માત્ર પ્રતીકાત્મક પરિક્રમા કેટલાક સાધુ-સંતો કરશે : પરિક્રમાના રૂટનું સાધુ-સંતો અને અધિકારીઓએ નિરીક્ષણ કરીને કર્યો નિર્ણય
પરિક્રમાના રૂટનું સાધુ-સંતો અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.
સૌરાષ્ટ્રના યાત્રાધામ જૂનાગઢને અડીને આવેલા ગિરનાર પર્વતની લીલી પરિક્રમા બીજી નવેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતિને કારણે આ વર્ષે પરિક્રમા નહીં થઈ શકે, એને મોકૂફ રાખવામાં આવી છે. ગઈ કાલે પરિક્રમાના રૂટનું સાધુ-સંતો અને અધિકારીઓએ નિરીક્ષણ કરીને પદયાત્રીઓની સલામતીને લઈને આ નિર્ણય કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું હતું કે ‘કમોસમી વરસાદને કારણે લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પરિક્રમાના રૂટ પર કાદવ-કીચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ થયું છે. સીડીના ભાગમાં શેવાળ થવાથી લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે. જોકે લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે એ માટે સાધુ-સંતોને સાથે રાખીને પ્રતીકાત્મક રીતે પરિક્રમા કરવામાં આવશે.’


