વિશ્વના આ સૌથી ધનવાન માણસે અૅસ્ટ્રા નોવા નામની અનોખી ઑનલાઇન સ્કૂલ શરૂ કરી છે, જેમાં જગતના કોઈ પણ ખૂણેથી ૧૦થી ૧૪ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ ૧ કલાકની ૧.૮૮ લાખ રૂપિયા ફી આપીને ભણી શકશે
ઈલૉન મસ્ક
ક્યારેક શૅરમાર્કેટના શેર કહેવાતા હર્ષદ મહેતા પર એક વેબ-સિરીઝ બની હતી યાદ છે? જી હા, સ્કૅમ ૧૯૯૨. એમાં હર્ષદ મહેતાનું પાત્ર ભજવી રહેલો સિરીઝનો નાયક એક ડાયલૉગ બોલે છે, ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ.’ કંઈક એવી જ વાત અમેરિકાના એક બિઝનેસમૅન પણ વારંવાર પોતાનાં ભાષણો, ઇન્ટરવ્યુ કે નિવેદનોમાં કહેતા હોય છે. તેઓ કહે છે, ‘જે વ્યક્તિ રિસ્ક લઈ શકે છે તે આખી દુનિયા પર રાજ કરી શકે છે.’ અમેરિકાના તે ખ્યાતનામ બિઝનેસમૅન એટલે ઈલૉન મસ્ક. સોશ્યલ મીડિયા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ઑટો અને સ્પેસ જેવાં સેક્ટર્સમાં પ્રવેશીને ત્યાં કંઈક નવું, કંઈક જબરદસ્ત કરી આખા વિશ્વના પ્રથમ હરોળના ધનપતિ બનેલા ઈલૉન મસ્કે હવે એજ્યુકેશન સેક્ટરમાં પ્રવેશ કર્યો છે અને જે રીતે આગળનાં બધાં સેક્ટર્સમાં તેમણે કંઈક નવીન કરીને વિશ્વને ચોંકાવ્યું છે એ જ રીતે આ નવા સેક્ટરમાં પણ પ્રવેશતાંની સાથે જ તેમણે એક સરપ્રાઇઝ ધમાકો કર્યો છે.
આખા વિશ્વમાં જાણીતા અને એમાંય ડોનલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી તો રોજેરોજ ચર્ચામાં અને સમાચારોમાં રહેતા ઈલૉન મસ્કે એક સ્કૂલ શરૂ કરી છે. મસ્કની આ સ્કૂલમાં ભણવાના નિયમો પણ પાછા મસ્કા જેવા છે. ન એક્ઝામનું ટેન્શન, ન માર્ક્સની હરીફાઈ. માત્ર તમારા જ્ઞાનમાં વધારો કરો. પણ, પણ, પણ... ફી? બાપ રે કલાકના લાખો રૂપિયા?
ADVERTISEMENT
ઍસ્ટ્રા નોવા સ્કૂલ
મસ્કની આ સ્કૂલ ગ્લોબલ ઍડ્મિશન સિસ્ટમ સાથે પ્રવેશ આપશે. અર્થાત્ વિશ્વના કોઈ પણ દેશમાં; કોઈ પણ શહેર, ગલી કે મહોલ્લામાં તમે રહેતા હો એથી કોઈ જ ફરક પડતો નથી. જો તમે એક કલાકના અંદાજે ૧.૮૮ લાખ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છો તો આ સ્કૂલ તમારા માટે જ ખુલ્લી મુકાઈ છે એમ સમજવું. આ સ્કૂલ ૧૦થી ૧૪ વર્ષનાં બાળકો માટે છે.
મસ્કનું કહેવું છે કે તમારે આ સ્કૂલમાં પ્રવેશ મેળવીને સારા માર્ક્સ કે ગ્રેડ લાવવાની હરીફાઈમાં ઊતરવાનું નથી, ન તમારે કોઈ પરીક્ષા આપવાની છે. આ સ્કૂલ છે તમારું જ્ઞાન વધારવા માટેની, આ સ્કૂલ છે તમારી જિંદગીને બહેતર બનાવવા માટેની. મસ્કની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને AI, ટેક્નૉલૉજી, ગણિત જેવા વિષયોનું જ્ઞાન અપાશે અને એ પણ કંઈક એવી રીતે કે એ સમજવામાં વિદ્યાર્થીને સરળતા રહે. તમે નહીં માનો પણ ઈલૉન મસ્કની સમજ, તેમની હોશિયારી, તેમની સાહસ કરવાની રીત આ બધાના જાણકાર લોકો કહે છે કે જો ખુદ ગબ્બર ઈલૉન મસ્ક પોતાની સ્કૂલ ખોલી રહ્યા હોય અને તેઓ ભણાવવાના હોય તો એક કલાકના ૧.૮૮ લાખ રૂપિયા ફી પણ બહુ ઓછી છે. એની પાછળનાં કારણો ગણાવવામાં તેઓ સૌથી પહેલાં કહે છે કે જે વ્યક્તિ ૫,૮૬,૦૦૦થી ૮,૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ સેકન્ડ કમાણી કરતી હોય તે વ્યક્તિ જો એક કલાકના માત્ર ૧.૮૮ લાખ રૂપિયા લઈને ભણાવવા તૈયાર થાય તો સોદો ખોટનો તો નથી જ.
શા માટે ઍસ્ટ્રા નોવા જેવી સ્કૂલ?
ઈલૉન મસ્કના પોતાની આ સ્કૂલ શરૂ કરવા પાછળના કેટલાક ઉદ્દેશો છે. તેઓ કહે છે કે શિક્ષણને લઈને આખી દુનિયામાં સાવ ખોટી માન્યતા અને સમજ છે. લોકો માને છે કે શિક્ષણ મેળવવા માટે અમારે ખૂબબધાં પુસ્તકો વાંચવાં પડે, ખૂબબધી ટેક્નૉલૉજી અપનાવવી પડે અને સમજવી પડે, વર્ષના અંતે સારા માર્ક્સ કે ગ્રેડ સાથે પાસ થવું પડે, ડિગ્રી મેળવવી પડે. જોકે મસ્ક કહે છે કે આપણે સ્કૂલોની જે પારંપરિક પ્રણાલી છે એને બદલવી પડશે અને મારી આ સ્કૂલ એ જ કામ કરશે, હું સ્કૂલની મૂળભૂત પ્રણાલી જ બદલી નાખવા માગું છું.
ઍસ્ટ્રા નોવા સ્કૂલમાં કોઈ પણ ભણતર માટે કોઈ નક્કી કરેલો અભ્યાસક્રમ નહીં હોય, કોઈ પરીક્ષા નહીં હોય. બાળકને તેની ઉંમર કરતાં વધુ અભ્યાસક્રમ આપીને આપણે તેને બાંધી દઈએ છીએ, હાથમાં પુસ્તકો પકડાવતાં આપણે તેને કહીએ છીએ કે તારે આટલું તો ભણવું જ પડશે. તેના પર ફરી હોમવર્કનો બોજ તો ખરો. આ બધું જ એક બાળક પાસેથી તેનું બાળપણ છીનવી લે છે. મસ્કનું માનવું છે કે આ રીતે અભ્યાસક્રમોના દબાણ હેઠળ એક બાળકને દબાવી દેવાને બદલે તેની સ્કિલ્સને પ્રોત્સાહન આપો, તેની સ્કિલ્સને એ રીતે આગળ વધારો કે પોતાને અને વિશ્વને ઉપયોગી થાય.
આ માટે મસ્કનું માનવું છે કે ભણતર માટે પુસ્તકો જરૂરી છે ખરાં, પરંતુ બાળકોને શરૂઆતમાં જ આપણે પુસ્તકો ન પકડાવી દેવાં જોઈએ. એના કરતાં આપણે તેમના દિમાગને મજબૂત અને સક્ષમ કરવા અંગે કામ કરવું જોઈએ. સૌથી પહેલાં તેમના દિમાગને મજબૂત કરો, એના પર યોગ્ય કામ કરો અને ત્યાર બાદ તેમને પુસ્તકો આપો. તેઓ માને છે કે બાળકોને સ્કૂલ-બૅગમાં મોટાં-મોટાં પુસ્તકો આપવાની જગ્યાએ તેમને ડિજિટલ પ્લૅટફૉર્મ પર શિફ્ટ કરો, તેમને ડિજિટલ પ્લૅટફૉર્મ પર લાવીને ત્યાંથી શીખવવાની શરૂઆત કરો.
શું આપશે, શું ભણાવશે?
ઈલૉન મસ્કની ઍસ્ટ્રા નોવા સ્કૂલ એના વિદ્યાર્થીઓને એક ડિજિટલ પ્લૅટફૉર્મ આપશે, ડિજિટલ ક્લાસિસ આપશે. એ માટે ઉંમર પ્રમાણે વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવવામાં આવશે. એમાં ૧૦ વર્ષથી લઈને ૧૫ વર્ષના વિદ્યાર્થીઓનું ગ્રુપ હશે. આ સ્કૂલમાં ઑફલાઇન ક્લાસિસ જેવો કોઈ કન્સેપ્ટ નહીં હોય. બધા જ ક્લાસિસ ડિજિટલ ક્લાસિસ હશે. ઈલૉન મસ્કની આ સ્કૂલ બાળકોને ઇનોવેશનની દુનિયામાં લઈ જવા માગે છે જ્યાં વિદ્યાર્થીઓમાં કંઈક નવું કરવાની, કંઈક નવું શોધવાની ઇચ્છા હોય, જિજ્ઞાસા જન્મે.
મસ્કની આ સ્કૂલ ‘લૉજિકલ નૉલેજ બિલ્ડિંગ’ પર ધ્યાન આપશે. સાથે જ ધારો કે કોઈ પ્રૉબ્લેમ હોય તો તે વિદ્યાર્થી એ પ્રૉબ્લેમ જાતે સૉલ્વ કરે એ બાબત પર ધ્યાન આપશે. તેને એવો માહોલ પૂરો પાડવામાં આવશે કે જે-તે પ્રૉબ્લેમ માટે તે વિદ્યાર્થી કોઈકની મદદ નહીં શોધે પરંતુ જાતે એ સૉલ્વ કરે. એને તેઓ ‘આર્ટ ઑફ પ્રૉબ્લેમ સૉલ્વિંગ’ તરીકે ઓળખાવે છે. ઍસ્ટ્રા નોવા સ્કૂલ વિદ્યાર્થીઓને વાસ્તવિક જિંદગી સાથે સંકળાયેલું ભણતર આપશે. તેમની આ સ્કૂલ બાળકને પહેલેથી જ ટેક્નૉલૉજી અંગે જ્ઞાની બનાવવા પર કામ કરશે. મસ્કની આ સ્કૂલમાં બાળકોને નાનપણથી જ બીજગણિત એટલે કે ઍલ્જિબ્રા શીખવવા પર ભાર અપાશે. મસ્કનું માનવું છે કે ઍલ્જિબ્રા ભણવાથી બાળકના સાયન્ટિફિક દિમાગનો ખૂબ વિકાસ થાય છે અને સાયન્ટિફિક દિમાગ તેને બીજી બધી જ બાબતો શીખવામાં ખૂબ મદદ કરે છે. ત્યાર પછી વિશેષ ભારાંકવાળો બીજો અભ્યાસ હશે જ્યોમેટ્રી. મસ્કની આ સ્કૂલમાં અભ્યાસક્રમ દરેક સત્રમાં બદલાતો રહેશે જેથી શીખવાની પ્રક્રિયા હંમેશાં નવી અને ચુનૌતીપૂર્ણ બની રહે.
અનોખી સ્કૂલની અનોખી ફી
ઈલૉન મસ્ક પોતાની આ સ્કૂલમાં ઍડ્મિશન લેનાર દરેક વિદ્યાર્થી પાસે પ્રતિ કલાસ ૧.૮૮ લાખ રૂપિયા જેટલી ફી લેશે. આ દરેક ક્લાસ એક કલાકનો હશે. જો તમે મસ્કસરની આ સ્કૂલમાં ઍડ્મિશન લેવા માગતા હો તો તમારે કમસે કમ બે કલાકનો ક્લાસ તો લેવો જ પડશે જે ૧૬ ક્લાસ એટલે કે ૧૬ કલાક સુધી લંબાવી શકાય છે.
અને ધારો કે તમે એક આખા કોર્સ માટે ઍડ્મિશન લો છો એટલે કે ૧૬ કલાકના ક્લાસ માટે ઍડ્મિશન લો છો તો એની ફી ૩૦ લાખ રૂપિયા જેટલી હશે. આ સ્કૂલ ભલે અમેરિકાથી સંચાલિત હોય, પરંતુ એમાં ઍડ્મિશન વિશ્વના કોઈ પણ દેશમાં રહેતો વિદ્યાર્થી લઈ શકે છે. એ માટે તેમણે એક વેબસાઇટ પર પૂરેપૂરી જાણકારી મૂકી છે. આ રહી એ વેબસાઇટ : www.astranova.org
શરૂઆત ક્યાંથી થઈ?
આ વાત અને આ વિચારની શરૂઆત થઈ આજથી પાંચેક વર્ષ પહેલાં. ઈલૉન મસ્કને વર્ષોથી લાગ્યું છે કે પારંપરિક સ્કૂલો એમના સાચા ઉદ્દેશ પ્રત્યે ઉદાસીન છે અને ખરા અર્થમાં એ નથી કરી રહી જે એમણે કરવું જોઈએ. આ વિચાર સાથે તેમણે પાંચેક વર્ષ પહેલાં એક પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરી હતી. એ વાસ્તવમાં તો સ્કૂલ નહોતી, છતાં એ એક સ્કૂલ હતી. સૌથી પહેલાં અને પ્રાથમિક શિક્ષણ તરીકે First Principles અર્થાત્ ‘કોઈ પણ વસ્તુ કઈ રીતે કામ કરે છે’ એ સમજવું અને જાણવું. ફર્સ્ટ પ્રિન્સિપલ્સને મહત્ત્વ આપનારા મસ્કે સૌથી પહેલાં પોતાનાં સંતાનો અને તેમની કંપની SpaceXમાં કામ કરતા કેટલાક કર્મચારીઓનાં સંતાનો માટે એક પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરી SpaceXની જ કૅલિફૉર્નિયાની રૉકેટ ફૅક્ટરીમાં. આપણે જાણીએ છીએ કે ઈલૉન મસ્કની એક કંપની છે SpaceX જે અંતરીક્ષ યાન બનાવવા અંગે કામ કરે છે. ત્યાર બાદ તેમની આ સ્કૂલ કેટલાંક વર્ષો માટે તેમના જ ઘરમાં શિફ્ટ કરવામાં આવી. પોતાની આ સ્કૂલમાં ઈલૉન મસ્ક બાકાયદા ગેસ્ટ લેક્ચરર તરીકે લેક્ચર આપવા માટે જતા હતા. ત્યાર બાદ જોશુઆ ડાહ્ન નામના એક ટીચરે તેમને આ સ્કૂલનો અભ્યાસક્રમ ડિઝાઇન કરવામાં મદદ કરી. એ સમયે મસ્કની આ સ્કૂલને નામ આપવામાં આવ્યું ઍડ ઍસ્ટ્રા.
મસ્કની સ્કૂલમાં સાવ જુદી રીતનું ભણતર હતું. ટીચર્સ અલગ હતા અને કદાચ એટલે જ વિદ્યાર્થીઓ પણ અલગ હતા અને આથી જ અભ્યાસક્રમ પણ અલગ હતો. અહીં ભણતા વિદ્યાર્થીઓ ભાષા, સ્પોર્ટ્સ, મ્યુઝિક કે એવું કશું શીખવાની જગ્યાએ ધ્યાન આપતા હતા ક્રિટિકલ થિન્કિંગ પર. અર્થાત્ મુશ્કેલ બાબતો કે વસ્તુઓ પર વિચાર કરવો. અહીં ભણતાં બાળકો એ મુશ્કેલીઓ વિશે વિચારતાં હતાં અને ઉપાયો શોધતાં હતાં જે SpaceXમાં કામ કરતા કર્મચારીઓને રૉકેટ્સ બનાવતી વખતે આવતી હતી.
ઈલૉન મસ્કનું માનવું છે કે First Principles તમને એ શીખવે છે કે જે પહેલેથી જ છે એટલાથી બંધાઈ નહીં જવું. અર્થાત્ જે બની ચૂક્યું છે કે જે ઉપલબ્ધ છે એટલા માત્રથી સંતોષ નહીં માનવો, બલ્કે સતત પ્રયત્ન કરવો કશુંક નવું શોધવાનો, કશુંક નવું કરવાનો. આ માટે તેઓ વારંવાર ઉદાહરણ આપે છે કે કોઈ એક રૉકેટ કે એની ડિઝાઇન બની ચૂકી છે તો આપણી સમજ કે ક્રીએટિવિટી ત્યાં જ સીમિત ન થઈ જવી જોઈએ. શા માટે નવી, વધુ આધુનિક ડિઝાઇન ન બની શકે? આ માટે ફરી ડ્રૉઇંગ બોર્ડ હાથમાં પકડો, ફરી પેન્સિલ ઉઠાવો અને પ્રયત્ન કરો કે નવી કઈ અને કેવી રૉકેટ ડિઝાઇન્સ બની શકે જે વાજબી હોય, વજનમાં હલકી હોય અને આ સિવાય પણ બધી જ દૃષ્ટિએ ઇનોવેટિવ હોય. સતત નવું વિચારવું એ જ ઇચ્છનીય છે અને કરવાયોગ્ય છે. બસ, અહીંથી જન્મ થયો એક અલગ અને અનોખી સ્કૂલના વિચારનો.
પહેલાં ફૅક્ટરીમાં પોતાનાં અને કેટલાક કર્મચારીઓનાં બાળકો માટેની પ્રાઇવેટ સ્કૂલ, ત્યાંથી ઘરે શિફ્ટ થયેલી સ્કૂલ અને હવે સ્કૂલ ફૉર ઑલ, સ્કૂલ ફૉર વર્લ્ડ એટલે ઍસ્ટ્રા નોવા સ્કૂલ.

