મોટા ભાગના લોકોનો જવાબ ના જ હશે, કારણ કે તેમને ખબર જ નથી કે દોડતી વખતે હાર્ટ-બીટ જો જરૂર કરતાં વધી જાય તો હાર્ટનાં ફંક્શન્સ પર લોડ આવે છે; પરિણામે વાત હાર્ટ-અટૅક સુધી ક્યારે પહોંચે છે એની ખબર પડતી નથી
પ્રતીકાત્મક તસવીર
જેટલું ભાગશો અને જેટલો પરસેવો નીકળશે એટલી ફૅટ બર્ન થશે એવું માનનારા ફિટનેસ-ફ્રીક લોકોને એ ખબર નથી કે જરૂર કરતાં વધુ દોડવું હાર્ટ-હેલ્થને બગાડી શકે છે. જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ-અટૅક આવવાના કિસ્સાઓ ઘણા સાંભળ્યા છે અને એની પાછળ ડાયટ અને કસરત સંબંધિત કેટલાંક પરિબળો જવાબદાર છે એ વિશે પણ ચર્ચા થતી હોય છે, પણ દરરોજ ટ્રેડમિલ પર દોડીને કાર્ડિયો એક્સરસાઇઝ કરનારા લોકોને એ ખબર છે ખરી કે દોડતી વખતે હાર્ટ-બીટ કેટલા હોવા જોઈએ? અને જો વધી જાય તો એનાં શું પરિણામ આવે છે? મોટા ભાગના લોકોને આ વિશે ખબર જ નથી. ટ્રેડમિલ પર દોડતી વખતે હાર્ટ-રેટનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય છે. ટ્રેડમિલ પર જ નહીં, નૉર્મલી પણ દોડતી વખતે હાર્ટનાં ફંક્શન્સ પર લોડ આવવાથી શું થાય છે અને એનાથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે મોટા ભાગના લોકો અજાણ છે.
કેટલું હોવું જોઈએ?
ADVERTISEMENT
એક મિનિટમાં તમારું હૃદય ૧૨૦ વાર ધબકે છે એને ટેક્નિકલ ભાષામાં BPM એટલે કે બીટ પર મિનિટ કહેવાય છે. ૨૦થી ૩૦ વર્ષની વ્યક્તિ જો ટ્રેડમિલ પર દોડતી હોય તો BPM ૧૪૦થી ૧૬૦ સુધી હોવી જોઈએ. ઉંમર વધે એમ સ્ટૅમિના ઓછો થાય છે અને એની અસર હાર્ટ પર પણ પડે છે તેથી ચાલીસી વટાવી ચૂકેલા લોકોના કાર્ડિયો કરતી વખતે BPM ૧૪૫ જેટલી જ હોવી જોઈએ. જો એનાથી વધુ થશે તો એ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમો ઊભાં કરી શકે છે.
શું છે નુકસાન?
શરીરમાંથી જેટલો પરસેવો નીકળે એટલું સારું, એટલે જ્યાં સુધી પરસેવો ન નીકળે ત્યાં સુધી ટ્રેડમિલ પર દોડ્યે રાખવું જોઈએ... જો તમે પણ આવું વિચારો છો તો તમે હૃદય સંબંધિત બીમારીઓને નોતરું આપી રહ્યા છો એમ કહેવું ખોટું નથી. પરસેવો નીકળે ત્યાં સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરવામાં આવે તો શ્વાસ ચડી જવો, ચક્કર આવવાં, બેહોશ થઈ જવું, છાતીમાં દુખાવો અને અનિયંત્રિત ધબકારા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે એટલું જ નહીં, જો ધ્યાન રાખવામાં ન આવે તો હાર્ટ-અટૅક આવવાના ચાન્સિસ વધી જાય છે.
કેવી રીતે રાખવું ધ્યાન?
મોટા ભાગની ટ્રેડમિલ પર હાર્ટ-રેટ મૉનિટર હોય છે. એનાથી હાર્ટ-રેટ મૉનિટર થઈ શકે છે. જો એ ન હોય તો ફિટનેસ બૅન્ડ અથવા સ્માર્ટવૉચનો ઉપયોગ કરી શકાય છે. ટ્રેડમિલ પર દોડતી વખતે અને એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ-બીટ પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમને એવું લાગે કે શ્વાસ ચડી રહ્યો છે કે થાક લાગે છે તો તરત જ એ કસરત કરવાનું બંધ કરી દેવું અને પાણી પીને થોડો રેસ્ટ કરવો. કસરત દરમિયાન હાર્ટ-રેટ ન વધે એ માટે પાંચ મિનિટનું વૉર્મઅપ કરવું, હાઇડ્રેટેડ રહેવું અને પાણી પીતા રહેવું. બીજા લોકો સાથે સરખામણી કરવી નહીં, કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ પ્રકારની હોય છે. શરીર એ એક્સરસાઇઝમાં કેટલો સાથ દે છે એ ધ્યાનમાં રાખીને ટ્રેડમિલ પર દોડવું. આટલી બાબતો પર ધ્યાન રાખવામાં આવે તો ટ્રેડમિલ પર દોડવામાં નુકસાન નથી.

