદ ઊગરેલા અમિતભાઈ કહે છે, ‘દરેક વખતે કૅન્સર આવે એટલે મારા મનમાં કીમોનાં સેશન અને એની વચ્ચે મારે મારા કામની ગોઠવણી કેમ કરવી એનાં કૅલ્ક્યુલેશન શરૂ થઈ જતાં. અફકોર્સ એની પીડા ભોગવવી ખાવાનું કામ નથી. બીજી તાજુબ લાગે એવી વાત કહું. હું ૧૯૯૮થી તમાકુ ખાતો હતો અને ૨૦૧૦માં તમાકુ છોડી દીધું એનાં ૪ વર્ષ પછી મને કૅન્સર ડિટેક્ટ થયું હતું. છેલ્લે મેં ઇમ્યુનોથેરપીનાં ઇન્જેક્શન્સ લીધાં જેનો લગભગ ૧૪ લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો. આ આખી જર્ની દરમ્યાન ખરેખર ફૅમિલીનો સપોર્ટ ન હોત તો હું ટકી જ ન શક્યો હતો, કારણ કે કૅન્સર તમને દરેક રીતે ખાવાનું કામ કરે છે. તમે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હો, તમે શારીરિક અને માનસિક રીતે ખતમ થઈ રહ્યા હો. જોકે મેં મનોમન નક્કી કરેલું કે હું કૅન્સર સામે હાર નહીં માનું. ટ્રીટમેન્ટની પીડાને હું નજરઅંદાજ કરી દેતો. એ સમયે હું મોબાઇલની શૉપ ધરાવતો હતો જે વેચીને પછી મેં કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો છે. ૨૦૧૮માં ડૉક્ટરની સલાહ લઈને અમે બાળક પણ પ્લાન કર્યું અને એમાં પણ ભગવાનની કૃપા રહી. આજે મારી દીકરી પણ ૮ વર્ષની થઈ ગઈ છે. અત્યારે હું કૅન્સર-ફ્રી છું. કૅન્સરની સારવાર દરમ્યાન જીવનને જુદા દૃષ્ટિકોણથી જોતો થયો છું. આપણું ધાર્યું નથી થતું અને એટલે જ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી. હું મારા વિલપાવરથી ટક્યો છું. તમે જેવું ધારો એ થાય. હું જન્ક-ફૂડ નથી ખાતો. નિયમિત સમયપત્રક મુજબ ખાવા-પીવાનું. એક્સરસાઇઝ કરું છું. સમય જ બળવાન છે એ વાત મને કૅન્સરે શીખવી દીધી છે એટલે બહુ ચિંતા વગેરે પણ નથી કરતો.`
૬૭ વર્ષની ઉંમરે કૅન્સરના બીજા ઊથલા સામે ભરત સંપટ દૃઢતા સાથે લડ્યા અને હવે તો મૅરથૉન દોડતા થઈ ગયા છે

૭૨ વર્ષના ભરત સંપટ વાત કરે ત્યારે તેમના અવાજમાં જેટલો તરવરાટ હોય છે એટલો જ તરવરાટ તેમની ચાલમાં છે. નિવૃત્તિની વયે પણ સુપરપ્રવૃત્ત રહેલા ભરતભાઈ ૬૫ વર્ષની ઉંમરે બોન મૅરો કૅન્સરનો પહેલી વાર ભોગ બન્યા. એ કિસ્સો વર્ણવતાં તેઓ કહે છે, ‘એ સમય એવો હતો કે હું એકસાથે ઘણાં કામ કરતો હતો. બન્યું એવું કે મારો કઝિન અને મારો ક્લાયન્ટ પણ કહી શકાય તે કામથી ઘરે આવ્યો. મારાં પત્ની ખૂબ પહેલાં ગુજરી ગયાં છે એટલે હું અને દીકરી જ હોઈએ ઘરમાં. એ દિવસે રસોઈવાળાં બહેન નહોતાં આવ્યાં એટલે હું રસોડામાં કૉફી બનાવવા ગયો અને અચાનક પડ્યો. પડ્યા પછી મને ભયંકર બૅકપેઇન શરૂ થયું. પછી થોડા સમયમાં મટી ગયું અને હું બધું જ ભૂલી ગયો. એ પછી ફરી એક વાર ભયંકર દુખાવો શરૂ થયો. ડૉક્ટરના કહેવા મુજબ વિવિધ રિપોર્ટ કરાવ્યા. કૅન્સર હોઈ શકે છે એવી સંભાવનાઓ ડૉક્ટરે કહી ત્યારે હું માનવા જ તૈયાર નહીં, કારણ કે મને યાદ નથી કે જીવનમાં છેલ્લે મેં દવા ક્યારે લીધી હતી. કોઈ ખરાબ આદત નહીં, નિયમિત જીવનશૈલી. મને કૅન્સર થઈ જ ન શકે એ ઓવર-કૉન્ફિડન્સ હતો એટલે મેં ડૉક્ટરને ઍડ્વાન્સ ચેક-અપ માટેની ટેસ્ટ સજેસ્ટ કરવાનું કહ્યું. માત્ર ટેસ્ટિંગ કરવામાં લગભગ દોઢેક લાખ રૂપિયાનો ખર્ચ થયો અને મલ્ટિપલ રિપોર્ટ્સ પછી પણ કૅન્સર છે એવું પ્રૂવ થઈ ગયું ત્યારે પહેલી વાર તો ભાંગી પડ્યો હતો. મને મલ્ટિપલ માયલોમા ડિટેક્ટ થયું હતું જે એક પ્રકારનું સ્પાઇનલ કૉર્ડનું કૅન્સર છે, એક પ્રકારનું બોન મૅરો કૅન્સર.’
સર્જરી અને કીમોની ટ્રીટમેન્ટ પછી ૨૦૧૮માં આવેલું કૅન્સર ૨૦૨૧માં સંપૂર્ણ રિકવરી સ્ટેજ પર હતું. એ પછી ૨૦ મહિના નિયમિત ડૉક્ટરે કહ્યા મુજબનું ચેક-અપ કરાવતો હતો અને બીજો ઝાટકો લાગ્યો. ભરતભાઈ કહે છે, ‘પહેલી વારમાં હિંમત સાથે લડતો થઈ ગયો હતો. બીજી વાર ફરી આ બલા સાથે પનારો પડશે એની કલ્પના નહોતી. જોકે ૨૦ મહિના પછી ફરી એ જ ભાગમાં કૅન્સર આવ્યું. રિલેપ્સની સારવારમાં કેટલીક નવી દવાઓ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી જેની ટ્રાયલ માટે તેમને દરદીઓ જોઈતા હતા. હું એ ક્લિનિકલ રિસર્ચમાં સહભાગી થયો. જોકે એ પછીયે લગભગ ત્રીસેક લાખ રૂપિયાનો ખર્ચ થયો ટ્રીટમેન્ટમાં. પહેલી વારમાં જ મેં નક્કી કરી લીધેલું કે કૅન્સર સામે હું હાર નહીં માનું. બીજી વારમાં તો લડવાનો મારો ઉત્સાહ હજી વધારે હતો. સેકન્ડ ટાઇમના રિલેપ્સમાં લગભગ એકાદ વર્ષ ટ્રીટમેન્ટ ચાલી અને ઑક્ટોબર ૨૦૨૨ સુધીમાં ફરી રિકવર થઈ ગયો. એ પછી તો મેં દોડવાનું શરૂ કર્યું. ૨૦૨૩માં પહેલી સિનિયર સિટિઝન રન દોડ્યો. એ પછી ૨૦૨૪માં બૉમ્બે અને બરોડામાં દોડ્યો. એમાં કૅન્સર સર્વાઇવર તરીકે મને સ્ટેજ પર બોલાવીને મારું સન્માન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સ્તર પર આવતી ૧૦ મૅરથૉન રન મારે એક જ સીઝનમાં એટલે કે ૩ જ મહિનામાં દોડવી છે જે એક પ્રકારનો નૅશનલ રેકૉર્ડ બનશે, કારણ કે ૭૨ વર્ષની ઉંમરે કોઈ કૅન્સર સર્વાઇવરે આવું કર્યું હોય એ એક અચીવમેન્ટ હશે.એ જ રીતે છ ડિસેમ્બરે બૅન્ગલોરમાં પહેલવહેલી વાર યોજાઈ ઑન્લી મિડનાઇટ મૅરથૉનમાં ભાગ લેવા જવાનો છું. એ પતાવીને તરત જ પુણે આવીશ અને સાંજે પુણેમાં બીજી મૅરથૉન દોડીશ.’
કૅન્સર થઈ ગયા પછી હિંમત હાર્યા વિના ઈશ્વર પર શ્રદ્ધા રાખો અને આગળ વધો; હા, પૈસા ખૂબ જોઈશે એ ગણતરી રાખજો એમ જણાવીને ભરતભાઈ કહે છે, ‘મેં હકારાત્મકતા પર એક પુસ્તક લખ્યું છે અને થોડાક સમયમાં બીજું પણ એક પુસ્તક આવી રહ્યું છે. હું મારા અનુભવો પરથી કહું કે કૅન્સરની ફાઇટમાં બધી જ દવાઓ અને દુઆઓનો નંબર પછી આવે, પહેલાં તમારો વિલપાવર આવે. તમારી જિજીવિષા જીતે છે. જો તમારે કૅન્સરમાંથી બહાર નીકળવું છે તો તમને કોઈ રોકી નહીં શકે. બસ, હથિયાર હેઠાં નહીં મૂકવાનાં. અંદરથી આત્મવિશ્વાસ સાથે હસતા-રમતા ટ્રીટમેન્ટ લો. પીડાને પણ હસી કાઢો. હું કીમો લેવા જતો ત્યારે મારા ચહેરા પર સ્માઇલ જોઈને મારાથી નાની ઉંમરના ઉદાસ ચહેરા ખીલી ઊઠતા. કૅન્સરની સારવારમાં સર્વોપરી હોય છે આપણી દૃઢ ઇચ્છાશક્તિ, બાકી બધા જ માઇન્ડના બ્લૉકેજિસ છે. હું કૅન્સરના કેટલાય દરદીઓને મોટિવેશન આપું છું.’
કૅન્સરને ચાર વાર માત આપી, પણ એકેય વાર હથિયાર હેઠાં મૂકવાનો વિચાર જ નથી આવ્યો ઉમા જાનીને

ઉમા હિતેશ જાની માત્ર ૪૨ વર્ષનાં હતાં અને તેમને અંડાશયમાં એટલે કે ઓવરીમાં કૅન્સર ડિટેક્ટ થયું. ખબર પડી ત્યારે કૅન્સરનું થર્ડ સ્ટેજ હતું અને નેવું ટકા ફેલાઈ ગયું હતું. એ ક્ષણોને યાદ કરતાં અત્યારે ૫૭ વર્ષનાં ઉમાબહેન કહે છે, ‘મને ખૂબ ઍસિડિટી અને ગૅસ થતાં અને સોડા વગેરે પીઉં એટલે શાંત થઈ જાય એટલે હું બહુ ધ્યાન નહોતી આપતી. એ સમયે ટ્યુશન્સ લેતી હતી એટલે પણ હેલ્થને બહુ ધ્યાન નહોતું અપાતું. જોકે પછી ધીમે-ધીમે પેટમાં પાણી ભરાયું અને પેટ ફૂલી ગયું એટલે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે સોનોગ્રાફી કરાવી જેમાં વધુ તપાસની જરૂર લાગતાં CT સ્કૅન કરાવવાની સલાહ આપી. CT સ્કૅનમાં ખબર પડી ગઈ કે થર્ડ સ્ટેજનું ઓવરી કૅન્સર છે. ટ્રીટમેન્ટમાં અમે ડૉ. સુરેશ અડવાણીને મળ્યા જેમની પાસેથી મારી કીમો સાઇકલ નક્કી થઈ. સર્જરી કરાવવી કમ્પલ્સરી હતી. જોકે સર્જરી માટે પૈસાની અરેન્જમેન્ટ કરવા માટે સમય જોઈતો હતો એટલે ડૉક્ટરને રિક્વેસ્ટ કરીને કીમોની સાઇકલ લંબાવી. આખરે સર્જરી થઈ. ફરી કીમો સાઇકલ ચાલી અને હેલ્થ પાછી થાળે પડતી લાગતી. નિયમિત ચેક-અપ કરાવવા જવું પડતું. જોકે ત્યાં તો બે-અઢી વર્ષમાં ફરી કૅન્સર આવ્યું. આ વખતે આંતરડા અને લિવર પર આવ્યું હતું જેમાં પણ ખૂબ મોટો ખર્ચ થયો. એ સમયે ૧૦ કલાક સર્જરી ચાલી હતી. ફરી બે વર્ષમાં રિલેપ્સ થયું, એ જ એરિયામાં. જોકે હવે સર્જરી શક્ય નહોતી એટલે કીમો સાઇકલ વધારી દેવામાં આવી. અત્યાર સુધીમાં લગભગ ૨૭થી ૨૮ કીમો લીધા હશે. કુલ ૪ વાર રિલેપ્સ થયું અને હવે તો કૅન્સર મારા માટે દર થોડા સમયે ઘરે આવીને દર્શન આપતા મહેમાન જેવું બની ગયું છે.’
સૌથી મોટો ડર હતો એને જીતવાની જર્ની વિશે જેની વાત કરતાં ઉમાબહેન કહે છે, ‘પહેલી વાર કૅન્સર ડિટેક્ટ થયું ત્યારે મારી દીકરી સાતમા ધોરણમાં હતી. દીકરો તેનાથી છ વર્ષ મોટો. સાચું કહું તો ત્યારે મને મારી દીકરીની ખૂબ ચિંતા હતી. આટલી નાની છે એટલે તેનું કોણ ધ્યાન રાખશે? સ્ત્રીના જીવનમાં બાયોલૉજિકલ પડાવોમાં તેને કોણ સંભાળશે? તે કોઈ ખરાબ સંગતમાં ચડી ગઈ અને તેની જિંદગી ખરાબ થઈ ગઈ તો? મારો દીકરો શું કરશે? હું તો ક્યારેય મારા દીકરાનાં લગ્ન જોઈ નહીં શકું, હું ક્યારેય તેમનો સંસાર નહીં જોઈ શકું. આ જ સમયે મારાં સાસુ-સસરા બીમાર હતાં. હસબન્ડનો પ્લાસ્ટિકનો બિઝનેસ હતો જેમાં બૅન આવતાં ખૂબ મોટું નુકસાન થયું હતું. બધી જ બાજુથી જાણે કે ઘેરાઈ ગયા હતા. માંદગી, આર્થિક તંગી અને બાળકોના ઉછેરનું શું એ બધા વચ્ચે એક વાર અંદરથી જ અવાજ આવ્યો કે ના, હું હારીશ નહીં, હું લડીશ; હું મારાં બાળકોને રેઢાં મૂકીને નહીં જાઉં. બસ, પછી લડવાનું શરૂ કર્યું. કીમો લેવા જાઉં ત્યારે ઘરની રસોઈ બનાવીને જતી. ત્યાંથી આવ્યા પછી તો તાકાત ન હોય અને ખૂબ વૉમિટિંગ અને લૂઝ મોશન પણ થતાં હોય એટલે એકાદ વીક આરામ કરતી અને પછી ફરી જાતને હિંમત આપીને ઊભી કરતી. જાતને કહેતી કે આમ સૂવાથી નહીં ચાલે, તારે ઊઠવું પડશે. જોકે આ દરમ્યાન પરિવારના લગભગ બધા સભ્યો ઢાલ બનીને ઊભા રહ્યા. આર્થિક રીતે સર્જરીમાં પૈસાની ખેંચ હતી ત્યારે દરેકે પોતાનાથી બનતી મદદ કરીને એ સમય પણ કઢાવી આપ્યો.’
પોતાના જીવનમાંથી શું શીખ્યાં એ પૂછતાં ઉમાબહેન કહે છે, ‘હિંમતથી લડો તો જીત થશે જ. મને એ ચિંતા હતી કે મારાં સંતાનોનું શું થશે? આજે સંતાનોના ઘરે બાળક આવી ગયાં, હું દાદી બની ગઈ. બધો સમય નીકળી જ જતો હોય છે. ખરાબમાં ખરાબ સમયનો પણ અંત આવે છે. બસ, તમારે હારવાનું નથી, ભાગવાનું નથી. હિંમત રાખવાની કે આમેય એક દિવસ બધાએ મરવાનું છે, અમરપટ્ટો લઈને તો કોઈ જ નથી આવ્યું, ભાગ્યમાં જીવવાનું લખ્યું હશે તો કૅન્સર પણ મને મારી નહીં શકે. આ વિચાર કરીને મેં જાતને જાળવી રાખી. ૨૦૧૨થી ૨૦૨૩ સુધીની યાત્રામાં ૪ વખત કૅન્સરને માત આપી છે. અત્યારે પણ અમુક દવાઓ ચાલુ છે. નિયમિત ચેક-અપ થાય છે. દર અઢી-પોણા ત્રણ વર્ષે એણે દરવાજે ટકોરા પાડ્યા છે. આગળ પણ થશે તો હું તૈયાર છું. ડૉક્ટરો નેવું ટકા હોપ ગુમાવી ચૂક્યા હતા. તેમણે કહેલું કે પેટ ખોલ્યા પછી ખબર પડશે. બેશક, આ શબ્દો ડરાવી નાખે, પરંતુ પછી સમજાશે કે હારવું જ્યારે ઑપ્શન જ ન હોય તો હિંમત આપમેળે આવશે, સામનો કરો. હું પહેલેથી જ સાદું ભોજન ખાનારી વ્યક્તિ રહી છું. ભાગ્યે જ બહારનું ખાતી. છતાં આવ્યું. કૅન્સર પછી માત્ર એક જ મોટો બદલાવ લાવ્યો કે શુગર બંધ કરી દીધી. એટલું જ કહીશ કે મરવું તો લડીને મરવું, હારીને નહીં.’


