ટેલિફોન પણ દુર્લભ હતો એ સમયમાં મંદિરના પૂજારીથી લઈને રેલવે-સ્ટેશન પર બેસતા હવાલદાર સુધ્ધાંએ મલાડમાં રહેતાં કૃતિકા અને મનીષ મડિયા માટે મેસેન્જરનું કામ કર્યું છે
કૃતિકા અને મનીષ મડિયા
ટેલિફોન પણ દુર્લભ હતો એ સમયમાં મંદિરના પૂજારીથી લઈને રેલવે-સ્ટેશન પર બેસતા હવાલદાર સુધ્ધાંએ મલાડમાં રહેતાં કૃતિકા અને મનીષ મડિયા માટે મેસેન્જરનું કામ કર્યું છે. રેલવે-ટ્રૅકની નજીક રહેતી પ્રેમિકા બાલ્કનીમાં ઊભી હોય અને તમે ટ્રેનમાં દરવાજા પર ઊભા રહીને રૂમાલ દેખાડીને એકબીજાનું અભિવાદન કરો એની પણ એક મજા હતી. પરિવારની મરજી ન હોવાથી ભાગીને લગ્ન કર્યા પછી આર્થિક અને સામાજિક દૃષ્ટિએ દુનિયાભરનો સંઘર્ષ વહોરનારા આ કપલની દાસ્તાં-એ-પ્રેમ રોચક, રોમાંચક ને પ્રેરક છે
‘પ્રેમ કર્યો એટલે નિભાવવાનો અને નિભાવવાની વાત આવે ત્યારે દરેકેદરેક સ્તર પર સંઘર્ષ કર્યા વિના ન ચાલે, ન ચાલે અને ન જ ચાલે.’
ADVERTISEMENT
એકશ્વાસે મલાડમાં રહેતાં અને ચાલીસ વર્ષનું લગ્નજીવન ધરાવતાં કૃતિકા મડિયા અને મનીષ મડિયા આ શબ્દો કહે છે. તેમની વાતમાં ચાલીસ વર્ષ પહેલાં શરૂ થયેલી લવ સ્ટોરીનો આ રોમાંચ આજે પણ છે. આજની પેઢીને તો એ મજા કરવા જ નથી મળી જે અમને અમારા જમાનામાં મળી છે એ વાતને તેઓ પ્રાઉડલી બિરદાવે છે. જે જમાનામાં છોકરો અને છોકરી એકબીજા સાથે વાત કરતાં પણ ગભરાય અને સમાજથી છૂપાં રહીને તીરછી નજરથી એકબીજાની ઝાંકી મેળવી લે એ સમયની ભરપૂર ડ્રામાથી ભરેલી લવ સ્ટોરી આજના આ ખાસંખાસ દિવસે જાણીએ.
ફિલ્મી મિલન
મલાડમાં જ જન્મ, ઉછેર અને લગ્ન કરનારાં કૃતિકાબહેન આજથી ચાલીસ વર્ષ પહેલાંના સમયમાં જઈને એ પહેલી મુલાકાતનું વર્ણન કરતાં કહે છે, ‘એ સમયે જૈન સંઘમાં સેલ્ફ-ડિફેન્સની ટ્રેઇનિંગના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સનો કોર્સ હતો જેમાં ફાયરબ્રિગેડ, પોલીસ વગેરે બધા જ ભાગ લેતા. કોર્સમાં જોડાતા પહેલાં દરેક વ્યક્તિનું ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ચેક કરવા પોલીસ-સ્ટેશન જઈને ફિંગરપ્રિન્ટ્સ વગેરે આપવું પડતું. મલાડમાંથી મેં એમાં ભાગ લીધો એટલે હું ગઈ અને મનીષ કાંદિવલીના ગ્રુપમાં હતા અને એ પણ એ જ સમયે પોલીસ-સ્ટેશન સેમ કામ માટે આવેલા. પોલીસ-સ્ટેશનમાં જ અમારી પહેલી મુલાકાત થઈ. હાય-હેલો થયા. ત્યારે તો મનીષને મારામાં નહીં પણ મારી બહેનપણીમાં રસ પડેલો. જોકે એ પછી કાંદિવલી અને મલાડના બન્ને ગ્રુપનો એક કલ્ચરલ પ્રોગ્રામ અમારા સરે નક્કી કરેલો, જેમાં પ્રૅક્ટિસ માટે ફરી-ફરી મળવાનું થયું. ઓળખાણ દોસ્તીમાં અને દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી ખબર જ ન પડી. મારી ઉંમર ત્યારે લગભગ સોળ-સત્તર વર્ષની હતી. હું દાલમિયા કૉલેજમાં ભણતી અને મનીષે ટેન્થ સુધી ભણીને આર્થિક સંજોગોને કારણે ભણવાનું મૂકીને નોકરી શરૂ કરી દીધી હતી. અમે બસ મળતાં, વાતો કરતાં અને સાથે રહેવા માટે સપનાંઓ સજાવતાં હતાં.’
લગ્ન સમયની તસવીર.
અનેક રોમાંચક અનુભવો
કૃતિકાબહેન કૉલેજ જાય ત્યારે સવારે રસ્તામાં ઊભા રહીને મનીષભાઈ તેમને અચાનક મળી ગયાનો દેખાવ કરે અને વાતચીત આગળ વધારે. આવા તો અઢળક અનુભવ થયા ત્યાં સુધી મને સમજાયું નહીં કે આ તો મારા માટે ફીલ્ડિંગ ભરે છે. એ સમયે ખૂબ નાદાની હતી. આજની જેમ છોકરીઓ ઉસ્તાદ નહોતી એમ જણાવીને કૃતિકાબહેન કહે છે, ‘બહુ જ ભાવ આપે અને પૅમ્પર કરે તો કોને ન ગમે. કૉલેજની સાથે મેં જૉબ શરૂ કરી અને લકીલી અમારી જૉબ માટે ચર્ચગેટ જ જવાનું હોય. ત્યારે ચર્ચગેટ સ્ટેશન પર એક હવાલદાર બેસતા, જે અમારા માટે મેસેન્જરનું કામ કરતા. હું આજે ઑફિસ આવી છું કે નહીં એની મનીષને એ હવાલદાર પાસેથી ખબર પડે. મારે કોઈક સંદેશ પહોંચાડવો હોય તો તેમના થ્રૂ પહોંચાડું.’
અહીં મનીષભાઈ કહે છે, ‘થોડાક સમયમાં જ કૃતિકાને મારી ઑફિસની નજીક જ જૉબ મળી ગઈ. હું પ્રિન્સેસ સ્ટ્રીટમાં કામ કરું અને તે કાલબાદેવીમાં. તે દરરોજ ઘરેથી ડબલ ટિફિન લઈને આવે. મને ભાવતી વસ્તુઓ ડબ્બામાં લાવે અને મારી ઑફિસ નીચે પહોંચાડી દે. કામ એટલું હોય કે નજીકમાં જ ઑફિસ હોવા છતાં દરરોજ મળાય નહીં, પરંતુ આ ટિફિન વ્યવહાર અને હવાલદારના થ્રૂ થતી વાતચીતથી અમે સંપર્કમાં હતાં. બીજું, એક મંદિરમાં પૂજારી હતા તે પણ અમારા સંદેશ એકબીજાને પહોંચાડવામાં મદદરૂપ થતા. હું પૂજારીને ચિઠ્ઠી આપું અને તે કૃતિકાને આપી દે અને કૃતિકાની ચિઠ્ઠી મારા સુધી પહોંચાડે. પ્રેમના એ દિવસોમાં એ એક સંદેશ પેટમાં ગલગલિયાં કરાવી દે. એ રોમાંચ આજની ઇન્સ્ટન્ટ વૉટ્સઍપ અને ચૅટ જનરેશનને નહીં મળી શકે. પ્રતીક્ષા અને ધીરજ સાથે પ્રેમની ગતિ આગળ વધતી અને સંવેદનાનું આદાનપ્રદાન થતું. બીજો એક મજેદાર કિસ્સો મને યાદ છે. મારી ઑફિસનો ટાઇમ જુદો હતો એટલે હું વહેલો નીકળું. હવે એમાં મજાની વાત એ હતી કે મારો ટ્રેનનો ટાઇમ મેં ફિક્સ રાખ્યો હતો. ટ્રેન જ્યાંથી આગળ વધે એ બાજુ ટ્રૅકના નજીકના જ એક બિલ્ડિંગમાં કૃતિકા રહે અને તે બાલ્કનીમાં ઊભી રહીને ટ્રેનને જોઈ શકે. એટલે અમે એકબીજાની ઝલક માટે એવું નક્કી કર્યું કે હું ફિક્સ ટાઇમે એ જ ટ્રેનમાં, એ જ કોચમાં દરવાજા પર ઊભો રહું અને એ જ સમયે કૃતિકા પણ બાલ્કનીમાં આવી જાય. હું દરવાજા પરથી રૂમાલ લહેરાવું અને તે બાલ્કનીમાંથી હાથ હલાવે. એ માત્ર પાંચ-દસ સેકન્ડની અમારી મુલાકાત પણ એટલો સંતોષ આપે કે વાત ન પૂછો. ધારો કે કોઈક દિવસ હું ન આવ્યો કે તે બાલ્કનીમાં ન આવી તો આખો દિવસ એ ચિંતામાં જાય કે શું થયું હશે, કેમ ન આવી. ફોન હતા નહીં કે તરત પૂછી શકાય. કાં તો મેસેન્જર પાસે જાઓ અને મેસેજ આપો અને એ મેસેજ પણ ત્યારે જ સામેવાળાને મળે જ્યારે એ પોતે ત્યાં જાય. ધારો કે એ દિવસે કૃતિકા મંદિર કે ચર્ચગેટ સ્ટેશનથી ઑફિસ ન ગઈ તો મેસેજ પહોંચે નહીં. મેસેજ નથી પહોંચ્યો એની ખબર પણ તમારે ત્યાં જઈને તેમને મળીને પૂછો ત્યારે મળે.’
ભાગવું જ પડે એમ હતું
પ્રેમનો રંગ ગાઢો થયો અને પરસ્પર સાથે જ જિંદગી વિતાવવાનું નક્કી કર્યું એ પછી પરિવારનો વિરોધ સૌથી મોટો પડકાર હતો અને સંજોગો પણ એવા ઊભા થયા કે લગ્ન જલદી લેવાં પડે. કૃતિકાબહેન કહે છે, ‘મનીષના પરિવારમાંથી તો બધા માની ગયા પરંતુ મારી સાઇડથી કોઈ તૈયાર નહોતું. આર્થિક રીતે પિયરની સ્થિતિ સારી હતી એટલે એ લોકો કોઈ કાળે મારાં લગ્ન મનીષ સાથે નહીં કરાવે એ કન્ફર્મ હતું. બીજી બાજુ, જે નાની પાસે મનીષ મોટા થયા એ નાનીજીની તબિયત ખૂબ ખરાબ હતી. તેઓ હૉસ્પિટલાઇઝ્ડ હતાં અને તેમનો જીવ અટકેલો હતો. તેઓ મનીષનાં લગ્ન થઈ જાય એવી તીવ્ર ઇચ્છા ધરાવતાં હતાં. ખૂબ કટોકટીની સ્થિતિ હતી. હકીકતમાં જીવન-મરણની જ સ્થિતિ હતી. પરિવાર માને એની રાહ જોવા જેવા સંજોગો નહોતા એટલે માત્ર નાનીજીને રાહત આપવા માટે અમે મંદિરમાં લગ્ન કરી લીધાં. ઘરેથી કૉલેજ જાઉં છું એમ કહીને નીકળી. મનીષના ઘરે જઈને તૈયાર થઈ અને મારી બે ફ્રેન્ડ અને તેમના પરિવારજનોની હાજરીમાં સોળ જાન્યુઆરીએ લગ્ન કર્યાં. લગ્ન પછી હું પાછી મારા પિયર જ જતી રહી. તમે માનશો નહીં પણ સોળ જાન્યુઆરીએ અમારાં લગ્ન થયાં અને વીસ જાન્યુઆરીએ નિરાંતે નાનીસાસુનો જીવ ગયો. હવે અમારો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નાનીસાસુની શોકસભામાં મારા સાસરા પક્ષે તેમના પરિવારના કેટલાક લોકો સાથે મારો પરિચય કરાવ્યો. એમાંથી જ ઊડતી-ઊડતી વાત મારા પેરન્ટ્સ સુધી પહોંચી અને જાણે ધરતીકંપ આવ્યો. મારી ઘરે પાછા જવાની હિંમત નહોતી રહી.’
એ પછી મનીષભાઈના કઝિન મામાના ઘરે બન્ને જણ જલગાંવ જતાં રહ્યાં અને ચાર દિવસ ત્યાં જ રહ્યાં. બીજી બાજુ મનીષભાઈના નાનાએ કૃતિકાબહેનના ઘરે જઈને બધી જ વાત કરી અને માતાપિતાને સમજાવ્યું. થોડોક સમય પરિવાર વચ્ચે અબોલા રહ્યા. જોકે કૃતિકાબહેનની પહેલી સુવાવડ વચ્ચે ફરી એક વાર પિયરપક્ષ સાથે તેમની આત્મીયતા જાગી.
કૃતિકા મડિયા તેમની બન્ને દીકરી, જમાઈ અને દોહિત્રો સાથે.
સંઘર્ષ સ્વીકાર્ય હતો
પ્રેમ વ્યક્તિને ઘણીબધી વસ્તુઓને નજરઅંદાજ કરવા પ્રેરતો હોય છે. કૃતિકાબહેન કહે છે, ‘એ સમયમાં છોકરીઓ આજ જેવી પ્રૅક્ટિકલ નહોતી. આજે હું ટ્યુશન લઉં છું અને મારી પાસે ભણવા આવતા છોકરાઓની વાતો સાંભળું તો દંગ રહી જવાય છે. તેની પાસે સાઇકલ નથી તો હું તેને ભાવ નહીં આપું એવું નાની બાળકીઓ પાસે મેં સાભળ્યું છે. આવી અક્કલ ત્યારે નહોતી. લગ્ન પછી એક-રૂમ રસોડામાં રહેવાનું અને મોટા પરિવારની તમામ જવાબદારીઓ નિભાવવાની. આવક ઓછી હોય અને એમાં બાળકો થયાં. દીકરીઓની ફી ભરવા માટે પૈસા ન હોય એવા દિવસો પણ અમે જોયા છે. મા-બાપ તો મા-બાપ જ હોય એ અનુભવ પણ મેં કર્યો. મારી પહેલી સુવાવડમાં દીકરી આઠમા મહિને આવી ગઈ અને ઘર નાનું હતું. ડૉક્ટરોએ કહ્યું કે રસોડામાં રસોઈ બનતી હોય એવી રીતે મને રાખવામાં આવે તો મને નુકસાન થશે. એ સમયે મારી મમ્મીએ પોતાના ઘરની નજીક રૂમ રાખીને મારું ધ્યાન રાખ્યું અને એ સમય પાર પડાવ્યો. મારા હસબન્ડનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને તેમના સાથને કારણે જ સંઘર્ષના આ દિવસો પાર પડ્યા. આજે બન્ને દીકરીઓ ખૂબ ભણી છે અને તેઓ લગ્ન પછી સુખી છે. એક દીકરી કેમિકલ એન્જિનિયર છે અને નૉર્વે રહે છે અને એક દીકરીનું બોરીવલીમાં જ સાસરું છે. હવે પરિવારમાં સુખ જ સુખ છે. હું ટાઇમપાસ માટે ટ્યુશન લઉં છું. બ્રાઇડલ મેકઅપ કરું છું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવું. જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં મેકઅપ કરી આપું.’
મનીષભાઈ આજે પણ એક દિવસ કૃતિકાબહેન વિના રહી નથી શકતા. તેઓ કહે છે, ‘તેના જેવી જીવનસંગિની નસીબવાળાને જ મળે. તેણે મારા પરિવારના વડીલોની ખૂબ સેવા કરી. ભયંકર શારીરિક તકલીફો વચ્ચે તેણે મારી મમ્મીનું જે રીતે ધ્યાન રાખ્યું છે એવું કોઈ જ ન રાખી શકે. જો તે ક્યારેક બહારગામ જાય તો મારા માટે આખું ઘર સૂનું-સૂનું થઈ જાય. તે દેખાવે તો રૂપાળી હતી જ પણ સાથે સમજદાર પણ હતી. અમારા શરૂઆતના દિવસોમાં મને યાદ છે કે આખું ગ્રુપ પિક્ચર જોવા જતું હોય તો પણ તે ના પાડે કે આપણે એવા ખોટા ખર્ચ નથી કરવા. એ જ સમજદારીથી અમારાં બાળકોનો પણ ઉત્તમ ઉછેર થયો અને આજે સુખ જ સુખ છે.’

