મનુષ્યને મનુષ્ય તેની કરોડરજ્જુ બનાવે છે. બાકી બધાં પ્રાણીઓ ચારપગાં છે અને આપણે બે પગ પર સીધા ટટ્ટાર ચાલીએ છીએ
પ્રતીકાત્મક તસવીર
કરોડરજ્જુ એક એવું અંગ છે જે ચાર પગનાં બીજાં પ્રાણીઓથી માણસજાતને જુદી પાડે છે. કમર અને પીઠનો દુખાવો એકદમ સામાન્ય દુખાવો બની ગયો છે, જે કરોડરજ્જુની હેલ્થ ખરાબ થવાની નિશાની છે. આજે વર્લ્ડ સ્પાઇન ડેના દિવસે સમજીએ કે કઈ રીતે આપણે આપણી કરોડરજ્જુનું ધ્યાન રાખી શકીએ
મનુષ્યને મનુષ્ય તેની કરોડરજ્જુ બનાવે છે. બાકી બધાં પ્રાણીઓ ચારપગાં છે અને આપણે બે પગ પર સીધા ટટ્ટાર ચાલીએ છીએ. આપણા શરીરનો બધો બોજ આ કરોડરજ્જુ ઉપાડે છે. એ જ છે જે ચેતાતંતુઓ દ્વારા મગજ સાથે જોડાયેલી છે અને આખા શરીરને કાર્યરત રાખે છે. કરોડરજ્જુ આપણા શરીરનું ફાઉન્ડેશન છે. એટલે એને સાચવવી જરૂરી છે. આપણે શરીરમાં સ્કિન, વાળ અને દેખાવ સાચવવા માટે તત્પર રહીએ છીએ પરંતુ વિચારો કે એ બધું જ બરાબર રહ્યું પણ કમર વળી ગઈ અને ખૂંધ નીકળી ગઈ તો શું થશે? આપણે હૃદયને સાચવવાની દરકાર લઈએ છીએ, મગજને શાર્પ કરવાના પ્રયાસ કરીએ છીએ પરંતુ કરોડરજ્જુનો એક મણકો પણ ખસી ગયો કે ડિસ્કની તકલીફ આવી ગઈ તો મગજ અને દિલ ગમેતેટલાં સારાં ચાલતાં હોવા છતાં તમારું જીવન એક રૂમની પથારીમાં સ્થિર થઈ જશે. હલનચલન બંધ થઈ જશે. એટલે જેટલું ધ્યાન આપણે બીજાં બધાં અંગોનું રાખીએ છીએ એટલું જ ધ્યાન આપણે કરોડરજ્જુનું પણ રાખવું જોઈએ. આ વાત લોકો સુધી પહોંચે અને લોકો સમજે એ માટે આજના દિવસે દુનિયાભરમાં સ્પાઇન ડેની ઉજવણી થાય છે. આ વર્ષે એની ઉજવણીની થીમ છે ‘ઇન્વેસ્ટ ઇન સ્પાઇન હેલ્થ’. અહીં પૈસા ઇન્વેસ્ટ કરવાની વાત નથી, તમારી જાતને સ્પાઇન હેલ્થ માટે ઇન્વેસ્ટ કરો એમ જણાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ધ્યાન રાખવું જરૂરી
દુનિયામાં ૮૫ ટકા લોકો એવા છે જેમને જીવનમાં ઓછામાં ઓછી એક વાર કમરનો દુખાવો કે ગરદનનો દુખાવો થયો હોય. એક નિર્ધારિત સમયે દુનિયામાં ૩૦ ટકા લોકો કમર દરદથી પીડાતા હોય છે. દુનિયાભરમાં ૨૦ ટકા લોકો કમરના દુખાવા માટે સિક-લીવ લે છે. ફક્ત એકલા UKમાં એક વર્ષમાં ૧૨૦ મિલ્યન વર્કિંગ દિવસો વેડફાઈ જાય છે. આ આંકડાઓ સમજાવે છે કે કરોડરજ્જુની તકલીફ કેટલી કૉમન છે. આ આંકડાઓ સમજાવે છે કે કરોડરજ્જુની તકલીફ કેટલી કૉમન છે. એ વિશે વાત કરતાં મેડિકવર હૉસ્પિટલ, ખારઘરના સ્પાઇન સર્જ્યન ડૉ. બુરહાન સલીમ સિયામવાલા કહે છે, ‘જેટલી કૉમન તકલીફ એટલી જ એને લોકો અવગણે છે. જો તમે યુવાનીમાં એનું ધ્યાન રાખશો તો સૌથી વધુ ફાયદો તત્કાલીન સમયમાં તો રહેશે જ પરંતુ એની સાથે-સાથે વૃદ્ધાવસ્થામાં પણ રહેશે. અમારી પાસે ૬૦થી વધુ ઉંમરના લોકો આવે છે જે કમર અને પીઠના દુખાવાથી એટલા પીડાતા હોય છે કે તેમનું હલનચલન અસરગ્રસ્ત થાય છે. વૃદ્ધાવસ્થામાં કોઈ પણ વ્યક્તિ ઇચ્છા ધરાવે છે કે એ આત્મનિર્ભર રહે પરંતુ જો કરોડરજ્જુ નહીં સાચવો તો નિર્ભર રહેવું પડશે.’
બાળકોમાં પણ તકલીફ
આમ તો આજકાલ બાળકોને પણ પીઠ અને કમરની તકલીફ હોય છે કારણ કે તેમના પણ પૉશ્ચર ખોટાં હોય છે. વધુપડતો સ્કૂલબૅગનો ભાર પણ તેમની કરોડરજ્જુ પર અસર કરે છે. એ વાત સૂચવતાં વિક્રોલીનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘બાળકોની કરોડરજ્જુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આ શરૂઆતનાં ડેવલપમેન્ટનાં વર્ષો છે અને બાળકનું આખું સ્ટ્રક્ચર એના પર ડેવલપ થવાનું હોય તો એ બાબતે ધ્યાન નહીં રાખો તો નાનપણથી ખૂંધ આવી શકે છે. તેનું સ્ટ્રક્ચર આખું ખરાબ થઈ શકે છે. બને કે પીઠ અને કમરના સ્નાયુ સાવ નબળા રહી જાય અને બાળકનો ગ્રોથ જેવો થવો જોઈએ ન થાય. એટલે બાળકોની કરોડરજ્જુ પર ધ્યાન દેવું જરૂરી છે.’
લક્ષણો
ખબર કઈ રીતે પડે કે વ્યક્તિને કરોડરજ્જુની તકલીફ છે અને તેણે એના પર ધ્યાન દેવું જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘એક લક્ષણ છે વ્યક્તિને થોડું-થોડું માથું દુખ્યા કરતું હોય, ક્યારેય એ માથાનો દુખાવો ખૂબ વધી જાય. હવે માથાના દુખાવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે પણ એક મહત્ત્વનું કારણ છે સર્વાઇકલ પ્રૉબ્લેમ. આ સિવાય જો છાતીનો દુખાવો રહેતો હોય. આમ તો છાતીનો દુખાવો હાર્ટ ડિસીઝનું લક્ષણ છે પણ જો એ હાર્ટનું લક્ષણ ન હોય તો પછી એ કરોડરજ્જુની તકલીફ સૂચવે છે. જો વ્યક્તિને આંગળી કે અંગૂઠામાં ઝણઝણાટી થતી હોય તો નક્કી સતર્ક રહેવું. આ ચિહન કરોડરજ્જુનું અતિ મહત્વનું ચિહન છે. આ સિવાય જો આ પેઇન કમરથી નીચે આગળ વધતી હોય એમ લાગે તો પણ ચેતવું. કમરનો દુખાવો હોય એ નીચે પગ તરફ આગળ વધતો લાગે. આ પરિસ્થિતિમાં કરોડરજ્જુની તકલીફ હોઈ શકે છે. એટલે ધ્યાન રાખવું જરૂરી છે. આવાં કોઈ પણ ચિહનો દેખાય તો તરત ડૉક્ટરને મળવું જરૂરી છે અને તમારી સ્પાઇનનું અલાઇનમેન્ટ ચેક કરવું જરૂરી છે.’
શું કરી શકાય?
ઘણા લોકોને લાગે છે કે ઓબેસિટીને કારણે કરોડરજ્જુ નબળી થઈ જાય છે. એવું થઈ શકે છે પણ હંમેશાં નહીં. ૧૦૦ કિલો વજન ધરાવતી વ્યક્તિની કરોડરજ્જુ એકદમ હેલ્ધી હોય એવું બની શકે. જ્યારે તમને સમજાય કે તમારું પૉશ્ચર ઠીક નથી અને એને ઠીક કરવાની જરૂર છે ત્યારે શું કરી શકાય એ સમજાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘જેટલી વ્યક્તિઓ દુનિયામાં છે બધાનાં
પૉશ્ચર જુદાં-જુદાં હોય છે કારણ કે બધાનાં બૉડી-સ્ટ્રક્ચર જુદાં હોય છે. તકલીફ ત્યારે જ છે જ્યારે પેઇન શરૂ થાય. પેઇન આવે એનો અર્થ એમ કે એક સ્નાયુ ઓવર વર્ક કરી રહ્યો છે જ્યારે બીજો સ્નાયુ ઓછું વર્ક કરી રહ્યો છે. તમારે એક્સરસાઇઝ દ્વારા જે સ્નાયુ ઍક્ટિવ નથી એને ચાલુ કરવો પડે છે. એક વખત સ્નાયુ ઍક્ટિવ બને પછી દરરોજ એક્સરસાઇઝ અને ૩ દિવસ કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી પૉશ્ચર ઠીક થઈ શકે છે. બસ, પ્રયત્ન જરૂરી છે.’
સ્પાઇન હેલ્થને સાચવવા આટલું કરો
સ્પાઇન હેલ્થને સાચવવા માટે એક ખાસ ગાઇડલાઇન જાણીએ ડૉ. બુરહાન સલીમ સિયામવાલા પાસેથી.
કરોડરજ્જુને સાચવવા માટેનો પહેલો નિયમ છે કે એક જગ્યાએ ૩૦-૩૫ મિનિટથી વધુ બેસવું નહીં. એટલા મિનિટની બેઠક થઈ જાય તો વચ્ચે ઊભા થઈ જવું, સ્ટ્રેચ કરવું. હલનચલન કરોડરજ્જુને હેલ્ધી રાખવાનો પહેલો નિયમ છે.
ક્યારેય આગળ તરફ ઝૂકીને વજન ન ઉપાડવું. હંમેશાં સ્ક્વૉટ કરો એટલે કે ઉભડક બેસો અને પછી વજન ઊંચકો. આગળ ઝૂકીને જ્યારે તમે વજન ઉપાડો છો
ત્યારે એ કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે. એટલે આ ભૂલ કોઈ પણ ઉંમરે ન કરવી.
સ્પાઇન હેલ્થમાં ઇન્વેસ્ટ કરવાનો અર્થ એ પણ છે કે નિષ્ણાત પાસેથી અર્ગોનેમિક ટ્રેઇનિંગ લેવી. એટલે કે દૈનિક જીવનમાં તમે જે ટાસ્ક કરો છો જેમ કે તમારી ડેસ્ક પર બેસીને કામ કરવું કે રસોડામાં ઊભા રહીને ખાવાનું બનાવવું વગેરે એ બધામાં તમારું પૉશ્ચર કેવું હોવું જોઈએ એ શીખવું અને એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ટ્રેઇનિંગ નિષ્ણાત ફિઝિયોથેરપિસ્ટ, સ્પાઇન હેલ્થ એક્સપર્ટ આપી શકે છે. યુટ્યુબ જેવાં પ્લૅટફૉર્મ પર પણ ઘણાબધા વિડિયોઝ મળી આવશે જે આ ટ્રેઇનિંગ વિશે વાત કરે છે.
તમારી જીવનશૈલી એકદમ હેલ્ધી હોવી જોઈએ. દરરોજ એક્સરસાઇઝ કરીને સ્નાયુને મજબૂત બનાવવાના છે અને શરીરને ફ્લેક્સિબલ, જેને કારણે કરોડરજ્જુને મદદ મળી રહે.
સ્મોકિંગ બંધ કરવું કે કોઈ પણ પ્રકારનું તમાકુનું દેવન કરતા હો તો એ બંધ કરવું કારણ કે તમાકુને કારણે નસો સંકોચાય છે અને કરોડરજ્જુમાં રહેલી ડિસ્કને પોષણ પૂરેપૂરું મળતું નથી, જે સમય જતાં ડીજનરેશન એટલે કે ઘસારો અને દુખાવાનું નિમિત્ત બને છે.

