સોમવારે દાદાએ પહેરેલા એક કિલો સોનાથી બનેલા મુગટમાં બે મોટા પોપટની આકૃતિ અંકિત થઈ છે
હનુમાનદાદાને સિલ્વર ડાયમન્ડ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ગઈ કાલે કાળી ચૌદશ નિમિત્તે હનુમાનદાદાના વિશેષ પૂજનનો ભવ્ય ઉત્સવ ઊજવાયો હતો. હજારો ભક્તોએ ગઈ કાલે દાદાનાં દર્શન, અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો. સવારે શણગાર આરતી, બપોરે અભિષેક, છપ્પનભોગ અન્નકૂટ આરતી અને સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. એ પછી સાંજે ચાર વાગ્યે ચોપડા-પૂજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાદાએ પહેરેલા વાઘા વિશિષ્ટ હતા. રામનામની એમ્બ્રૉઇડરીથી તૈયાર થયેલા વાઘા અને સિંહાસનને ગુલાબનાં ફૂલોથી સજાવવામાં આવ્યાં હતાં.
હનુમાનદાદાનો રજવાડી મુગટ
ADVERTISEMENT
સોમવારે દાદાએ પહેરેલા એક કિલો સોનાથી બનેલા મુગટમાં બે મોટા પોપટની આકૃતિ અંકિત થઈ છે. બન્ને પોપટ પર હૅન્ડ પેઇન્ટેડ મીનાકારી કરવામાં આવી છે. એમાં ૩૫૦ કૅરૅટના લૅબગ્રોન ડાયમન્ડ્સનું જડતર કરવામાં આવ્યું છે. આ મુગટ ૧૮ કારીગરોએ ત્રણ મહિનાની મહેનતે તૈયાર કર્યો હતો. હીરાજડિત મુગટમાં ફૂલ, ઝાડ, કમળની ડિઝાઇન છે. આ મુગટ મુંબઈમાં બન્યો છે. ૨૦૨૩માં આ મુગટ હનુમાનદાદાને અર્પણ કરવામાં આવ્યા હતા.
રવિવારે હનુમાનદાદાને સિલ્વર ડાયમન્ડ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જે ૧૪ કિલો ચાંદીમાં ૧ લાખ ૮ હજારથી વધુ અમેરિકન ડાયમન્ડ લગાડીને બનાવવામાં આવ્યા હતા. એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કલકત્તામાં થઈ રહ્યું હતું.

