જેમ હૃદયમાં નળી બ્લૉક થાય અને હાર્ટ-અટૅક આવે એ જ રીતે નાના આંતરડાને જોડતી લોહીની નળી બ્લૉક થાય તો નાનું આંતરડું ફેલ થઈ જાય
પ્રતીકાત્મક તસવીર
લિવર, કિડની કે હાર્ટ ફેલ થતાં તમે સાંભળ્યાં હશે; પણ કોઈનું નાનું આંતરડું ફેલ થાય એવું સાંભળ્યું છે ખરું? આ એક ભાગ્યે જ આવતી પરિસ્થિતિ છે. જેમ હૃદયમાં નળી બ્લૉક થાય અને હાર્ટ-અટૅક આવે એ જ રીતે નાના આંતરડાને જોડતી લોહીની નળી બ્લૉક થાય તો નાનું આંતરડું ફેલ થઈ જાય. આ સંજોગોમાં બને એટલું જલદી ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે, નહીંતર વ્યક્તિ બચી ન શકે. મુંબઈમાં ૨૦૨૫માં લગભગ ૩ જેટલાં આંતરડાનાં ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. આજે એના વિશે સમજીએ
જ્યારે કોઈ પણ અંગ ફેલ થઈ જાય ત્યારે એનો કોઈ ઇલાજ થઈ શકતો નથી એટલે છેલ્લો ઉપાય એ જ બચે છે કે એ અંગને રિપ્લેસ કરવામાં આવે, જેના માટે દાનમાં મળેલું અંગ દરદીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને જો દરદીનું શરીર એ અંગને અપનાવી લે તો તેની આવરદા વધી જાય છે. લિવર, કિડની અને હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ વિશે તો તમે સાંભળ્યું હશે. ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની વાત કરીએ તો દર વર્ષે ભારતમાં અંદાજે ૮૦૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૧૫૦૦-૨૦૦૦ જેટલાં લિવર ટ્રાન્સપ્લાન્ટ, ૨૦૦-૩૦૦ જેટલાં હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એની સામે દર વર્ષે લગભગ પાંચ જેટલાં આંતરડાનાં ટ્રાન્સપ્લાન્ટ ભારતમાં થાય છે. એની પાછળનાં કારણોમાં મુખ્ય કારણ એ છે કે આંતરડાનું ફેલ્યર એક ભાગ્યે જ બનતી ઘટના છે. વળી મુંબઈની જેમ દરેક જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટની ફૅસિલિટી ઉપલબ્ધ હોતી નથી અને હોય તો વ્યક્તિ પાસે આ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે એટલે પૈસા નથી હોતા.
ADVERTISEMENT
આંતરડાના ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે?
આંતરડું ફેલ થાય ત્યારે જ આંતરડાને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. એ પરિસ્થિતિ ક્યારે આવે એ સમજાવતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલ, પરેલના HPB અને લિવર, પૅન્ક્રિયાસ, ઇન્ટેસ્ટાઇનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન અને ડિરેક્ટર ડૉ. અનુરાગ શ્રીમલ કહે છે, ‘જેમ હૃદયને મુખ્ય રીતે લોહી પહોંચાડતી નળી બ્લૉક થાય તો અટૅક આવે કે હાર્ટ ફેલ થાય એમ જે રક્તવાહિની નાના આંતરડાને લોહી પહોંચાડે એમાં બ્લૉકેજ આવે અને લોહી આગળ વહેતું અટકે તો એ પરિસ્થિતિને સુપિરિયર મેસેન્ટ્રિક આર્ટરી થ્રોમ્બોસિસ કહેવાય. આ થાય ત્યારે આંતરડું ફેલ થઈ જાય છે. જ્યારે આ પરિસ્થિતિ સર્જાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે.’
ફેલ થયેલું નાનું આંતરડું
ટ્રાન્સપ્લાન્ટથયેલું નાનું આંતરડું
કોને થાય?
લોહીની નળીમાં બ્લૉકેજ થવાનું કારણ મોટા ભાગે ઍથરોસ્ક્લેરોસિસ જ હોય છે. એટલે કે લોહીની નળીમાં કૉલેસ્ટરોલનું જામી જવું, જેથી લોહી આગળ વધતું અટકી જાય. એ વિશે વાત કરતાં ડૉ. અનુરાગ શ્રીમલ કહે છે, ‘જે દરદીનું કૉલેસ્ટરોલ લેવલ વધુ હોય તેના શરીરમાં ઍથરોસ્ક્લેરોસિસ થવાની શક્યતા વધુ છે. આમ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ કે હાર્ટ-ડિસીઝ જેવા રોગો ધરાવતા દરદી પર આ રોગનું રિસ્ક વધુ છે. આ દરદીઓમાં હાર્ટના રોગોનું રિસ્ક હોય છે એ જાણીતી બાબત છે, પણ સમજવાનું એ છે કે બ્લૉકેજ તો કોઈ પણ જગ્યાએ થઈ શકે. હૃદયની નળીઓ સાંકડી છે એટલે હૃદયરોગનું રિસ્ક વધુ રહે છે. આંતરડા પાસેની લોહીની નળીઓ મોટી છે એટલે એમાં બ્લૉકેજ થવાની શક્યતા જ ઘણી ઓછી છે. ઘણા કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે વ્યક્તિને કોઈ મેટાબોલિક સિન્ડ્રૉમ ન હોય, કૉલેસ્ટરોલ જેવી તકલીફ ન હોય, ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ કે બ્લડપ્રેશર પણ ન હોય તો પણ બ્લૉકેજ અચાનક આવે અને વ્યક્તિનું આંતરડું ફેલ થઈ જાય.’
ઇમર્જન્સી
જ્યારે શરીરમાં બ્લૉકેજ થાય ત્યારે અચાનક જ એ વાત સામે આવે છે. હાર્ટના બ્લૉકેજ તો ઍન્જિયોગ્રાફી વડે પહેલેથી સામે આવી શકે છે. આંતરડા પાસેની નળીમાં કોઈ ટેસ્ટ ન કરે અને પહેલાંથી કોઈ રીતે ખબર ન પડે કે બ્લૉકેજ બની રહ્યું છે કે નહીં. આમ આ રોગ આવશે એવી પહેલેથી એ વિશે માહિતી મળી શકે નહીં. એ વિશે સ્પષ્ટતા કરતાં નાણાવટી મૅક્સ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલના HPB અને લિવર, પૅન્ક્રિયાસ, ઇન્ટેસ્ટાઇનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડૉ. ગૌરવ ચૌબલ કહે છે, ‘એકદમ જ પેટમાં દુખાવો થાય. દરદીને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવા પડે. એ દુખાવો એટલો અસહ્ય હોય કે તેમને તરત જ ઇમર્જન્સીમાં લેવા પડે અને તેમનું નાનું આંતરડું ફેલ થઈ ગયું છે એ નિદાન ઇમર્જન્સીમાં જ ટેસ્ટ દ્વારા સામે આવતું હોય છે. આમ આ એ રોગ નથી કે જેની જાણ પહેલેથી હોય તો આપણે એને રોકી શકીએ. આ એકદમ જ સામે આવતી મુસીબત છે.’
તાત્કાલિક ઉપાય
નાના આંતરડાનું કામ શરીરમાં પાચન સાથે સંકળાયેલું જરૂરી અંગ છે જ્યાં પોષક તત્ત્વોને શોષીને લોહીમાં ભેળવવાનું કામ પણ થાય છે. જ્યારે એ ફેલ થઈ જાય ત્યારે વ્યક્તિનું પોષણ બંધ થઈ જાય છે, પાચનપ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. એટલે જે અન્ન આપણે ખાઈએ છીએ એ બંધ થઈ જાય છે. એ ખાઈ ન શકાય. આ પરિસ્થિતિ વિશે સમજાવતાં ડૉ. અનુરાગ શ્રીમલ કહે છે, ‘આ પરિસ્થિતિમાં વ્યક્તિને ઉપરથી ન્યુટ્રિશન આપવું પડે છે. એમાં મુખ્ય છે પેરન્ટલ ન્યુટ્રિશન, જે પોષણ સીધું નસોમાંથી લોહીમાં ભળી જાય છે. સાદી ભાષામાં સમજીએ તો જે રીતે ગ્લુકોઝ ચડાવીએ એ જ રીતે એ પોષણ દરદીને આપવામાં આવે છે કારણ કે પોષણ વગર શરીર ટકી ન શકે અને જીવવા માટે એ જરૂરી છે.’
તો શું આ રીતે ઉપરથી ન્યુટ્રિશન આપવાથી દરદી લાંબું જીવી શકે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ગૌરવ ચૌબલ કહે છે, ‘ના, આ રીતે દરદી ૧-૨ મહિના જ જીવી શકે. આ કાયમી ઉપાય નથી. આ રીતે જો ચાલુ રાખીએ તો આંતરડામાં ઇન્ફેક્શન થઈ શકે છે. એક વખત કોઈ અંગ શરીરમાં ફેલ થઈ ગયું એટલે એને બહાર તો કાઢવું જ પડે નહીંતર એ અંગમાં સડો થાય અને એને કારણે વ્યક્તિ મૃત્યુ પામે. આમ આ ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ સમય આપણી પાસે હોતો નથી. તાત્કાલિક નિર્ણય લેવા પડે છે. આ દરમિયાન કોઈ બ્રેઇન-ડેડ વ્યક્તિનું આંતરડું મળી જાય તો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવામાં જ હિત છે. કિડનીમાં દરદી પાસે ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો નિર્ણય લેવાનો સમય મળે છે. તમે ડાયાલિસિસ પર હો તો તમે થોડાં વર્ષો જીવી શકો પણ આમાં એવું નથી, ટ્રાન્સપ્લાન્ટ ન કરાવે એ દરદી મૃત્યુ પામે છે.’
હાલમાં બનેલો કેસ
૨૦૨૫માં મુંબઈમાં ત્રણ ઇન્ટેસ્ટાઇનલ ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યાં. એમાંથી પહેલું લાઇવ ડોનર દ્વારા શક્ય બન્યું. જેમાં જીવિત વ્યક્તિએ આંતરડું દાનમાં આપ્યું હોય એવા અત્યાર સુધીમાં આંતરડાનાં ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં ત્રણ જ થયાં છે. એ વિશે વાત કરતાં ડૉ. ગૌરવ ચૌબલ કહે છે, ‘આમ તો આંતરડાનાં ટ્રાન્સપ્લાન્ટ પણ ખૂબ ઓછાં થાય છે. એના લાઇવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ તો એનાથી પણ ઘણાં ઓછાં થાય છે. લાઇવ ડોનર ટ્રાન્સપ્લાન્ટમાં જો દરદીના ઘરના સભ્ય સાથે મૅચ ઠીક બેસે તો એ શક્ય બને છે. આપણા બધા પાસે ૬૦૦ સેન્ટિમીટર લાંબું આંતરડું હોય છે. જે જીવિત વ્યક્તિ દાતા બને છે તેની પાસેથી ૧૫૦ સેન્ટિમીટર જેટલું આંતરડું કાઢીને દરદીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે. દાતા એ ૧૫૦ સેન્ટિમીટરના આંતરડા વગર એકદમ નૉર્મલ જીવન જીવી શકે છે અને જે દરદીને ૧૫૦ સેન્ટિમીટરનું આંતરડું મળ્યું છે તે ફક્ત એટલા જ આંતરડા પર એક સામાન્ય જીવન જીવી શકે છે.
બ્રેઇન-ડેડ વ્યક્તિનું સંપૂર્ણ નાનું આંતરડું એટલે કે ૬૦૦ સેન્ટિમીટરનું આંતરડું ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે. આમ જો દરદીને બ્રેઇન-ડેડ વ્યક્તિનું આંતરડું મળી જાય તો ખૂબ સારું. જો ન મળે અને રાહ જોવાની હોય તો આ દરદીઓમાં એ ક્યારેક મુશ્કેલ બને છે.’

