જેમ-જેમ મૃત્યુ પામનારા લોકોનાં સગાંઓને ખબર પડતી ગઈ એમ તેમણે બેબાકળાં બનીને સિવિલ હૉસ્પિટલમાં દોટ મૂકી હતી
મનોચિકિત્સક ડૉ. નિશા પ્રજાપતિ, કાઉન્સેલર તરીકે કાર્યરત સ્ટાફ નર્સ સુરેખા રાવલ
અમદાવાદમાં બનેલી પ્લેન-ક્રૅશની ઘટનાએ સૌકોઈને હચમચાવી મૂક્યા છે. કઠણ હૃદયના માનવી પણ ઢીલા પડી ગયા છે ત્યારે જેમણે પોતાના સ્વજનોને આ ગોઝારી ઘટનામાં ગુમાવ્યા છે તેમના હૃદય પર વજ્રાઘાત જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાના સ્વજનની ડેડ-બૉડીની રાહ જોઈ રહેલાં સગાઓ માનસિક રીતે પડી ભાંગતાં હતાં. જીવ ગુમાવનારા પોતાના સ્વજનોના ચહેરા જોવાની જીદ કરતાં અને સતત રડતાં રહેલાં સગાંઓને સાંત્વન સાથે હૂંફ આપવાની કપરી કામગીરી અમદાવાદની સિવિલ હૉસ્પિટલના સ્ટાફે કરીને સારવારની સાથોસાથ માનવતાનાં મૂલ્યોને ઉજાગર કર્યાં હતાં.
પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ જેમ-જેમ મૃત્યુ પામનારા લોકોનાં સગાંઓને ખબર પડતી ગઈ એમ તેમણે બેબાકળાં બનીને સિવિલ હૉસ્પિટલમાં દોટ મૂકી હતી. ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) મૅચિંગ પ્રક્રિયા સિવાય ડેડ-બૉડી આપવી શક્ય ન હોવાથી આ સમય વિતાવવો સગાંઓ માટે વિકટ બની રહ્યો હતો. કોણ કોને છાંનુ રાખે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આવા કપરા અને નાજુક સમયે સિવિલ હૉસ્પિટલના સ્ટાફે તેમના પડખે ઊભા રહીને તેમનું દુઃખ હળવું કરવાની કોશિશ કરી હતી. ૧૦ મનોચિકિત્સકોની ટીમ સાથે નર્સ-સ્ટાફ અને પરામર્શકો સહિતના સ્ટાફે ૩૫૦થી વધુ પરિવારજનોનું કાઉન્સેલિંગ કરીને તેમને સધિયારો આપીને મન હળવું કરાવ્યું હતું.
ADVERTISEMENT
મનોચિકિત્સક ડૉ. નિશા પ્રજાપતિએ કહ્યું હતું કે ‘કસોટી ભવન ખાતે એક અંકલ તેમનાં DNA-સૅમ્પલ આપવા આવ્યા હતા. તેઓ એટલા દુખી હતા અને ભાંગી પડ્યા હતા કે તેમને સમજાવવા છતાં સતત રડતા હતા. સ્વજનને ગુમાવ્યાનું દુઃખ તેમને માટે અસહ્ય હતું. અમારી હેડને આ અંકલ વિશે વાત કરી હતી અને મોડી રાતે તેમને સમજાવી શક્યા હતા. એ પછી તેઓ શાંત થયા હતા. પાર્થિવ દેહ સ્વીકારતી વખતે પરિવારજનોની હિંમત તૂટી જાય છે અને તેઓ માનસિક રીતે પડી ભાંગે છે. અનેક વખત પરિવારજનો પોતાના સ્વજનોનો ચહેરો જોવાની જીદ કરે છે. જીવ ગુમાવનારા લોકોની અંતિમ યાદગીરીરૂપ તેમની ચીજવસ્તુઓ આપીએ ત્યારે પણ તેઓ અત્યંત ભાવુક થઈ જતા હતા. આવી પરિસ્થિતિમાં અમારે તેમને સતત હૂંફ અને સાંત્વન આપતા રહેવું પડ્યું હતું.’
મૃત્યુ પામનારા લોકોનાં DNA-મૅચિંગ થયા બાદ તેમના પાર્થિવ દેહ અને ચીજવસ્તુઓ સોંપવા અને દસ્તાવેજની પ્રક્રિયામાં તેમના સ્વજનને કોઈ મુશ્કેલી ન પડે એ માટે એક ટીમ રાખવામાં આવી છે. એ ટીમમાં કાઉન્સેલર તરીકે કાર્યરત સ્ટાફ-નર્સ સુરેખા રાવલે કહ્યું હતું, ‘અમે પહેલા દિવસથી જ આ કામગીરીમાં જોડાયેલાં છીએ. જીવ ગુમાવનારા લોકોના સ્વજનો સાથે રહીને તમામ પ્રક્રિયા પૂરી કરાવતાં હતાં અને એ દરમ્યાન તેમને માનસિક હિંમત આપતાં રહેતાં હતાં એને કારણે કેટલાક પરિવાર સાથે એ દિવસોમાં નજીક રહેવાનું થયું હતું જેથી ક્યાંક આત્મીયતા પણ કેળવાઈ ગઈ હતી. એક પરિવારે પુત્રી ગુમાવી હતી અને એ માટે હું કામ કરી રહી હતી ત્યારે એક આન્ટી લાગણીશીલ બની ગયાં હતાં. તેમણે મને કહ્યું હતું કે તમારો ચહેરો મારી દીકરી જેવો છે. એટલું કહીને તેઓ મને ભેટીને રડી પડ્યાં હતાં. મેં તેમને સાંત્વન આપ્યું હતું અને ધીરજથી કામ લઈને તેમના સ્વજનના નશ્વર અવશેષો આપીને તેમને વિદાય કર્યાં હતાં.’

