રેગ્યુલર લાઇટર કરતાં વધુ સુરક્ષિત અને ટકાઉ ઇલેક્ટ્રિક લાઇટરને રીચાર્જ પણ કરી શકાય છે
ઇકો-ફ્રેન્ડ્લી ગૅસ-લાઇટર
હવે લોકો ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ હોય એવી પ્રોડક્ટ્સ ખરીદવાનું પસંદ કરે છે ત્યારે રસોડામાં સૌથી ઉપયોગી ગણાતાં ગૅસ-લાઇટર પણ નવા રંગરૂપમાં માર્કેટમાં આવ્યાં છે. સામાન્ય ગૅસ-લાઇટર ટકાઉ નથી હોતાં અને એને આપણે ફરવા જઈએ ત્યારે લઈ જઈ શકીએ નહીં, પણ હવે જે ગૅસ-લાઇટર આવ્યાં છે એમને આધુનિક જીવનશૈલીને અનુરૂપ બનાવવામાં આવ્યાં છે. રીચાર્જ થઈ શકે એવાં ઇલેક્ટ્રિક ગૅસ-લાઇટર નૉર્મલ ગૅસ-લાઇટર કરતાં ઘણાં સેફ, ટકાઉ અને ઇકો-ફ્રેન્ડ્લી હોય છે. એને ઘણા લોકો USB આર્ક લાઇટર તરીકે પણ ઓળખે છે. રીચાર્જેબલ ઇલેક્ટ્રિક લાઇટર ઘણી વાર મેટલ અથવા હીટ-પ્રૂફ પ્લાસ્ટિકથી બનેલાં હોય છે. એમાં હૅન્ડલ અને ટોચ પર નાના પ્લાઝ્મા આર્ક હોય છે. જ્યારે તમે બટન દબાવો છો ત્યારે ત્યાં બે ટોચ વચ્ચે ઇલેક્ટ્રિક આર્ક બને છે જે વધુ તાપમાન ઉત્પન્ન કરે છે અને કોઈ પણ વસ્તુ જેમ કે ગૅસ-સ્ટવ, મીણબત્તી કે ધૂપબત્તી અને કૅન્ડલને સહેલાઈથી સળગાવી શકે છે. આ ગૅજેટ USB કેબલ વડે રીચાર્જ થાય છે અને એક વાર પૂર્ણ ચાર્જ થઈ જાય પછી લગભગ ૧૦૦થી વધુ વખત ઉપયોગ કરી શકાય છે.
ADVERTISEMENT
આ લાઇટરથી ચીજવસ્તુઓને પ્રતિકૂળ હવામાનમાં પણ સરળતાથી સળગાવી શકાય છે. આ લાઇટરને ગૅસ કે લિક્વિડ ભરવાની જરૂર નથી, માત્ર USB ચાર્જ કરવાથી ચાલે છે. કેટલીક ડિઝાઇનમાં ફ્લેક્સિબલ હેડ હોય છે જે અત્યંત સરળતાથી બેન્ડ પણ કરી શકાય છે. એનાથી એને ખૂબ જ મુશ્કેલ જગ્યા સુધી પહોંચાડી શકાય છે. ખાસ કરીને જાર કૅન્ડલ્સ માટે આ લાઇટર બહુ ઉપયોગી સાબિત થાય છે. આ લાઇટરને વારંવાર ખરીદવું પડતું ન હોવાથી આર્થિક રીતે પણ ઘણું સસ્તું પડે છે. કેટલાંક મૉડલમાં બૅટરી ઇન્ડિકેટર પણ હોય છે જે બતાવે છે કે લાઇટરમાં કેટલું ચાર્જિંગ છે.

