લાંબા સમયની દુશ્મનાવટને કારણે બે ગ્રુપ વચ્ચે સામસામે પથ્થરમારો ૧૦ જણ ઘાયલ થયા, ૧૨૦ લોકો સામે ફરિયાદ નોંધાઈ
હિંસક ટોળાએ અનેક ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરોની તોડફોડ કરીને આગ ચાંપી હતી.
સાબરકાંઠા જિલ્લાના મજરા ગામે શુક્રવારે રાતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી હતી. અથડામણમાં બે જૂથોએ સામસામે પથ્થરબાજી કરી હતી અને અનેક વાહનોને આગ લગાડી દીધી હતી. ૧૦ ફોર-વ્હીલર અને ૨૦ ટૂ-વ્હીલર સહિત ૩૦ વાહનોને આ જૂથ-અથડામણમાં બાળી નાખવામાં આવ્યાં હતાં. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને હિંસાને શાંત પાડી હતી અને ૨૦ લોકોની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
મોડી રાતે ફાટી નીકળેલી હિંસાને પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને શાંત પાડી હતી.
આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે ‘શુક્રવારે મજરા ગામમાં રાતે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ હિંસાની ઘટના ઘટી હતી. લાંબા સમયથી આ બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ચાલતી આવી હોવાની જાણકારી અમને મળી છે, એ જ કારણે બન્ને જૂથો ફરી લડી પડ્યાં હતાં. આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને ૧૨૦ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.’

