મુંબઈમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કબૂતરખાનાં બંધ કરાવવાનાં પગલાં લઈ રહી છે એ જૈન સમુદાય અને જીવદયાપ્રેમીઓનાં દિલને દુ:ખ પહોંચાડી રહ્યું છે
મુંબઈનાં કબૂતરખાનાંઓને બંધ કરવાના વિરોધમાં કોલાબા જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન મુનિ નીલેશચંદ્ર મહારાજસાહેબના નેતૃત્વમાં નીકળેલી રૅલી અને રૅલીમાં જોડાયેલી મહિલાઓ અને પુરુષો.
મુંબઈમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કબૂતરખાનાં બંધ કરાવવાનાં પગલાં લઈ રહી છે એ જૈન સમુદાય અને જીવદયાપ્રેમીઓનાં દિલને દુ:ખ પહોંચાડી રહ્યું છે, જો મુંબઈ મહાનગરપાલિકા કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને મુંબઈનાં કબૂતરખાનાંઓ બંધ કરાવવા માટે સક્રિય બનશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો : રાષ્ટ્રીય ક્રાન્તિકારી સંત મુનિ નીલેશચંદ્ર મહારાજસાહેબ
મુંબઈનાં કબૂતરખાનાંઓને બચાવવા માટે ગઈ કાલે સવારે યોજવામાં આવેલી રૅલી પહેલાં કોલાબા જૈન સંઘમાં જનમેદનીને સંબોધતાં કોલાબા જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન મુનિ નીલેશચંદ્ર મહારાજસાહેબે કહ્યું હતું કે ‘જો મુંબઈ મહાનગરપાલિકા કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને મુંબઈનાં કબૂતરખાનાંઓ બંધ કરાવવા માટે સક્રિય બનશે તો આનો જવાબ મુંબઈનો જૈન સમાજ નજીકના ભવિષ્યમાં આવી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરીને આપશે. અમારો જૈન સમાજ-સમુદાય જીવદયાનું પાલન કરે છે. એમનાં ખોરાક-પાણી બંધ કરવાં એ બંધારણની વિરુદ્ધ છે. કબૂતરોની કથિત હત્યા પણ બંધારણીય રીતે બહુ મોટો ગુનો છે.’ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે જોડાયેલા મૂળ મહારાષ્ટ્રિયન મુનિ નીલેશચંદ્ર મહારાજસાહેબે આક્રોશભર્યા શબ્દોમાં જનસમુદાયને વધુમાં કહ્યું હતું કે ‘બધા રાજકારણીઓ સાથે છે. તેમના અલગ-અલગ એજન્ડા હોઈ શકે છે. અગાઉ જૈન દેરાસર સામે માંસાહારનું પ્રદર્શન કરનારા રાજકીય પક્ષોને મુંબઈના જૈનોએ ચૂંટણીમાં તેમનું સ્થાન બતાવી દીધું હતું. હું હંમેશાં ભારતીય જનતા પાર્ટીનો સમર્થક રહ્યો છું. અમે નરેન્દ્ર મોદીના વિરોધીઓ નથી, પણ મુંબઈમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કબૂતરખાનાં બંધ કરાવવા પગલાં લઈ રહી છે એ જૈન સમુદાય અને જીવદયાપ્રેમીઓના દિલને ખૂબ જ દુખ પહોંચાડી રહ્યું છે.’ મુસલમાનો બકરી ઈદના દિવસે બકરાં કાપીને તેમનો ધર્મ નિભાવે છે, જ્યારે જૈનો પશુપંખીઓને ખોરાક આપીને જીવદયા કરીને તેમનો ધર્મ નિભાવી રહ્યા છે એમ જણાવતાં મુનિ નીલેશચંદ્ર મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે કબૂતરો પર અત્યાચાર થઈ રહ્યો છે એ મુંબઈના જીવદયા અને દેશપ્રેમીઓ કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરે. સરકાર આ મુદ્દે નિર્ણય લેવામાં નિષ્ફળ જશે તો તેમને મહાનગરપાલિકાના ઇલેક્શન સમયે આનો જવાબ આપશે. અત્યાર સુધી કોઈ પણ સાધુસંતોએ કબૂતરખાનાં બચાવવા માટે આગેવાની લીધી નથી, પણ હું આમાં પીછેહઠ કરવાનો નથી. અમે બંધારણ અને કોર્ટનો આદર કરીએ છીએ એટલે ૭ ઑગસ્ટ સુધી કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાર પછી ૧૦ ઑગસ્ટે મારી સાથે જીવદયાપ્રેમીઓ અને જીવદયા સંગઠનોએ એક વિશાળ રૅલી કાઢીને દાદર કબૂતરખાના જવાનું છે. ત્યાં મારી સાથે અન્ય સાધુઓ અને અનુયાયીઓ પણ અનશન (ઉપવાસ) શરૂ કરશે. જૈનોના ધાર્મિક તહેવાર પર્યુષણ પર્વ પહેલાં સરકાર કબૂતરખાનાંઓને મુક્ત કરી દે, નહીંતર ત્યાર પછી ફક્ત મુંબઈમાં જ નહીં પણ મહારાષ્ટ્રભરમાં જૈનો અને બજરંગ દળના કાર્યકરો ઉગ્ર આંદોલન શરૂ કરશે.’ તેમના આ સંબોધનથી હાજર રહેલા જીવદયાપ્રેમીઓની તાળીઓના ગડગડાટથી જનસભા ગુંજી ઊઠી હતી. વિધાનસભાના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં શહેરી વિકાસપ્રધાન ઉદય સામંત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર શહેરનાં એકાવન કબૂતરખાનાં સામે ઝુંબેશ ચલાવશે જેમાં પક્ષીઓને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારના આ નિર્ણય પછી પાણીના અભાવે અને એમને ખોરાક ન આપવાના નિયમોને કારણે કબૂતરખાનામાંથી ઘણાં કબૂતરો મૃત હાલતમાં મળી આવ્યાં છે. આ કબૂતરોનાં મૃત્યુ માટે જવાબદાર કોણ? આ સવાલ સાથે જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. એના વિરોધમાં ગઈ કાલે રાષ્ટ્રીય ક્રાન્તિકારી જૈન સંત મુનિ નીલેશચંદ્ર મહારાજસાહેબના નેતૃત્વ હેઠળ કોલાબાના જૈન મંદિરથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી કબૂતરખાનાં બચાવવા માટે એક રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો જીવદયાપ્રેમીઓ જોડાયા હતા. આ રૅલીમાં હાજર રહેલા જીવદયાપ્રેમીઓને સંબોધતાં જૈન અગ્રણી હાર્દિક હૂંડિયાએ કહ્યું હતું કે ‘આ પહેલા સંત છે જેમણે કબૂતરો સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે રૅલીનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ લોકોમાં કબૂતરખાનાના મુદ્દે જાગરૂકતા ફેલાવવાનો છે. તેમના દ્વારા આયોજિત આ રૅલીમાં ‘એક પુકાર મેરી ભી સુનો, કબૂતરખાનાં બચાઓ’નાં પ્લૅકાર્ડ્સ સાથે હજારો લોકો જોડાયા હતા. દેશના શાંતિના પ્રતીકરૂપ કબૂતરોની અચાનક ભારતીય જનતા પાર્ટીની સરકાર દુશ્મન બની ગઈ છે. સરકાર જવાબ આપે કે આ અબોલ જીવોનો એવો તે શું ગુનો છે કે તમે એમનો ખોરાક બંધ કરી રહ્યા છો. દેશભરમાં કબૂતરોને ચણ નાખવામાં આવે છે. શું ફક્ત મુંબઈમાં જ કબૂતરો રોગ ફેલાવી રહ્યાં છે? આ સરકારનો એવો તે કેવો ન્યાય છે?’
આ રૅલીમાં દાદર અને વિલે પાર્લે જેવાં અનેક ઉપનગરોમાંથી હાજર રહેલા જીવદયાપ્રેમીઓને સાથે રાખીને પશુપંખીઓ માટે નાનપણથી લડી રહેલી જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને કબૂતરખાનાં બંધ થાય એ બિલકુલ સ્વીકાર્ય નથી. વિકાસના નામે વૃક્ષો કાપવામાં આવે છે, પક્ષીઓએ એમનાં ઘર ગુમાવ્યાં છે અને હવે આપણે મનુષ્યો ખોરાક અને પાણીના એમના મૂળભૂત અધિકારો છીનવી રહ્યા છીએ. આ ભારતના બંધારણ, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને વન્યજીવન કાયદાની વિરુદ્ધ છે. ધરતીમાતા ફક્ત મનુષ્યો માટે જ નહીં, બધી પ્રજાતિઓ માટે છે અને મનુષ્યોને એમનો મૂળભૂત ખોરાક બંધ કરવાનો કોઈ અધિકાર નથી. આ શહેરી ભારતનું કૉન્ક્રીટ જંગલ છે. આ એક સામાન્ય જંગલ છે જ્યાં તેઓ જાતે ખાઈ શકે છે. તેઓ માનવતા અને દયાથી ખોરાક લેતા માનવો પર નિર્ભર છે.’
ADVERTISEMENT
હવે પછી શું?
જૈન સંત નીલેશચંદ્ર મહારાજસાહેબે કહ્યું હતું કે ‘હવે અમે દાદર કબૂતરખાનાની બહાર કબૂતરો માટે હનુમાન ચાલીસા અને નવકાર મંત્રનો પાઠ કરીશું. જો ૭ ઑગસ્ટે હાઈ કોર્ટ નિર્દોષ પક્ષીઓ વિરુદ્ધ નિર્ણય આપશે તો અમે દાદર કબૂતરખાનાની અંદર વિરોધ-પ્રદર્શન પર બેસીશું. આ પક્ષીઓનો ખોરાક અને પાણી છીનવી લેવામાં આવી રહ્યાં છે. મહાનગરપાલિકા પર ફક્ત તે લોકો જ શાસન કરશે જેઓ પક્ષીઓ પ્રત્યે દયાળુ છે. આ પહેલી વાર છે જ્યારે અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને કબૂતરો ખાતર રસ્તા પર ઊતરતાં જોયાં છે. હું વિનંતી કરું છું કે મુંબઈની બધી જ બિનસરકારી સંસ્થાઓ આ હેતુને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં બહાર આવે. અમે એક સમયે જૈનોનાં મંદિરો સામે પ્રદર્શન કરનાર રાજકીય પક્ષના વિરોધમાં ચૂંટણી દરમ્યાન બૅનરો લગાવ્યાં હતાં. હવે ફરીથી એ કરવાનો અને વાત ફેલાવવાનો સમય છે.’

