અત્યાર સુધી બ્રિટનમાં હીરા અને દાગીના એક્સપોર્ટ કરવા પર ૪ ટકા સુધીનો ટૅક્સ લાગતો હતો. જોકે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટમાં એ ઝીરો થઈ ગયો છે જેનો મોટો લાભ ભારતના વેપારીઓ અને દાગીના બનાવતા કારીગરો સહિત આખા સેક્ટરને મળશે
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા તૈયાર થયેલા કૉફી-ટેબલ બુકનું અનાવરણ કરી રહેલા ભારતના વડા પ્રધાન અને બ્રિટનના વડા પ્રધાન સાથે કિરીટ ભણસાલી.
ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ ભારતના જેમ્સ ઍન્ડ જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થશે એમાં બેમત નથી. અત્યાર સુધી બ્રિટનમાં જેમ્સ ઍન્ડ જ્વેલરીની પ્રોડક્ટ પર ચાર ટકા સુધીનો ટૅક્સ લાગતો હતો જે હવે ઝીરો થઈ ગયો છે. એટલે ધારો કે કોઈ કંપનીએ પાંચ કરોડ રૂપિયાના માલની બ્રિટનમાં નિકાસ કરી હોય તો તેણે ૨૦ લાખ રૂપિયા સુધીની રકમ ટૅક્સપેટે ચૂકવવી પડતી હતી જે હવે ઝીરો થઈ ગઈ. ભારતીય ડિઝાઇન્સની દુનિયાભરમાં ખૂબ ડિમાન્ડ છે અને આ બદલાવથી ભારતના જ્વેલરી સેક્ટરને નવી માર્કેટ સાથે નવી પાંખ પણ મળી હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો માની રહ્યા છે.
યુનાઇટેડ કિંગ્ડમ (UK)માં ફ્રી ટ્રેડ કરારમાં સહીનામાના કાર્યક્રમ દરમ્યાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇંગ્લૅન્ડના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ભારતના ડિઝાઇનરોએ ડિઝાઇન કરેલી જ્વેલરી ડિઝાઇન્સની શાખ પૂરતી ‘જેમ્સ ઑફ પાર્ટનરશિપ’ નામની કૉફી-ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. આ ખાસ કરાર બાદ યોજાયેલા રિસેપ્શન-કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં ભારતના જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રેસિડન્ટ કિરીટ ભણસાલી પણ હાજર હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા વિશે તેમણે કહ્યું હતું કે ‘ભારત તરફ દુનિયાના વિકસિત દેશોનો જોવાનો નજરિયો બદલાયો છે અને ભારતનો દબદબો ખરેખર અકલ્પનીય સ્તરે દુનિયાભરમાં વધ્યો છે એ પણ મેં અહીં અનુભવ્યું છે. જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટર માટે આ કરાર ગેમ-ચેન્જર સાબિત થશે એમાં કોઈ શંકા નથી. લક્ઝરી આઇટમ હોવાના નાતે જેમ્સ ઍન્ડ જ્વેલરી પર લગાડવામાં આવતા ટૅક્સમાં મળેલી છૂટને કારણે બનશે એવું કે ભારતીય વેપારી વધુ કૉમ્પિટિટિવ કિંમતમાં ગ્લોબલ માર્કેટમાં પોતાની હાજરી પુરાવી શકશે. માત્ર વેપારીઓ જ નહીં, અફલાતૂન ડિઝાઇન્સ બનાવવામાં માહેર આપણા દાગીના બનાવતા કારીગરો માટે પણ આ બહુ મોટા ગુડ ન્યુઝ છે. અત્યારે ભારતના જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટર દ્વારા લગભગ ૯૪૧ મિલ્યન ડૉલર જેટલું એક્સપોર્ટ થાય છે. ડ્યુટી-ફ્રીના આ નિર્ણયથી આવતાં બે વર્ષમાં આ એક્સપોર્ટ ૨.૫ બિલ્યન ડૉલર સુધી પહોંચે એવી પૂરેપૂરી સંભાવના છે.’
ADVERTISEMENT
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના બૂથની એક ઝલક.
અત્યારે ઘણી મોટી જ્વેલરી-બ્રૅન્ડે બ્રિટનમાં પોતાના શોરૂમ શરૂ કર્યા છે. આવનારા દિવસોમાં એની સંખ્યા વધશે એની ખાતરી સાથે કિરીટભાઈએ ઉમેર્યું હતું કે ‘કાર્યક્રમમાં હાજર આપણા કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે કહેલી વાત મારે કહેવી છે કે ભારત અને બ્રિટનના ૭૫ વર્ષમાં ન બંધાયા હોય એવા આ સંબંધોની શરૂઆત છે જે કૉમર્સ અને ટૂરિઝમ બન્નેની દૃષ્ટિએ મહત્ત્વના છે. એમાં હું કહીશ કે અમારું સેક્ટર ખૂબ મોટો રોલ અદા કરશે એની ખાતરી આપું છું. આ કાર્યક્રમ વખતે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલના ડિસ્પ્લે-બૂથની પણ બન્ને દેશના વડા પ્રધાન સહિત ઘણા અગ્રણીઓએ મુલાકાત લીધી હતી અને તેઓ ભારતીય કલાકારોએ બનાવેલી ડિઝાઇન્સ અને જ્વેલરી સેક્ટરમાં ભારતમાં થઈ રહેલા ઇનોવેશન્સ પર આફરીન પોકારી ગયા હતા. આજે આ સેક્ટરમાં આપણા દેશના લગભગ ૪૦-૫૦ લાખ જેટલા પરિવારો સંકળાયેલા છે અને એ દરેકના જીવન પર આ કરારનો પ્રભાવ પડશે.’

