હાલમાં ફિલ્મમેકર રાકેશ રોશન રેગ્યુલર ચેકઅપ કરાવવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમની કૅરોટિડ આર્ટરીમાં બ્લૉકેજ છે. તેમને કોઈ ચિહ્નો હતાં નહી
પ્રતીકાત્મક તસવીર
હા, જાણી શકાય અને એના દ્વારા સ્ટ્રોકથી બચી પણ શકાય. હાલમાં ફિલ્મમેકર રાકેશ રોશન રેગ્યુલર ચેકઅપ કરાવવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમની કૅરોટિડ આર્ટરીમાં બ્લૉકેજ છે. તેમને કોઈ ચિહ્નો હતાં નહી, પરંતુ સોનોગ્રાફી કરાવી ત્યારે એ સમજાયું. જે રીતે હૃદયની નળીમાં બ્લૉકેજ હોય અને ઍન્જિયોપ્લાસ્ટી થાય એ જ રીતની પ્રોસીજર કૅરોટિડ આર્ટરીમાં પણ થઈ શકે. આના વિજ્ઞાનને આજે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ
તાજેતરમાં જાણીતા ફિલ્મમેકર રાકેશ રોશને પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેમનો હૉસ્પિટલનો એક ફોટો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું કે ફુલ બૉડી હેલ્થ ચેકઅપ માટે તેઓ હૉસ્પિટલમાં ગયા ત્યારે તેમને ડૉક્ટરે હાર્ટ માટે સોનોગ્રાફી સજેસ્ટ કરી હતી અને એની સાથે ગળાની પણ સોનોગ્રાફી કરવામાં આવી. એમાં ખબર પડી કે તેમની બન્ને કૅરોટિડ આર્ટરી જે મગજમાં લોહી પહોંચાડવા માટે જવાબદાર ધમનીઓ ગણાય છે એ ૭૫ ટકા જેટલી બ્લૉક હતી. જો એને અવગણવામાં આવત તો એ ઘણું રિસ્કી થઈ જાત. એને પગલે તેઓ તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પ્રિવેન્ટિવ સર્જરી કરાવી. તેમણે જણાવ્યું હતું કે જે લોકો ૪૫-૫૦ વર્ષથી ઉપર છે એ બધા લોકોએ આ ટેસ્ટ કરાવવી જોઈએ. ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધૅન ક્યૉર’ના નિયમ મુજબ લોકો આ ટેસ્ટ થકી આવનારી સ્ટ્રોક જેવી સમસ્યાને ટાળી શકે છે એવા સજેશન સાથે તેમણે જનતાને જાગૃતિ કેળવવાની અપીલ કરી હતી. આજે સમજીએ કે આ ખરેખર ક્યા પ્રકારની ટેસ્ટ છે અને કઈ રીતે એનાથી બચી શકાય? જોકે એ માટે અમુક મૂળભૂત વસ્તુઓને પહેલાં સમજવી પડશે.
ADVERTISEMENT
કૅરોટિડ આર્ટરી એટલે શું?
આપણા ગળામાં બે મોટી ધમનીઓ એટલે કે લોહીની નળીઓ છે જે લોહીને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ બન્ને ધમનીઓ એટલે કૅરોટિડ આર્ટરી. જે રીતે હૃદયની ધમનીઓ બ્લૉક થઈ શકે એ જ રીતે ગળામાં રહેલી આ ધમનીઓ પણ બ્લૉક થઈ શકે છે. રાકેશ રોશનની આ ધમનીઓ બ્લૉક થઈ ગયેલી. જે પણ વ્યક્તિની આ ધમનીઓ બ્લૉક થાય તેને સ્ટ્રોક આવવાની શક્યતા રહે છે. જેમ લોહીની નળીમાંથી વહેતું લોહી રોકાય એને આપણે હાર્ટ-અટૅક કહીએ છીએ એમ મગજ સુધી પહોંચતું લોહી વચ્ચે અટકે તો મગજ પર અટૅક થાય એને સ્ટ્રોક કહેવાય. હાર્ટ-અટૅક આવે તો હાર્ટનો થોડો અસરગ્રસ્ત ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. એ જ રીતે સ્ટ્રોક આવે તો મગજનો એ અસરગ્રસ્ત ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. એને કારણે લકવો થઈ જાય છે જેને પૅરૅલિસિસ પણ કહે છે. જે ભાગ કામ કરતો બંધ થાય એ મુજબનાં ચિહનો વ્યક્તિમાં જોવા મળે છે. હાર્ટ-અટૅકથી બચવા માટે લોકો ઍન્જિયોગ્રાફી કરાવે છે. એમાં ખબર પડે કે નળીમાં વધારે બ્લૉકેજ છે તો એ નળીના બ્લૉકેજને દૂર કરવા ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે છે કે બાયપાસ સર્જરી કરાવવી પડે છે. જોકે હૃદય વિશેની જાગૃતિ લોકોમાં જોવા મળે છે, પણ કૅરોટિડ આર્ટરીનું નામ ભાગ્યે જ લોકોને ખબર હશે. એવામાં સ્ટ્રોકથી બચવા માટે આ ધમનીમાં બ્લૉકેજ છે કે નહીં એ ચેક કરવા વિશે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે.
બ્લૉકેજ થાય કઈ રીતે?
પહેલાં સમજીએ કે કોઈ પણ નળીમાં બ્લૉકેજ થાય જ શા માટે? આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં ઍથેરોસ્ક્લેરોસિસ કહે છે. આ પ્રક્રિયાને સમજાવતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘સાદી ભાષામાં સમજીએ તો કૉલેસ્ટરોલ એ લોહીની નળીમાં સિમેન્ટનું કામ કરે છે. લોહીની નળીઓમાં જે ડૅમેજ થાય એને રિપેર કરવાનું કામ એ કરે છે, પરંતુ જ્યારે શરીરમાં બિનજરૂરી ફૅટ્સ કે કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે ત્યારે એ નળીમાં જમા થાય છે અને બ્લૉકેજ ઊભા થાય એ પ્રક્રિયાને ઍથેરોસ્ક્લેરોસિસ કહે છે. એને કારણે નળીમાં જે લોહી વહેવામાં અડચણ ઊભી થાય છે. જેને ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, ઓબેસિટી જેવી તકલીફ હોય તેમનામાં આ તકલીફ વધુ જોવા મળે છે.’
સ્ટ્રોક વિશે થાઓ ગંભીર
ઍથેરોસ્ક્લેરોસિસને કારણે જ શરીરની કોઈ પણ ધમનીમાં બ્લૉકેજ ઊભા થાય છે. પ્રશ્ન એ છે કે કેમ આપણને હૃદયના બ્લૉકેજ વિશે, એના રેગ્યુલર ચેકઅપ વિશે માહિતી છે પણ કૅરોટિડ આર્ટરી માટે સજાગતા નથી? હાર્ટ-અટૅકથી કેમ બચવું એ માટે આપણે જાગૃત રહીએ એ જ રીતે સ્ટ્રોકથી કેમ બચવું એ બાબતે પણ જાગૃતિ તો હોવી જોઈએને? જોકે આવું હોવાનાં અમુક કારણો છે જે સમજાવતાં ગ્લિનેગલ્સ હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘દુનિયામાં હાર્ટ-અટૅક સૌથી પહેલું કારણ છે મૃત્યુનું અને સ્ટ્રોક એ સૌથી પહેલા નંબરનું કારણ છે અક્ષમતાનું. એટલે જાગૃતિ તો બન્ને માટે હોવી જ જોઈએ. આંકડાઓ મુજબ ભારતમાં દર વર્ષે ૩૦ લાખ લોકોને હાર્ટ-અટૅક આવે છે જેમાંથી આશરે ૩૨,૦૦૦ લોકો મૃત્યુ પામે છે અને ૧૮ લાખ લોકોને સ્ટ્રોક આવે છે. હાર્ટ પાસે જે ધમનીઓ છે એ પ્રમાણમાં પાતળી છે એટલે એમાં બ્લૉકેજ થવાની શક્યતા કૅરોટિડ આર્ટરી કરતાં વધુ હોય છે. કૅરોટિડ આર્ટરી મોટી હોય છે એટલે હાર્ટ-અટૅકની સરખામણીમાં સ્ટ્રોકના આંકડાઓ ઓછા છે. જેને હાર્ટ-અટૅકનું રિસ્ક છે તેને સ્ટ્રોકનું રિસ્ક રહે જ છે. અને જેને સ્ટ્રોક આવી ચૂક્યો છે તેને હાર્ટ-અટૅક આવવાની શક્યતા પણ છે જ. કૅરોટિડ આર્ટરીમાં બ્લૉકેજ આવે એને કૅરોટિડ આર્ટરી સ્ટેનોસિસ કહે છે જ્યાં એ ધમની નાની બનતી જાય છે. આ માટે નિયમિત ચેકઅપ જરૂરી છે.’
સોનોગ્રાફી ટેસ્ટ
થાય છે એવું કે જાગૃતિના અભાવે કૅરોટિડ આર્ટરીમાં બ્લૉકેજ છે એવું સીધું ત્યારે ખબર પડે છે જ્યારે વ્યક્તિને માઇલ્ડ કે મેજર સ્ટ્રોક આવી જાય. એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘એક ટેસ્ટ છે કૅરોટિડ અલ્ટ્રાસાઉન્ડ, જેના દ્વારા ખબર પડે છે કે વ્યક્તિની આ આર્ટરી કેટલી બ્લૉક્ડ છે. જેવી રીતે પેટની કે બીજા કોઈ પણ ભાગની સોનોગ્રાફી કરવામાં આવે છે એ જ રીતે ગળાની આ સોનોગ્રાફી કરવામાં આવે છે. જોકે સવાલ એ છે કે આ ટેસ્ટ કોણે કરાવવી જોઈએ? તો એનો જવાબ છે જે વ્યક્તિને એક વખત સ્ટ્રોક આવી ચૂક્યો છે તે વ્યક્તિએ તો એ કરાવવી જ પડે છે, કારણ કે એ જાણવાની જરૂર રહે છે કે તેને ભવિષ્યમાં બીજો સ્ટ્રોક આવી શકે એમ છે કે નહીં. મોટા ભાગે વ્યક્તિને પહેલાં માઇલ્ડ સ્ટ્રોક આવતો હોય છે જેના પછી આ ટેસ્ટ થાય તો આવનારા મેજર સ્ટ્રોકથી તેને બચાવી શકીએ છીએ.’
ક્યારે કરાવાય ટેસ્ટ?
પરંતુ શું નિયમિત ચેકઅપમાં માઇલ્ડ કે મેજર કોઈ પણ સ્ટ્રોક આવ્યો જ ન હોય એ પહેલાં આ ટેસ્ટ ન કરાવાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘મનથી ન કરવાય. ડૉક્ટર તમને સજેસ્ટ કરે તો આ ટેસ્ટ કરાવાય. કૅરોટિડ આર્ટરીનું બ્લૉકેજ આવે તો કોઈ વાર કોઈ વ્યક્તિમાં ચિહ્નો જોવા મળે છે અને બાકી કોઈમાં ચિહ્નો જોવા મળતાં નથી. એકદમ જ શરીરની એક તરફ કોઈ જગ્યા ખોટી થઈ જાય, કોઈ સ્નાયુ એકદમ નબળો લાગવા લાગે, બોલવામાં કશું અજુગતું લાગે, સમજવામાં તકલીફ થાય, જોવામાં તકલીફ થાય, એકદમ જ માથું દુખવા લાગે, ચક્કર આવે કે બૅલૅન્સ ખોરવાય, આંખે અંધારાં આવે, વ્યક્તિ બેભાન થઈ જાય એવું લાગે તો ૧૦૦ ટકા આ ટેસ્ટ કરાવવી જોઈએ. જો આવાં કોઈ લક્ષણો ન હોય તો મગજના ડૉક્ટર પાસે રૂટીન ચેકઅપ કરાવતી વખતે ફિઝિકલ ચેકઅપ કરાવો. એમાં તે ડૉક્ટર સાંભળીને સમજી શકે છે કે કૅરોટિડ આર્ટરીનો જે અવાજ છે એ જુદો છે અને દરદીને તે સજેસ્ટ કરે છે કે તમે આ ટેસ્ટ કરવી લો.’
જ્યાં પ્રોસીજરની વાત આવે ત્યાં મગજ હૃદય કરતાં વધુ સેન્સિટિવ છે
જ્યારે ઍન્જિયોગ્રાફી કરે ત્યારે એમાં બ્લૉકેજ મળે તો ઍન્જિયોપ્લાસ્ટી તરત જ કરવાની રહે છે. આજની તારીખે હૃદય માટે ઍન્જિયોપ્લાસ્ટી એકદમ સરળ પ્રોસીજર છે, પરંતુ કૅરોટિડ આર્ટરીનો બ્લૉકેજ દૂર કરવું એટલો સરળ નથી. એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘અલ્ટ્રાસાઉન્ડમાં જો ૭૦ ટકાથી વધુ બ્લૉકેજ નીકળે તો જ એ ધમનીને છેડવામાં આવે છે. એમાં પણ જો દરદીમાં કોઈ ચિહનો જોવા મળે તો પ્રોસીજર જરૂરી બને છે, પણ જો કોઈ ચિહનો જોવા ન મળે તો ડૉક્ટર દરેક શક્યતા વિશે વિચારીને પ્રોસીજરનો નિર્ણય લે છે કારણ કે ઍન્જિયોપ્લાસ્ટી જેટલી સેફ પ્રોસીજર નથી. આ મગજની વાત છે. રિસ્ક ઘણું વધારે હોય છે. એ બ્લૉકેજ હટાવીને એ જગ્યાએ સ્ટેન્ટ બેસાડવાની જે પ્રોસીજર છે એ ખૂબ સાવચેતીપૂર્ણ રીતે કરવી પડે છે. જ્યારે પ્રોસીજરની વાત આવે ત્યારે હૃદય કરતાં બ્રેઇન વધુ સેન્સિટિવ છે એ યાદ રાખવું. એ પણ હકીકત છે કે જો એ બ્લૉકેજ હટી જાય તો આપણે સ્ટ્રોક આવતો અટકાવી શકીએ છીએ. જોકે આવી પ્રિવેન્ટિવ સર્જરી એના રિસ્કને ધ્યાનમાં રાખીને હજી એટલી કૉમન નથી.’

