આધુનિક વૈભવ અને વર્ષો જૂની વેપારી પરંપરાનો આ સંગમ જ કતારમાં શોપિંગને માત્ર ખરીદી નહીં, પરંતુ પ્રવાસના યાદગાર અનુભવમાં ફેરવે છે.
અલ વરખનો અનુભવ લેવા જેવો ખરો - તસવીર સૌજન્ય પીઆર
શોપિંગ હવે માત્ર મનગમતી વસ્તુઓ ખરીદવા પૂરતું મર્યાદિત રહ્યું નથી. ખાસ કરીને પ્રવાસ દરમિયાન શોપિંગ કોઈ શહેરની જીવનશૈલી, તેની સંસ્કૃતિ, સ્વાદ અને પરંપરાને નજીકથી જાણવાનો અનુભવ પણ બની શકે છે. કતારમાં આ બંને દુનિયા એકસાથે જોવા મળે છે. એક તરફ વોટરફ્રન્ટ પર લક્ઝરી બ્રાન્ડ્સ અને ભવ્ય મોલ્સ છે તો બીજી તરફ મસાલા, અત્તર, હસ્તકલા અને પરંપરાગત ચીજવસ્તુઓથી ભરેલાં જૂનાં બજારો.આધુનિક વૈભવ અને વર્ષો જૂની વેપારી પરંપરાનો આ સંગમ જ કતારમાં શોપિંગને માત્ર ખરીદી નહીં, પરંતુ પ્રવાસના યાદગાર અનુભવમાં ફેરવે છે.
લક્ઝરી શોપિંગ: ખરીદી સાથે અનુભવ પણ
ADVERTISEMENT
આધુનિક કતારની ઝલક જોવી હોય તો શરૂઆત `ધ પર્લ-કતાર` (The Pearl-Qatar)થી કરી શકાય. વોટરફ્રન્ટ પર આવેલા આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ, સ્વતંત્ર બુટિક્સ અને સુંદર કૅફે જોવા મળે છે. મરિના અને મેડિટેરેનિયન શૈલીથી પ્રેરિત આસપાસનું વાતાવરણ એવું છે કે અહીં શોપિંગ કરતાં કરતાં આખી બપોર ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ ન પડે.

`કતારા કલ્ચરલ વિલેજ` (Katara Cultural Village)માં શોપિંગ સાથે કલા અને સ્થાપત્યનો અનુભવ પણ જોડાય છે. અહીં 15,000 ચોરસ મીટરમાં ફેલાયેલું `ગલેરીઝ લફાયેટ દોહા` (Galeries Lafayette Doha) 400થી વધુ બ્રાન્ડ્સનું ઘર છે. ફેશન, બ્યુટી અને જ્વેલરીની અનેક બ્રાન્ડ્સ ઉપરાંત તેની ભવ્ય ગુંબજવાળી સ્થાપત્યશૈલી પણ મુલાકાતીઓને આકર્ષે છે. એટલે અહીંની મુલાકાત માત્ર શોપિંગ પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ દોહાના એક મહત્ત્વના સાંસ્કૃતિક સ્થળને માણવાનો અનુભવ બની જાય છે. થોડો વધુ શાહી અનુભવ કરવો હોય તો `અલ હજમ મોલ` (Al Hazm Mall) એક વિકલ્પ છે. વિશાળ માર્બલ ઇન્ટિરિયર, ભવ્ય આર્કેડ્સ, લક્ઝરી બુટિક્સ અને કૅફે સાથે અહીં યુરોપિયન સ્થાપત્યની અસર જોવા મળે છે. પ્રીમિયમ સર્વિસ અને પર્સનલ શોપિંગ જેવી સુવિધાઓને કારણે અહીં માત્ર વિન્ડો શોપિંગ કરતાં ફરવાનો અનુભવ પણ ખાસ બની શકે છે.
મોલથી આગળ: કતારનાં પરંપરાગત બજારોની સફર
કતારને ખરેખર નજીકથી ઓળખવું હોય તો તેના ચળકતા મોલ્સમાંથી બહાર નીકળીને જૂનાં બજારોની ગલીઓમાં ફરવું પણ જરૂરી છે.દોહાનું `સૌક વાકીફ` (Souq Waqif) એવું જ એક સ્થળ છે. અહીં કોઈ ચોક્કસ ખરીદીની યાદી લઈને જવા કરતાં ગલીઓમાં નિરાંતે ફરવાની પોતાની મજા છે. હસ્તકલા, કાપડ, એન્ટિક વસ્તુઓ, કાર્પેટ, લાકડાની ચીજવસ્તુઓ અને સ્થાનિક કલાકૃતિઓ વેચતી નાની-મોટી દુકાનો કતારની પરંપરાગત કારીગરીની ઝલક આપે છે.

અહીં પહોંચ્યા પછી અનુભવ માત્ર આંખો પૂરતો સીમિત રહેતો નથી. સ્પાઇસ માર્કેટમાં કેસર, જાતાર, સૂકાં ફૂલો અને કૉફી બીન્સની સુગંધ વાતાવરણમાં ભળી જાય છે. નજીકની અત્તરની દુકાનોમાં ઓદ, મસ્ક અને પરંપરાગત પરફ્યુમ ઓઇલ મળી રહે છે. પોતાની પસંદ પ્રમાણે ખાસ સુગંધ તૈયાર કરાવવાનો વિકલ્પ પણ અહીં મળે છે.
જ્વેલરીમાં રસ હોય તો `ગોલ્ડ સૌક` (Gold Souq)માં પરંપરાગતથી લઈને આધુનિક અને રોજિંદા ઉપયોગની જ્વેલરી મળી રહે છે. રંગબેરંગી કાપડ પસંદ હોય તો `સૌક અલ દેઇરા` (Souq Al Deira) તરફ જઈ શકાય. અહીં રંગીન ફેબ્રિક્સ ઉપરાંત ભારતીય સિલ્ક, એમ્બ્રોઇડરી અને કાશ્મીરી પશ્મીના પણ મળે છે. ખરીદી પછી દરિયાકિનારે શાંત સાંજ માણવી હોય તો `સૌક અલ વકરા` (Souq Al Wakrah) તરફ જઈ શકાય. `સૌક બાય ધ સી` તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પરંપરાગત દુકાનો અને કૅફે વોટરફ્રન્ટની સાથે આવેલા છે. એટલે બપોરની ખરીદી પછી અહીં દરિયાની નજીક નિરાંતે સાંજ પસાર કરી શકાય છે.
ખરીદીના બહાને કતારને જાણવાની તક
કતારમાં શોપિંગને ખાસ બનાવે છે તેની આ જ વિવિધતા. લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન્સ કતારનો આધુનિક ચહેરો બતાવે છે, જ્યારે જૂનાં સૌક તેની પરંપરા, કારીગરી અને ઇતિહાસની નજીક લઈ જાય છે. એટલે અહીં શોપિંગનો અનુભવ આખરે તમે શું ખરીદ્યું તેના કરતાં પણ રસ્તામાં શું જોયું, કયા સ્વાદ માણ્યા, કઈ સુગંધ અનુભવી અને કઈ નવી વાત જાણી તેની સાથે વધુ જોડાયેલો રહે છે. જો નજીકના ભવિષ્યમાં કતાર ફરવાનું આયોજન હોય તો એક દિવસ માત્ર શોપિંગ માટે રાખી શકાય. શક્ય છે કે પ્રવાસના અંતે ખરીદેલી વસ્તુઓ કરતાં તેને શોધતાં શોધતાં માણેલી કતારની કેટલીક યાદો જ તમારી સાથે વધુ લાંબો સમય રહે.
