Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સ્વજનની શીખ જેવો સર્વોચ્ચ અદાલતનો એક સાર્થક આદેશ

સ્વજનની શીખ જેવો સર્વોચ્ચ અદાલતનો એક સાર્થક આદેશ

Published : 25 July, 2025 02:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિએ છૂટાછેડાની અરજી કરેલી પણ ૨૦૧૭માં ફૅમિલી કોર્ટે અને ૨૦૧૯માં હાઈ કોર્ટે તેની અરજીનો અસ્વીકાર કરી દીધેલો. પછી તેણે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે પરસ્પર પ્રેમ, ભરોસો અને આદરવિહોણાં લગ્નોની દંપતીના જીવન પર પડતી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને છૂટાછેડાના એક કિસ્સામાં સાર્થક ચુકાદો આપ્યો છે. ૧૬ વર્ષ પહેલાં પરણેલું એક કપલ લગ્નના બીજા જ વર્ષે છૂટું થઈ ગયેલું અને પતિ–પત્ની બન્ને જુદાં રહેતાં હતાં. પતિએ છૂટાછેડાની અરજી કરેલી પણ ૨૦૧૭માં ફૅમિલી કોર્ટે અને ૨૦૧૯માં હાઈ કોર્ટે તેની અરજીનો અસ્વીકાર કરી દીધેલો. પછી તેણે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે તેની અરજી મંજૂર કરી છે. આ કિસ્સામાં સર્વોચ્ચ અદાલતની મંજૂરી કરતાંય વધુ મહત્ત્વની બાબત એ નિર્ણય જાહેર કરતી વખતે સર્વોચ્ચ અદાલતાના ન્યાયમૂર્તિઓએ કરેલાં નિરીક્ષણો છે.


અદાલતે કહ્યું હતું કે લગ્ન એક એવી સંસ્થા છે જેના પાયામાં ગરિમા, પરસ્પર આદર અને સખ્ય (સાથીદારી) રહેલાં છે અને જ્યારે આ અનિવાર્ય તત્ત્વો સદાયને માટે ખોવાઈ જાય છે ત્યારે દંપતીને કાયદેસર રીતે બંધાયેલા રાખવામાં કોઈ જ અર્થપૂર્ણ હેતુ સરતો નથી. આવા કલેશમય દામ્પત્યજીવનને કારણે પતિ–પત્ની બન્નેની યુવાનીનાં મહત્ત્વનાં વર્ષો વેડફાઈ ગયાં છે એની નોંધ પણ અદાલતે લીધી હતી અને નોંધ્યું હતું  કે આવા મૃત લગ્નસંબંધને ચાલુ રાખવાની ચેષ્ટા માનસિક તાણમાં પરિણમે છે અને અકારણ કાનૂની જમેલામાં જોતરાવું પડે છે. ચુકાદામાં સ્પષ્ટપણે કહેવાયું છે કે આવું લગ્ન ચાલુ રહેશે તો એ વધુ દુશ્મનાવટ અને કાનૂની લડાઈમાં પરિણમશે. આવા જોરજબરદસ્તીથી કરેલું દામ્પત્ય વૈવાહિક કાનૂનના હેતુથી વિરુદ્ધ છે જેમાં સાથ, શાંતિ અને સહિયારી જવાબદારીઓનો સમાવેશ છે.



લગ્નમાં બન્ને સાથીઓનાં હિત અને કલ્યાણ જળવાવાં જોઈએ એવી ખેવના સાથેની કેટલી સાચી વાત. શુભચિંતક આત્મીય સ્વજનો કરે એવી જ વાત જ્યારે સર્વોચ્ચ અદાલત પાસેથી આવે છે ત્યારે એનું વજન વધી જાય છે. આ ચુકાદા વિશે વાંચતાં પરિસ્થિતિમાં ખાખ થઈ રહેલાં કેટલાંય કરમાયેલાં લગ્નો નજર સામે આવી ગયાં. દંભી સામાજિકતા અને જડતાભરી કાનૂની ચુંગાલમાંથી છૂટી એ સાથીઓ પણ ફરી પોતાની જિંદગીમાં પમરાટ અનુભવી શકે એવી પ્રાર્થના મનોમન થઈ રહી છે.


-તરુ મેઘાણી કજારિયા


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2025 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK