ગીર સહિત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ચાલી રહેલી સિંહોની વસ્તીગણતરીમાં પહેલી વાર જોડાયા ગામોના સરપંચો
સિંહોની વસ્તીગણતરી
ગુજરાતમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પોતાનો રહેણાક વિસ્તાર બનાવનાર એશિયાટિક લાયનની વસ્તીગણતરી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં કેટલા સિંહો છે એનો અંદાજ આજે જાહેર થઈ શકે છે જેમાં સિંહોની સંખ્યા વધવાની શક્યતા છે. છેલ્લે ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી. સિંહોની ચાલી રહેલી વસ્તીગણતરીમાં આ વખતે પહેલી વાર વીસથી વધુ ગામોના સરપંચો પણ જોડાયા છે.
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં વિહરી રહેલા સિંહોની ૨૦૨૫ની ૧૦ મેથી શરૂ થયેલી વસ્તીગણતરી આજે પૂરી થશે. ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં ૩૫,૦૦૦ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહોની વસ્તીગણતરી કરવામાં આવી રહી છે. સિંહોની વસ્તીગણતરી માટે સમગ્ર વિસ્તારને રીજન, ઝોન, સબ-ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓ સહિતના કર્મચારીઓ, નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO), સરપંચો ઉપરાંત સામાજિક સહભાગીતાથી સક્રિય નાગરિકોને પણ આ વસ્તીગણતરીમાં જોડવામાં આવ્યા છે. કુલ મળીને ૩૨૫૪ જેટલી વ્યક્તિઓ સિંહોની વસ્તીગણતરીમાં જોડાઈ છે. આજે સાસણ ખાતે આવેલા હાઇટેક મૉનિટરિંગ યુનિટમાં ડેટાનું સંકલન અને વિશ્લેષણ કરવામાં આવશે અને ત્યાર બાદ સિંહની વસ્તીગણતરીના આંકડા જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

