ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૦૧.૦૮ ટકા વરસાદ પડ્યો : કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૫૮.૭૩ ટકા વરસાદ નોંધાયો
ફાઇલ તસવીર
વરસાદથી લથબથ થયેલા ગુજરાતમાં ગઈ કાલે વરસાદનું જોર ધીમું પડ્યું હતું. સૌથી વધુ વરસાદ કચ્છના માંડવી તાલુકામાં સવા ઇંચ જેટલો નોંધાયો હતો. બીજી તરફ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૦૧.૦૮ ટકા વરસાદ પડી ચૂક્યો છે.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૯૮ તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છમાં મેઘમહેર થઈ હોય એમ કચ્છના તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવી તાલુકામાં ૩૩, નખત્રાણામાં ૩૧, ભુજમાં ૨૩ અને અબડાસામાં ૨૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના પગલે નદી, નાળાં, ચેકડૅમ છલકાઈ ગયાં છે.
કચ્છ જિલ્લા ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સિવાય ગીર ગઢડા, જોડિયા, રાજુલા, મુંદ્રા, ગાંધીધામ, જેસર, ટંકારા, પારડી, ખેરગામ, સોજિત્રા, ખંભાત, વિજયનગર, બાલાસિનોર, પાલનપુર, ઇડર, હિંમતનગર, પોશીના સહિતના તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૦૧.૦૮ ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૮.૭૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૯.૬૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૯૫.૫૨ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૮.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૯૬.૧૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

